અમેરિકા : ડોનાલ્ડ ટ્રમ્પના 10 ટકા ગ્લોબલ ટેરિફ કઈ રીતે કામ કરશે? 4 મુદ્દામાં સમજો

ઇમેજ સ્રોત, AFP via Getty Images
- લેેખક, ગ્રેસ એલિઝા ગુડવિન
- પદ, બીબીસી ન્યૂઝ
- વાંચવાનો સમય: 6 મિનિટ
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે ગ્લોબલ ટેરિફ લગાવ્યા, ત્યારે પોતાના અધિકારોની ઉપરવટ જઈ કામ કર્યું હતું.
સુપ્રીમ કોર્ટે 6-3ના બહુમતથી આપેલા નિર્ણયમાં જણાવ્યું કે 1977ના કાયદા 'ઇન્ટરનૅશનલ ઇમર્જન્સી ઇકૉનૉમિક પાવર્સ ઍક્ટ' એટલે કે આઈઆઈપીએનો ઉપયોગ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ લગભગ દરેક દેશની આયાત પર ટેરિફ લગાવી શકે નહીં.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ટેરિફ દ્વારા એકઠા થયેલા લગભગ 130 અબજ ડૉલરના રિફંડની સંભાવના ખોલી છે. આ મુદ્દો હવે અન્ય કોઈ અદાલતી વિવાદમાં જઈ શકે છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણયના કેટલાક કલાક પછી ટ્રમ્પે વૈકલ્પિક કાનૂન, ટ્રેડ એક્ટ 1974ના સેક્શન 122 હેઠળ એક ઘોષણા પર સહી કરી. તેના હેઠળ તેમને તમામ દેશોના સામાન પર નવો કામચલાઉ 10 ટકા ટેરિફ લાદવાની છૂટ મળે છે.
ટેરિફના મામલે આગળ શું થઈ શકે અને હજુ કયા સવાલોના જવાબ મેળવવાના બાકી છે તેને સમજીએ.
કયા ટેરિફ ગેરકાયદે ગણાયા અને શા માટે?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
20મી ફેબ્રુઆરીએ જારી થયેલો સુપ્રીમ કોર્ટનો નિર્ણય માત્ર એવા ટેરિફને લાગુ થાય છે જેને ટ્રમ્પે IEEPA હેઠળ લાગુ કર્યો હતો.
આ કાયદો અમેરિકાના રાષ્ટ્રપતિને ઇમર્જન્સીની સ્થિતિમાં વ્યાપારને નિયંત્રિત કરવાની સત્તા આપે છે.
ટ્રમ્પે ફેબ્રુઆરી 2025માં આ કાયદાનો પહેલી વખત ઉપયોગ કર્યો અને ચીન, મૅક્સિકો તથા કૅનેડાથી આવતા સામાન પર ટેરિફ લગાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે ફેન્ટાનિલનું સ્મગલિંગ એક ઇમર્જન્સીની સ્થિતિ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાક મહિના પછી ટ્રમ્પે જેને "લિબરેશન ડે" ગણાવ્યો, તે પ્રસંગે કહ્યું કે તેમણે ટેરિફનો દાયરો વધારીને તમામ દેશો પર 10 ટકાથી 50 ટકા સુધી ટેરિફ લગાવી દીધા છે.
આના માટે અમેરિકાની વેપાર ખાધને "અસાધારણ અને અસામાન્ય" ખતરા તરીકે ગણાવાઈ હતી.
અદાલતે કહ્યું કે નવા ટેરિફ લગાવવાની બંધારણીય સત્તા કૉંગ્રેસ પાસે છે, રાષ્ટ્રપતિ પાસે નથી. આ ઉપરાંત IEEPAનો હેતુ આવક એકઠી કરવાનો નથી.
જોકે, ગયા વર્ષે લગાવવામાં આવેલા કેટલાક ટેરિફ આ ચુકાદાથી પ્રભાવિત નથી.
તેમાં સ્ટીલ, ઍલ્યુમિનિયમ, લાકડું અને ઑટોમોબાઇલ જેવા સેક્ટર પરના ઉદ્યોગલક્ષી ટેરિફ સામેલ છે, જેને ટ્રમ્પે ટ્રેડ ઍક્સપાન્શન ઍક્ટ 1962ની કલમ 232 હેઠળ રાષ્ટ્રીય સુરક્ષાના આધારે લાગુ કર્યા હતા. આ ટેરિફ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી પણ જારી રહી શકે છે.
ટ્રમ્પે અલગ કાયદા હેઠળ નવા ટેરિફ લગાવ્યા

ઇમેજ સ્રોત, AFP via Getty Images
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ટ્રમ્પે એક બહુ ઓછા પરિચિત અને ક્યારેય ઉપયોગમાં ન લેવાતા અમેરિકન કાયદા (સેક્શન 122) હેઠળ અમેરિકાને થતી તમામ આયાત પર 10 ટકા ગ્લોબલ ટેરિફ લગાવવાની જાહેરાત કરી.
આ કાયદો રાષ્ટ્રપતિને 150 દિવસ સુધી 15 ટકા ટેરિફ લગાવવાનો અધિકાર આપે છે, ત્યાર પછી કૉંગ્રેસ પાસે તેની મંજૂરી લેવી પડે. એટલે કે આ કામચલાઉ ઉપાય છે.
જોકે, ટ્રમ્પ સાંસદોને એક બાજુ રાખીને કોઈ ઉપાય શોધી કાઢે તેવી શક્યતા છે.
જમણેરી વિચારધારા ધરાવતા એક થિંક ટૅન્ક કેટો ઇન્સ્ટિટ્યૂટ મુજબ આ કાયદામાં સ્પષ્ટ રીતે એવો પ્રતિબંધ નથી લગાવાયો કે 150 દિવસનો સમય વીતી જાય તો રાષ્ટ્રપતિ નવી ઇમર્જન્સીની જાહેરાત કરીને તેને ફરીથી લાગુ નહીં કરી શકે.
વ્હાઇટ હાઉસ મુજબ ટ્રમ્પ સેક્શન 122નો ઉપયોગ પાયાની આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સમસ્યાઓના ઉકેલ અને અમેરિકન વેપારને ફરીથી સંતુલિત કરવા માટે કરે છે.

ઇમેજ સ્રોત, AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીજી તરફ એ વાતની પણ વિચારણા ચાલે છે કે શું ટ્રેડ ઍક્ટ 1974ના સેક્શન 301 હેઠળ ટેરિફ લગાવી શકાય કે નહીં.
આ કાયદો હેઠળ અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (હાલમાં જેમિસન ગ્રીયર) બીજા દેશોના ટ્રેડ વ્યવહારની તપાસ કરી શકે છે. તેમને તે ભેદભાવપૂર્ણ અથવા પક્ષપાતી લાગે તો ટેરિફ લગાવી શકે છે.
ટ્રેડ ઍક્સપાન્શન ઍક્ટ 1962ના સેક્શન 232 હેઠળ પણ અમેરિકન વહીવટીતંત્ર ટેરિફ લગાવવાનું ચાલુ રાખી શકે છે, જેનો ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળમાં વ્યાપક ઉપયોગ કર્યો હતો.
આ જોગવાઈ ટ્રમ્પ વહીવટીતંત્રને એવી આયાત પર ટેરિફ લગાવવાની મંજૂરી આપે છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરા સમાન હોય. જોકે, તેના માટે પહેલાં તપાસ કરવી જરૂરી છે. તેથી આવા ટેરિફ લાગુ કરવામાં સમય લાગે છે.
એક અર્થશાસ્ત્રીએ બીબીસીને જણાવ્યું કે તપાસ અને નિષ્કર્ષની અનિવાર્યતા, એક વખત ટેરિફ લાગુ થયા પછી તેને પડકારવા અને હટાવવા પણ મુશ્કેલ બની શકે છે.
અમેરિકન નાણામંત્રી સ્કૉટ બેસેન્ટે જણાવ્યું કે સેક્શન 122ની સાથે સેક્શન 232 અને 301 ટેરિફને ભેગા કરવાથી 2026માં રેવન્યૂમાં લગભગ કોઈ અસર નહીં પડે.
તેમના કહેવા પ્રમાણે તેનાથી IEEPA ટેરિફના નુકસાનની ભરપાઈ થઈ જશે.
ટેરિફનું રિફંડ મળશે?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
ટ્રમ્પે ટેરિફની તરફેણમાં એવી દલીલ કરી કે તેનાથી મળતી રકમ અમેરિકન ટ્રેઝરીમાં જાય છે અને દેશના અર્થતંત્રને મજબૂત બનાવે છે.
કેટલાય રિપોર્ટ મુજબ વિદેશી ઉત્પાદનો આયાત કરતી કંપનીઓ પાસેથી અમેરિકન સરકારે અત્યાર સુધીમાં અબજો ડૉલર વસૂલ્યા છે. એક અંદાજ મુજબ આ રકમ 130 અબજ ડૉલરની આસપાસ છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે IEEPA હેઠળ લગાવાયેલા ટ્રમ્પના ટેરિફ કાયદેસર ન હતા. પરંતુ તેમણે એ નથી જણાવ્યું કે ટેરિફ ચૂકવનારાઓને આ રકમ કેવી રીતે પાછી અપાશે.
ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીતમાં સંકેત આપ્યા કે સંભવિત રિફંડ કેટલાંય વર્ષો સુધી કાનૂની વિવાદમાં ફસાઇ શકે છે.
નિર્ણય પછી નાણામંત્રી સ્કૉટ બેસેન્ટે કહ્યું કે રિફંડનો મુદ્દો વર્ષો સુધી ચાલી શકે છે.
ડલાસમાં એક કાર્યક્રમ દરમિયાન બેસેન્ટે કહ્યું કે IEEPA ટેરિફ દ્વારા પહેલેથી એકઠી કરવામાં આવેલી રકમ વિવાદમાં છે, કારણ કે સુપ્રીમ કોર્ટે રિફંડ પર કોઈ નિર્દેશ નથી આપ્યો.
આ મુદ્દે અમેરિકન ઇન્ટરનૅશનલ ટ્રેડ કોર્ટ દ્વારા નિર્ણય આવે તેવી સંભાવના છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો રિફંડ આપવામાં આવશે, તો તે મોટા ભાગે મોટી કંપનીઓને મળશે. કારણ કે નાની કંપનીઓ પાસે જટિલ પ્રક્રિયા પૂરી કરવા માટે પૂરતાં સંસાધનો નથી હોતાં.
લિબરલ થિંક ટૅન્ક ગ્રાઉન્ડવર્ક કલેક્ટિવમાં પૉલિસી એન્ડ ઍડ્વોકેસી પ્રેસિડન્ટ ઍલેક્સ જૅકેઝે બીબીસીની મીડિયા ભાગીદાર સીબીએસને જણાવ્યું કે આ નિર્ણય અગાઉથી જ 1000થી વધુ કંપનીઓ ટેરિફ રિફંડની માંગણી કરી ચુકી હતી.
તેમના કહેવા પ્રમાણે આ સંખ્યા હજુ વધી શકે છે.
ઇલિનૉયના ડેમૉક્રેટિક ગવર્નર જેબી પ્રિટ્ઝકરે પણ માંગણી કરી છે કે વ્હાઇટ હાઉસ દરેક અમેરિકન પરિવારને ગેરકાયદે ટેરિફના બદલામાં 1700 ડૉલરના રિફંડનો ચેક આપે.
ટ્રમ્પે ઘણી વખત જાહેરમાં અમેરિકનોને ટેરિફ રિબેટનો ચેક આપવાના વિચારનો ઉલ્લેખ કર્યો છે.
હવે કયા ટેરિફ લાગુ છે?
વ્હાઇટ હાઉસ મુજબ 24 ફેબ્રુઆરીથી 10 ટકા ટેરિફ લગભગ તમામ આયાત પર લાગુ થશે, ભલે ગમે તે દેશમાંથી આયાત કરવામાં આવી હોય.
વ્હાઇટ હાઉસના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું કે અમેરિકા સાથે વેપાર સંધિ કરનારા દેશો પર પણ સેક્શન 122 હેઠળ અગાઉ નક્કી કરાયેલા દર નહીં, પરંતુ 10 ટકા ગ્લોબલ ટેરિફ લાગુ થશે. આમાં ભારત, બ્રિટન અને યુરોપિયન યુનિયન સામેલ છે.
અધિકારીએ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્રને આશા છે કે આ દેશો પોતાની વેપાર સંધિ હેઠળ નક્કી થયેલી છૂટછાટનું પાલન કરશે.
કેટલીક વસ્તુઓને 'અમેરિકન અર્થતંત્રની જરૂરિયાતો'ના કારણે તેના ભાવને સંતુલિત રાખવા માટે છૂટ અપાશે.
તેમાં મહત્ત્વનાં ખનીજ, ધાતુઓ, ઊર્જા ઉત્પાદનો, કુદરતી સંસાધનો, ખાદ્ય પેદાશો, દવાઓ, ઇલેક્ટ્રૉનિક્સ, કાર અને ટ્રક તથા ઍરોસ્પેસનાં ઉત્પાદનો સામેલ છે.
વ્હાઇટ હાઉસની ફૅક્ટ શીટ પ્રમાણે માહિતીને લગતી સામગ્રી (જેમ કે પુસ્તકો), ડૉનેશન અને સાથે લાવવામાં આવેલાં અંગત સામાન પર પણ ટૅક્સ નહીં લાગે.
જોકે, ઘણી શ્રેણીઓ માટે આ નોટિફિકેશન વ્યાપક છે. તેમાં કઈ કઈ ચીજોને છૂટ મળશે તે નક્કી નથી.
અન્ય એક મહત્ત્વની છૂટ અમેરિકા, મૅક્સિકો અને કૅનેડા ટ્રેડ ડીલ (USMCA) હેઠળ આવતા ઉત્પાદકોને અપાઈ છે.
આ વસ્તુઓ IEEPA ટેરિફથી મુક્ત હતી. વડા પ્રધાન માર્ક કાર્નીએ અનેક વખત જણાવ્યું છે કે યુએસએમસીએની છૂટના કારણે કૅનેડા એવા દેશોમાં સામેલ છે જ્યાં ટેરિફના દર અપેક્ષામાં નીચા છે.
તેવી જ રીતે કોસ્ટારિકા, ડૉમિનિકન રિપબ્લિક, અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, હૉન્ડુરસ અને નિકારાગુઆથી આવતા ટેક્સ્ટાઇલ અને ગારમેન્ટ, ડૉમિનિકન રિપબ્લિક- સેન્ટ્રલ અમેરિકા એફટીએ હેઠળ ટેરિફથી મુક્ત રહેશે.
સાથે સાથે ટ્રમ્પે કહ્યું કે અમે ઓછી કિંમત ધરાવતાં ઉત્પાદનો પર ટેરિફ જાળવી રાખીશું.
ગયા વર્ષે તેમણે ડી મિનિમિસ નામની છૂટછાટ ખતમ કરી હતી, જેના હેઠળ 800 ડૉલર અથવા તેનાથી ઓછા ભાવની વસ્તુઓ પર અમેરિકામાં ટેરિફ નથી લાગતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન













