ભારત પાકિસ્તાન મૅચ તથા અભિષેક શર્મા વિશે સૌરવ ગાંગુલીએ શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ટી20 વર્લ્ડકપ, ભારત પાકિસ્તાન મેચ, સૌરવ ગાંગુલી અભિષેક શર્મા, બીબૂીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Shubhajit Roy Karmakar/NurPhoto via Getty

વાંચવાનો સમય: 6 મિનિટ

રવિવારે સાંજે સાત વાગ્યે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડકપમાં ટક્કર થશે. એ પહેલાં ભારતીય ટીમના પૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ મૅચ તથા બૅટ્સમૅન અભિષેક શર્મા વિશે ટિપ્પણી કરી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું, "મૅચ હાઇવોલ્ટેજ હોવી જોઈએ. છેલ્લા ઘણાં વર્ષોથી આવું નથી થયું. સારી મૅચ રમાવી જોઈએ."

સૌરવ ગાંગુલીએ કહ્યું, "ભારતની ટીમ ખૂબ જ સારી છે, ખૂબ મજબૂત છે, આશા રાખીએ કે માત્ર પાકિસ્તાન સામે જ નહીં, પરંતુ સમગ્ર વર્લ્ડકપ દરમિયાન સારી રીતે રમે."

એક તબક્કે ભારત સામેની મૅચ નહીં રમવાના પાકિસ્તાનના નિર્ણય અંગે પણ સૌરવ ગાંગુલીએ ટિપ્પણી કરી હતી.

તેમણે કહ્યું, "તેમનો નિર્ણય ખોટો હતો. ક્રિકેટ રમવું જોઈએ. તમે વર્લ્ડકપને કેવી રીતે મિસ કરી શકો? પણ સારું થયું, તેઓ રમી રહ્યા છે. તેમના માટે પણ સારું છે, કારણ કે વર્લ્ડકપમાં પૉઇન્ટ ગુમાવવા યોગ્ય નથી."

ભારતીય ટીમના પૂર્વ કૅપ્ટને આશા વ્યક્ત કરી હતી કે આ મૅચ હાઇસ્કોરિંગ બની રહેશે.

અભિષેક શર્મા વિશે તેમણે કહ્યું, "અભિષેક શર્મા ફિટ છે, તે ભારત માટે ખૂબ જ સારા સામાચાર છે. ઇશાન કિશન, અભિષેક શર્મા, પંડ્યા, દુબે બધા છગ્ગા મારે છે."

એસ. જયશંકરે રશિયન ઑઇલની ખરીદી અને ભારતની વ્યૂહાત્મક સ્વાયતતા વિશે શું કહ્યું?

એસ જયશંકર, મ્યૂનિચ સિક્યોરિટી કોન્ફરન્સ, ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારત, ભારત અમેરિકા ટ્રેડ ડીલ વેપારકરાર, ભારત દ્વારા રશિયન ઑઇલની ખરીદી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, RAMIL SITDIKOV/POOL/AFP via Getty

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર મ્યૂનિચ સિક્યૉરિટી કાઉન્સિલમાં ભાગ લેવા માટે જર્મની ગયા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જ્યા તેમને પૂછવામાં આવ્યું હતું કે 'તાજેતરમાં અમેરિકા અને ભારતની વચ્ચે વેપારકરાર થયા, જેના વિશે એવું કહેવાય છે કે રશિયન ઑઇલ નહીં ખરીદવા માટે ભારતને મજબૂર કરવામાં આવ્યું છે. તેનાથી તમારી વ્યૂહાત્મક સ્વાયતતા ઉપર અસર નથી થઈ રહી?'

એસ. જયશંકરે તેના જવાબમાં કહ્યું, "મને લાગે છે કે અમે અમારી વ્યૂહાત્મક સ્વાયતતા પ્રત્યે પૂર્ણપણે કટિબદ્ધ છીએ, કારણ કે તે અમારા ઇતિહાસ તથા અમારી વિકાસપ્રક્રિયાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે."

તેમણે કહ્યું, "જ્યાં સુધી ઊર્જા (તેલ) સંબંધિત મુદ્દાની વાત છે, તો આજના યુગમાં બજાર ખૂબ જ જટિલ છે. જેવું યુરોપ તથા વિશ્વના અન્ય ભાગોમાં છે. ભારતની ઑઇલ કંપનીઓ ઉપલબ્ધતા જુએ છે, પડતરકિંમત જુએ છે, જોખમને પારખે છે અને પછી તેઓ સૌથી વધુ પોતાના હિતમાં હોય એવો નિર્ણય લે છે."

ભારતના વિદેશ મંત્રીએ વિશ્વના બદલાતાં જતાં પરિદૃશ્ય વિશે વાત કરી અને કહ્યું કે બધા પોતાની રીતે આકલન કરી રહ્યા છે.

એસ. જયશંકરે કહ્યું, "આપણે બધી વાતે સહમત હોઈએ તે જરૂરી નથી, પરંતુ મારું માનવું છે કે જો આપણે પરસ્પરના હિત તથા સમાનતાઓ શોધવાની ઇચ્છા રાખીએ, તો તે શક્ય છે."

એસ. જયશંકરનું કહેવું છે, "જો તમારો સવાલ છે કે શું હું મારી સ્વતંત્ર વિચારસરણી જાળવી રાખીશ અને મારા નિર્ણય જાતે લઈશ? શું હું એવા વિકલ્પો પસંદ કરીશ, જે ક્યારેક તમારા વિચાર અથવા અન્ય કોઈના વિચાર સાથે મેળ ન ખાતા હોય, તો હા, એવું થઈ શકે છે."

તાજેતરમાં ભારત-અમેરિકાએ વેપારકરાર માટેના ફ્રૅમવર્ક ઉપર સહમતિ દાખવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ભારતે રશિયન ઑઇલ નહીં ખરીદવા માટે સહમતિ આપી છે. જ્યારે ભારતે આના વિશે હજુ સુધી સ્પષ્ટપણે કોઈ નિવેદન નથી આપ્યું. બીજી બાજુ, ભારતનું કહેવું છે કે એ પોતાનાં હિતોને ધ્યાને રાખીને બધા નિર્ણય લે છે.

શેખ હસીનાના દીકરાએ તેમનાં માતાના ભારતમાંથી પ્રત્યાર્પણ વિશે શું કહ્યું?

શેખ હસીના, ભારતમાં આશ્રય, બાંગ્લાદેશને પ્રત્યાર્પણ, સજીબ વાજિદ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસીના ન્યૂઝઆવર કાર્યક્રમ દરમિયાન સજીબ વાજિદે બાંગ્લાદેશ સંબંધે અનેક સવાલના જવાબ આપ્યા હતા

બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન તથા અવામી લીગના નેતા શેખ હસીનાના દીકરા સજીબ વાજિદે બીબીસીના 'ન્યૂઝઆવર' કાર્યક્રમમાં પોતાનાં માતાના બાંગ્લાદેશ પરત ફરવા, તાજેતરમાં યોજાયેલી ચૂંટણી તથા અન્ય મુદ્દે વાતચીત કરી હતી.

સજીબ વાજિદને પૂછવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશની ચૂંટણી મહદંશે શાંતિપૂર્ણ રહી તથા રાજકીય દળો વચ્ચે પ્રતિસ્પર્ધાનો ભાવ જોવા મળ્યો હતો. ત્યારે અવામી લીગે જે રાજકારણને પ્રોત્સાહન આપ્યું હતું, તેને બાજુએ નથી હડસેલી દેવાયું?

સજીબ વાજિદે કહ્યું, "મને નથી લાગતું કે ચૂંટણીમાં કોઈ મુકાબલો હતો, કારણ કે દેશની સૌથી મોટી અને જૂની પાર્ટીના (અવામી લીગ) ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો. ખરેખર તો આ કોઈ ટક્કર ન હતી."

બાંગ્લાદેશમાં જુલાઈ ચાર્ટર તથા બંધારણીય સુધાર મુદ્દે જનમત સંગ્રહનું મોટી સંખ્યામાં લોકોએ સમર્થન કર્યું, એનો મતલબ એવો નથી કે લોકો જૂના સમયથી સંપૂર્ણપણે આઝાદ થવા માંગે છે.

સજીબ વાજિદના કહેવા પ્રમાણે, બાંગ્લાદેશની ચૂંટણીમાં અવામી લીગ મોટું પરિબળ છે. તેમની પાસે 40 ટકા વોટ છે, જ્યારે જાતીય પાર્ટી પાસે પાંચથી 10 ટકા મત છે. તેમની અવગણના ન થઈ શકે.

સજીબ વાજિદને પૂછવામાં આવ્યું હતું કે જો બીએનપી ઔપચારિક રીતે શેખ હસીનાના પ્રત્યાર્પણની વિનંતી કરે, તો તેઓ બાંગ્લાદેશ પરત ફરશે ?

તેના વિશે વાજિદે કહ્યું, "ભારતમાં કાયદાનું રાજ છે. બીએનપી પ્રત્યાર્પણ માટે વિનંતી કરી શકે છે, પરંતુ એના માટે કેટલીક પ્રક્રિયા હોય છે. તથા બીએનપીએ તે અવરોધોને પાર કરવાની રહેશે. એટલે એવો કોઈ માર્ગ જ નથી કે તે પ્રત્યાર્પણ કરાવડાવી શકે."

"હા તે એક દિવસ ચોક્કસથી પરત ફરશે. મારાં માતા નિવૃત્ત થવા ઇચ્છે છે અને પોતાના દેશમાં રહેવા માંગે છે. તેઓ અન્ય દેશમાં નથી રહેવા માંગતાં. એક દિવસ તે વતન ચોક્કસથી પરત ફરશે."

પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિક વિશે હરભજનસિંહે શું કહ્યું?

હરભજનસિંહ, આમ આદમી પાર્ટી સંસદસભ્ય, તારિક ઉસ્માન, ભારત-પાકિસ્તાન ક્રિકેટ મૅચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૂર્વ ક્રિકેટર હરભજનસિંહ હાલમાં આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપર રાજ્યસભાના સંસદસભ્ય છે

આઇસીસી ટી20 વર્લ્ડકપમાં રવિવારે શ્રીલંકા ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. જેની ખેલપ્રેમીઓ ઉત્કંઠાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

ત્યારે ભારતના પૂર્વ ક્રિકેટર તથા સ્પિનર હરભજનસિંહે પાકિસ્તાનની ટીમ વિશે પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું, "અગાઉ આ મૅચ થશે કે નહીં, વગેરે જેવી સમસ્યાઓ હતી, પરંતુ હવે તે વાત વીતી ગઈ છે. હવે મુખ્ય વાત એ છે કે ક્રિકેટ ઉપર ફૉકસ રહેવું જોઈએ."

હરભજનસિંહે કહ્યું, "પાકિસ્તાન પણ ખૂબ જ મજબૂત ટીમ છે. તેના સ્પિનર મોટાં મેદાનો ઉપર સારી બૉલિંગ કરે છે, જે ખાસ વાત છે. આ ખૂબ જ સારો મૅચ હશે. મને આશા છે કે ભારતની ટીમ સારી રમત રમશે તથા આપણને બધાને ગર્વની અનુભૂતિ કરાવશે."

પાકિસ્તાની સ્પીનર ઉસ્માન તારિક વિશે હરભજનસિંહે કહ્યું, "તે વિશેષ પ્રકારના સ્પીનર છે, એ સૌથી અલગ છે. તેમની પાસે ખૂબ જ વૅરિએશન છે. તેમની સામે રમવું સરળ નથી. જેની સામે અગાઉ તમે રમ્યા ન હો, તેને સારી રીતે ફેસ ન કરી શકો. જોકે, અભિષેક શર્મા ભારતીય ટીમમાં પરત ફર્યા છે, તેઓ સ્પીન બૉલરો સામે સારી રીતે રમે છે."

બ્રિટનનો દાવો – રશિયાના વિપક્ષના નેતાને ડાર્ટ ફ્રૉગ ટૉક્સિનથી મારવામાં આવ્યા હતા

ઍલેક્સી નવેલની, રશિયા, પુતિન, ડાર્ટ ફ્રોગ ટોક્સિન, બ્રિટન, કિએર સ્ટાર્મર, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍલેક્સી નવેલનીની ફાઇલ તસવીર

બ્રિટન તથા તેના યુરોપિયન મિત્રદેશોએ આરોપ મૂક્યો છે કે રશિયાના વિપક્ષના નેતા ઍલેક્સી નવેલનીને ડાર્ટ ફ્રૉગ ટૉક્સિનથી બનેલાં ઝેરથી મારવામાં આવ્યા હતા.

બીબીસી સંવાદદાતા ઍડમ ગોલ્ડસ્મિથ તથા ટૉમ મૅકઆર્થરના અહેવાલ પ્રમાણે, સાઇબેરિયન પીનલ કૉલોનીમાં મૃત્યુનાં બે વર્ષ બાદ બ્રિટન તથા તેમના સાથીઓએ મૃતકના શરીર ઉપરથી મળેલાં મટિરિયલ સૅમ્પલનાં વિશ્લેષણ બાદ રશિયાને દોષિત ઠેરવ્યું છે.

બ્રિટનના વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, નવેલનીના શરીરમાંથી એપિબેટિડાઇન નામનું ટૉક્સિમ મળવાને કોઈ સાધારણ કારણ નથી.

મ્યૂનિચ સિક્યૉરિટી કૉન્ફરન્સમાં બ્રિટનના વિદેશ મંત્રી યવેટ કૂપરે કહ્યું, "એલેક્સી નવેલની જેલમાં હતા, માત્ર ત્યારે જ રશિયાની સરકાર પાસે નવેલની ઉપર જીવલેણ ટૉક્સિનનો ઉપયોગ કરવાની રીત, હેતુ અને તક હતી."

આ પહેલાં બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે એક ઍક્સ પોસ્ટમાં લખ્યું, "ઍલેક્સી નવેલનીએ અત્યાચાર વિરુદ્ધ ભારે હિંમત દાખવી. સત્યને બહાર લાવવાના દ્રઢ ઇરાદાનો અમર વારસો છોડી ગયા છે. મારી પ્રાર્થનાઓ એમના પરિવાર સાથે છે."

તેમણે કહ્યું, "હું રશિયા તથા પુતિનના જીવલેણ ઇરાદાના જોખમથી આપણા લોકો, આપણા મૂલ્યો તથા આપણી જીવનપ્રણાલીની સુરક્ષા કરવા માટે જે કંઈ કરવું પડે, તે કરી રહ્યો છું."

નવેલની રશિયાના ભ્રષ્ટાચાર વિરોધી ચળવળકર્તા તથા રશિયાના સૌથી આક્રમક વિપક્ષી નેતા હતા. તા. 16 ફેબ્રુઆરી 2024ના રોજ જેલમાં તેમનું અચાનક જ મૃત્યુ થઈ ગયું હતું. એ સમયે તેમની ઉંમર 47 વર્ષની હતી.

વર્ષ 2020માં તેમને નોવિચોક નર્વ મારફત ઝેર આપવામાં આવ્યું હતું. જર્મનીમાં તેમની સારવાર થઈ હતી અને રશિયા પરત ફર્યા ત્યારે ઍરપૉર્ટ ઉપર તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન