ભારત-ઇઝરાયલ એફટીએ માટે વાટાઘાટની ઝડપ વધારવા સહમત, 17 કરાર થયા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, @narendramodi/X
ભારત અને ઇઝરાયલ મુક્ત વેપારકરારની દિશામાં આગળ વધવા માટે સહમત થયા છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે બેઠક થઈ હતી. જેમાં બંને દેશોએ 17 કરાર અને દસ્તાવેજ ઉપર હસ્તાક્ષર કર્યા હતા.
બંને દેશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોકાણ, શિક્ષણ, ઉત્પાદન, સંસ્કૃતિ, દરિયાઈ વારસા તથા કૃષિક્ષેત્રે સહયોગ વધારવા સહમત થયા હતા.
ઉલ્લેખનીય છે કે ભારતે તાજેતરમાં યુરોપિયન યુનિન, બ્રિટન અને ઓમાન સહિત કેટલાક એફટીએ કર્યા છે.
આ પહેલાં બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયલની સંસદને સંબોધિત કરી હતી. જેમાં તેમણે સાતમી ઑક્ટોબર 2023ના રોજ હમાસે જે હુમલો કર્યો હતો, તેની ટીકા કરી હતી. સાથે જ કહ્યું હતું કે ભારતના સુરક્ષાહિત મધ્યપૂર્વમાં શાંતિ અને સ્થિરતા સાથે પ્રત્યક્ષપણે જોડાયેલા છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત ગાઝા સંઘર્ષના શાંતિપૂર્વકના ઉકેલની હિમાયત કરે છે.
ટી20 વર્લ્ડકપ : દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડીઝને નવ વિકેટે હરાવ્યું

ઇમેજ સ્રોત, Getty Images
ટી20 વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડીઝને નવ વિકેટ હરાવી દીધું છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝે દક્ષિણ આફ્રિકાને 177 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે દક્ષિણ આફ્રિકાએ 17મી ઓવરના પહેલા બૉલે માત્ર એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દક્ષિણ આફ્રિકા તરફથી ઓપનિંગમાં આવેલા બૅટ્સમૅન ઍડન મારક્રમ અને ડી કૉકે શરૂઆતથી ઝંઝાવાતી બેટિંગ કરી હતી.
ઍડન મારક્રમે સૌથી વધુ 82 ( 46 બૉલ) અણનમ રન ફટકાર્યા હતા. ડી કૉકે 47 અને રિયાને 45 (અણનમ) રન કર્યા હતા.
ટી20 વર્લ્ડકપ સુપર-8 મૅચમાં દક્ષિણ આફ્રિકા સામેની શરૂઆતમાં ખરાબ બેટિંગ છતાં વેસ્ટ ઇન્ડીઝે 176 રન બનાવ્યા હતા.
એક સમયે વેસ્ટ ઇન્ડીઝના સાત બૅટ્સમૅન માત્ર 83 રનમાં આઉટ થઈ ગયા હતા.
પરંતુ રોમારિયો શેફર્ડ અને જેસન હોલ્ડરે વેસ્ટ ઇન્ડીઝની ઇનિંગને 176 રન સુધી પહોંચાડી. વેસ્ટ ઇન્ડીઝે આઠ વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા.
દક્ષિણ આફ્રિકાના બૉલરોએ ફક્ત 71 રનમાં વેસ્ટ ઇન્ડીઝના છ બૅટ્સમૅનને પેવેલિયન ભેગા કર્યા હતા.
દક્ષિણ આફ્રિકાના બૉલરો કગીસો રબાડા અને લુંગી એનગીડીએ શરૂઆતથી જ વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમૅનોને બૅકફૂટ પર રાખ્યા હતા.
દક્ષિણ આફ્રિકાએ સ્પિન બૉલિંગથી શરૂઆત કરી, પરંતુ વિરોધી ટીમના કૅપ્ટન શાઈ હોપે 17 રનમાં કેશવ મહારાજની બૉલિંગમાં બે છગ્ગા અને એક ચોગ્ગા ફટકાર્યા.
એક સમયે એવું લાગતું હતું કે વેસ્ટ ઇન્ડીઝ મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યું છે. જોકે બાદમાં રબાડા અને એનગીડીએ તેમને અટકાવી રાખ્યા હતા.
દક્ષિણ આફ્રિકાએ ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શેફર્ડે 52 અને હોલ્ડરે 49 રન બનાવ્યા.
ઈરાન ફરી પરમાણુ હથિયાર બનાવવાની દિશામાં: જે.ડી. વેન્સની ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાએ જણાવ્યું છે કે તેને એવા મજબૂત સંકેતો મળ્યા છે કે ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમને પુનઃ સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જૂન મહિનામાં અમેરિકાના નેતૃત્વમાં થયેલા હુમલા બાદ ઈરાનનો આ કાર્યક્રમ ઠપ્પ થઈ ગયો હતો.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે, "અમારી નીતિ અત્યંત સ્પષ્ટ છે; ઈરાન પાસે કોઈ પણ સંજોગોમાં પરમાણુ હથિયાર હોવા જોઈએ નહીં."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "જો તેઓ પરમાણુ હથિયાર બનાવવાની કોશિશ કરશે, તો તે અમેરિકા માટે ગંભીર ચિંતાનો વિષય બનશે. વાસ્તવમાં, અમને એવા પુરાવા મળ્યા છે કે તેઓ આ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છે."
વેન્સનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગુરુવારે જિનેવા ખાતે બંને દેશોનાં પ્રતિનિધિમંડળો વચ્ચે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે નિર્ણાયક ચર્ચા થવાની છે. ઉપરાષ્ટ્રપતિએ માહિતી આપી હતી કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકૉફ અને તેમના જમાઈ જેરેડ કુશનર આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં હાજર રહેશે.
વેન્સે અંતમાં જણાવ્યું કે, "ટ્રમ્પ વહીવટી તંત્ર ઈરાનના પરમાણુ મુદ્દાનો ઉકેલ 'કૂટનૈતિક' રીતે લાવવા ઈચ્છે છે, પરંતુ જો જરૂર પડી તો રાષ્ટ્રપતિ પાસે અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ છે."
ન્યૂઝીલૅન્ડે શ્રીલંકાને હરાવ્યું: હવે સેમીફાઈનલની રેસમાં પાકિસ્તાન બહાર નીકળી ગયું?

ઇમેજ સ્રોત, Getty Images
ટી20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડના એક અત્યંત મહત્ત્વપૂર્ણ મુકાબલામાં ન્યૂઝીલૅન્ડે શ્રીલંકાને 61 રને પરાજય આપીને સેમીફાઈનલમાં પહોંચવાની પોતાની દાવેદારી મજબૂત બનાવી દીધી છે. ન્યૂઝીલૅન્ડની આ શાનદાર જીત સાથે જ પાકિસ્તાનની આગળ વધવાની આશાઓ હવે ધૂંધળી થઈ ગઈ છે.
કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં શ્રીલંકાના કૅપ્ટન દાસુન શાનકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શરૂઆતમાં આ નિર્ણય સાચો સાબિત થતો જણાતો હતો, કારણ કે પાવર-પ્લે પૂરો થાય ત્યાં સુધીમાં ન્યૂઝીલૅન્ડના બંને ઓપનરો પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
એક સમયે એવી સ્થિતિ હતી કે ન્યૂઝીલૅન્ડ 130 રન સુધી પહોંચશે કે કેમ તે બાબતે શંકા હતી, પરંતુ કૅપ્ટન મિચેલ સેન્ટનર અને કૉલ મૅકકોનીએ સાતમી વિકેટ માટે 84 રનની મજબૂત ભાગીદારી નોંધાવી ટીમને 169 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. શ્રીલંકા તરફથી મહેશ તીક્ષ્ણા અને દુષ્મંથા ચમીરાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.
169 રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી શ્રીલંકાની ટીમ ન્યૂઝીલૅન્ડની ધારદાર બોલિંગ સામે ટકી શકી નહોતી અને 20 ઓવરમાં માત્ર 107 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલૅન્ડ તરફથી રચિન રવીન્દ્રએ તરખાટ મચાવતા ચાર વિકેટ ઝડપી હતી, જેના કારણે તેમને 'પ્લેયર ઑફ ધ મૅચ' જાહેર કરવામાં આવ્યા હતા.
આ વિજય સાથે ન્યૂઝીલૅન્ડની સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રહી છે, જ્યારે બીજી તરફ શ્રીલંકા સત્તાવાર રીતે ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












