કબડ્ડી છોડી 12 પાસ ખેડૂતે અનોખી ખેતી કરી, લાખો રળે અને ખેતમજૂરો પણ હજારોમાં કમાય

અમનિન્દરે ઈજાને કારણે કબડ્ડી છોડવી પડી

ઇમેજ સ્રોત, Kulvir Singh/BBC

ઇમેજ કૅપ્શન, અમનિન્દરે ઈજાને કારણે કબડ્ડી છોડવી પડી
    • લેેખક, કુલવીર સિંહ
    • પદ, બીબીસી એસોસિએટ્સ
  • વાંચવાનો સમય: 4 મિનિટ

પંજાબના યુવાનોમાં વિદેશ જવાનું ચલણ વધી રહ્યું છે, ત્યારે સંગરૂર જિલ્લાના રાયધરાના ગામના અમનિન્દર સિંહે પોતાના ખેતરને જ પોતાની ઓળખ બનાવી દીધી છે. કબડ્ડીના ખેલાડીમાંથી ખેડૂત બનેલા અમનિન્દર સિંહ આજે એક એકર જમીનમાંથી દર વર્ષે લાખો રૂપિયા રળતા હોવાનો દાવો કરે છે.

બીબીસી સાથે વાત કરતાં અમનિન્દર સિંહ કહે છે, "2013 પહેલાં હું કબડ્ડીનો ખેલાડી હતો, પણ ગંભીર ઈજા થવાને કારણે મારે રમત છોડવી પડી. તે પછી મેં મારા વતનની ધરતી પર ખેતીને જ મારું ભવિષ્ય બનાવ્યું."

તેઓ કહે છે કે, શરૂઆતમાં ખાનગી કંપની સાથેના કરાર હેઠળ ફૂલોનાં બીજ ઉત્પાદનનો અનુભવ એટલો સફળ રહ્યો નહોતો. બજાર વિશે સંપૂર્ણ જાણકારી ન હોવાને કારણે તેમણે ફૂલોની ખેતી કરવાનો પ્રયત્ન પડતો મૂક્યો હતો. વર્ષ 2018માં અમનિન્દરની ખેતીમાં મહત્ત્વનો વળાંક આવ્યો અને તેમણે પાકના રોપા તૈયાર કરવાનું શરૂ કર્યું.

તેઓ જણાવે છે, "મેં ડુંગળીના રોપા તૈયાર કરવાનું શરૂ કર્યું હતું, પણ ખેડૂતોની માંગ જોઈને ધીમે-ધીમે મેં અન્ય પાકોના રોપા પણ તૈયાર કરવા માંડ્યા."

નર્સરીથી માંડીને પ્રોસેસિંગ સુધીની આદર્શ કૃષિ પદ્ધતિ

અમનિન્દર સિંહ તેમની 24 એકર વંશપરંપરાગત જમીન પર હળદર, સ્ટ્રોબેરી, લસણ, ડુંગળી અને શાકભાજીનાં રોપાં વાવી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Kulvir Singh/BBC

ઇમેજ કૅપ્શન, અમનિન્દર સિંહ તેમની 24 એકર વંશપરંપરાગત જમીન પર હળદર, સ્ટ્રોબેરી, લસણ, ડુંગળી અને શાકભાજીના રોપા વાવી રહ્યા છે.

આજે તેઓ પોતાના ખેતરમાં જ એક સુંદર 'નર્સરી આઉટલેટ' ચલાવે છે, જ્યાં ખેડૂતો સ્વયં આવીને રોપા, બીજની કિટ તથા ખેતીને લગતી અન્ય સામગ્રી ખરીદી જાય છે. અમનિન્દર સિંહનું કહેવું છે કે તેમણે પોતાનું ખેતર એવી રીતે તૈયાર કર્યું છે કે ખેડૂતોને બજારમાં જવાની જરૂર જ પડતી નથી.

તેઓ જણાવે છે કે તેમણે 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, પણ ખેતી વિશેનું તકનીકી જ્ઞાન મેળવવા માટે તેમણે લુધિયાણાની પંજાબ કૃષિ યુનિવર્સિટી તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેરીમાંથી તાલીમ મેળવવાનું ચાલુ રાખ્યું હતું. તેમના મતે, "આ પ્રકારની ખેતી માટે કોઈ મોટી ડિગ્રીની જરૂર પડતી નથી, બલ્કે તેમાં યોગ્ય તાલીમ અને અનુભવની જરૂર હોય છે."

હાલમાં અમનિન્દર સિંહ તેમની 24 એકરની વંશપરંપરાગત જમીન પર હળદર, લસણ, ડુંગળી અને અન્ય શાકભાજીના રોપા વાવે છે. તેઓ લગભગ બે એકરમાં હળદર વાવે છે તથા ખેતર પર જ તેનું પ્રોસેસિંગ અને વેચાણ કરે છે. તેઓ કહે છે, "હળદરનાં બીજની પણ બજારમાં ભારે માંગ રહે છે."

ખેડૂતો સ્વયં આવીને રોપાં, બીજની કિટ્સ અને અન્ય ખેતીકીય સામગ્રી ખરીદી જાય છે.

ઇમેજ સ્રોત, Kulvir Singh/BBC

ઇમેજ કૅપ્શન, ખેડૂતો સ્વયં આવીને રોપાં, બીજની કિટ્સ અને અન્ય ખેતીકીય સામગ્રી ખરીદી જાય છે.

પોતાની આવક વિશે વાત કરતાં તેઓ કહે છે, "પાકના ભાવ બજાર મુજબ હોય છે, પણ હું મારા પોતાના પાકનું પ્રોસેસિંગ કરું છું અને ગ્રાહકોને સીધું વેચાણ કરું છું, જેના કારણે નફો વધી જાય છે."

આ સિવાય તેઓ ઉમેરે છે કે, "દર વખતે નફો થાય એ જરૂરી નથી, કેટલીક વાર બજારની સ્થિતિ મુજબ ખોટ પણ જાય છે." તેમનો દાવો છે કે, હવામાન તથા બજારના આધારે તેઓ તમામ ખર્ચ બાદ કરતાં પ્રત્યેક એકરદીઠ વર્ષે અઢી લાખ રૂપિયા સુધીનો નફો મેળવી લે છે.

જાપાન, સ્વીડન, ઑસ્ટ્રેલિયા અને હોલૅન્ડ જેવા દેશોની ટીમો અમનિન્દર સિંહના ખેતરનો સર્વે કરી ચૂકી છે. અમનિન્દર સિંહ કહે છે, "પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણાની મુલાકાતે આવેલી વિદેશી ટીમો યુનિવર્સિટીની વિનંતીથી મારા ખેતરની મુલાકાત લે છે."

આ ઉપરાંત પાણીની બચત થાય તે હેતુથી તેમણે ખેતરમાં એક તળાવ બનાવ્યું છે, જે કેનાલના પાણીનો સંચય કરીને ભૂગર્ભ જળની બચત કરે છે.

રોજગાર, ઓળખ તથા ભવિષ્ય અંગે વિચારણા

મનપ્રીતકોર ત્યાં કામ કરે છે.

ઇમેજ સ્રોત, Kulvir Singh/BBC

ઇમેજ કૅપ્શન, મનપ્રીતકોર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેઓ જણાવે છે કે હાલમાં ડુંગળી અને કોબીજના રોપા તેઓ સ્વયં તૈયાર કરે છે, જ્યારે અન્ય પાકનું બિયારણ વિવિધ કંપનીઓમાંથી લાવીને રોપા અને કિટના સ્વરૂપમાં વેચે છે. એટલું જ નહીં, આ ખેતર રોજગારીની તકો પણ પૂરી પાડી રહ્યું છે. વર્તમાન સમયમાં આ ખેતરમાં 30થી 35 મહિલાઓ કામ કરી રહી છે, જ્યારે સીઝન દરમિયાન આ સંખ્યા 80 સુધી પહોંચી જાય છે.

અમનિન્દર સિંહ કહે છે કે અહીં 10થી 12 કાયમી શ્રમિકો છે, જેઓ આખું વર્ષ કામ કરે છે. ખેતરમાં કામ કરનારાં મનપ્રીતકોર જણાવે છે, "મને મહિનામાં આશરે 20 દિવસ કામ મળે છે, જેમાંથી હું લગભગ 9,000 રૂપિયા કમાઉં છું."

ગામમાં રહેતા સોહના સિંહ પોતાના ટ્રેક્ટર સાથે ભાડેથી ખેતી કરે છે અને તેમનો દાવો છે કે આખું વર્ષ અમનિન્દરના ખેતરમાં કામ કરીને તેઓ વર્ષે બે લાખ રૂપિયા જેટલી કમાણી કરી લે છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેરીના ઍસોસિએટ ડિરેક્ટર ડૉ. મનદીપ સિંહ કહે છે, "અમનિન્દર સિંહ એક પ્રગતિશીલ યુવાન ખેડૂત છે. તેઓ પંજાબ કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલી દરેક નવી ટેક્નૉલૉજી અપનાવે છે. અત્યારે નર્સરી પણ ઊંચો નફો રળી આપતો વ્યવસાય છે." તેમની અથાગ મહેનતના પરિણામે તેઓ વિસ્તારના યુવાનો માટે માર્ગદર્શક બન્યા છે.

અમનિન્દર સિંહ કહે છે, "ગ્રાહકોને ખેતર સુધી ખેંચી લાવવામાં સોશિયલ મીડિયા સૌથી મોટી ભૂમિકા ભજવે છે. આજના ખેડૂતો માટે તેનો ઉચિત ઉપયોગ ખૂબ અગત્યનો છે."

ભવિષ્ય વિશે વાત કરતાં તેઓ કહે છે, "હું ઈચ્છું છું કે મારો પુત્ર પણ આ જ વ્યવસાય અપનાવે અને વિદેશ જવાને બદલે પોતાના ખેતરમાં જ નવાં સાહસો ખેડે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન.