સેક્સની ઇચ્છા ઘટી જાય ત્યારે શું ટેસ્ટોસ્ટેરોન લઈને તેને વધારી શકાય, નિષ્ણાતો શું કહે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રુથ ક્લેગ
    • પદ, વરિષ્ઠ આરોગ્ય સંવાદદાતા
  • વાંચવાનો સમય: 11 મિનિટ

1990ના દાયકામાં ઍલન રીવ્ઝ 'ધ ડ્રીમબૉય્ઝ'ના એક સભ્ય તરીકે નિયમિતપણે સ્ટેજ પર પરફૉર્મ કરતા હતા અને હજ્જારો લોકોની સામે પોતાનાં વસ્ત્રો ઉતારી દેતા હતા.

તેઓ એટલા લોકપ્રિય હતા કે, તેઓ તેમના પુરુષ ડાન્સર્સના ગ્રૂપ સાથે સ્પાઇસ ગર્લ્સની ફિલ્મ 'સ્પાઇસ વર્લ્ડ'માં પણ જોવા મળ્યા હતા.

તે સમયે 24 વર્ષના રીવ્ઝે સ્વયં સ્વીકાર્યું હતું, "હું આકર્ષક હતો."

પરંતુ રીવ્ઝ 30 વર્ષના થયા, ત્યારે તેમની સામે એક અલગ જ સ્થિતિ આવી - તેમનો મૂડ બગડવા લાગ્યો અને તેમની કામેચ્છા લગભગ ગાયબ થઈ ગઈ હતી.

"મને બરાબર નહોતું લાગતું," એમ તેમણે જણાવ્યું હતું.

અત્યારે 52 વર્ષના રીવ્ઝ કહે છે કે, કામેચ્છાના અભાવની તેમના લાંબા ગાળાના સંબંધો પર અવળી અસર પડવા માંડી હતી.

તેઓ કહે છે, "ત્રણ-ચાર મહિનાઓ સુધી અમારી વચ્ચે જાતીય સંબંધ બંધાતો નહીં. મને તેમાં રસ જ નહોતો રહ્યો."

"આ પ્રકારની સ્થિતિને કારણે યુગલો વચ્ચે સંબંધ વિચ્છેદ થઈ શકે છે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ

ઇમેજ સ્રોત, Fragile Films/ Icon Entertainment International/ Polygram Filmed Entertainment

ઇમેજ કૅપ્શન, સ્પાઇસ ગર્લ્સની ફિલ્મ 'સ્પાઇસ વર્લ્ડ'માં ગેરી હેલિવેલ અને ઍલન રીવ્ઝ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લંડનમાં સ્થાયી થયેલા ફિટનેસ અને લાઇફસ્ટાઇલ કોચ રીવ્ઝે તે પછી ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ થેરેપી (ટીઆરટી) શરૂ કરી અને તેઓ જણાવે છે કે, તેનાથી તેમની જાતીય ઇચ્છા પુનઃ જાગૃત થઈ છે અને તેઓ "ચિઢાયેલા રહેતા વૃદ્ધ"માંથી ફરી 20 વર્ષના તરવરતા યુવાન થઈ ગયા હોવાની લાગણી અનુભવે છે. તેઓ કહે છે, "તે એક અદ્ભુત અનુભવ હતો."

મહિલાઓ પણ ટેસ્ટોસ્ટેરોન તરફ વળી રહી છે.

37 વર્ષનાં મેનોપોઝ બ્લોગર રેચલ મેસન કહે છે કે, તેમના ઊર્જાના સ્તર, એકાગ્રતા અને કામેચ્છા માટે આ હોર્મોન "અદ્ભૂત" સાબિત થયું છે.

ટેસ્ટોસ્ટેરોનના પ્રિસ્ક્રીપ્શનમાં ભારે ઉછાળો નોંધાયો છે.

કેર ક્વૉલિટી કમિશન દ્વારા સંપાદિત કરવામાં આવેલા એનએચએસ બિઝનેસ ઑથોરિટીના તાજેતરના ડેટા દર્શાવે છે કે, 2021 અને 2024ની વચ્ચેના ગાળામાં તેના પ્રિસ્ક્રીપ્શનમાં 135 ટકા સુધીનો વધારો થયો છે.

આ વધારો એ સમયે થયો છે, જ્યારે બ્રિટનમાં શારીરિક સંબંધ બાંધવાની ઇચ્છા ઓસરવા માંડી હોવાની છબિ ઉપસી રહી છે.

નૅશનલ સરવેઝ ઑફ સેક્સ્યુઅલ ઍટિટ્યૂડ્ઝ ઍન્ડ લાઇફસ્ટાઇલ્સ (નેટ્સલ)ના જણાવ્યા પ્રમાણે, જાતીય સંબંધ બાંધવાના આવર્તનમાં સ્થિર ઘટાડો થઈ રહ્યો છે.

આ સરવે હેઠળ લગભગ પ્રત્યેક દાયકામાં 10,000 કરતાં વધુ લોકોને પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેના નવા આંકડા ચાલુ વર્ષના ઉત્તરાર્ધમાં પ્રસિદ્ધ થશે.

1990માં 16થી 44 વર્ષની વયના લોકો મહિને સરેરાશ પાંચ વખત જાતીય સંબંધ બાંધતા હોવાનું નોંધાયું હતું.

2000 સુધીમાં તે સંખ્યા ઘટીને ચાર થઈ ગઈ હતી અને 2010 આવતા સુધીમાં તે ત્રણ પર પહોંચી ગઈ હતી.

આગામી પરિણામો ચાલુ વર્ષના અંતમાં પ્રગટ થશે, ત્યારે સંશોધકોએ ઘટાડાનો આ ટ્રેન્ડ આગળ ધપવાની શક્યતા વ્યક્ત કરી હતી - જોકે, તેઓ આ ઘટાડા માટે કોઈ એક કારણને જવાબદાર ઠેરવતા નથી.

આ સ્થિતિને લઈને એ ચર્ચા વેગ પકડી રહી છે કે, શું ટેસ્ટોસ્ટેરોન વધારવાથી કામેચ્છામાં સુધારો થઈ શકે છે કે પછી તે સઘળું કેવળ પ્રચાર, નફો અને પ્લેસીબો પ્રભાવ પર આધારિત છે?

સમાગમની ઇચ્છામાં ઘટાડો કેમ થઈ રહ્યો છે?

સંશોધકો માને છે કે જાતીય સંબંધ બાંધવાની ઇચ્છામાં ઘટાડો થવું હવે સામાન્ય બની રહ્યું છે, એલન રીવ્ઝ પણ એ જ વાતનું ઉદાહરણ છે.

નેટસલનાં ઍકેડેમિક ડિરેક્ટર સોએઝિગ ક્લિફ્ટન જણાવે છે કે, "છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમે દરેક વર્ગમાં આ પ્રકારનો ઘટાડો નોંધ્યો છે."

"ઉદાહરણ તરીકે, 1990ના દાયકાની સરખામણીમાં હવે સાથે રહેતાં યુગલોની સંખ્યા ઓછી થઈ છે, જેનાથી જાતીય ઇચ્છામાં ઘટાડો થયો હોવાની સમજ મેળવી શકાય છે, પણ અમે તે જૂથોમાં જોયું, તો તેમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો."

વાસ્તવમાં પાકટ, પરિણીત કે સાથે રહેનારાં યુગલોમાં જાતીય સંબંધ બાંધવાની ઇચ્છામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.

ક્લિફ્ટન કહે છે કે, કામેચ્છા શા માટે ઘટી રહી છે, તેનું ચોક્કસ કારણ જણાવવું મુશ્કેલ છે.

તેઓ કહે છે, "લોકો અગાઉની તુલનામાં શા માટે ઓછા પ્રમાણમાં જાતીય સંબંધ બાંધે છે, તે વિશ્વાસપૂર્વક જણાવી શકે, તેવા કોઈ ડેટા હજી સુધી મારી પાસે ઉપલબ્ધ નથી."

આ પાછળનું કારણ સમજવાની કોશિશ કરતા ઘણા અભ્યાસો થયા છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, ડિજિટલ વિશ્વ એક મહત્ત્વનું પરિબળ હોઈ શકે છે, જેના કારણે આરામ કરવાનું મુશ્કેલ થઈ જાય છે અને સાથે જ અન્ય કાર્યો કરવા માટેના વિકલ્પો પણ વધારે રહેતા હોય છે.

આ ઉપરાંત, અત્યારના સમયમાં તણાવનું સ્તર પણ 30 વર્ષ પહેલાંના સ્તર કરતાં ઊંચું છે, તે પણ એક કારણ હોઈ શકે છે, એમ જનરલ પ્રેક્ટિશનર અને સેક્સ થેરપિસ્ટ ડૉક્ટર બેન ડેવિસ જણાવે છે.

તેઓ સમજાવે છે કે, "લોકોના જીવનમાં ઘણું બધું એક સાથે ચાલી રહ્યું હોય છે. ટેકનૉલૉજી તો ખરી જ, પણ તે ઉપરાંત તણાવ, હતાશા, એકાકીપણું પણ વધી રહ્યાં છે... આ તમામ બાબતો કામેચ્છામાં ઘટાડાનું કારણ બનશે."

આ ઉપરાંત અન્ય એક શક્યતાએ પણ ઑનલાઇન ચર્ચા જગાવી છે અને તે મોટો વ્યવસાય બની ગયો છે, તે છેઃ ટેસ્ટોસ્ટેરોનના નીચા સ્તરની કામેચ્છા પર અસર પડી શકે છે.

બ્રિટિશ સોસાયટી ફૉર સેક્સ્યુઅલ મેડિસિન (બીએસએસએમ)ના સભ્ય તથા કન્સલ્ટન્ટ યુરોલૉજિસ્ટ પ્રોફેસર જેફ્રી હેકેટે જણાવ્યું હતું કે, "પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર નિશ્ચિતપણે ઘટી રહ્યું છે."

"મેદસ્વીપણું, ટાઇપ-ટુ ડાયાબિટીસમાં વધારો, બેઠાડુ જીવન જીવી રહેલા લોકોની વધતી સંખ્યા - આ તમામ પરિબળોને કારણે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર નીચું જાય છે."

"અને ટેસ્ટોસ્ટેરોનનું નીચું સ્તર કામેચ્છામાં ઘટાડા પાછળનું એક કારણ હોઈ શકે છે."

છેલ્લાં 20 વર્ષોમાં પુરુષોના સ્તરનું માપન કરતા વ્યાપક સ્તરના વિવિધ અભ્યાસો સૂચવે છે કે, ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટી ગયું છે, પણ હેકેટ ભારપૂર્વક કહે છે કે, સ્થિતિ જટિલ છે.

ટેસ્ટોસ્ટેરોન ઓછું થવાથી કામેચ્છા ઘટી જવાની સંભાવના વધી જાય છે, પણ તેનો અર્થ એ નથી કે, ઓછું ટેસ્ટોસ્ટેરોન ધરાવતી દરેક વ્યક્તિની કામેચ્છા ઓછી થઈ જશે.

આ જટિલતા છતાં મેટ્રો સ્ટેશન્સ, બસ સ્ટૉપ્સ અને સોશિયલ મીડિયા ફીડમાં હવે એ પ્રકારની જાહેરાતોની ભરમાર જોવા મળે છે કેઃ કામેચ્છાનો અભાવ? દિમાગની સુસ્તી? થાક વર્તાય છે? તો, ટેસ્ટોસ્ટેરોન ચૅક કરાવવાનો સમય પાકી ગયો છે! શું તમારા પુરુષના જોશમાં ઓટ આવી ગઈ છે? તો તે માટે તેમના હોર્મોન્સ જવાબદાર હોઈ શકે છે!

તો, શું ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ થેરેપી (ટીઆરટી) સાચે જ કામેચ્છાનો સચોટ ઇલાજ હોઈ શકે છે?

ટેસ્ટોસ્ટેરોને મને નવજીવન આપ્યું

મેલિસા ગ્રીન લગભગ એક વર્ષથી ટેસ્ટોસ્ટેરોન લઈ રહ્યાં છે.

તેઓ કહે છે કે, તેનાથી તેમનો "જીવન જીવવાનો ઉત્સાહ પાછો ફર્યો અને સાથે જ તેમનું લગ્નજીવન પણ બચી ગયું."

43 વર્ષનાં મેલિસા કહે છે કે, તેમની ઓછી કામેચ્છાનો તેમના સંબંધો પર નકારાત્મક પ્રભાવ પડી રહ્યો હતો.

મેનોપોઝના તબક્કામાંથી પસાર થઈ રહ્યાં હોવાથી તેમના ડૉક્ટરે તેમને હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી (એચઆરટી) થકી એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરોનની પહેલેથી જ સલાહ આપી હતી, પણ ગ્રીન કહે છે કે, ડૉક્ટરે તેમના ટેસ્ટોસ્ટેરોનના સ્તરની તપાસ નહોતી કરી અને જણાવ્યું હતું કે, તેમને વધારાના હોર્મોનની જરૂર નથી.

એનએચએસ જણાવે છે કે, તે નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેર ઍક્સેલન્સની માર્ગદર્શિકાનું પાલન કરે છે.

તે માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, ઓછી કામેચ્છા માટે જવાબદાર અન્ય તમામ પરિબળોને નકારી કાઢવામાં આવ્યાં હોય, ત્યાર બાદ જ તથા એચઆરટી (હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી)ના પરીક્ષણ બાદ જ મહિલાઓ માટે ટેસ્ટોસ્ટેરોનનો ઉપયોગ કરવો જોઈએ.

છેવટે ગ્રીન ખાનગી ક્લિનિકમાં ગયાં, ત્યાં તેમના બ્લડ ટેસ્ટ્સ કરાવ્યાં અને તેમને જણાવવામાં આવ્યું કે, તેમનું હોર્મોન્સ લેવલ ઓછું હતું. રિપોર્ટ્સ ડૉક્ટરને બતાવ્યા બાદ હવે તેમને એનએચએસ દ્વારા થોડું ટેસ્ટોસ્ટેરોન મળે છે અને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે અમુક પ્રમાણમાં વધારાનું ટેસ્ટોસ્ટેરોન આપવામાં આવે છે.

તેઓ જણાવે છે કે, "તેનાથી મને મારું જીવન પાછું મળ્યું છે. અમુક રીતે જોતાં, મને લાગે છે કે, હું ફરી 20 વર્ષની થઈ ગઈ છું. મારામાં ઊર્જાનો સંચાર થયો છે. વળી, મારી કામેચ્છા પણ ફરી જાગૃત થઈ છે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ

ઇમેજ સ્રોત, Melissa Green

ઇમેજ કૅપ્શન, મેલિસા ગ્રીન અને તેમના પતિ માર્કસ

કેટલાક લોકો કામેચ્છા પર ટેસ્ટોસ્ટેરોનની અસરના ભરપેટ વખાણ કરે છે, જ્યારે અન્ય લોકોએ તેની અસર ઓછી સુખદ રહી હોવાનું જણાવ્યું છે.

શેરિલ ઓ'મેલીએ એક વર્ષ સુધી ટેસ્ટોસ્ટેરોનનું સેવન કર્યું હતું.

તેઓ કહે છે કે, તેનાથી મેનોપોઝ દરમિયાન ગુમાવેલી ઊર્જા અમુક અંશે પરત મેળવવામાં તેમને મદદ મળી, પણ તેના કારણે તેમની કામેચ્છા ખૂબ વધી ગઈ અને તેમને તીવ્ર ક્રોધની લાગણી થવા માંડી.

"હું અત્યંત કામુક હતી. હું મારા પતિ સાથે સમાગમ કરવા ઇચ્છતી હતી, પણ સાથે જ હું તેમને નફરત પણ કરતી હતી."

"તે સમયે મને ખબર પડી કે, આ સારી બાબત નથી, આ સારું નથી અને હું આવી નથી, મેં જાણે સ્વયં પરનો કાબૂ ગુમાવી દીધો હતો."

રેચલ મેસન કહે છે, "જ્યારે તેઓ ટીઆરટી વિશે પોસ્ટ કરે છે, ત્યારે તેમને જાણ થાય છે કે, ઘણી મહિલાઓને ટેસ્ટોસ્ટેરોન શરૂ કરવામાં બીક લાગતી હોય છે.

"તેમને ચિંતા હોય છે કે, તેમનામાં પુરુષો જેવાં લક્ષણો દેખાવા માંડશે, ચહેરા પર વાળ ઊગવા માંડશે અને તેઓ સ્વયં પરનો કાબૂ ગુમાવી દેશે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ

ઇમેજ સ્રોત, Rachel Mason @raysecommunity

ઇમેજ કૅપ્શન, રેચલ મેસન કહે છે કે, ટેસ્ટોસ્ટેરોન તેમના માટે "અદ્ભૂત" સાબિત થયું છે

મેસન કહે છે કે, તેમના કાંડાના એક ભાગમાં તેઓ દરરોજ ટેસ્ટોસ્ટેરોન જેલ લગાવે છે, ત્યાં ખાસ્સા વાળ ઊગ્યા છે. પરંતુ, હોર્મોનને કારણે તેમને થયેલા લાભ સામે આ આડઅસર સાવ મામૂલી છે.

શરીર પર વાળ ઊગવાની સાથે ટીઆરટીની અન્ય કેટલીક આડઅસરો પણ હોઈ શકે છે.

મહિલાઓ માટે સૌથી સામાન્ય આડઅસર છે, વધુ પડતા વાળ ઊગવા, ખીલ થવા અને વજન વધી જવું. જોકે, ડોઝ ઘટાડવાથી કે બંધ કરી દેવાથી આ આડઅસરો જતી રહે છે. વાળ ખરવા અને અવાજ ભારે થવો એ ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ થેરેપીની ભાગ્યે જ થતી આડઅસર છે.

પુરુષોમાં જોવા મળતી આડઅસરોમાં વજન વધી જવું, પીડાદાયક અને લાંબા સમય સુધી ઇરેક્શન રહેવું, ટાલ પડવી, મૂડ બદલાતો રહેવો, વગેરેનો સમાવેશ થાય છે.

વળી, તેના કારણે શુક્રાણુઓનું ઉત્પાદન પણ ઘટી શકે છે, જેની પ્રજનન ક્ષમતા પર વિપરીત અસર પડી શકે છે.

કેટલીક સારવારોથી મદદ મળી શકે છે, પણ તબીબી સલાહ લેવી આવશ્યક છે.

'કમાણી કરવા માટેનું સાધન'

કેટલાક એનએચએસ જનરલ પ્રેક્ટિશનર્સ અને સેકન્ડરી કેર કન્સલ્ટન્ટ્સે બીબીસીને જણાવ્યું હતું કે, ખાનગી ક્લિનિકો જટિલ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવા માટે ટીઆરટી વેચીને નફાખોરી કરી રહ્યાં છે.

જાતીય તથા પ્રજનન આરોગ્ય ક્ષેત્રે એનએચએસનાં કન્સલ્ટન્ટ ડૉક્ટર પૉલા બ્રિગ્ઝ તેને "ફાયદાનો સોદો" ગણાવે છે, જ્યાં લોકો એવી ચીજ માટે અઢળક નાણાં ચૂકવે છે, જેની તેમને જરૂર જ નથી.

તેઓ કહે છે, "પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે. આરોગ્ય અને સુખાકારી ઉદ્યોગે બજારમાં આ અંતર ઊભું કર્યું છે, જેનો ઉપયોગ તેઓ પોતાના ફાયદા માટે કરી રહ્યા છે."

"આ ઉચિત નથી."

જોકે, ખાનગી ક્લિનિકો જણાવે છે કે, એનએચએસ જે સેવા પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યું છે, તે સેવા તેઓ પૂરી પાડીને લોકોના જીવનમાં સુધારો લાવી રહ્યાં છે.

પુરુષોના આરોગ્ય ક્ષેત્રે વિશેષજ્ઞતા ધરાવતા કરોડો રૂપિયાના ક્લિનિક વોયના મેડિકલ ડિરેક્ટર તથા એનએચએસના જનરલ પ્રેક્ટિશનર જેફ ફોસ્ટર જણાવે છે કે, ખાનગી ક્ષેત્ર તકેદારીમાં રહેલી ઊણપને દૂર કરી રહ્યું છે.

અત્યારે એનએચએસ નીચું ટેસ્ટોસ્ટેરોન ધરાવનારા હજ્જારો પુરુષોનું નિદાન કરવા માટે કે તેમની સારવાર કરવા માટે તૈયાર નથી.

ટીઆરટીની સુવિધા એનએચએસ મારફત પૂરી પાડવામાં આવે છે, જેમાં મોટાભાગનાં ક્લિનિક્સ ઍન્ડોક્રાઇનોલૉજી અથવા યૂરોલૉજી વિભાગ હેઠળ કાર્યરત હોય છે.

માઇકલ કોક્સિસ તેમની કંપની બૅલેન્સ માય હોર્મોન્સ થકી 2016થી ટીઆરટી (ટ્રાન્સિએન્ટેડ રિપ્લેસમેન્ટ થેરેપી) ઑફર કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં માગમાં ભારે ઉછાળો નોંધાયો છે.

કોક્સિસ કહે છે કે, તેમના કેટલાક દર્દીઓએ એનએચએસ મારફત પરીક્ષણ કરાવ્યું છે અને તેમને જણાવવામાં આવ્યું છે કે, તેમનામાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ નીચું નથી, આથી તેમણે ખાનગી રાહે સારવાર કરાવવાનો નિર્ણય કર્યો છે.

"તેમનું ટેસ્ટોસ્ટેરોનનું સ્તર એનએચએસ દ્વારા નક્કી કરવામાં આવેલી સીમા કરતાં થોડું ઊંચું હોવાનો અર્થ એ નથી કે, ટીઆરટી તેમની મદદ નથી કરી શકતું.

"આ મામલો દેખાય છે, તેટલો સરળ નથી. બલ્કે, ઘણો વધારે પેચીદો છે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, વોયના મેડિકલ ડિરેક્ટર જેફ ફોસ્ટર કહે છે, "હાલના તબક્કે એનએચએસ નીચું ટેસ્ટોસ્ટેરોન ધરાવનારા હજ્જારો પુરુષોનું નિદાન કરવા કે તેમની સારવાર કરવા માટે સજ્જ નથી."

પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર 30થી 40 વર્ષની વયની વચ્ચે લગભગ એક ટકા જેટલું ઓછું થઈ જાય છે.

એનએચએસની સલાહ અનુસાર, વય વધવાની પ્રક્રિયાનો આ એક સામાન્ય તબક્કો છે અને તેનાથી કામેચ્છા પર અસર પડવાની શક્યતા નહિવત્ છે.

ઍલન રીવ્ઝે શરૂઆતમાં એનએચએસ હેઠળ ટીઆરટી મેળવી હતી. બે પરીક્ષણોમાં તેમનું સ્તર 10 નેનોમોલ્સ પ્રતિ લીટર અને 12 નેનોમોલ્સ પ્રતિ લીટર જોવા મળ્યું હતું.

તે પછી તેમને ત્રણ અઠવાડિયાના અંતરાલ પર ચાર ઇન્જૅક્શન્સ આપવામાં આવ્યાં હતાં.

પણ ચોથી ટ્રિટમેન્ટ પછી રીવ્ઝને વધુ કોઈ સ્પષ્ટતા વિના કહેવામાં આવ્યું કે, હવે આ સારવાર ચાલુ નહીં રાખી શકાય.

તેમણે જણાવ્યું હતું કે,"હું ફરી હતો, ત્યાં જ આવી ગયો. આથી, મેં ખાનગી ક્ષેત્રમાં જવાનો નિર્ણય લીધો."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ

ઇમેજ સ્રોત, Alan Reeves @coachalreeves

ઇમેજ કૅપ્શન, ઍલન રીવ્ઝ હવે ફિટનેસ અને લાઇફસ્ટાઇલ કોચ છે

આપણને સવાલ એ થાય કે, પુરુષો માટે ટેસ્ટોસ્ટેરોનનું તંદુરસ્ત સ્તર કયું? તેનો આધાર - તમે કયા સંગઠનને આ સવાલ કરો છો અને કયો અભ્યાસ વાંચો છો - તેના પર રહે છે.

મહત્ત્વના આંતરરાષ્ટ્રીય અભ્યાસો દ્વારા જેનું અર્થઘટન કરવામાં આવ્યું છે, તે બીએસએસએમની માર્ગદર્શિકા સૂચવે છે કે, 12 નૅનોમોલ્સ પ્રતિ લીટર કરતાં ઓછું સ્તર ધરાવનારા પુરુષોને ટીઆરટી માટેની સલાહ આપી શકાય અને સંભવતઃ તેમનામાં હાઇપોગોનાડિઝમનાં લક્ષણો દેખાતાં હોય છે.

આ એક એવી સ્થિતિ છે, જેમાં વૃષણ દ્વારા આ આવશ્યક સેક્સ હોર્મોનનું પૂરતું ઉત્પાદન કરવામાં આવતું નથી.

એનએચએસની માર્ગદર્શિકા વિવિધ ટ્રસ્ટોમાં વિભિન્ન હોય છે, પણ તે જણાવે છે કે, 6થી 8 નૅનોમોલ્સ પ્રતિ લીટર કરતાં ઓછું સ્તર ધરાવનારા પુરુષમાં ટેસ્ટોસ્ટેરોનની ઊણપ હોઈ શકે છે.

બીજી તરફ, મહિલાઓમાં 20 અને 40 વર્ષની વચ્ચે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઘટવા માંડે છે અને મેનોપોઝ દરમિયાન સ્થિર થઈ જાય છે. પ્રમાણ ઘટવું સામાન્ય બાબત છે, પણ પ્રશ્ન એ છે કે, તે ઘટાડાની કામેચ્છા અને સમગ્ર આરોગ્ય પર શું અસર પડે છે?

આ માટેના ટેસ્ટ્સ ઉપલબ્ધ છે, પણ ચોકસાઈપૂર્ણ માપ લેવું મુશ્કેલ છે, કારણ કે, ટેસ્ટોસ્ટેરોન મહિલાઓ માટે પણ જરૂરી છે, પણ તેનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે.

વળી, જો, ડૉક્ટર તે માટેની સલાહ આપે, તો પણ તે એક "ઑફ-લેબલ" તરીકે આપવામાં આવે છે, કારણ કે, હાલમાં એનએચએસ પર મહિલાઓ માટે કોઈ લાઇસન્સ ધરાવતી સારવાર ઉપલબ્ધ નથી.

બ્રિગ્ઝને ટીઆરટીને લઈને થઈ રહેલી ચર્ચા અંગે સંદેહ છે.

તેઓ કહે છે કે, તેમની પાસે ઘણા દર્દીઓ આવીને કહી રહ્યા છે કે, તેમને ટેસ્ટોસ્ટેરોનની જરૂર છે, કારણ કે, તેમનો મૂડ સારો નથી રહેતો અને હવે તેમને સેક્સમાંથી રસ ઊડી ગયો છે.

"તેઓ મને કહે છે કે, તેમણે આ મામલે પોતાની રીતે તપાસ કરી છે. તેનો અર્થ એ કે, આ સારવારે પોતાની જીંદગી બદલી નાખી હોવાની કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ તેમણે જોઈ છે."

"કોઈ સેલિબ્રિટી પર આ સારવાર કારગત નીવડી, તેનો અર્થ એ નથી કે, તમામ લોકો માટે તે અસરકારક છે."

તેઓ કહે છે કે, તેમના સ્થાનિક વિસ્તાર - ચેશાયર અને મર્સીસાઇડના જનરલ પ્રેક્ટિશનર્સ પાસે ટેસ્ટોસ્ટેરોનની તપાસ કરાવવાની માગણી કરતા દર્દીઓનું જાણે ઘોડાપૂર ઊમટ્યું છે.

"તે પૈકીના ઘણા દર્દીઓ ટીઆરટીનું પ્રિસ્ક્રિપ્શન લઈ જાય છે અને પછી થોડા જ મહિનાઓમાં પાછા ફરીને કહે છે કે, આ સારવારની કોઈ ખાસ અસર ન થઈ."

અમુક લોકો માટે આ સારવાર અસરકારક નીવડે છે, પણ પોતાને ટેસ્ટોસ્ટેરોનની જરૂર હોવાનું જણાવતા દર્દીઓ પૈકી, જેને વાસ્તવમાં લાભ થતો હોય, તેવા દર્દીઓની સંખ્યા ઘણી જ ઓછી છે.

મહિલાઓના સંદર્ભમાં અત્યાર સુધીના ક્લિનિકલ પુરાવા દર્શાવે છે કે, મેનોપોઝ પછી ઓછી કામેચ્છા ધરાવતી મહિલાઓની સારવારમાં જ ટીઆરટી અસરકારક નીવડે છે.

બ્રિગ્ઝ કહે છે કે, ખાનગી ક્લિનિક્સની જાહેરાતોએ "દરેક બાબતને વધારી-ચઢાવીને રજૂ કરી છે."

"ટીઆરટી જરૂરી હોય, તે સ્થિતિમાં હું તેની વિરુદ્ધ નથી. વાસ્તવમાં હું તેના વધુ પડતા પ્રચાર-પ્રસારની વિરુદ્ધ છું."

જનરલ પ્રેક્ટિશનર બેન ડેવિસે ચેતવણી આપી છે કે, ટીઆરટીની પ્લેસીબો અસર ઉપજી શકે છે, જેમાં અમુક વખત દર્દીઓ એવી દવાઓ લે છે અને તેમની પાછળ નાણાં ખર્ચે છે, કે જેની વાસ્તવમાં તેમને જરૂર જ હોતી નથી.

શેરિલ ઓ'મેલીએ ટેસ્ટોસ્ટેરોન લેવાનું બંધ કરી દીધું છે. તેઓ કહે છે કે, સારવાર દરમિયાન તેમને જે તીવ્ર ક્રોધની લાગણી અને કામેચ્છા જાગતાં હતાં, તે શમી ગયાં છે અને તેમની કામેચ્છા હવે સહજ સ્તર પર આવી ગઈ છે.

તેઓ જણાવે છે કે,"તે લેવાનું બંધ કરી દેવાથી હવે હું રાહત અનુભવું છું."

ટેસ્ટોસ્ટેરોન 'કોઈ સચોટ ઇલાજ નથી'?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ

ઇમેજ સ્રોત, Cheryl O'Malley

ઇમેજ કૅપ્શન, શેરિલ ઓ'મેલી

ડેવિસ કહે છે, "અમુક લોકો માટે દવા વાસ્તવમાં પરિવર્તનકારક હોઈ શકે છે, પણ આ પ્રક્રિયા કેવળ દવા હાથમાં પકડાવી દેવા કરતાં વિશેષ છે."

"જનરલ પ્રેક્ટિશનર્સ પાસે કદાચ દર્દીઓ સાથે એ ચર્ચા કરવાનો સમય નહીં હોય કે, તેમની કામેચ્છા ઓછી થવા પાછળ કયું કારણ જવાબદાર હોઈ શકે છે?"

"તે માટે પાર્ટનર સાથેનો તેમનો સંબંધ જવાબદાર હોઈ શકે છે, તે માટે તેઓ સ્વયંને કેવી રીતે જુએ છે, તે દૃષ્ટિકોણ જવાબદાર હોઈ શકે છે અથવા તો વર્તમાન સમયમાં તેઓ જે રીતનો શારીરિક સંબંધ બાંધી રહ્યા છે, તેનાથી તેઓ ઉત્તેજિત ન થતા હોય, તે પણ શક્ય છે."

તેઓ કહે છે કે, કામેચ્છા ઘટી જવા પાછળ ઘણાં પરિબળો જવાબદાર હોય છે, તે માટે કેવળ ટેસ્ટોસ્ટેરોન જ કારણભૂત નથી હોતું.

ઍલન રીવ્ઝ સાત વર્ષથી ટીઆરટી (ટેસ્ટોસ્ટેરોન થેરેપી) લઈ રહ્યા છે અને બૅલેન્સ માય હોર્મોન્સ નામના એક ખાનગી ક્લિનિક દ્વારા તેમને ટેસ્ટોસ્ટેરોન આપવામાં આવે છે.

તેઓ કહે છે કે, તેમના જીવનમાં નાટ્યાત્મક સુધારો આવ્યો છે.

"મારી કામેચ્છા ફરી જાગૃત થઈ છે અને શરૂઆતમાં તો મને સળંગ 10 રાત સુધી રોજ રાત્રે સમાગમ કરવાનું મન થતું હતું."

"પણ હવે સ્થિતિ શાંત થઈ ગઈ છે અને હું સ્વસ્થ છું."

તેમ છતાં રીવ્ઝ માને છે કે, "આ અક્સીર ઇલાજ નથી" અને જીવનશૈલીમાં અન્ય ફેરફારો કર્યા વિના ટેસ્ટોસ્ટેરોન લેવાનો કોઈ અર્થ નથી.

તેમણે કહ્યું હતું કે અન્યથા ખખડી ગયેલી કારમાં ફેરારીનું એન્જિન નાખવા જેવી સ્થિતિ સર્જાય છે.

"હવે હું અગાઉ કરતાં વધુ આત્મવિશ્વાસભેર ચાલું છું, જેનું અમુક શ્રેય ટેસ્ટોસ્ટેરોનને અને અમુક શ્રેય મને જાય છે."

  • વધારાનું રિપોર્ટિંગઃ નેટ રાઇટ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન