'ગાંધી' ફિલ્મને કારણે જ્યારે પંકજ કપૂરની નોકરી ગઈ

બીબીસી હિન્દીના ખાસ કાર્યક્રમ 'કહાની જિંદગી કી'માં પંકજ કપૂર

ઇમેજ સ્રોત, Kirti Rawat

ઇમેજ કૅપ્શન, બીબીસી હિન્દીના ખાસ કાર્યક્રમ 'કહાની જિંદગી કી'માં પંકજ કપૂર
વાંચવાનો સમય: 6 મિનિટ

'ગાંધી' એક એવી ક્લાસિક ફિલ્મ છે, જેની ચર્ચા આજે પણ થતી રહે છે. આ ફિલ્મ 1982માં રિલીઝ થઈ ત્યારે તેને અપાર સફળતા મળી હતી.

આઠ ઑસ્કર ઍવૉર્ડ જીતનારી રિચર્ડ ઍટનબરોની આ ફિલ્મમાં બેન કિંગ્સલેએ મોહનદાસ કરમચંદ ગાંધીની ભૂમિકા ભજવી હતી, પરંતુ ફિલ્મમાં ગાંધીનો અવાજ બન્યા હતા પંકજ કપૂર.

ગાંધી ફિલ્મમાં કામ કરવાનું પંકજ કપૂર માટે આસાન ન હતું. આ ફિલ્મમાં કામ કરવાને કારણે તેમણે નોકરી ગુમાવવી પડી હતી.

બીબીસી હિન્દીના ખાસ કાર્યક્રમ 'કહાની જિંદગી કી'માં ઇરફાને પંકજ કપૂર સાથે વાત કરી હતી.

ગાંધી ફિલ્મનો હિસ્સો કેવી રીતે બન્યા પંકજ કપૂર?

ગાંધી ફિલ્મમાં કામ કરવાનું પંકજ કપૂર માટે આસાન ન હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગાંધી ફિલ્મમાં કામ કરવાનું પંકજ કપૂર માટે આસાન ન હતું

ગાંધી ફિલ્મના દિગ્દર્શક રિચર્ડ ઍટનબરોની નજર પંકજ કપૂર પર પડી ત્યારે તેઓ 'મુખ્ય મંત્રી' નામનું નાટક કરી રહ્યા હતા.

એ નાટકમાં પંકજ કપૂર મુખ્ય મંત્રીના સેક્રેટરીનું પાત્ર ભજવતા હતા.

પંકજ કપૂર કહે છે, "અમે મુખ્ય મંત્રી નામનું નાટક કરી રહ્યા હતા. તેમાં મેં મુખ્ય મંત્રીના સેક્રેટરીનું પાત્ર ભજવ્યું હતું. મને લાગે છે કે યુવાનીમાં મારો ચહેરો પ્યારે લાલજી જેવો હશે અને એ પાત્ર ભજવતાં મને રિચર્ડ ઍટનબરોએ નિહાળ્યો હતો. બીજા દિવસે મને મળવા બોલાવ્યો હતો."

ગાંધીનો અવાજ કેવી રીતે બન્યા પંકજ કપૂર?

પંકજ કપૂરના જણાવ્યા મુજબ, તેઓ ગાંધી ફિલ્મ માટે રોજ 11 કલાક ડબિંગ કરતા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પંકજ કપૂરના જણાવ્યા મુજબ, તેઓ ગાંધી ફિલ્મ માટે રોજ 11 કલાક ડબિંગ કરતા હતા

એ દિવસોમાં ગાંધી ફિલ્મ માટે અવાજની શોધ ચાલી રહી હતી. પંકજ કપૂરને કોઈએ કહ્યું કે નટરાજ સ્ટુડિયોમાં ઑડિશન ચાલી રહ્યું છે. એ વખતે તેઓ કામ શોધી રહ્યા હતા. તેમણે નટરાજ સ્ટુડિયો જઈને પોતાનો અવાજ રેકૉર્ડ કરાવ્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પંકજ કપૂર કહે છે, "હું શેક્સપિયરની બે લાઇન અંગ્રેજીમાં બોલ્યો હતો. જેથી રિચર્ડ ઍટનબરો સમજી શકે કે આ માણસ ભણેલોગણેલો છે. તેને થોડું ઘણું નાટક ભજવતાં આવડે છે. પછી મને શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યો હતો."

"તેમણે મને બીઆર સ્ટુડિયોમાં બોલાવ્યો હતો અને મને એક સીન અંગ્રેજીમાં ડબ કરવા કહ્યું હતું. એ બહુ મુશ્કેલ દૃશ્ય હતું. તેમાં ગાંધીજી ઉપવાસ કરી રહ્યા હતા અને બહુ મુશ્કેલીથી બોલી શકતા હતા. તેમણે મારી પાસે એ સીન ડબ કરાવ્યો હતો. તેમણે ડબિંગ સાંભળ્યું અને એ ક્ષણે જ નક્કી કરી લીધું કે આ ડબિંગ હું જ કરીશ."

પંકજ કપૂરના જણાવ્યા મુજબ, તેઓ ગાંધી ફિલ્મ માટે રોજ 11 કલાક ડબિંગ કરતા હતા. ડબિંગ દરમિયાન અનેક વાર શબ્દો બદલવામાં આવતા હતા.

તેઓ કહે છે, "ઉપરવાળાની કૃપા હતી. ક્યાંથી શું આવ્યું અને તેમણે કરાવી નાખ્યું. એ વખતે હું 27 વર્ષનો હતો."

બીબીસી હિન્દી સાથેની વાતચીતમાં પંકજ કપૂર કહે છે, "એ વખતે મારી પાસે થિયેટરની નોકરી હતી. તેમણે પહેલાં મને ગાંધી ફિલ્મમાં કામ કરવાની પરવાનગી આપી હતી, પણ મેં કામ કરવાનું શરૂ કર્યું પછી મને કહેવામાં આવ્યુ હતું કે તમે આગામી શેડ્યૂલ માટે જઈ શકશો નહીં. મેં તેમને કહ્યું હતું કે તમારા કહેવાથી જ મેં કૉન્ટ્રાક્ટ પર સહી કરી છે. તેમ છતાં તેમણે મારી વાત માની નહીં અને મને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો."

નોકરી છૂટ્યા બાદ શું થયું?

થિયેટરની નોકરી ગયા પછી પંકજ કપૂરે દિલ્હીથી મુંબઈ ભણી પ્રયાણ કર્યું.

મુંબઈમાં તેમના દોસ્ત ઓમ પુરીએ તેમને સાથ આપ્યો.

ઓમ પુરીએ તેમને જણાવ્યું હતું કે શ્યામ બેનેગલ આરોહણ નામની ફિલ્મ બનાવી રહ્યા છે.

પંકજ કપૂર કહે છે, "શ્યામ બેનેગલસાહેબ એક જ એવા દિગ્દર્શક છે, જેમની ઑફિસમાં હું ગયો, તેમને મળ્યો અને મને કામ મળી ગયું. હિન્દી ફિલ્મોનો મારો સિલસિલો ત્યાંથી શરૂ થયો હતો."

સિનેમાની દુનિયામાં કેવી રીતે આવ્યા પંકજ કપૂર?

એનએસડીમાં પંકજ કપૂરને એડમિશન મળ્યું ત્યારે તેમની વય માત્ર 19 વર્ષની હતી
ઇમેજ કૅપ્શન, એનએસડીમાં પંકજ કપૂરને ઍડમિશન મળ્યું ત્યારે તેમની વય માત્ર 19 વર્ષની હતી

પંકજ કપૂરે 1973માં બારમા ધોરણની પરીક્ષા પાસ કરી ત્યારે તેમણે અભિનેતા બનવાનો મોટો નિર્ણય કર્યો હતો.

પોતે મુંબઈ જઈને કારકિર્દી શરૂ કરવા ઇચ્છે છે એવું પંકજ કપૂરે તેમનાં માતાને કહ્યું ત્યારે માતાની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. માતાજીએ પિતાજીને વાત કરી.

પિતાજીએ એવો જવાબ આપ્યો હતો, જેનાથી પંકજ કપૂરનો આત્મવિશ્વાસ અનેક ગણો વધી ગયો હતો. પંકજ કપૂરના પિતા પ્રોફેસર હતા.

પિતાજીએ જવાબ આપ્યો હતો, "હું તો બહુ જ ખુશ છું."

પોતાના પિતાને યાદ કરતાં પંકજ કપૂર કહે છે, "તેઓ અદભુત માણસ હતા. મેં મારી જિંદગીમાં તેમના જેવો માણસ જોયો નથી. તેમનું કહેવું હતું કે આઇ એમ પ્રાઉડ ઑફ માય સન. તેણે નક્કી કરી લીધું છે કે તેને શું કરવું છે."

પંકજ કપૂરના જણાવ્યા મુજબ, તેમના પિતાએ કહ્યું હતું, "તારામાં ખરેખર ટેલેન્ટ છે અને તું આ ક્ષેત્રમાં જવા ઇચ્છે છે તો જરૂર જા, પરંતુ હું તો એક શિક્ષક છું અને માનું છું કે જે ક્ષેત્રમાં આગળ વધવા ઇચ્છતા હો તેના માટે તાલીમ લેવી જરૂરી છે."

એટલું જ નહીં. પંકજ કપૂરના પિતાજીએ પોતે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા (એનએસડી) વિશે તપાસ કરી હતી અને પંકજ કપૂરને એનએસડીમાં ઍડમિશન મળ્યું ત્યારે તેમના પિતાજી અત્યંત ખુશ થયા હતા.

પંકજ કપૂરના પિતાએ કોઈ શરત વિના, કોઈ ડર વિના તેમનાં સપનાંને પાંખો આપી હતી.

નસીરુદ્દીન શાહ અને ઓમ પુરી સાથે સરખામણી

પંકજ કપૂર, નસીરુદ્દીન શાહ અને ઓમ પુરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પંકજ કપૂર, નસીરુદ્દીન શાહ અને ઓમ પુરી

સિનેમાની દુનિયામાં પંકજ કપૂર, નસીરુદ્દીન શાહ અને ઓમ પુરીને અત્યંત પ્રતિભાવાન અભિનેતાઓ માનવામાં આવે છે.

ત્રણેય કળાકારોએ કૉમર્શિયલ સિનેમાની સાથે-સાથે આર્ટ ફિલ્મોમાં પણ તેમની અમિટ છાપ છોડી છે. ત્રણેય એનએસડીમાં જ અભિનયના પાઠ ભણ્યા છે.

નસીરુદ્દીન શાહ અને ઓમ પુરી બન્નેને ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એફટીઆઇઆઇ)માં ઍડમિશન મળી ગયું હતું, પરંતુ પંકજ કપૂરને એફટીઆઇઆઇમાં જવાની તક મળી નહીં.

પંકજ કપૂર કહે છે, "મને તેનો કોઈ અફસોસ નથી. બલકે હું તો ઉપરવાળાનો ખૂબ-ખૂબ આભાર માનું છું. હું ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ગયો હોત તો મારું ઍક્સપોઝર અલગ હોત. હું નસીબદાર છું કે મને એનએસડીમાં અભ્યાસ કરવાની તક મળી."

"એ સમયે જે સ્ટાફ હતો તેની સોબતમાં હું અભિનયની દુનિયામાં ડગલાં ભરતાં શીખ્યો, જે મોટું સદભાગ્ય છે."

એનએસડીમાં પંકજ કપૂરને ઍડમિશન મળ્યું ત્યારે તેમની વય માત્ર 19 વર્ષની હતી.

પંકજ કપૂર માને છે કે અભિનેતા બનવા માટે તેમને થિયેટરમાં જે તાલીમ મળી તે એમના માટે બહુ જ જરૂરી હતી.

તેઓ કહે છે, "નસીરસાહેબ અને ઓમજી એનએસડીમાં અભ્યાસ કરીને એફટીઆઇઆઇમાં ગયા હતા, પરંતુ મારી તો શરૂઆત હતી. હું લુધિયાણાથી આવ્યો હતો. પ્રોફેશનલ કામમાં મારું ઍક્સપોઝર ઝીરો હતું. એ બન્ને ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ઍડમિશન લીધા પહેલાં જ કસાયેલા અભિનેતા હતા."

પંકજ કપૂરના જણાવ્યા મુજબ, એનએસડીમાં ઍડમિશન વખતે તેમની જે વય હતી તેને કારણે તેમનામાં શીખવાની ધગશ હતી.

ટીવી અને સિનેમાની દુનિયા

પંકજ કપૂર તેમની સફળતાનો શ્રેય ટીવીની દુનિયાને આપે છે
ઇમેજ કૅપ્શન, પંકજ કપૂર તેમની સફળતાનું શ્રેય ટીવીની દુનિયાને આપે છે

'મકબૂલ', 'મટરુ કી બિજલી કા મનડોલા' અને 'એક ડૉક્ટર કી મોત' જેવી ફિલ્મોમાં પોતાની શાનદાર ઍક્ટિંગ માટે વિખ્યાત પંકજ કપૂરનું કહેવું છે કે તેઓ પોતાની શરતે ફિલ્મોમાં કામ કરે છે.

તેઓ કહે છે, "હું પહેલાંથી જ આવો છું. મેં બાઉન્ડ સ્ક્રિપ્ટ વિના કોઈની સાથે કામ કર્યું નથી. એ કારણે મેં ઘણી ફિલ્મો છોડી છે. બાઉન્ડ સ્ક્રિપ્ટ ન હોય તો મને સમજાતું નથી કે મારા શું કરવાનું છે."

"એ કારણે ઘણા લોકો નારાજ પણ થયા. ઘણું બધું કામ પણ છોડવું પડ્યું."

પંકજ કપૂર ઉમેરે છે, "મારો કોઈ પીઆર એજન્ટ નથી. કોઈ મારા માટે કામ કરતું નથી. દિગ્દર્શકો સીધા મારી સાથે વાત કરે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે કોઈના પ્રભાવ હેઠળ મારું કામ થાય એવું હું ઇચ્છતો ન હતો."

પંકજ કપૂર તેમની સફળતાનું શ્રેય ટીવીની દુનિયાને આપે છે.

તેઓ કહે છે, "અમે લોકો થિયેટરમાંથી આવ્યા હતા. જેમને મેઇનસ્ટ્રીમ સિનેમામાં ખાસ કોઈ તક મળી નથી. ટીવીમાં પ્રારંભિક દિવસોમાં કામ સારું થતું હતું. એ સમયના ટીવી કાર્યક્રમો નિહાળશો તો સમજાશે કે બહુ સારું કામ થયું છે."

"તેનો હિસ્સો બનવામાં અમને બહુ આનંદ થયો. જે પ્રકારનાં પાત્રો ભજવવાની ઇચ્છા હોય તેવાં પાત્રો ભજવવાની તક મળી હતી."

પંકજ કપૂર 'ઑફિસ ઑફિસ' અને 'મોહનદાસ બીએ એલએલબી' જેવા ટીવી કાર્યક્રમો માટે પણ વિખ્યાત છે.

'ઉગ્રવાદ પીડા આપે છે'

પંકજ કપૂર તેમની સફળતાનો શ્રેય ટીવીની દુનિયાને આપે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પંકજ કપૂર 'ઑફિસ ઑફિસ' અને 'મોહનદાસ બીએ એલએલબી' જેવા ટીવી કાર્યક્રમો માટે પણ વિખ્યાત છે

પંકજ કપૂરે સમયની સાથે સમાજમાં થઈ રહેલા પરિવર્તનનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમના કહેવા મુજબ, સમય સાથે સમાજમાં પણ પરિવર્તન થતું રહ્યું છે.

તેઓ કહે છે, "સ્થિતિ જેવી હતી, સ્થિતિ જેવી છે એવી નહીં રહે. 60 વર્ષ પહેલાં ટેલિવિઝન ન હતું. હવે ઇન્ટરનેટ આવી ગયું છે. ગૂગલ પર સવાલ કરો તો જવાબ મળી જાય છે. પરિવર્તન થયા જ કરે છે."

"વ્યક્તિ સકારાત્મક માનસિકતા જાળવી રાખવાના પ્રયાસ કરે ત્યાં સુધી સમાજમાં સુધારો થવાની શક્યતા રહે છે, પરંતુ ઉગ્રવાદ તરફ વળવું નુકસાનકારક છે અને તેનું પરિણામ નકારાત્મક હશે."

પંકજ કપૂર ઉમેરે છે, "કોઈ પણ વસ્તુ તેની ચરમસીમાએ પહોંચે છે ત્યારે તે ખતમ થઈ જાય છે. તેનો પોતાનો એક સમય હોય છે. એ પછી તેમાંથી કશુંક નવું બહાર આવતું હોય છે. એવું હું માનું છું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન