રમખાણના આરોપીનું ઘર બુલડોઝરથી તોડ્યું, હવે કોર્ટે કહ્યું, 'ફરી બાંધી આપો'

ઇમેજ સ્રોત, BHAGYASHREE RAUT/BBC
- લેેખક, ભાગ્યશ્રી રાઉત
- પદ, બીબીસી મરાઠી માટે
- વાંચવાનો સમય: 6 મિનિટ
"મારા પિતાએ બનાવેલું ઘર તેમણે એક મિનિટમાં તોડી પાડ્યું હતું. મારાં નાનાં સંતાનો અને મારાં બીમાર, વૃદ્ધ સાસુ-સાસરા એક જ ક્ષણમાં બેઘર થઈ ગયાં હતાં. હું આજે પણ એ દિવસને યાદ કરીને રડી પડું છું. આવી ઘટના મારા દુશ્મનો સાથે પણ બને એવું હું ઇચ્છતી નથી."
આ વાત કરતી વખતે, નવાં ચૂંટાયેલાં નગરસેવિકા અલીશા ખાનની આંખોમાં આંસુ આવી ગયા હતાં અને રડતાં રડતાં વાતો કરતાં હતાં.
અલીશા ખાન નાગપુરનાં રમખાણોના આરોપી ફહીમ ખાનનાં પત્ની છે.
રમખાણનો આરોપ મૂક્યા પછી નાગપુર મહાનગરપાલિકાએ તેમનું ઘર તોડી પાડ્યું હતું. હવે એ કાર્યવાહીની મહાનગરપાલિકા પર વિપરીત અસર થશે, એવું લાગે છે.
તેનું કારણ મુંબઈ હાઇકોર્ટની નાગપુર ખંડપીઠે નાગપુર મહાનગરપાલિકાને આપેલો એક આદેશ છે.
હાઇકોર્ટની ખંડપીઠે શું આદેશ આપ્યો છે? નાગપુર રમખાણના આરોપી ફહીમ ખાનના જીવનમાં છેલ્લા એક વર્ષમાં શું-શું બન્યું હતું? આ સવાલોના જવાબ પ્રસ્તુત ગ્રાઉન્ડ રિપોર્ટથી મેળવીએ.
હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ આદેશ

ઇમેજ સ્રોત, BHAGYASHREE RAUT/BBC
નાગપુરમાં 2025ની 17 માર્ચે હિંસા થઈ હતી. એ પછી લોકોને ઉશ્કેરવાના આરોપસર ફહીમ ખાનની ધરપકડ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે રમખાણથી થયેલા નુકસાનની ભરપાઈ આરોપીઓની મિલકતોને વેચીને કરવામાં આવશે. બે દિવસમાં મહાનગરપાલિકાએ ફહીમ ખાનને ઘરને બુલડોઝરથી તોડી પાડ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ ઘર ફહીમ ખાનનાં માતાના નામે હતું. તેથી માતા હાઇકોર્ટમાં ગયાં હતાં.
હવે એ પ્રકરણમાં હાઇકોર્ટે ફહીમ ખાનનું ઘર ફરી બાંધી આપવાનો અથવા વળતર ચૂકવવાનો મહત્ત્વપૂર્ણ આદેશ નાગપુર મહાનગરપાલિકાને આપ્યો છે.
ફહીમ ખાનના વકીલ અશ્વિન ઇંગોલેએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "મુંબઈ હાઇકોર્ટની નાગપુર ખંડપીઠના મનાઈહુકમ છતાં નાગપુર મહાનગરપાલિકાએ ફહીમ ખાનનું ઘર તોડી પાડ્યું હતું. હવે એ ઘર ફરી બાંધી આપવાનો આદેશ હાઇકોર્ટની ખંડપીઠે આપ્યો છે."
અશ્વિન ઇંગોલેએ ઉમેર્યું હતું, "મહાનગરપાલિકા ઘર બાંધી આપી શકે તેમ ન હોય તો ઘરને થયેલા નુકસાનનું વળતર કોર્ટમાં જમા કરાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ ચોથી માર્ચ સુધીમાં જવાબ રજૂ કરવાનો રહેશે. આગામી સુનાવણી ચોથી માર્ચે થશે."
અલબત્ત, મહાનગરપાલિકાએ આ સંદર્ભે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.
મહાનગરપાલિકાના વકીલ જેમિની કાસટે કહ્યું હતું, "આ બાબતે હાલ વાત કરવી યોગ્ય નથી. અમારે વહીવટીતંત્ર સાથે વાત કરવાની છે. અમે ચોથી માર્ચે તેમની સાથે અમારું મંતવ્ય રજૂ કરીશું."
મ્યુનિસિપલ કમિશનર અભિજિત ચૌધરીએ આ સંદર્ભે અગાઉ હાઇકોર્ટમાં માફી માગી હતી.
ફહીમે કહ્યું હતું, "માનનીય અદાલતે આપેલા આદેશ અનુસાર કામ થશે તો અમને આનંદ થશે. અદાલતે જણાવ્યું છે કે કાં તો ઘર બનાવી આપો અથવા તો નુકસાનીનું વળતર ચૂકવો. કોર્ટે નુકસાનીનો અંદાજ માગ્યો છે. અમે પણ અમારો અંદાજ માંડીશું."
પોતે ફહીમ ખાનનું ઘર બાંધી આપશે કે નહીં, એ મહાનગરપાલિકાએ ચોથી માર્ચે કોર્ટને જણાવવું પડશે. એ પછી હાઇકોર્ટ શું આદેશ આપે છે તે જોવાનું મહત્ત્વપૂર્ણ છે.
'પરિવાર વિખેરાઈ ગયાનું દુઃખ'

ઇમેજ સ્રોત, BHAGYASHREE RAUT/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફહીમ ખાને જણાવ્યું હતું કે ઘટનાને એક વર્ષ વીતી ગયું છે, પરંતુ મહાનગરપાલિકાએ તોડી પાડેલાં ઘરનો કાટમાળ હજુ પણ ત્યાં જેમનો તેમ પડ્યો છે. એક ચપટી માટી પણ દૂર કરવામાં આવી નથી. કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને ઘટનાસ્થળે પંચનામું કરવા કોઈ આવ્યું નથી. તેથી કાટમાળ જેમનો તેમ પડ્યો છે.
ફહીમ ખાન હાલ રેગ્યુલર જામીન પર જેલની બહાર છે અને તેમનાં સંતાનો તથા પત્ની સાથે ઘરની છત પરના કામચલાઉ ટીન શૅડમાં રહે છે. એ શૅડ બનાવવામાં સ્થાનિક લોકોએ તેમને મદદ કરી હતી.
ફહીમ ખાનનાં માતાપિતા તેમનાં પુત્રી સાથે રહે છે, જ્યારે ફહીમના ભાઈનો પરિવાર એક મસ્જિદમાં રહે છે.
અગાઉ બધા સાથે રહેતાં હતાં, પરંતુ ફહીમ ખાનના જણાવ્યા અનુસાર, ઘર પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી પછી આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે.
ફહીમ ખાને કહ્યું હતું, "છેલ્લા એક વર્ષમાં મારા કરતાં મારા પરિવારે વધુ સહન કર્યું છે, કારણ કે હું તો જેલની ચાર દીવાલની અંદર હતો. મારાં નાનાં સંતાનો છે. તેમના માથા પરથી છત અચાનક જતી રહી."
"મારાં બીમાર માતાપિતા પણ છતવિહોણા થઈ ગયાં. મારા ભાઈનો પરિવાર બેઘર થઈ ગયો. અમારો આખો પરિવાર વેરવિખેર થઈ ગયો. આજે અમારી પાસે રહેવા માટે કશું નથી."
તેમણે ઉમેર્યું હતું, "મીડિયા દ્વારા ઊભી કરવામાં આવેલી ઇમેજને કારણે કોઈ અમને ઘર ભાડે આપવા તૈયાર નથી. મેં જેલમાં જેટલી સજા ભોગવી છે તેના કરતાં વધારે સજા મારા પરિવારને મળી છે. પરિવાર આજે પણ સજા ભોગવી રહ્યો છે. રમજાન મહિનો છે, પરંતુ પરિવાર આજે પણ સાથે નથી. તેથી બહુ દુઃખ થાય છે."
'લોકોએ બુલડોઝર જસ્ટિસનો જવાબ આપ્યો'

ઇમેજ સ્રોત, Getty Images
આ પ્રકારનો 'બળજબરી ન્યાય' બીજા કોઈની સાથે ન થાય તેના પ્રયાસો ફહીમ અને તેમનાં પત્ની અલીશા કરી રહ્યા છે, કારણ કે હવે અલીશાને સત્તામાં સ્થાન મળ્યું છે.
તાજેતરમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં અલીશા ખાન એઆઇએમઆઇએમ (ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન) પક્ષની ટિકિટ પર કૉર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં.
આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસની મજબૂત પકડ હોવા છતાં એઆઇએમઆઇએમના ત્રણ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા. તેમાં અલીશા ખાનનો સમાવેશ થાય છે. આ જીતનું શ્રેય બુલડોઝર જસ્ટિસને આપે છે.
ફહીમે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ તમામ ધર્મના લોકો રહે છે, પરંતુ ચૂંટણી પ્રચારમાં એ મુદ્દો જ ન હતો. અમારી સાથે થયેલો બુલડોઝર ન્યાય લોકોને ગમ્યો ન હતો.
લોકોએ જ અમને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા અને અમારી સાથે થયેલા અન્યાયનો જવાબ પણ તેમણે જ મતદાન દ્વારા આપ્યો, કારણ કે વ્યક્તિ ભલે ગમે તે ધર્મની કે સમુદાયની હોય, પરંતુ તેની સાથે બુલડોઝર જસ્ટિસ ન થવો જોઈએ, એવું બધા ઇચ્છે છે.
આ વિસ્તારમાં મહાનગરપાલિકાની ચૂંટણી બુલડોઝર જસ્ટિસના મુદ્દા પર લડાઈ હતી. અલીશા ખાન અને એમઆઇએમના ચૂંટાઈ આવેલા અન્ય નગરસેવકોએ જણાવ્યું હતું કે તેઓ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પણ બુલડોઝર જસ્ટિસનો મુદ્દો ઉઠાવશે.
નગરસેવિકા અલીશા ખાને કહ્યુ હતું, "કોઈના પણ ઘર પર બુલડોઝર ચલાવતા પહેલાં સંપૂર્ણ તપાસ થવી જોઈએ. જેમણે આવી પરિસ્થિતિનો સામનો કર્યો છે, તેઓ વાસ્તવિક પીડા જાણે છે. મહેનત કરીને બનાવેલું ઘર તોડી પાડવામાં આવે એ બહુ મોટી વાત છે. એ માટે હું મહાનગરપાલિકામાં લડીશ."
ફહીમ ખાને કહ્યું હતું, "આ મુદ્દો અમારાથી વધુ સારી રીતે કોઈ ઉઠાવી શકશે નહીં, કારણ કે અમે પીડિત છીએ. હું ગુનેગાર છું કે નહીં તે કોર્ટ નક્કી કરશે. માનનીય અદાલત જે સજા કરશે તે હું સ્વીકારીશ, પરંતુ મારાં કરતાં વધુ સજા મારાં નાનાં સંતાનો અને વૃદ્ધ માતાપિતાને થાય એ ક્યાંનો ન્યાય?"
"મને લાગે છે કે દેશમાં બધે બુલડોઝર જસ્ટિસ બંધ થવો જોઈએ. કાયદા અને બંધારણ અનુસાર ગુનેગારને જે સજા થતી હોય તે સરકારે કરવી જોઈએ, પરંતુ બુલડોઝર ન્યાય વડે પરિવારજનોને ત્રાસ ન આપવો જોઈએ."
રમખાણનો આરોપ, પછી ઘર પર થયેલી કાર્યવાહી, ચાર મહિનાની કારાવાસની સજા પછી મળેલા જામીન અને હવે પત્નીના માધ્યમથી મહાનગરપાલિકાની સત્તામાં પ્રવેશ, આ બધી ઘટનાઓએ છેલ્લા એક વર્ષમાં ફહીમ ખાનનું જીવન બદલી નાખ્યું છે. તેઓ માને છે કે રમખાણના આરોપથી ખરડાયેલી છબી ચૂંટણીના પરિણામથી કંઈક અંશે સુધરી છે.
જોકે, રમખાણ વેળાના મીડિયા કવરેજને તેઓ હજુ ભૂલી શક્યા નથી અને એ બાબતે નારાજગી વ્યક્ત કરે છે.
ફહીમ ખાને કહ્યું હતું, "મારા ઘરમાં એક ડક્ટિંગ હતું, પરંતુ તે ભોંયરું હોવાનું મીડિયાએ જણાવ્યું હતું. ભોંયરું જમીનમાં હોય, ઘરની ઉપર ન હોય. મીડિયાના કવરેજને કારણે મને સૌથી વધારે મુશ્કેલી પડી. તેનાથી મારું જીવન બરબાદ થઈ ગયું. ખોટી બાબતોનું રિપોર્ટિંગ કરીને મારી મીડિયા ટ્રાયલના પ્રયાસો કરવામાં આવ્યા હતા."
જોકે, પોલીસે ચાર મહિનામાં યોગ્ય તપાસ કરી અને એ કારણે જામીન પર મુક્ત થવામાં મદદ મળી હોવાનું ફહીમ ખાને જણાવ્યું હતું.
નાગપુરમાં શું થયું હતું?
બે જૂથો વચ્ચેના વિવાદને કારણે ગયા વર્ષે 17 માર્ચે નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી.
શહેરના મહાલ વિસ્તારમાં વાહનોને આગ ચાંપવામાં આવી હતી અને પથ્થરમારો થયો હતો.
પોલીસે બળપ્રયોગ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને શાંતિ જાળવી રાખવાની અપીલ લોકોને કરી હતી.
નાગપુર પોલીસે ઘટનાની મોડી રાતે એક વાગ્યા સુધી ચિટનીસ પાર્ક વિસ્તારમાં કૉમ્બિંગ ઑપરેશન ચલાવ્યું હતું અને એ વિસ્તારમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો.
નાગપુર હિંસામાં ઘાયલ થયેલા ઇરફાન અંસારી નામની એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં બનેલી ઘટનાની સમીક્ષા 22 માર્ચે કરી હતી.
નાગપુરમાં મીડિયા સાથે વાત કરીને તેમણે આ ઘટના વિશે માહિતી આપી હતી.
તેમણે કહ્યું હતું, "ઔરંગઝેબની પ્રતીકાત્મક કબરને સળગાવી દેવામાં આવી હતી. પોલીસે આ સંદર્ભે ફરિયાદ નોંધી હતી. કુરાનની આયાતોને આગ ચાંપવામાં આવી હોવાની ખોટી અફવા ફેલાવાઈ હતી અને સાંજે મોટી ભીડ એકઠી થઈ હતી."
"તોડફોડ, આગચંપી અને પથ્થરમારો થયો હતો. પોલીસે ચાર-પાંચ કલાકમાં જ પરિસ્થિતિ અંકુશમાં લઈ લીધી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ, ફોટોગ્રાફ્સ અને લોકોએ કરેલા ફિલ્મિંગમાં દેખાતા તોફાનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે."
એ હિંસામાં મુખ્ય આરોપી તરીકે ફહીમ ખાનનું નામ આપવામાં આવ્યું હતું અને ફહીમ ખાનનાં ઘર પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી.
હિંસાના અન્ય આરોપી યુસુફ શેખના ઘરમાંનું ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













