600 વર્ષથી કેરળમાં રહેતા ગુજરાતીઓ કેમ હવે તેમના પ્રદેશને છોડી રહ્યા છે?

કેરળ કેરલમ ગુજરાતી કોચીન એલેપ્પી, કલિકટ સ્થળાંતર રોજગારી ચૂંટણી વિધાનસભા ચૂંટણી ભારત ડાબેરી ભાજપ કૉંગ્રેસ બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Rupesh Sonavane

ઇમેજ કૅપ્શન, વિજય નેગાંધી કાલિકટના ગુજરાતી મંદિરની બહાર નજરે પડે છે

ધીમા પગલે, એક પછી એક જૂનાં મકાનોને પાર કરીને 86 વર્ષના વિજય નેગાંધી કાલિકટની ગુજરાતી સ્ટ્રીટમાં આવેલા લગભગ 147 વર્ષ જૂના કૃષ્ણ મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છે. જે મકાનો પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા, તેમાંનાં મોટાં ભાગનાં બંધ છે, તો કેટલાંક દુકાનોમાં ફેરવાઈ ગયાં છે. અમુક મકાનોમાં એકાદ ગુજરાતી પરિવાર હજી રહે છે.

કેરળ એટલે કે કેરલમના દરિયાકિનારે આવેલા કાલિકટનાં આ મકાનો અમદાવાદની પોળોનાં મકાનોની યાદ અપાવે તેવી રીતે બનાવવામાં આવ્યાં છે. હજુ 10 વર્ષ પહેલાં સુધી અહીં મોટી સંખ્યામાં ગુજરાતી પરિવારો રહેતા હતા, પરંતુ આજકાલ અહીં માત્ર સિનિયર સિટીઝન્સ જ જોવા મળે છે. નવી પેઢીના ગુજરાતીઓ હવે ધીરે ધીરે કેરળને 'અલવિદા' કહી રહ્યા છે.

લગભગ 600 વર્ષથી ગુજરાત તેમજ મુંબઈના અલગ-અલગ ખૂણેથી આવીને કેરળના કાલિકટ, કોચીન, ઇરનાકુલમ્ અને એલેપ્પી જેવા વિસ્તારોમાં વસવાટ કરી રહેલા આ ગુજરાતી મૂળના લોકોની નવી પેઢી હવે ધીરે ધીરે કેરળ છોડી રહી છે.

આવું કેમ થઈ રહ્યું છે, તે જાણવા માટે બીબીસી ગુજરાતીએ આ વિસ્તારોની મુલાકાત લીધી.

કેરળમાં ગુજરાતીઓ કેવી રીતે પહોંચ્યા?

કેરળ કેરલમ ગુજરાતી કોચીન એલેપ્પી, કલિકટ સ્થળાંતર રોજગારી ચૂંટણી વિધાનસભા ચૂંટણી ભારત ડાબેરી ભાજપ કૉંગ્રેસ બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, VIJAY NEGANDHI

ઇમેજ કૅપ્શન, કાલિકટમાં એક ગુજરાતી વેપારીની પેઢીની જૂની તસવીર

કેરળના ગુજરાતી સમાજને સમજવા માટે તેમની ધંધો કરવાની રીત અને ધંધા માટે સાગર ખેડવાના સાહસ વિશે જાણવું પડે.

વર્ષો પહેલાં કચ્છ કે મુંબઈથી વેપાર માટે કેરલમ આવતાં વહાણોનાં લંગર જ્યારે કાલિકટ બંદર પર લાગતાં હતાં, ત્યારે તેમાંના અનેક ગુજરાતીઓ ધંધો કરવા માટે અહીં આવતા હતા.

અહીંના લોકો પ્રમાણે, કેરળમાં પ્રથમ વખત તેઓ કાલિકટ પહોંચ્યા, પછી રાજ્યનાં બીજાં અનેક શહેરોમાં વેપાર અર્થે પહોંચ્યા અને ત્યાં વસવાટ કર્યો. કાલિકટ બાદ એક સમયમાં ગુજરાતીઓની સૌથી વધારે વસ્તી એલેપ્પીમાં હતી અને ત્યારબાદ કોચીનમાં. તે ઉપરાંત ઇરનાકુલમ જેવાં શહેરોમાં પણ આ વેપારીઓ ધંધો કરતા હતા અને ધીરે ધીરે આ તમામ શહેરોમાં ગુજરાતીઓનાં ઘરો વસતાં ગયાં.

અહીંના લોકો કેરળનાં કાળાં મરીને 'કાળું સોનું' તરીકે ઓળખે છે. મુખ્યત્વે આ 'કાળા સોના'ના વેપાર માટે ગુજરાતીઓ છેક ગુજરાતથી અહીં સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ કેરળના બીજા મસાલાઓની સાથે નાળિયેર, ટોપરું, સાબુદાણા અને સોપારીનો વેપાર કરવા માંડ્યા હતા. કેરળનાં અનેક શહેરોમાં ગુજરાતી શેઠોનો ડંકો દાયકાઓ સુધી વાગ્યો છે.

વિજય નેગાંધી પ્રમાણે, ગુજરાતીઓ જ્યાં જાય તે સ્થળને પોતાનું બનાવી લે છે — ત્યાં મકાનો બનાવે, મંદિરો બનાવે, દેરાસરો અને સ્કૂલો બનાવે.

તેઓ કહે છે કે, "હું નાનો હતો ત્યારે કાલિકટની આસપાસનાં તમામ બજારોમાં ગુજરાતી વેપારીઓની જ ટ્રૉલીઓ ભરાતી અને ખાલી થતી જોઈ છે. જે પૈસા મળતા તે અમે પાછા અમારા ગામમાં મોકલવાની જગ્યાએ આ જ જગ્યાને એક નાનું ગુજરાત બનાવી દીધું. જેમ કે અમારી અહીંની સ્કૂલ 1879માં બની ગઈ હતી, અમારું કૃષ્ણ મંદિર પણ તે જ વર્ષે બની ગયું હતું. અમે ગુજરાતથી દૂર રહીને પણ ગુજરાતી ભાષાનું શિક્ષણ મેળવી શકતા હતા."

કાલિકટમાં વસતા ગુજરાતીઓનાં મકાનોની બનાવટ

કેરળ કેરલમ ગુજરાતી કોચીન એલેપ્પી, કલિકટ સ્થળાંતર રોજગારી ચૂંટણી વિધાનસભા ચૂંટણી ભારત ડાબેરી ભાજપ કૉંગ્રેસ બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Rupesh Sonavane

ઇમેજ કૅપ્શન, કાલિકટની ગુજરાતી સ્ટ્રીટની એક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇતિહાસકારો પ્રમાણે, પૉર્ટુગીઝ સંશોધક વાસ્કો-દ-ગામા પ્રથમ વખત કેરળના કાલિકટ બંદર પર આવ્યા હતા. તે બંદરથી થોડેક જ દૂર કલિકટના દરિયાકિનારાની સામે વર્ષો જૂની શ્રી ગુજરાતી માધ્યમિક શાળા આવેલી છે.

તે શાળાની આસપાસ અનેક બજારો હતાં અને તેનાથી થોડેક જ દૂર આવેલી છે ગુજરાતી સ્ટ્રીટ. આ ગુજરાતી સ્ટ્રીટમાં પ્રવેશ કરતાં જ આજના સમયમાં ઍન્ટિક હેરિટેજ જેવાં દેખાતાં મકાનો જોવા મળે છે.

એક જ દીવાલથી જોડાયેલાં, નીચે દુકાન, ઓસરી અને ડ્રોઇંગરૂમ, ઉપર પણ એક ડ્રૉઇંગરૂમ, બેડરૂમ અને બાથરૂમ — આ પ્રકારનાં અનેક મકાનો વર્ષો પહેલાં બાંધવામાં આવ્યાં હતાં.

મકાનોની બહાર ગુજરાતીમાં જ નેમ પ્લેટ હોય, અને કેરળના બીજા ભાગોથી દૂર અહીં કેરળની પ્રખ્યાત માછલી કે ઝીંગાની જગ્યાએ કઢી-ખીચડી, દાળ-ભાત અને ગુજરાતી શાકની સુગંધ આવે તે સામાન્ય બાબત હતી.

દરેક મુખ્ય દરવાજાની ઉપર એક ઝરુખો હોય, જ્યાંથી ગુજરાતી મહિલાઓ એકબીજાં સાથે સહેલાઈથી વાત કરી શકે. ઘરથી થોડેક જ દૂર જલારામ મંદિર અને કૃષ્ણ મંદિર છે, જ્યાં દરરોજ સાંજે સમાજના લોકો એકબીજાને 'જય શ્રી કૃષ્ણ' કહેવા માટે મળે.

જો કે હાલમાં પરિસ્થિતિ જુદી છે. એક સમયમાં જ્યાં ગુજરાતી પરિવારો રહેતા હતા, તે ઘરોમાં આજકાલ ક્લાસિક અને ઍન્ટિક કૅફે ચાલી રહ્યાં છે.

ગુજરાતી પરિવારોનાં હિંચકા અને ફર્નિચરનો આજકાલ 'ઍન્ટિક સીટિંગ' ઍરેન્જમેન્ટ તરીકે કૅફેમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ મકાનો હાલમાં ખાલી છે. તેમના મુખ્ય દરવાજા અને ઓસરીનો ઉપયોગ આજકાલ યુવાનો દ્વારા પ્રી-વેડિંગ શૂટિંગ માટે કરવા માટે થઈ રહ્યો છે.

કેરળમાં કેવી રીતે ગુજરાતીઓ ઓછા થઈ ગયા?

કેરળ કેરલમ ગુજરાતી કોચીન એલેપ્પી, કલિકટ સ્થળાંતર રોજગારી ચૂંટણી વિધાનસભા ચૂંટણી ભારત ડાબેરી ભાજપ કૉંગ્રેસ બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Rupesh Sonavane

ઇમેજ કૅપ્શન, કાલિકટમાં રહેતી ગુજરાતી વ્યક્તિની તસવીર

હાલમાં પરિસ્થિતિ એવી છે કે ગુજરાતી સમાજના યુવાનો કેરળમાં રહેવા ઇચ્છતા નથી. તેઓ ઉચ્ચ અભ્યાસ અર્થે બૅંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવાંં શહેરોમાં જાય છે, અને અભ્યાસ બાદ ત્યાં જ વસવાટ કરે છે.

આવી પરિસ્થિતિ માત્ર કાલિકટની જ નથી પરંતુ એલેપ્પી અને કોચીનની પણ છે.

એક સમયમાં એલેપ્પીમાં રહેતા અનેક ગુજરાતી પરિવારોની સંખ્યા હવે 15 ઘરો જેટલી જ છે.

જે પરિવારો અહીં રહે છે, તે લગભગ છેલ્લી પેઢી છે, કારણ કે તેમનાં બાળકો બીજાં શહેરોમાંથી પાછાં આવીને અહીં રહેવાં માંગતાં નથી.

કલ્પેશ સંપટ કહે છે કે, "તેમના નાનાના પરિવારમાં એક સમયે 60 લોકો હતા. હવે માત્ર બે જ લોકો રહે છે."

તેઓ વધુમાં કહે છે, "બધા લોકો એક પછી એક કાલિકટ છોડીને જતા રહ્યા છે. એક સમયમાં આખી હવેલી ભરેલી રહેતી હતી, તેની જગ્યાએ હવે માત્ર મારાં મામા અને મામી જ રહ્યાં છે. બાળકોને પોતાના પરિવારનો વેપાર સંભાળવો નથી, અને મોટાં શહેરોમાં નોકરી કરવી છે, માટે આખું ઘર ખાલી છે."

દિનેશભાઈ શાહ કહે છે કે, "મોટા ભાગના યુવાનો કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કામ કરી રહ્યા છે. તેમને અહીં જે 40 કે 50 હજાર રૂપિયાનો પગાર મળતો હતો, તેની જગ્યાએ તેમને બીજાં શહેરોમાં ડબલ પગાર મળે છે, માટે તેઓ અહીં રહેવા માંગતા નથી."

જો કે આ પરિવારો વચ્ચે ચેતનભાઈ શાહના પરિવાર જેવા લોકો પણ છે, જેમનાં બાળકો હજી સુધી અહીં રહેવા ઇચ્છે છે.

તેમનો પરિવાર અહીં 1948થી વસવાટ કરી રહ્યો છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "મારો નારિયળનો વેપાર છે, અમે ચાર પેઢીથી રહીએ છીએ. અને મારા બન્ને દીકરાઓ પણ આ જ કામ કરી રહ્યા છે."

તેમનો દીકરો વિષ્ણુ શાહ કહે છે કે, "મેં મુંબઈમાં જઈને નોકરી કરી હતી, પરંતુ પછી લાગ્યું કે કોઈ બીજા માટે કામ કરવા કરતાં મામાના પરિવારના વેપારને જ આગળ વધારવો જોઈએ, માટે હું પાછો આવી ગયો અને અત્યારે મારા પપ્પાનો બિઝનેસ લગભગ 90 ટકા જેટલો હું સંભાળી લઉં છું."

આવી જ રીતે મયંક કોટેચા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "મારી પાંચમી પેઢી કેરળમાં છે, હું છોડીને જવા નથી માંગતો. મારા પપ્પાનો સોપારીનો વેપાર છે, જે મારા પરદાદાએ શરૂ કર્યો હતો, હું હાલમાં તે બિઝનસ સંભાળી રહ્યોં છું. જો કે હું એમબીએનો અભ્યાસ કરી રહ્યોં છું. જો વેપાર સારો નહીં ચાલે તો કદાચ હું પણ મારા બીજા મિત્રો પાસે બીજાં શહેરમાં પણ જતો રહું."

કોચીન અને એલેપ્પીમાં પણ ગુજરાતીઓની વસ્તી ઓછી થઈ

કેરળ કેરલમ ગુજરાતી કોચીન એલેપ્પી, કલિકટ સ્થળાંતર રોજગારી ચૂંટણી વિધાનસભા ચૂંટણી ભારત ડાબેરી ભાજપ કૉંગ્રેસ બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Rupesh Sonavane

ઇમેજ કૅપ્શન, કોચીનના ગુજરાતી રોડની એક તસવીર

કાલિકટ બાદ બીબીસી ગુજરાતીએ કોચીન અને એલેપ્પીમાં રહેતા ગુજરાતીઓની મુલાકાત લીધી હતી.

કોચીનમાં લગભગ 150 વર્ષ જૂની ગુજરાતી માધ્યમિક શાળા છે.

કોચીન ગુજરાતી મહાજનના સેક્રેટરી ચેતન શાહ કહે છે કે, "કોચીનમાં અમારો ઇતિહાસ લગભગ 600 વર્ષ જૂનો છે. અમારા વડવાઓ અહીં આવ્યા ત્યારે અહીંના રાજાઓએ તેમનું સ્વાગત કર્યું હતું અને તેમને વેપાર કરવાની તક આપી હતી, જેના કારણે તેઓ અહીં વસી ગયા. જો કે અત્યારે એવી પરિસ્થિતિ છે કે અમારાં બાળકો માટે આવી તકો નથી. અમારી ગુજરાતી શાળામાં ગુજરાતી વિષય ભણનારા હવે જુજ છે."

કાલિકટની જેમ જ કોચીનમાં પણ 'ગુજરાતી રોડ' છે, જ્યાં ગુજરાતી પરિવારો રહે છે.

હાલમાં અહીં લોકોની સંખ્યા ઘટતી જઈ રહી છે, પરંતુ જે છે, તે સૌ મંદિરોમાં દરરોજ સાંજે મળે છે.

ઘણા લોકોને ચિંતા છે કે, તેમનાં બાળકો જ્યારે બીજાં શહેરોમાં વસી ચૂક્યાં છે, તો હવે તેમણે પણ કોચીન છોડીને તેમની સાથે બીજાં શહેરમાં જવું પડશે.

70 વર્ષનાં જયશ્રીબહેનને પણ આવી જ ચિંતા છે. તેમના પતિ દોઢ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા અને અત્યારે તેઓ તેમના નાના દીકરા સાથે ગુજરાતી રોડ પર રહે છે.

તેઓ કહે છે કે, "મારો દીકરો જો મને બોલાવશે તો મારે ત્યાં જવું પડશે. કારણ કે તેના માટે અહીં કોઈ નોકરી નથી. તે બીજાં શહેરમાં સારો પગાર મેળવે છે. એટલે તેના માટે મારે કદાચ કોચીન છોડવું પડે."

કેરળમાં ગુજરાતી પરિવારના યુવાનો માટે કેવી તક છે?

કેરળ કેરલમ ગુજરાતી કોચીન એલેપ્પી, કલિકટ સ્થળાંતર રોજગારી ચૂંટણી વિધાનસભા ચૂંટણી ભારત ડાબેરી ભાજપ કૉંગ્રેસ બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Rupesh Sonavane

ઇમેજ કૅપ્શન, કેરળના એક ગુજરાતી યુવાન યશની તસવીર

વર્ષ 2024માં છપાયેલી કેન્દ્ર સરકારની ઍન્યુઅલ પેરિયોડિક લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ)ના રિપોર્ટ પ્રમાણે દેશભરમાં જ્યારે 3.2 ટકાનો બેરોજગારી દર જોવા મળ્યો હતો, ત્યારે કેરળમાં તે 7 ટકા હતો.

ઘણા નિષ્ણાતો યુવા બેરોજગારીના ઊંચા દરનું એક મુખ્ય કારણ નોકરીના ઉમેદવારોની લાયકાત અને જોબ માર્કેટ દ્વારા માંગવામાં આવતી વિવિધ કુશળતાઓ વચ્ચેની વિસંગતતાને પણ માને છે.

"યુવાનો જ્યારે વધારે ભણી જાય છે, ત્યારે તેમને તે પ્રમાણે નોકરી મળતી નથી, જેના કારણે તેમને નાછૂટકે બહાર જવું પડે છે. અને પછી એક વખત મોટાં શહેરનું જીવન જીવી લીધા બાદ તેમને કેરળમાં પાછા આવવું ગમતું નથી," વિજય નેગાંધીએ જણાવ્યું.

જો કે ઇન્ટરનૅશનલ જર્નલ ફૉર મલ્ટિડિસિપ્લિનરી રિસર્ચમાં છપાયેલા એક રિસર્ચ પેપર પ્રમાણે, "કેરળમાં નોકરી શોધનારાઓ સરકારી અથવા વ્હાઇટ-કૉલરની નોકરીઓ વધુ પસંદ કરે છે અને તેમની લાયકાત મુજબ ઊંચા પગારની અપેક્ષા રાખે છે, જે પ્રકારની નોકરીઓની રાજ્યમાં અછત છે."

આ પેપરમાં સંશોધન રિસર્ચર જૉજી જૅકોબ અને ડૉ. પ્રેમી થાચીલ દ્વારા થયું છે.

ગુજરાતીઓ ચૂંટણી બાદ કેરળમાં કેવી સરકાર ઇચ્છે છે?

કેરળ કેરલમ ગુજરાતી કોચીન એલેપ્પી, કલિકટ સ્થળાંતર રોજગારી ચૂંટણી વિધાનસભા ચૂંટણી ભારત ડાબેરી ભાજપ કૉંગ્રેસ બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Rupesh Sonavane

ઇમેજ કૅપ્શન, કેરળમાં રહેતા ગુજરાતી ચેતનભાઈ શાહના પરિવારની તસવીર

નિષ્ણાતો માને છે કે, જો કોઈ વ્યક્તિ રાજ્યમાં પરત ફરવા ઇચ્છતો હોય, તો તેવા સ્થળાંતરિતોના પુનર્વસન અને પુનઃએકીકરણ માટે સક્રિય પ્રયાસો અમલમાં મૂકવા જોઈએ, જેમાં કૌશલ્યોની નોંધણી, સાહસિકો માટે સહાય અને સ્થાનિક રોજગારીની તકો સાથે જોડાણ વગેરેનો સમાવેશ થવો જોઈએ.

આ વિશે બીબીસી ગુજરાતીએ ગુજરાતી સમાજના અનેક લોકો સાથે વાત કરી.

કોચીન ગુજરાતી સમાજના ઉપપ્રમુખ હિતેશ દત્તાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "જ્યાં સુધી કેરળમાં પણ બીજાં રાજ્યોની જેમ ઇન્ડસ્ટ્રીઝ નહીં આવે, ત્યાં સુધી યુવાનો બહાર જતા રહેશે."

ચેતન શાહ કહે છે કે, "અમારા ધંધા માટે અમને મજૂરો નથી મળતા, જેના કારણે અમારે નુકસાન થાય છે. સરકાર કોઈ એવી પૉલિસી લાવે કે અમને મજૂરો મળી શકે, તો અમારા ધંધા ફરીથી સારી રીતે ચાલે અને અમારાં બાળકો પણ પરત ફરે."

બીબીસી ગુજરાતીએ આ વિશે કોચીનના એનડીએના ઉમેદવાર ઍડ્વોકેટ ઝેવિયર સાથે વાત કરી હતી. તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે તેઓ આ બાબતે ચિંતિત છે અને ગુજરાતી સમાજ તેમજ અન્ય યુવાનો માટે નવી તકો ઊભી થાય તે માટે પ્રયાસ કરશે, તેમજ તમામ લોકોને રોજગારી મળે તે દિશામાં કામ કરશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન