ગુજરાત : મહિલા અનામતથી રાજકારણમાં મુસ્લિમ મહિલાઓ માટે કેટલી જગ્યા થશે?

BBC

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દાયકાઓથી મહિલાઓ, અનેક મહિલા સંગઠનો, સંસ્થાઓ અને રાજકીય પક્ષોની જે માંગ હતી તે મહિલા અનામત બિલ થોડા દિવસો પહેલાં જ સંસદના બંને ગૃહોમાં પસાર થયું. રાષ્ટ્રપતિએ આ બિલ પર હસ્તાક્ષર કરતાં જ હવે તે કાયદો બની ગયો છે.

આ બિલને કારણે હવે રાજ્યોની વિધાનસભાઓ અને લોકસભામાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રહેશે, જેના કારણે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે.

જોકે, આ બિલ લાગુ થવામાં હજુ પાંચ વર્ષ કરતાં પણ વધુ સમય લાગી શકે છે.

પરંતુ આ બિલ પર જ્યારે સંસદના બંને ગૃહોમાં ચર્ચા થઈ ત્યારે મહિલા અનામત સાથે ઓબીસી વર્ગની મહિલાઓ અને મુસ્લિમ મહિલાઓનાં પ્રતિનિધિત્વ માટે પણ જોગવાઈ કરવી જોઈએ તેવી માંગણી વિપક્ષો કરી રહ્યા હતા.

એ સંદર્ભમાં ગુજરાતના રાજકારણ પર નજર ફેરવીએ તો મુસ્લિમ મહિલાઓની રાજ્યના રાજકારણમાં અને સત્તામાં કેટલી ભાગીદારી રહી છે એ સવાલનો જવાબ અચરજ પમાડે તેવો છે.

ભૂતકાળના આંકડા શું કહે છે?

બીબીસી ગુજરાતી

2011ના વસ્તીગણતરીના છેલ્લા આંકડા અનુસાર ગુજરાતની કુલ 6 કરોડની વસ્તીમાં 58.47 લાખ મુસ્લિમો હતા. ટકાવારીમાં જોઇએ તો ગુજરાતની 9.67 ટકા વસ્તી મુસ્લિમ છે. પરંતુ ગુજરાતના ઇતિહાસ તરફ નજર ફેરવીએ તો તેમની વસ્તીના પ્રમાણમાં તેમને ક્યારેય પૂરતું રાજકીય પ્રતિનિધિત્વ મળ્યું નથી.

2022ની વિધાનસભાની ચૂંટણી પ્રમાણે ગુજરાત વિધાનસભામાં માત્ર એક જ મુસ્લિમ ધારાસભ્ય છે, અને એ પણ પુરુષ છે. એટલે કે વિધાનસભામાં મુસ્લિમ મહિલાઓનું પ્રતિનિધિત્વ જ નથી.

ગુજરાતનાં 63 વર્ષના ઇતિહાસમાં માત્ર પાંચ મુસ્લિમ મહિલાઓ જ ધારાસભ્ય બન્યાં છે. છેલ્લે મુસ્લિમ મહિલા ધારાસભ્યને ગુજરાત વિધાનસભામાં વર્ષ 2002માં પ્રતિનિધિત્વ મળ્યું હતું.

બીબીસી ગુજરાતી

2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની વાત કરીએ તો 7 મહાનગરપાલિકાઓમાંથી 4 મહાનગરપાલિકાઓમાં મુસ્લિમ મહિલાઓનું પ્રતિનિધિત્વ શૂન્ય છે.

એટલે કે સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર જેવા શહેરોમાં સત્તાસ્થાને મુસ્લિમ મહિલાઓ માટે કોઈ જગ્યા બચી નથી.

અહીં એ ઉલ્લેખનીય છે કે પંચાયતો અને નગરપાલિકાઓની જેમ મહાનગરપાલિકામાં પણ મહિલાઓ માટે અનામત લાગુ છે છતાં પણ ત્યાં આવી પરિસ્થિતિ છે.

1985ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બાલાસિનોર બેઠક પરથી ચૂંટણી જીતેલાં બાબી નૂરજહાં બખ્ત મોહમ્મદ ઇબ્રાહીમ એ સમયે બનેલી કૉંગ્રેસની સરકારમાં મંત્રી પણ બન્યાં હતાં. ગુજરાતના રાજકારણમાં આ જવલ્લે જ જોવા મળતો કિસ્સો છે. તેમણે સમાજ કલ્યાણ મંત્રાલય સંભાળ્યું હતું.

ગુજરાતમાં મુસ્લિમ મહિલાઓનું પ્રતિનિધિત્વ

ઇમેજ સ્રોત, NOORJAHAN BABI BAKHT/AMAANI VANIYA

ઇમેજ કૅપ્શન, 88 વર્ષીય પૂર્વ ધારાસભ્ય અને મંત્રી બાબી નૂરજહાં બખ્ત તથા વિદ્યાર્થી નેતા અમાની વાણિયા

88 વર્ષીય બાબી નૂરજહાં બખ્ત બીબીસી ગુજરાતી સાથે તેમનાં સંસ્મરણો વાગોળતાં કહે છે, “એ સમયે ચૂંટણી લડવી સહેલી હતી. હું મારા મતવિસ્તારમાં બધા સમુદાયોના સમર્થનથી જીતી હતી. અત્યારે તો ચૂંટણી લડવી જ અઘરી છે. એ સમયના અને અત્યારના માહોલમાં જમીન આસમાનનો ફર્ક છે. મેં મારી કારકિર્દીની શરૂઆત નગરપાલિકાનાં સભ્ય તરીકે કરી હતી. ત્યારબાદ હું 15 વર્ષ જિલ્લા પંચાયતમાં સભ્ય રહી અને પછી મને વિધાનસભાની ટિકિટ મળી હતી. એ સમયે લોકો માત્ર તમારા કામને જોઈને જ મત આપતા હતા.”

મહિલા અનામત સંદર્ભે તેઓ કહે છે, “છેલ્લાં 10-12 વર્ષોમાં તો ગુજરાતમાં મુસ્લિમ પુરુષોનું જ પ્રતિનિધિત્વ નથી રહ્યું તો મહિલાઓની તો શું વાત કરવી? મહિલા અનામતથી મુસ્લિમ મહિલાઓને કેટલો ફાયદો થશે એ તો હવે સમય જ કહેશે. પણ એક વાત ચોક્કસ છે કે આજે સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને મહિલાઓ આગળ આવવા ઇચ્છે છે.”

રાજકીય પક્ષોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલું?

ભારતના રાજકીય પક્ષો

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં દરેક રાજકીય પક્ષોમાં મહિલાઓ માટે અને લઘુમતી સમાજ માટે અલગ પાંખ છે. પરંતુ જ્યારે ટિકિટ આપવાની વાત આવે ત્યારે તેમાં મુસ્લિમ મહિલાઓને કોઈ ગણતરીમાં લેતું નથી.

2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા મુખ્ય પક્ષોમાંથી કોઈએ પણ મુસ્લિમ મહિલાને ટિકિટ આપી નહોતી.

રાજકીય પક્ષોમાં અધ્યક્ષ તરીકે, મહામંત્રી તરીકે કે સંગઠન મંત્રી જેવા ઊંચા હોદ્દાઓ પર પણ મહિલાઓને નહીંવત્ જગ્યા મળે છે.

ગુજરાતનું રાજકીય પરિદૃશ્ય સમજાવતા રાજકીય વિશ્લેષક હરેશ ઝાલા કહે છે, “ગુજરાતમાં જબરદસ્ત ધ્રુવીકરણ થયું છે. 2009માં થયેલા ડિલિમિટેશન પછી મુસ્લિમ વસતી પણ અતિશય વિભાજિત થઈ ગઈ છે. એવામાં મુસ્લિમ પ્રતિનિધિ અને એમાંય મહિલા મુસ્લિમ પ્રતિનિધિ કે જેમને એમનો સમાજ પણ સ્વીકાર કરે, પક્ષો ટિકિટ આપે અને અન્ય સમાજનું પણ સમર્થન મળે તેવી હાલના સમયમાં તો કલ્પના કરવી પણ દૂરની વાત છે.”

સ્થાનિક સ્તરે મુસ્લિમ મહિલાઓનું સન્માનજનક પ્રતિનિધિત્વ

મુસ્લિમ મહિલાઓનું રાજકીય પ્રતિનિધિત્વ

ઇમેજ સ્રોત, Getty Images

2021ના જ આંકડા જોઈએ તો નગરપાલિકાઓમાં મુસ્લિમ મહિલાઓને સંતોષજનક પ્રતિનિધિત્વ મળ્યું છે તેવું તારણ મળે છે.

નગરપાલિકા અને પંચાયતોના સ્તરે તમામ રાજકીય પક્ષોએ મુસ્લિમ મહિલાઓને સારા પ્રમાણમાં ટિકિટો આપી છે.

કેટલાક જાણકારો તેને સ્થાનિક સ્તરે લાગુ 50 ટકા મહિલા અનામતની અસર ગણે છે તો અમુક લોકો તેને રાજકીય પક્ષોની મજબૂરી માને છે.

યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયા, બર્કલીમાં રાજ્યશાસ્ત્રમાં પી.એચડી. કરી રહેલા શારિક લાલીવાલા કહે છે, “એક સીધું તારણ જે મળે છે એ છે કે પહેલા તો મુસ્લિમોને જ સત્તામાં ભાગીદારી મળતી નથી અથવા તો મુસ્લિમ પ્રતિનિધિઓ જ ઓછા ચૂંટાય છે. એ પરિસ્થિતિમાં મુસ્લિમ મહિલાઓનું પ્રતિનિધિત્વ તો અતિશય ઓછું જ હોવાનું.”

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, નગરપાલિકાઓમાં પ્રતિનિધિત્વ-2021

શારિક આગળ સમજાવતા કહે છે, “વધુમાં ગુજરાત જેવું રાજ્ય કે જ્યાં આરએસએસ, ભાજપનો સાંસ્કૃતિક પ્રભાવ દાયકાઓથી હાવી થઈ ચૂક્યો છે, ત્યાં મુસ્લિમોને રાજકીય પ્રતિનિધિત્વ મળવું અતિશય અઘરું છે. ખાસ કરીને 1980 પછીના સમયગાળામાં જેમ જેમ ગુજરાતમાં તેમનો પ્રભાવ વધતો ગયો તેમ મુસ્લિમોને રાજકીય પ્રતિનિધિત્વ મળવાનું ઓછું થવા લાગ્યું."

તેમણે વધુમાં કહ્યું, "આ પરિસ્થિતિમાં મુસ્લિમ મહિલાઓ માટે તો શૂન્યાવકાશ સર્જાયો. સ્થાનિક સ્તરે તેમનું થોડું સંતોષકારક પ્રતિનિધિત્વ જોવા મળે છે, પરંતુ ભારતમાં નગરપાલિકાઓ કે પંચાયતોના સભ્યો પાસે હકીકતમાં કોઈ સત્તા હોતી નથી. સાચી સત્તા તો વિધાનસભાના પ્રતિનિધિઓ કે મંત્રીઓ પાસે હોય છે. સ્થાનિક સ્તરે તો અધિકારીઓનું વધુ પ્રભુત્વ જોવા મળે છે. સ્થાનિક સ્તરે મુસ્લિમ મહિલાઓને જે પ્રતિનિધિત્વ મળે છે તેમાં થોડી ઘણી અસર ત્યાં લાગુ થયેલા મહિલા અનામતની પણ હોઈ શકે છે."

બીબીસી ગુજરાતી

સ્થાનિક સ્તરે મુસ્લિમ મહિલાઓને મળતા પ્રતિનિધિત્વ અંગે હરેશ ઝાલા કહે છે, “સ્થાનિક ચૂંટણીઓમાં નાના વૉર્ડ હોય છે, અમુકવાર રાજકીય પક્ષોની પણ મજબૂરી હોય છે જેના કારણે મુસ્લિમ મહિલાઓને ટિકિટ મળે છે. મહિલાઓ માટે અનામત બેઠક હોય અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર હોય તો મુસ્લિમ મહિલાઓને મોકો મળે છે. એ સંજોગોમાં જો તમારો ઉમેદવાર જીતે એવી તમારી ઇચ્છા હોય તો તમારે મુસ્લિમ મહિલાઓને ટિકિટ આપવી જ પડે છે. ભાજપ પણ આ જ મજબૂરીને કારણે સ્થાનિક સ્તરે તેમને ટિકિટ આપે છે.”

મુસ્લિમોમાં પણ પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા હોવાથી મહિલાઓને તક મળવી મુશ્કેલ

બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ન્યૂયૉર્ક યુનિવર્સિટી દ્વારા ‘ડૅવલપમૅન્ટ, પૅટ્રિઆર્કી ઍન્ડ પૉલિટિક્સ: ઇન્ડિયન વીમેન ઇન ધી પૉલિટિકલ પ્રોસેસ’ શીર્ષકથી પ્રકાશિત થયેલા એક સંશોધનમાં લીલા કસ્તૂરી ભારતમાં પુરુષપ્રધાન સમાજ પર પ્રકાશ પાડે છે.

તેમાં નોંધવામાં આવ્યું છે કે “ભારતમાં ‘પિતૃસત્તા’ ખૂબ વ્યાપકપણે ફેલાયેલી છે, પરંતુ તે ધર્મ, સમાજ, વર્ગો, જાતિ, સામાજિક સમૂહોને આધારે દરેક ક્ષેત્રમાં ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળે છે. ભારતના ઇતિહાસમાં આ પ્રકારના પ્રભુત્વ સામે હજારો લડાઈઓ થઈ છે. આ પ્રકારની લડાઈઓ પર થયેલા અનેક પ્રકારના સંશોધનોમાં એવું સાબિત થાય છે કે મહિલાઓએ ન માત્ર આ પ્રકારની લડાઈઓમાં ભાગ લીધો છે પરંતુ તેમાં નેતૃત્વ પણ કર્યું છે.”

ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ અધ્યાપક અને સમાજશાસ્ત્રી ડૉ. ગૌરાંગ જાની કહે છે, “હિન્દુઓ હોય કે મુસ્લિમો બંને માટે પુરુષપ્રધાન સમાજ એ મુખ્ય સમસ્યા છે. રાજકીય પક્ષોએ પણ તેને હંમેશાં પ્રાધાન્ય આપ્યું છે. આઝાદી પહેલાં સ્વાતંત્ર્યસંગ્રામમાં ઐતિહાસિક રીતે બહોળા પ્રમાણમાં મહિલાઓએ ભાગ લીધો હતો પરંતુ આઝાદી પછી રાજકીય પક્ષોએ તેમને પ્રતિનિધિત્વ ન આપ્યું. ત્યારબાદ મુસ્લિમોને રાજકીય અનામત પણ ન મળ્યું. જેના કારણે મુસ્લિમ પુરુષોનું પણ રાજકીય પ્રતિનિધિત્વ રૂંધાઈ ગયું.”

ગુજરાતમાં હિન્દુત્વવાદી રાજકારણની અસર

હિન્દુત્વ અને ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં 1990ના દાયકાથી ભાજપ અને આરએસએસનું પ્રભુત્વ વધતું ગયું અને છેલ્લાં 28 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. જેના કારણે ગુજરાતમાં એક નવું જ રાજકીય પરિદૃશ્ય ઊભું થયું.

પ્રૉ. જાની કહે છે, “જો ગુજરાતની વાત કરીએ તો પાછલાં કેટલાંક વર્ષોમાં હિન્દુત્વવાદી રાજકારણનો જબરદસ્ત વધેલો પ્રભાવ, મુસ્લિમોને હાંસિયામાં ઘકેલવાનો પ્રયાસ, તેમના પર સતત લગાવવામાં આવતા આરોપો વગેરેને કારણે એવો માહોલ ઊભો થયો, જેને કારણે પુરુષપ્રધાન મુસ્લિમ સમાજમાં પુરુષોના જ પ્રતિનિધિત્વ પર ખતરો ઊભો થયો. તેઓ વધુ રક્ષણાત્મક બની ગયા. એટલે મહિલાઓના પ્રતિનિધિત્વની વાતનું તો જાણે કે કોઈ અસ્તિત્વ જ ન રહ્યું.

“રાજકારણ સામાજિક બંધનો તોડવાનું કામ કરે છે. પરંતુ રાજકારણમાં અતિશય ઓછી ભાગીદારીને કારણે મુસ્લિમ સમાજમાં એ પણ શક્ય ન બન્યું.”

શું સામાજિક ઉત્થાન જ એકમાત્ર રસ્તો?

મુસ્લિમ મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

દરેક ધર્મોની જેમ મુસ્લિમોમાં પણ અનેક સામાજિક દૂષણો રહેલા છે જેના કારણે સમાજનો વિકાસ રૂંધાય છે. ટ્રિપલ તલાક જેવા કાયદાઓથી કદાચ મુસ્લિમ મહિલાઓએ સામાજિક દૂષણો દૂર કરવા તરફ ડગલું ભર્યું તેમ કહી શકાય પરંતુ હજુ પણ અનેક દૂષણો વ્યાપ્ત છે.

ઑલ ઇન્ડિયા સરવે ઑન હાયર એજ્યુકેશન (2020-21) પ્રમાણે ઉચ્ચ શિક્ષણમાં મુસ્લિમ પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધી રહી છે પરંતુ તેનાથી સામાજિક અને રાજકીય સ્તરે કેટલું પરિવર્તન આવે છે એ જોવાનું રહ્યું.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક હરેશ ઝાલા આ સમગ્ર મુદ્દાને સમજાવતા કહે છે, “મુસ્લિમ મહિલાઓને કે અન્ય કોઈ ધર્મની મહિલાઓને જ્યારે પ્રતિનિધિત્વ મળવાની વાત આવે છે ત્યારે તેમાં સામાજિક ઉત્થાનની ભૂમિકા મુખ્ય છે. અહીં પુરુષપ્રધાન સમાજ હાવી થતો દેખાય છે. એવું કહેવાય છે કે મુસ્લિમ સમાજમાં મહિલાઓને ઊંચું સ્થાન આપવામાં આવે છે પરંતુ રાજકીય પરિદ્રશ્યમાં કે સામાજિક સ્તરે તેમને નેતૃત્વની તક મળતી નથી. એવું નથી કે મુસ્લિમ મહિલાઓ શિક્ષિત નથી, પરંતુ તેઓ પ્રજાના પ્રતિનિધિ તરીકે ઊભરી આવતા નથી. તેઓ જો ચૂંટણી લડે તો તેમને પોતાના સમાજમાંથી જ સમર્થન મળશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.”

પ્રૉ. ગૌરાંગ જાની કહે છે, “સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલા અનામતને કારણે મુસ્લિમ મહિલાઓને ફાયદો ચોક્કસ થયો છે. પરંતુ આ પ્રશ્નનો ઉકેલ એ રીતે શક્ય નથી. જ્યાં સુધી સામાજિક સ્વતંત્રતા ન આવે, સામાજિક ઉત્થાન ન થાય ત્યાં સુધી આ પ્રકારના અનામતથી જ આપણે ચલાવવું પડે.”

આગળ રસ્તો કેટલો મુશ્કેલ?

અમાની વાણિયા એ ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં વેલફેર બૉર્ડ ઇલેક્શનમાં મેજોરિટી ક્વોટા પાર કરી ચૂંટણી જીતનાર પ્રથમ મુસ્લિમ મહિલા ઉમેદવાર હતાં. આ ચૂંટણીમાં મહિલા ઉમેદવાર જીત્યાં હોય તેવો પણ આ પ્રથમ કિસ્સો હતો.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે, “રાજકારણ એ પહેલેથી જ પુરુષોનો દબદબો ધરાવતું ક્ષેત્ર રહ્યું છે. એવામાં મુસ્લિમ મહિલાઓ માટે તો આ ઓળખ અને અસ્તિત્વની લડાઈ છે.”

તેઓ વધુમાં કહે છે, “મુસ્લિમ મહિલાઓ માટે પહેલો સૌથી મોટો પડકાર એ છે કે તેમની પાસે કોઈ ગેરંટીડ વોટબૅન્ક નથી. તેમને પોતાની એક અલગ ઓળખ ઊભી કરવાની હોય છે. આ પરિસ્થિતિમાં ચૂંટણી લડવી અને નેતૃત્વ કરવું એ અતિશય પડકારજનક બની જાય છે. જોકે, શાહીનબાગ આંદોલન સમયે આપણે જોયું કે મુસ્લિમ મહિલાઓ નેતૃત્વ પણ કરી શકે છે. આજે મુસ્લિમ સમાજને પણ સારા નેતાઓની જરૂર છે. આ ખૂબ મોટો પડકાર છે પરંતુ મુસ્લિમ મહિલાઓએ તેને સ્વીકારીને આગળ આવવું જોઈએ.”

બાબી નૂરજહાં બખ્ત કહે છે, “મુસ્લિમ મહિલાઓએ જરૂરથી ચૂંટણી લડવી જોઈએ. જ્યાં સુધી તમે સત્તા સુધી નહીં પહોંચો ત્યાં સુધી બધું કેમ ચાલી રહ્યું છે અને શું ચાલી રહ્યું છે તેનો ખ્યાલ જ નહીં આવે. હું માનું છું કે મહિલાઓ વધુ લાગણીશીલ હોય છે અને લોકોના કામ વધુ સારી રીતે કરી શકે છે એટલે તેમણે ચોક્કસ આગળ આવવું જોઈએ.”

સમય સાથે હવે બદલાતા રાજકીય પરિદૃશ્યમાં મુસ્લિમ મહિલાઓને મહિલા અનામત બિલથી ભવિષ્યમાં કેટલો લાભ થાય છે એ જોવાનું રહ્યું.