ઈરાન-ઇઝરાયલ વચ્ચે તણાવ, ગુજરાતીઓની સ્થિતિ કેવી છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
શનિવારે ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાનનાં અલગ-અલગ શહેરો ઉપર ભિન્ન-ભિન્ન ટાર્ગેટને ધ્યાને રાખીને હવાઇહુમલા કરવામાં આવ્યા હતા.
એ પછી જવાબી કાર્યવાહીમાં ઈરાન દ્વારા યુએઈ, બહરીન, કતાર, કુવૈત અને જૉર્ડન જેવા દેશોમાં અમેરિકાનાં સૈન્યમથકોને ટાર્ગેટ કરીને મિસાઇલ તથા ડ્રૉન હુમલા કરવામાં આવ્યા હતા.
ઈરાને 'ઇતિહાસનો સૌથી મોટો હુમલો' કરવાની વાત કહી છે, જેના કારણે મધ્યપૂર્વ એશિયામાં તણાવનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. અસલામતી આશંકાને કારણે ઍરલાઇન્સ કંપનીઓ આ વિસ્તારની હવાઇસીમાનો ઉપયોગ કરવાનું ટાળી રહી છે.
ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, એકલા રવિવારના દિવસે 444 જેટલી ફ્લાઇટ્સ રદ થવાની શક્યતા છે. જેની સીધી અસર ત્યાં કામ કરતા ભારતીયો તથા ત્યાં ફરવા ગયેલા લોકો પર પણ જોવા મળી રહી છે.
હાલના તણાવને કારણે કેટલાક ગુજરાતી પણ દુબઈમાં ફસાઈ ગયા છે, ત્યારે તેમને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ભારતે દુબઈમાં રહેતા ભારતીય નાગરિકોને સાવચેત રહેવા તથા સૂચનાઓનું પાલન કરવા તાકિદ કરી છે. સાથે જ ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકોને મદદ કરવાની વાત કરી છે.
ઈરાન દ્વારા હવાઈહુમલા
શનિવાર (ભારતીય સમય મુજબ) સવારથી જ મધ્યપૂર્વ એશિયામાં તણાવ પ્રવર્તી રહ્યો હતો અને તેની લાય આજુબાજુના દેશોને લાગશે કે કેમ તેવી અટકળબાજી મીડિયામાં અને સોશિયલ મીડિયા ઉપર થઈ રહી હતી.
એવામાં દુબઈમાં રહેતા તથા ફરવા ગયેલા લોકોના મોબાઇલ ઉપર એમઓઆઇનો (મિનિસ્ટ્રી ઑફ ઇન્ટિરિયર) મૅસેજ ફ્લેશ થયા હતા. જેમાં જણાવ્યા મુજબ:
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પ્રવર્તમાન પરિસ્થિતિ, સંભવિત મિસાઇલ હુમલાના જોખમને જોતાં, નજીકની સલામત ઇમારતમાં તત્કાળ આશરો લો. બારી, દરવાજા અને ખુલ્લા વિસ્તારમાં ન રહો. આગામી સૂચનાની રાહ જુઓ."
આને પગલે સ્થાનિકો અને ત્યાં ફરવા ગયેલા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.
જયમીનભાઈ દસેક વર્ષથી દુબઈમાં જૉબ કરે અને તેમનાં પત્ની આરતી સાથે ત્યાં રહે છે. થોડા દિવસથી જયમીનભાઈનાં માતા પણ દુબઈ ફરવા આવ્યાં હતાં, એવામાં યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે તણાવ ફેલાઈ જવા પામ્યો છે.
જયમીનભાઈના પિતા જયંતભાઈએ બીબીસી ગુજરાતીના રાજકોટસ્થિત સહયોગી બિપીન ટંકારિયા સાથે વાત કરતા જણાવ્યું :
"પંદરેક દિવસ ફરવા માટે મારાં પત્ની ત્યાં ગયાં હતાં. એવામાં આવું બની જતાં ચિંતા થઈ હતી. જેથી તેમની સાથે ત્રણચાર વખત વાત કરી હતી. ત્યારે એણે જણાવ્યું હતું કે દુબઈ શહેરમાં સ્થિતિ શાંત છે."
"હાલ કોઈ તકલીફ નથી, પરંતુ જો કદાચ તકલીફ થાય અને તેમણે પરત આવવાનું થાય, તો અમારી સરકારને વિનંતી છે કે તેમને સલામત રીતે પરત લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવે."
ન કેવળ ત્યાં રહેતા, પરંતુ ત્યાં ફરવા ગયેલા ભારતીયો પણ ફસાયા છે, જેમાં અનેક ગુજરાતી પરિવાર છે. રાજકોટસ્થિત ટ્રાવેલ્સ ઑપરેટર જયેશ કેસરિયાએ જણાવ્યું :
"હાલ ત્યાં કોઈ સમસ્યા જેવું નથી. તેઓ સુરક્ષિત છે. ટ્રાન્સપૉર્ટેશન અને રેસ્ટોરાં વગેરે ચાલુ છે. પરંતુ અહીં તેમના પરિવારજનો ચિંતિત છે. સાથે જ પરત આવવા માટે ફ્લાઇટો બંધ છે. જેથી કરીને પરિવારોની ચિંતા વધી ગઈ છે. જો ફ્લાઇ વહેલાંમાં વહેલા તકે ચાલુ થાય, તો ત્યાં જે લોકો અટવાયેલાં છે, તેઓ ભારત પરત ફરી શકે."
દરમિયાન બીબીસી ગુજરાતીના સહયોગી બિપીન ટંકારિયાએ દુબઈમાં અટવાયેલા કૌશલ બાંટવિયાનો વીડિયો જોયો છે. જેમાં તેઓ દુબઈમાં હોટલ, ગ્રૉસરી સ્ટોર અને ટૅક્સી વગેરે ચાલુ હોવાનું જણાવે છે. સાથે જ તેઓ ફ્લાઇટ વહેલાસર ચાલુ થાય, તો પરિવારજનોની ચિંતા દૂર થવાની વાત કરતા જણાય છે.
વડોદરાનો સમૂહ ફસાયો

ઇમેજ સ્રોત, Hardik Trivedi/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વડોદરાથી બીબીસી ગુજરાતીના સહયોગી હાર્દિક ત્રિવેદી જણાવે છે કે મધ્યપૂર્વ એશિયાના તણાવને કારણે શૈલેષભાઈ અમીન તથા બીજા કેટલાક દુબઈમાં ફસાયા છે.
શૈલેષભાઈએ વીડિયો નિવેદન બહાર પાડીને જણાવ્યું, 'અમે છેલ્લા દસેક દિવસથી દુબઈમાં હતા. એવામાં અમેરિકાના હુમલા પછી ઈરાનની કાર્યવાહીને કારણે તણાવ વધ્યો છે.'
'રવિવારે વહેલી સવારે ધડાકા સંભળાયા હતા. રસ્તાઓ ઉપર પાંખી અવરજવર જોવા મળી રહી છે. લોકોને ઘરમાં રહેવા માટે તાકિદ કરવામાં આવી છે. ત્યારે ભારત સરકાર તાત્કાલિક મદદ કરે તેવી અપીલ છે.'
અમીનના કહેવા પ્રમાણે, ઈરાન તરફથી આવતી મિસાઇલો અને તેમને આંતરવા માટે છોડવામાં આવેલી મિસાઇલ અને તેના ધડાકા બારીમાંથી દેખાયા છે.
ભાવનગરથી બીબીસી ગુજરાતીના સહયોગી અલ્પેશ ડાભી જણાવે છે કે દુબઈ નોકરી કરવા ગયેલા અભય બાંભણિયા ત્યાં ફસાયા છે. તેમના વિશે ડિઝાસ્ટર મૅનેજમેન્ટ વિભાગને માહિતી આપવામાં આવી છે.
પરિવારજનો અને અભય વીડિયો કોલથી સંપર્કમાં છે. અભયને ટાંકતા પરિવારજનોને જણાવે છે કે દુબઈમાં ધડાકા સંભળાય રહ્યા છે. અભય રવિવારની ફ્લાઇટમાં પરત ફરવાના હતા, પરંતુ વર્તમાન સ્થિતિને કારણે ફસાઈ ગયા છે.
ચિંતિત પરિવારજનોની માંગ છે કે દુબઈમાં ફસાયેલા અભય તથા અન્ય ભારતીયોને સત્વરે વતન પરત લાવવા માટે કાર્યવાહી કરવામાં આવે.
'સાયરન વાગે એટલે બધા બંકરમાં છુપાઈ જાય છે'

ઇમેજ સ્રોત, Pratap Odedara
મૂળ પોરબંદરના નીતિન વાઢિયા ત્રણ મહિનાથી ઇઝરાયલમાં છે અને એક કંપનીમાં કામ કરે છે.
બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "અમે બપોરે શાંતિથી જમતા હતા, ત્યારે અચાનક અમારા મોબાઇલમાં સાયરન વાગ્યું અને હું દોડીને બંકરમાં ઘૂસી ગયો."
એ સમયને યાદ કરતા નીતિન કહે છે, "અમે ચાર જણા સાથે રહીએ છીએ. બધા બંકરમાં દોડી ગયા. અમે લગભગ અઢી-ત્રણ કલાક સુધી બંકરમાં રહ્યા."
"પછી મને આપણા એક ગુજરાતીએ કહ્યું કે ગભરાવાની જરૂર નથી, અહીં આવું થવું એ સામાન્ય બાબત છે. ત્યારે લગભગ ચારેક કલાકે મારો જીવ નીચે બેઠો."
નીતિન કહે છે, "થોડી વાર પછી મેં વીડિયો-કોલ કરીને મારા પરિવાર સાથે વાત કરી. મેં એમને દેખાડ્યું કે હું સલામત છું."
પોરબંદરના કુતિયાણા તાલુકાના કોટડા ગામના પ્રતાપ ઓડેદરા છેલ્લા એક વર્ષથી ઇઝરાયલમાં રહે છે.
પ્રતાપ એક વર્ષના ઇઝરાયલમાં વસવાટ દરમિયાન આવી પરિસ્થિતિથી ટેવાઈ ગયા છે. મધ્યપૂર્વ એશિયામાં તણાવ ફાટી નીકળ્યો, ત્યારે તેઓ ત્રણેક દિવસની રજામાં જેરુસલેમ જોવા ગયા હતા. એવામાં અચાનક યુદ્ધ શરૂ થઈ ગયું એટલે પ્રતાપે જેરુસલેમમાં રોકાઈ જવું પડ્યું.
પ્રતાપભાઈ કહે છે કે જે મિસાઇલો આવે છે, તેને આકાશમાં જ તોડી પાડવામાં આવે છે. લગભગ દરેક ઇમારતની નીચે બંકર હોય છે, એટલે યુદ્ધનું સાયરન વાગે કે બધા બંકરમાં ભરાઈ જાય છે.
દરમિયાન અબુધાબીસ્થિત ભારતીય દૂતાવાસે લોકોને બિનજરૂરી પ્રવાસ નહીં ખેડવા, બહાર નીકળતી વખતે સાવધ રહેવા તથા સત્તાધીશો દ્વારા જે કોઈ સૂચના આપવામાં આવે, તેનું પાલન કરવા જણાવ્યું છે.
દુબઈ અને અબુધાબીસ્થિત ભારતીય દૂતાવાસ સામાન્યપણે કામ કરી રહ્યા છે અને જરૂર પડ્યે આગળની સૂચનાઓ આપશે.
નાગરિકોને ટૉલફ્રી નંબર: 800-46342 વૉટ્સઍપ નંબર: +971543090571, ઇમેલ ઍડ્રેસ : pbsk.dubai@mea.gov.in ca.abudhabi@mea.gov.in ઉપર સંપર્ક સાધવા કહેવામાં આવ્યું છે.
આ સિવાય હવાઇયાત્રા ઠપ થવાને કારણે ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકોને વિઝાની મુદ્દત વધારવા સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવા કહ્યું છે. આ માટે વિદેશી નાગરિકો માટે એક ઍડ્વાઇઝરી પણ બહાર પાડવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












