ગૌતમ બુદ્ધનાં અસ્થિઓ ગુજરાતમાંથી કેવી રીતે મળ્યાં અને તેને શ્રીલંકા મોકલવાનું કારણ શું?

ઇમેજ સ્રોત, HARDIK
- લેેખક, અપૂર્વ અમીન
- પદ, બીબીસી ગુજરાતી
- વાંચવાનો સમય: 7 મિનિટ
તાજેતરમાં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સચવાયેલાં ગૌતમ બુદ્ધનાં અસ્થિને પ્રદર્શન માટે 4થી 11 ફેબ્રુઆરી સુધી શ્રીલંકા મોકલાયાં છે.
આંતરરાષ્ટ્રીય પ્રદર્શન માટે લઈ જવાતાં આ અસ્થિને રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 3 ફેબ્રુઆરીએ અસ્થિપૂજન કરીને આદરપૂર્વક વિદાય આપી હતી.
ગુજરાત સરકારની પ્રેસનોટમાં જણાવ્યું છે કે આ પ્રોગ્રામનું નેતૃત્વ ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે એક ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ, વરિષ્ઠ સાધુઓ અને અધિકારીઓ કરશે.
આ અસ્થિ શ્રીલંકા કોલંબોના આદરણીય મનાતા ગંગારામાયા મંદિરમાં જાહેર પૂજા માટે મુકાશે.
ઉલ્લેખનીય છે કે આ આયોજન ભારતના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ઇમેજ સ્રોત, @Bhupendrapbjp
ભારત સમગ્ર વિશ્વમાં બુદ્ધની ધરતી તરીકે પણ ઓળખાય છે.
ત્યારે મહત્ત્વની વાત એ છે કે છેલ્લાં ઘણાં વર્ષોથી ગૌતમ બુદ્ધનાં અસ્થિઓ ગુજરાતની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સંગ્રહિત છે.
હવે જ્યારે આ અસ્થિ શ્રીલંકામાં પ્રદર્શન અર્થે મોકલાઈ રહ્યાં છે ત્યારે સમજીએ કે શ્રીલંકા સહિત વિશ્વભરમાં તેનું શું મહત્ત્વ છે? ઉપરાંત તેની શોધ ક્યારે થઈ અને કેવી રીતે આપણને ખ્યાલ આવે છે કે આ અસ્થિ બુદ્ધનાં જ છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સવાલોના જવાબ મેળવવા બીબીસી ગુજરાતીએ નિષ્ણાતો સાથે વાત કરી હતી અને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે શું ખરેખર આ અસ્થિ બુદ્ધનાં જ છે અને તે ગુજરાતમાં કેવી રીતે અને ક્યારે પહોંચ્યાં હતાં?
દેવનીમોરી ખાતેથી મળ્યાં બુદ્ધનાં અસ્થિ

ઇમેજ સ્રોત, Department of Archaeology and Ancient History, Faculty of Arts, M. S. University of Baroda
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લેખક આરએન મહેતા અને એસએન ચૌધરીનું પુસ્તક "ઍક્સકવેશન ઍટ દેવની મોરી", ગુજરાતના દેવનીમોરી ખાતેથી મળી આવેલાં ગૌતમ બુદ્ધનાં અસ્થિ અને તેના ઉત્ખનનો મહત્ત્વપૂર્ણ આધાર માનવામાં આવે છે.
તેમાં લખ્યું છે કે અસ્થિ અવશેષોની શોધ ગુજરાતના અવિભાજિત સાબરકાંઠાના દેવનીમોરીમાં ઉત્ખનન દરમિયાન મુખ્ય સ્તૂપના મધ્ય ભાગમાંથી એક શબપેટીમાંથી થઈ હતી.
આ શોધ 14મી માર્ચ, 1963ના રોજ થઈ હતી. સ્તૂપના પેટાળમાં સુરક્ષિત રીતે રાખવામાં આવેલી આ પેટીમાં સોનાના વરખ સાથે અસ્થિ-અવશેષો મળી આવ્યાં હતાં.
મળી આવેલી આ પેટી પથ્થરની હતી, તેની અંદર તાંબાના વાસણમાં પવિત્ર અવશેષો મૂકવામાં આવ્યા હતા.
વડોદરાસ્થિત એમએસ યુનિવર્સિટીના પુરાતત્ત્વ અને પ્રાચીન ઇતિહાસ વિભાગનાં અધ્યક્ષ પ્રો. સુસ્મિતા સેન બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે "1960માં મેશ્વો નદી પર ડૅમ બનાવવાનો હતો. તેના ખોદકામ દરમિયાન ઉત્ખનન કરતાં માટીથી ઢંકાયેલી પેટી મળી હતી. તે બાબતે સરકારે એમએસ યુનિવર્સિટીના પુરાતત્ત્વ વિભાગને જાણ કરી. ત્યારે સ્થળ પર પહોંચીને એમએસ યુનિવર્સિટીના પ્રો. આરએમ મહેતા અને એસએન ચૌધરીએ ઉત્ખનન કર્યું, તે દરમિયાન મહત્ત્વના અવશેષો મળી આવ્યા હતા."

ઇમેજ સ્રોત, Bhupendra Patel fb
સુસ્મિતા સેન કહે છે, "તેમાં ટેરાકોટાની ઘણી વસ્તુઓ મળી આવી હતી, જેમાં ટેરાકોટાની ઈંટો અને મૂર્તિઓ પણ સમાવિષ્ટ હતી. તેમાંથી એક પથ્થરની પેટી મળી હતી."
તેઓ કહે છે, એ પેટી અરવલ્લીના પથ્થરમાંથી બનેલી હતી. તેમાં એક તાંબાની ડબ્બી હતી. જેમાં રાખ અને માટી સહિત અસ્થિઓ હતાં જે સિલ્કનાં કપડાંમાં લપેટાયેલાં હતાં.
પ્રો. સુસ્મિતા સેન કહે છે, "સિલ્ક ઝડપથી ખરાબ થવાની શક્યતા હોય છે, તેથી તેમાં કેમિકલ નાખીને અસ્થિ હવાચુસ્ત કાચની પેટીમાં સાચવીને મુકાયાં હતાં."
પણ હવે સવાલ એ થાય છે કે કેવી રીતે શોધવામાં આવ્યું કે આ અવશેષ બુદ્ધનાં અસ્થિ જ છે?
કેવી રીતે સાબિત થયું કે આ અસ્થિ બુદ્ધનાં છે?

ઇમેજ સ્રોત, HARDIK
પુસ્તક 'ઍક્સકવેશન ઍટ દેવનીમોરી' માં આ અસ્થિ બુદ્ધનાં જ છે તે સાબિત કરવા માટે બે મુખ્ય પુરાવા રજૂ કરાયા છે.
આ પથ્થરની પેટી પર બ્રાહ્મી લિપિમાં એક મહત્ત્વનો શિલાલેખ કોતરેલો હતો. જે આ વાતનો લેખિત પુરાવો બન્યો. આ લેખમાં સ્પષ્ટપણે "દશબલ શરીર નિલય" લખાયું છે. 'દશબલ' એ ગૌતમ બુદ્ધનું વિશેષણ છે.
અને બીજો પુરાવો પુરાતત્ત્વીય છે. જેમાં સ્તૂપની રચના, તેની સાથે જોડાયેલાં વિહાર અન્ય બૌદ્ધ પ્રતીકો હતાં, જે વાતને દૃઢ કરે છે કે આ એક અત્યંત મહત્ત્વનો 'મહાસ્તૂપ' હતો.
પ્રો. સુસ્મિતા સેન જણાવે છે જે પેટી મળી હતી એ ગોળાકાર હતી, તેમાં લિપિ દેખાઈ, તેને સાફ કરતાં માલૂમ પડ્યું કે તે બ્રાહ્મી લિપિ હતી. તેમાં લખાયું હતું "દશબલ શરીર નિલય".
દશબલ શરીર નિલયનો અર્થ થાય છે - 'બુદ્ધના શારીરિક અવશેષોનું નિવાસસ્થાન'.
"તે પછી અમે અત્યંત સાવચેતીથી આ અસ્થિઓ લઈને અમારી યુનિવર્સિટીમાં સાચવીને રાખ્યાં.
આમ, 2010માં જ્યારે એમએસ યુનિવર્સિટીમાં એક કૉન્ફરન્સ થઈ જેમાં દલાઈ લામા અને તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ પણ હતા. આ કૉન્ફરન્સમાં આ અસ્થિ બુદ્ધનાં હોવાનું પ્રચલિત થયું હતું."
દેવનીમોરીમાં આ સ્તૂપ કોણે બનાવ્યો?

ઇમેજ સ્રોત, HARDIK
આ અસ્થિઓનો ઇતિહાસ આપણને 2500 વર્ષ પહેલાંના ક્ષત્રપ કાળ સુધી લઈ જાય છે.
રાષ્ટ્રસંત તુકાડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીના પાલી-પ્રાકૃત વિભાગના વડા અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. નીરજ બોધિ બીબીસી ગુજરાતીને જણાવે છે કે ગુજરાતમાં બૌદ્ધ વારસો પ્રાચીન સમયથી સમૃદ્ધ છે. જોકે, તેનો સૌથી વધુ વિકાસ સમ્રાટ અશોકના સમયમાં જોવા મળે છે. ત્યારે મોટી સંખ્યામાં વિહારો પણ નિર્માણ થયા છે.
પ્રો. સુસ્મિતા સેન જણાવે છે અહીં મહાસેના દ્વારા એક વિહાર બનાવાયો હતો. તેમના બે શિષ્યો અગ્નિવર્મન અને સુદર્શન દ્વારા પણ સ્તૂપ બનાવાયો હતો.
તેઓ કહે છે કે તે સ્તૂપ વેપાર રસ્તાઓ પર બનાવવામાં આવ્યો હતો, ઉપરાંત સેંકડો નાના અનેક સ્તૂપો અને વિહાર મળી આવ્યા હતા.
તેમનું કહેવું છે, "ગુજરાતનું વડનગર પ્રાચીન ઇતિહાસમાં મોટું વેપાર કેન્દ્ર હતું. તેમાં નાનું કેન્દ્ર શામળાજી પણ હતું. અને દેવનીમોરી તેની ખૂબ નજીક છે. ત્યારે વેપારીઓ ઉત્તર પશ્ચિમ દિશાએથી (હાલના પાકિસ્તાન તરફથી) વેપાર અર્થે આવતા હતા.
"તેથી આ જગ્યા રસ્તામાં હોવાથી લોકો અહીં વિશ્રામ માટે રોકાતા પણ હતા."
પુસ્તક 'ઍક્સકવેશન ઍટ દેવનીમોરી" માં લખાયું છે, બૌદ્ધ પરંપરા મુજબ, ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ પછી તેમના અવશેષોને જુદા જુદા ભાગોમાં વહેંચવામાં આવ્યા હતા, જેમાંથી એક ભાગ અહીંના ભિક્ષુઓ દ્વારા પવિત્ર સ્થાપના અર્થે લાવવામાં આવ્યો હોવાનું મનાય છે.
ડૉ. નીરજનું કહેવું છે કે દેવનીમોરી પાસેથી પસાર થતી મેશ્વો નદી થકી તે વખતે વેપાર ચાલતો હતો અને તે કારણે પણ વેપારી લોકો અહીં આવતા હતા. તેથી અહીં સ્તૂપવિહાર પણ છે. તેથી અસ્થિઓ અહીં લાવવામાં આવ્યાં હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, તે વખતે ઉત્તર પશ્ચિમમાં અઢળક સ્તૂપો હતા.
તેમજ ગૌતમ બુદ્ધનાં અસ્થિ ફક્ત ગુજરાતમાં જ નહીં, પણ સમગ્ર ભારતમાં જોવા મળે છે.
બુદ્ધનાં અસ્થિનું શું છે રહસ્ય?

ઇમેજ સ્રોત, HARDIK
પુણેના ડિપાર્ટમેન્ટ ઑફ એન્શિયન્ટ ઇન્ડિયન હિસ્ટ્રી, કલ્ચર ઍન્ડ આર્કિયૉલૉજી, ડેક્કન કૉલેજ પોસ્ટ ગ્રૅજ્યુએટ ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. શ્રીકાંત ગણવીર સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.
પ્રોફેસર શ્રીકાંત ગણવીર જણાવે છે, "ગૌતમ બુદ્ધના મહાપરિનિર્વાણ પછી અસ્થિઓ આઠ ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યાં. એ વખતે તે આઠ અસ્થિઓને લઈને નિર્વાણ સ્તૂપોનું નિર્માણ કરાયું હતું."
ગૌતમ બુદ્ધનાં અસ્થિ વિશે શ્રીલંકાની બૌદ્ધ પરંપરાના મહત્ત્વપૂર્ણ ગ્રંથ મહવંશમાં પ્રમાણે, સમ્રાટ અશોકે ગૌતમ બુદ્ધનાં અસ્થિ આઠ સ્તૂપોમાંથી કાઢીને ચંદનનાં લાકડા પ્રસ્થાપિત કરીને 84 હજાર ભાગમાં વહેંચીને 84 હજાર સ્તૂપોનું નિર્માણ કરાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સમ્રાટ અશોકનો ધ્યેય ગૌતમ બુદ્ધનાં અસ્થિઓને અલગ-અલગ સ્થળોએ પ્રસ્થાપિત કરાવવાનો હતો.
આ વાત સાબિત કરે છે કે ઘણા બુદ્ધ અસ્થિ ધરાવતા સ્તૂપોનું નિર્માણ અશોકે કરાવ્યું હતું.
ડૉ. શ્રીકાંત કહે છે, "એક અનુમાન એવું કહે છે, સમ્રાટ અશોક દ્વારા મોકલાયેલાં અસ્થિઓમાંથી એક સ્તૂપ આ દેવનીમોરીનો પણ હોઈ શકે છે અને એ પછી અગ્નિવર્મન અને સુદર્શન દ્વારા આ ભવ્ય સ્તૂપનું નિર્માણ કરાવ્યું હતું."
માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતમાં અનેક જગ્યાએથી બુદ્ધનાં અસ્થિ મળી આવ્યાં છે, જે હાલ અનેક જગ્યાએ પ્રદર્શન અર્થે મૂકવામાં આવ્યાં છે.
પ્રોફેસર શ્રીકાંત ગણવીર જણાવે છે, "ઉત્ખનનમાં બિહારના વૈશાલી, ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં આવેલા પીપરવાથી ગૌતમ બુદ્ધનાં અસ્થિ મળી આવ્યાં છે."
"ઉપરાંત અલાહાબાદ, નાગાર્જુન કોંડા ઉપરાંત ગુજરાતની દેવનીમોરીથી જેવાં સ્થળોએ પણ ગૌતમ બુદ્ધનાં અસ્થિઓ મળી આવ્યાં છે."
ગુજરાતમાંથી શ્રીલંકામાં મોકલવામાં આવેલાં અસ્થિઓનું આંતરરાષ્ટ્રીય મહત્ત્વ

ઇમેજ સ્રોત, HARDIK
ગુજરાતમાંથી મળી આવેલાં બુદ્ધ અસ્થિનું આંતરરાષ્ટ્રીય મહત્ત્વ છે.
આ અગે એમએસ યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરી રહેલા હંગરીના સ્કૉલર વિદ્યાર્થી બેન્સ ફસ્ટોસ જણાવે છે કે, " ભગવાન બુદ્ધનાં અસ્થિઓ જે પ્રદર્શન અર્થે શ્રીલંકા મોકલાયાં છે, તે કાર્યક્રમ વૈશ્વિક સ્તરે ખૂબ મહત્ત્વપૂર્ણ છે, સમગ્ર વિશ્વમાં ભગવાન બુદ્ધનાં અસ્થિનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે."
બેન્સ ફસ્ટોસ આગળ કહે છે તેમના માટે બુદ્ધનાં અસ્થિઓને જોવાં એ પણ ગૌરવવંતી ક્ષણ છે.
બીબીસી સિંહાલીએ શ્રીલંકાના બુદ્ધિસ્ટ બાબતોના કમિશનર આરએમજી સેનારથને સાથે પણ વાત કરી હતી.
આરએમજી સેનારથને જણાવે છે કે, "અમારા દેશમાં મોટા ભાગના લોકો બૌદ્ધ છે. બૌદ્ધો તેમની પૂજામાં ભગવાન બુદ્ધના અવશેષોને સર્વોચ્ચ સ્થાન આપે છે."
ઉદાહરણ આપતાં તેઓ કહે છે, "બુદ્ધના અવશેષો શ્રીલંકાના કેન્ડીમાં શ્રીદલાડા માલિગાવા તેમજ અનુરાધાપુરામાં રૂવાનવેલી મહાસેયા જેવાં સ્થળોએ સ્થાપિત કરવામાં આવ્યાં છે."
"ભારતથી આવી રહેલાં ભગવાન બુદ્ધનાં અસ્થિ શ્રીલંકાના બૌદ્ધ લોકો માટે પવિત્ર અને મહત્ત્વપૂર્ણ તો છે જ ઉપરાંત આ અસ્થિઓને પ્રત્યક્ષ રીતે જોવાં એ અહીંના લોકો માટે એક લહાવો છે."
તેઓ ઉમેરે છે, "શ્રીલંકામાં ત્રાટકેલા ચક્રવાત દિત્વાથી અહીં લોકો આઘાતમાં હતા, ત્યારે આવા સમયે, આ પ્રકારનું પ્રદર્શન યોજવાથી સામાન્ય લોકોના જીવનમાં પ્રેરણા સાથે આત્મવિશ્વાસ અને આશાઓ વધશે."
આમ તેમની વાતચીતથી ખ્યાલ આવે છે કે બુદ્ધનાં અસ્થિઓનું શ્રીલંકામાં અનોખું મહત્ત્વ છે.
3 માર્ચે અસ્થિ વિદાય સમારંભમાં એમએસ યુનિવર્સિટીની આર્ટસ ફૅકલ્ટીનાં ડીન કલ્પના ગવલીએ પત્રકારોને સંબોધતાં વિદાયના દિવસને યુનિવર્સિટી માટે 'ગૌરવવંતો દિવસ' ગણાવાયા હતો.
અસ્થિઓ શ્રીલંકા મોકલવામાં આવ્યાં, એ અંગે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંસ્થા 'ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ'ના ધમ્મચારી આનંદ શાક્ય બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, "ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા અને શ્રીલંકાના સહયોગથી બુદ્ધ અસ્થિઓ કોલંબોમાં પ્રદર્શન માટે મોકલાયા તે સમગ્ર ગુજરાત માટે આનંદની વાત છે."
તેમણે વધુમાં કહ્યું કે આ અસ્થિઓનું દેવનીમોરીમાં પુનર્વસન માટેનું કામ થવું જોઈએ, તે હજુ સુધી નથી થયું.
તેઓ માને છે કે "આ અસ્થિઓ જગતમાં શાંતિના સંદેશનું કેન્દ્ર ગણી શકાય, તેનું મૂલ્ય ઊંચું છે, તેથી તેનું રક્ષણ અને વંદના થવાં જોઈએ, તે ભારતના લોકો માટે ગૌરવ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












