ચંદ્રગ્રહણ 2026 : ગ્રહણ વખતે મંદિરોના દરવાજા કેમ બંધ કરી દેવાય છે?

ઇમેજ સ્રોત, Twitter/TempleAmbaji
આજે વર્ષ 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે જે ભારતમાં પણ જોઈ શકાશે. તાજેતરમાં ફેબ્રુઆરીમાં વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આવ્યું હતું જે ભારતમાં જોઈ શકાયું ન હતું. હવે વધુ એક ખગોળીય ઘટના થવા જઈ રહી છે.
ભારતમાં આજના ચંદ્રગ્રહણને આખું નહીં જોઈ શકાય, પરંતુ તેનો માત્ર એક અંશ જોઈ શકાશે.
ચંદ્રગ્રહણને જોવા માટે કોઈ ખાસ સાવધાની રાખવાની જરૂર હોતી નથી અને તેને સંપૂર્ણપણે સુરક્ષિત માનવામાં આવે છે.
અગાઉ ચંદ્રગ્રહણ વખતે અંબાજી, પાવાગઢ, આશાપુરા માતાનો મઢ, બહુચરાજી, ચોટીલા, દ્વારકા, ડાકોર, સોમનાથમાં આવેલાં જાણીતાં મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા.
માન્યતા એવી પણ છે કે કેટલાક લોકો ચંદ્રગ્રહણ દરમિયાન ભોજન નથી લેતા તથા રાંધેલું ભોજન ફેંકી દે છે. જ્યારે અમુક લોકો આ ગાળા દરમિયાન ઘરની બહાર નથી નીકળતા.
આવું શા માટે થાય છે તથા આની પાછળશું તર્ક છે, તેના વિશે નિષ્ણાતોના અભિપ્રાય જાણો.
ગ્રહણ દરમિયાન મંદિર બંધ રાખવાનાં કારણ

ઇમેજ સ્રોત, FACEBOOK, KTR
હિંદુ ધર્મમાં માતાના ગર્ભને પવિત્ર માનવામાં આવે છે. કારણ કે આ સૃષ્ટિનું એ કેન્દ્ર ગણાય છે. ત્યાં એક નવા જીવનનો જન્મ થાય છે. તેની સારસંભાળ રાખવી એ મનુષ્યનું કર્તવ્ય છે.
એ જ રીતે હિંદુઓ માટે મંદિર ભગવાનનું સ્થાન છે. ઇશ્વરને આ સંસારના સર્જનહાર માનવામાં આવે છે. એવી લાગણી પણ છે કે ભગવાનનું કેન્દ્ર એટલે મંદિર, જેને માતાના ગર્ભની જેમ સંરક્ષિત કરવું જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પંચાગના વિદ્વાન ડૉ. સી. વી. સુબ્રમણ્યમનું કહેવું છે કે કે ગ્રહણ દરમિયાન વાતાવરણમાં અશુભ શક્તિઓ હોય છે. તેથી મંદિરો બંધ રાખવામાં આવે છે.
તેઓ કહે છે કે મંદિર બંધ હોવાનાં બીજાં પણ કારણો છે અને વૈદિક શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ મળી આવે છે.
દિવસ દરમિયાન સંધ્યા અને અગ્નિહોત્રની પૂજા કરવાની વાત કરે છે. કેટલાક પુજારીઓ મંદિરોમાં કામ કરે છે. ગ્રહણ દરમિયાન અગ્નિહોત્રની પૂજા ન કરી શકાય. તેથી ગ્રહણ દરમિયાન મંદિરો બંધ રાખવામાં આવે છે.
કેટલાંક આગમો અનુસાર, મંદિરમાં પણ અગ્નિહોત્ર કરી શકાય છે. પરંતુ આ અંગે વૈદિક સાહિત્યનો એક અલગ મત છે. તિરુપતિ જિલ્લામાં શ્રીકાલહસ્તી મંદિર ગ્રહણ દરમિયાન પણ ખુલ્લું રહે છે. આ મંદિરના પૂજારીઓનું કહેવું છે કે આ પ્રથા પ્રાચીનકાળથી ચાલતી આવે છે.
ડૉ. સનત પોપટ છેલ્લા લગભગ ત્રણેક દાયકાથી પંચાગ સર્જન સાથે સંકળાયેલા છે. તેમના કહેવા પ્રમાણે , "હિંદુ શાસ્ત્રો તથા જ્યોતિષમાં જાતકના મનને ચંદ્રની સાથે જોડવામાં આવે છે. શરીરમાં 75 ટકા ભાગ પાણી હોય છે. ચંદ્ર દરિયાની ભરતી-ઓટને જેમ અસર કરે છે, એવી જ રીતે તે શરીરના પાણી ઉપર તે અસર કરે છે. પૂર્વજો માનતા કે ગ્રહણની તેની ઉપર નકારાત્મક અસર થાય છે."
"એટલે જ રસોડું, મંદિર, ખોરાક કે જ્યાં શુદ્ધતા જાળવવાની જરૂર હોય, ત્યાં ગ્રહણ પાળવામાં આવતું. ખોરાક ન રાંધવો, મંદિર બંધ રાખવું, ઘરની બહાર ન નીકળવું, વગેરે આ માન્યતાના કારણે જ પાળવામાં આવે છે."
ગ્રહણ સમયે ઉપવાસ અંગેની માન્યતા

ઇમેજ સ્રોત, Getty Images
નહેરુ તારામંડળ ખાતે વરિષ્ઠ એંજિનિયર ઓપી ગુપ્તાએ કહ્યું કે ચંદ્રગ્રહણ દરમિયાન ભયભીત થવાની જરૂર નથી.
તેમણે કહ્યું, "ગ્રહણને કારણે આંખોને કોઈ નુકસાન નહીં થાય. તેનાથી ડરવાની કોઈ જરૂર નથી. આ ગાળા દરમિયાન ખાઈ-પી શકાય છે. ગ્રહણને કારણે અનાજ બગડી જાય છે, એવી વર્ષો જૂની માન્યતા છે, પરંતુ આવું કશું નથી થતું."
ઉલ્લેખનીય છે કે કેટલાક પરિવારો ગ્રહણ પહેલાં રાંધેલો ખોરાક ફેંકી દે છે. ઉપવાસ કરે છે તથા સમગ્ર વર્ષ માટે ભરેલાં અનાજમાં પવિત્ર ચીજવસ્તુઓ મૂકે છે, જેથી કરીને તેની ઉપર નકારાત્મક અસર ન થાય.
ફિઝિક્સના પ્રોફેસર ડૉ. મીના તલાટીએ અગાઉ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, "ગ્રહણ એ એક અવકાશ વિજ્ઞાનની ખગોળીય ઘટના છે. તેની પૃથ્વી પર સામાન્ય લોકોના શારીરિક-માનસિક લક્ષણો પર સીધી અસર માટેર્ક આપવામાં આવતા હોય છે.પરંતુ તેમાં કોઈ પુરવાર થયેલી થિયરી નથી."
ભોજન ન કરવા તથા બહાર ન નીકળવા પાછળનો તર્ક સમાજવતા ડૉ. મીના તલાટીએ જણાવ્યું હતું, "રહી વાત ગ્રહણ સમયે જમવું નહીં અને બહાર નહીં જવાની માન્યતાની, તો જૂના જમાનામાં કાચાં મકાનો રહેતાં અને વીજળી નહોતી. આથી ગ્રહણ સમયે અંધારું હોવાથી ઘરમાં બનાવેલા ખોરાક કે તેની સામગ્રીમાં કોઈ જંતુ ન પડી જાય એટલા માટે લોકો ખાતાં ન હતા."
ચંદ્રગ્રહણ શા માટે થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ ગ્રહણ પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ભ્રમણકક્ષા એક જ રેખામાં આવી જાય ત્યારે સર્જાય છે. તે તેમની ભ્રમણકક્ષાના કોણના કારણે રચાતી ખગોળીય ઘટના છે.
તેમાં એવું થાય છે કે ચંદ્ર પૃથ્વીની છાયામાંથી પસાર થાય છે અને તે સીધી એક જ રેખામાં આવી જાય છે.
ચંદ્રની ભ્રમણકક્ષા ઝૂકેલી હોવાથી તે દર મહિને પૃથ્વીની છાયામાંથી પસાર નથી થતો. આથી આવી ઘટના દર મહિને સર્જાતી નથી.
ઉપછાયા ચંદ્રગ્રહણમાં પૃથ્વીની કેન્દ્ર સપાટીની છાયા ચંદ્ર પર પડતી નથી. તેમજ ચંદ્રની અમુક સપાટી પર જ પૃથ્વીનો પડછાયો પડતો હોય છે.
ચંદ્રગ્રહણને નરી આંખે જોઈ શકાય છે, કારણ કે તેની રોશની બહુ તેજ નથી હોતી, પરંતુ જો તમારી પાસે ટેલિસ્કૉપ હોય, તો તેનો ઉપયોગ કરવો જોઈએ, તે મનમોહક દૃશ્ય ઊભું કરે છે.
જોકે, વિજ્ઞાનીઓ સૂર્યગ્રહણને નરી આંખે ન જોવાની ચેતવણી આપે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












