T20 WC : વેસ્ટ ઇન્ડીઝે બગાડી નાખ્યો ભારતનો ખેલ, ભારતે હવે સેમિફાઇનલમાં પ્રવેશવા શું કરવું પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
સુપર-8 મુકાબલામાં વેસ્ટ ઇન્ડીઝ ઝિમ્બાબ્વે પર 107 રનની મોટી જીત હાંસલ કરી છે અને તેને કારણે ગ્રૂપ-1નું સમીકરણ બદલાઈ ગયું છે.
વેસ્ટ ઇન્ડીઝ હવે પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે, જ્યારે કે ભારત ત્રીજા સ્થાન પર છે. ભારતને હરાવનારી દક્ષિણ આફ્રિકાની ટીમ હવે બીજા સ્થાને પહોંચી ગઈ છે.
આઈસીસી મૅન્સ ટી20 વર્લ્ડકપની 44મી મૅચ સોમવારે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ હતી. મુકાબલામાં ટૉસ જીતીને ઝિમ્બાબ્વેએ પહેલા બૉલિંગનો નિર્ણય લીધો હતો.
વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમૅનોએ તોફાની બેટિંગ કરીને 254 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ માત્ર 147 રન જ બનાવી શકી હતી. ઝિમ્બાબ્વેની આખી ટીમ 18 ઓવરમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
આઈસીસી મૅન્સ ટી20 વિશ્વકપનો રોમાંચ યથાવત્ છે. પરંતુ વેસ્ટ ઇન્ડીઝની ઝિમ્બાબ્વે પર જીત બાદ હવે સેમિફાઇનલની જંગ કોયડો બની ગઈ છે.
રવિવારે દક્ષિણ આફ્રિકાએ ભારતને હરાવ્યું અને સોમવારે વેસ્ટ ઇન્ડીઝની ટીમે ઝિમ્બાબ્વેની ટીમને મોટા માર્જીનથી હરાવ્યું. જેને કારણે હવે ભારતની સેમિફાઇનલમાં પ્રવેશવાની ચાહ સામે વધુ મુશ્કેલી ઊભી થઈ છે.
સુપર-8 મુકાબલાના પૉઇન્ટ ટેબલને સમજો

ઇમેજ સ્રોત, Getty Images
ઝિમ્બાબ્વે પર જીત સાથે વેસ્ટ ઇન્ડીઝની ટીમ પૉઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે.
બે અંક સાથે વેસ્ટ ઇન્ડીઝનો રન-રેટ પણ +5.350 થઈ ગયો છે. ત્યાં બીજા નંબર પર દક્ષિણ આફ્રિકા પણ બે અંક મેળવી ચૂક્યું છે. તેનો રન-રેટ +3.800 છે. ત્રીજા સ્થાને ભારત છે. ભારત પાસે એક પણ અંક નથી અને તેને બે મૅચ રમવાની બાકી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત પાસે એક પણ અંક નથી અને રન-રેટ -3.800 છે, ઝિમ્બાબ્વે ચોથા સ્થાને છે અને તેની પાસે પણ એક પણ અંક નથી પણ તેનો રન-રેટ -5.350 છે.
ભારતનો રન-રેટ ઝિમ્બાબ્વેથી સારો છે.
વિશ્વકપના સુપર-8 મુકાબલામાં હવે આગળ શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
વેસ્ટ ઇન્ડીઝની જીતથી તેનું પલડું ભારે થઈ ગયું છે. ઝિમ્બાબ્વેની હાલત ખરાબ થઈ ગઈ છે. વેસ્ટ ઇન્ડીઝની બે મૅચ બાકી છે. તેણે હજુ ભારત અને દક્ષિણ આફ્રિકા સામે ટકરાવાનું છે. જ્યારે કે ઝિમ્બાબ્વેએ ભારત અને દક્ષિણ આફ્રિકા સાથે રમવાનું છે.
જો વેસ્ટ ઇન્ડીઝ તેની પોતાની બાકીની બે મૅચો પૈકી એક મૅચ પણ જીતે અને એક હારે તો પણ તેની સેમિફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રહેશે.
સુપર-8 મુકાબલામાં ગ્રૂપ-1માં જો અંકો સરખા હશે તો સેમિફાઇનલમાં કઈ ટીમ જશે તેનો ફેંસલો રન-રેટથી થશે અને તેમાં વેસ્ટ ઇન્ડીઝનું પલ્લું હાલ ભારે લાગે છે.
ભારત કેવી રીતે પ્રવેશ કરશે સેમિફાઇનલમાં?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જો ભારતે વિશ્વકપની સેમિફાઇનલમાં જગ્યા બનાવવી હશે તો ગણિત સ્પષ્ટ છે. ભારતે પોતાની બાકીની બંને મૅચ સારા રન-રેટથી જીતવી પડશે. ભારત માટે એ પણ ઇચ્છનીય છે કે દક્ષિણ આફ્રિકા તેની બાકીની બંને મૅચ જીતે. જો દક્ષિણ આફ્રિકા અને ભારત તેની બાકીની બંને મૅચ જીતે છે તો ઝિમ્બાબ્વે પાસે શૂન્ય અને વેસ્ટ ઇન્ડીઝ પાસે બે અંક હશે અને ભારત પાસે ચાર અંક હશે. આ સંજોગોમાં જ ભારત સેમિફાઇનલમાં પ્રવેશી શકશે.
પરંતુ જો, દક્ષિણ આફ્રિકા પોતાની એક મૅચ હારે તો ફેંસલો રન-રેટના આધારે કરવામાં આવશે. જ્યાં ભારતનો રન-રેટ હાલ ખરાબ છે અને તેથી વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાની આશા વધી જશે.
જો ભારત વધુ એક મૅચ હારે તો તેની પર વર્લ્ડકપમાંથી સંપૂર્ણ રીતે બહાર થવાનો ડર છે.
22 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન એટલું ખરાબ રહ્યું કે ટી20 વર્લ્ડકપના ઇતિહાસમાં રનોના સંદર્ભમાં તેની અત્યાર સુધીની સૌથી મોટી હાર થઈ હતી.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુપર-8માં ત્રીજી મૅચમાં દક્ષિણ આફ્રિકાએ ભારત સામે જીત માટે 20 ઓવરમાં 188 રનોનું લક્ષ્ય રાખ્યું હતું.
પણ હોમ ગ્રાઉન્ડ પર લગભગ 90 હજાર દર્શકો સામે ટીમ ઇન્ડિયા 18.5 ઓવર્સમાં 111 રન બનાવીને ઑલ આઉટ થઈ ગઈ અને તેનો 76 રનથી પરાજય થયો.
આની પહેલાં ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ ક્યારેય 50 રનથી વધારે અંતરથી હારી નહોતી.
ભારતીય ટીમે ભલે ગ્રૂપ સ્ટેજની ચારેય મૅચ જીતી પણ હવે આ હારે ટીમ ઇન્ડિયાની નવી કમીઓને ઉજાગર કરી દીધી હતી. અને તેથી હાલ એવી હાલત પેદા થઈ છે કે ગત ટી20 વિશ્વકપના ચૅમ્પિયને હવે આ વિશ્વકપની સેમિફાઇનલમાં પ્રવેશવા માટે અન્ય ટીમોની જીત-હાર પર આધાર રાખવો પડી રહ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
નેટ રન-રેટના ખેલે ભારતનો માર્ગ ખૂબ જ મુશ્કેલ બનાવી દીધો છે.
હવે ભારતીય ટીમે પોતાની બંને મૅચ જીતવી ખૂબ જ જરૂરી છે, પરંતુ એટલું પૂરતું નથી. બીજાં સમીકરણો પણ ભારતની તરફેણમાં પડશે ત્યારે જ વાત બનશે.
ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપરા કહે છે, "ભારત હવે ત્યારે જ સેમિફાઇનલમાં પહોંચી શકે જ્યારે અમદાવાદમાં થનારી મૅચમાં દક્ષિણ આફ્રિકા વેસ્ટ ઇન્ડીઝને હરાવે. પરંતુ જો દક્ષિણ આફ્રિકા હારે છે તો પછી અમારે પ્રાર્થના કરવી પડશે કે ઝિમ્બાબ્વે, પ્લિઝ દક્ષિણ આફ્રિકાને હરાવી દે. કારણ કે જો આવી સ્થિતિ આવે કે ભારત, વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા — ત્રણેયે બે બે મૅચ જીતી હોય, તો ભારત માટે કોઈ તક નથી, કારણ કે નેટ રન-રેટમાં ભારત બહુ પાછળ છે."
ક્રિકેટ નિષ્ણાતો માને છે કે ઝિમ્બાબ્વેની ટીમે આ ટુર્નામેન્ટમાં સારો દેખાવ કર્યો છે, પરંતુ દક્ષિણ આફ્રિકાને હરાવવું તેના માટે મુશ્કેલ કામ છે.
તે જ સમયે, વેસ્ટ ઇન્ડીઝનું હાલનો ફૉર્મ જોતાં, દક્ષિણ આફ્રિકા માટે તેને હરાવવું પણ સરળ નહીં હોય.
આ સમગ્ર ટુર્નામેન્ટમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ છવાઈ ગઈ છે.
તેમણે સ્કૉટલૅન્ડને 35 રનથી, ઇંગ્લૅન્ડને 30 રનથી, નેપાળને 9 વિકેટથી, ઇટાલીને 42 રનથી અને ઝિમ્બાબ્વેને 107 રનથી હરાવ્યું છે.
ક્રિકેટ નિષ્ણાત હર્ષા ભોગલેએ 'ઍક્સ' પર લખ્યું છે, "વેસ્ટ ઇન્ડીઝ બધાને ખૂબ જ કડક સંદેશ આપી રહ્યું છે."
ખેલ પત્રકાર વિક્રમ ગુપ્તાએ 'ઍક્સ' પર લખ્યું, "ભારતે વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વે સામેની મૅચ જીતવી જ પડશે. સાથે જ જો દક્ષિણ આફ્રિકા વેસ્ટ ઇન્ડીઝને હરાવે તો ભારત સેમિફાઇનલ માટે ક્વૉલિફાય કરી લેશે. પરંતુ જો ત્રણેય ટીમોએ બે બે મૅચ જીતી હોય તો નેટ રન-રેટમાં ભારત એટલું પાછળ છે કે તેને ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડશે."
તો મામલો એ છે કે વેસ્ટ ઇન્ડીઝ દક્ષિણ આફ્રિકાને હરાવી દે તો ભારત માટે 'ગેમ ઓવર'નો ખતરો ખૂબ વધી જશે.
એટલે ભારતને સુપર 8ની પોતાની બાકીની બંને મૅચમાં જીત મેળવવા છતાં અન્ય મૅચોનાં પરિણામ પર નિર્ભર રહેવું પડશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












