ઑસ્ટ્રેલિયા સામે ભારતનો સિરીઝ વિજય : એ પાંચ બાબતો જે બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં પહેલી વાર થઈ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- વાંચવાનો સમય: 3 મિનિટ
"સૌથી પહેલા હું કહેવા માગુ છું કે મને આ ટીમનો ભાગ હોવા પર ગર્વ છે. જ્યારે મેં કપ્તાની સંભાળી, ત્યારે અહીંથી જ બદલાવની શરુઆત થઈ હતી અને વિશ્વાસ નથી થતો કે ચાર વર્ષ બાદ અમે અહીં જ જીત્યા છીએ."
સિરીઝમાં વિજય બાદ ટીમ ઇંડિયાના કૅપ્ટન વિરાટ કોહલીએ આ વાત કહી હતી.
વરસાદમાં ધોવાઈ ગયેલી છેલ્લી મેચ ડ્રો થતાંની સાથે ભારતે 71 વર્ષ બાદ ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ જીતી લીધી છે.
આ સિરીઝ અનેક રીતે ખાસ છે ત્યારે એ પાંચ વાતો જે આ સિરીઝમાં પહેલી વાર બની છે.

પહેલી સિરીઝ જીત

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની ટીમ 1947-48થી ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી રહી છે, પણ પહેલી વાર ટેસ્ટ સિરીઝ જીતી છે.
1947-48માં અને 1967-68માં ઓસ્ટ્રેલિયાએ 4-0થી સિરીઝ જીતી હતી.
1977-78માં 3-2થી અને 1991-92માં ફરી 4-0થી સિરીઝ જીતી હતી.
1999-2000માં 3-0થી, 2007-08માં 2-1થી તો 2011-12માં ફરી વાર 4-0થી સિરીઝ જીતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ બાદ 2015-16માં ઓસ્ટ્રેલિયા 2-0થી વિજતા બન્યું હતું.

આપને આ પણ વાચવું ગમશે

31 વર્ષ બાદ ફોલોઑન

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે ઑસ્ટ્રેલિયામાં સિરીઝ રમાતી હોય તો સામેવાળી ટીમે અનેક વાર ફોલોઑનનો સામનો કરવો પડે છે.
ફોલોઑનનો અર્થ છે જો એક ટીમ પહેલા દાવમાં 500 રન બનાવે તો બીજી ટીમે ઓછામાં ઓછા 301 રન કરવા પડે.
જો એમ ન કરે તો બૅટિંગ કરનારી ટીમને ઑલઆઉટ થયા બાદ ફરી બેટિંગ માટે બોલાવી શકાય.
ઑસ્ટ્રેલિયાએ આ સિરીઝમાં 31 વર્ષ પછી ફોલોઑનનો સામનો કરવો પડ્યો છે.
આની અગાઉ 1988માં ઇંગ્લૅન્ડ સામેની મેચમાં ઑસ્ટ્રેલિયા ફોલોઑન થયું હતું.
આ સિરીઝમાં ઑસ્ટ્રેલિયાને બે વખત ફોલોઑન થવું પડ્યું હોત, પણ એક મેચમાં કપ્તાન કોહલીએ ફોલોઑન આપ્યું નહોતું.


બૅટિંગ-બૉલિંગ બેઉમાં ઇન્ડિયા ટોચ પર

ઇમેજ સ્રોત, Reuters
સિરીઝ ઑસ્ટ્રેલિયાની ધરતી પર રમાતી હોય અને એમની ઝડપી પીચ પર એમના બૉલર્સ ટોચ પર ન હોય એવું ભાગ્યે જ બને, પણ આ સિરીઝમાં એ વાત પણ બદલાઈ ગઈ છે.
આ સિરીઝ ઐતિહાસિક છે, કેમ કે તેને ભારતે એકતરફી ક્રિકેટ રમી જીતી છે.
આ સિરીઝમાં સૌથી વધારે રન કરનારા પાંચ બૅટ્સમૅનમાં ત્રણ ભારતીય છે, જેમાં મૅન ઑફ ધ સિરીઝ બનનારા ગુજરાતના ચેતેશ્વર પૂજારા 521 રન સાથે ટોચ પર છે.
બીજા ક્રમે 350 રન સાથે ઋષભ પંત છે અને ત્રીજા ક્રમે કપ્તાન વિરાટ કોહલી છે.
બૉલિંગની વાત કરીએ તો ચાર મેચની આઠ ઇનિંગમાં 21 વિકેટ્સ સાથે જસપ્રીત બુમરાહ ટોચ પર છે.
લાયનને પણ 21 વિકેટ્સ મળી છે અને ત્રીજા ક્રમે ભારતીય બૉલર મોહમ્મદ શમી છે, જેમને 16 વિકેટ્સ મળી છે.

સૌથી મોટી લીડ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ટીમના બૅટ્સમૅનોનું પ્રદર્શન શાનદાર રહ્યું. ખાસ કરીને ગુજરાતી ચેતેશ્વર પૂજારાએ ગજબની બૅટિંગ કરી છે.
આ જ કારણ છે કે ઑસ્ટ્રેલિયા સામે ભારત એક વિક્રમ સર્જી શક્યું.
આ ઑસ્ટ્રેલિયામાં રમાયેલી પહેલી એવી સિરીઝ છે, જેમાં ભારતીય ટીમે બે વાર જંગી લીડ મેળવી.
સિડની ટેસ્ટમાં 322 રનની લીડ મેળવી હતી જે ઓસ્ટ્રેલિયા સામેની બીજા ક્રમની મોટી લીડ છે. 1998માં કોલકત્તામાં ઓસ્ટ્રેલિયા સામે ભારતે 400 રનની લીડ મેળવી હતી.
આ સિવાય મેલબર્નમાં ભારતે 292 રનની લીડ મેળવી, જે ઓસ્ટ્રેલિયા સામે ભારતની ચોથી સૌથી મોટી લીડ છે.


કુલદીપનો કમાલ

ઇમેજ સ્રોત, Getty Images
ઓસ્ટ્રેલિયાની પીચ પર સામાન્ય રીતે ફાસ્ટ બૉલર્સને સફળતાઓ મળતી હોય છે. જોકે, સાવ એવું પણ નથી, કેમ કે શેન વૉર્નને કોણ ભૂલી શકે?
આ ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં કપ્તાન કોહલીએ કુલદીપ યાદવને મેદાન પર ઉતાર્યા અને એમણે સિડની ટેસ્ટની પહેલી ઇનિંગમાં 99 રન પર પાંચ વિકેટ ઝડપી.
આ કોઈ પણ વિદેશી સ્પિન બૉલર્સમાં બીજું શાનદાર પ્રદર્શન છે.
આની અગાઉ છેક 1955માં જૉની વાર્ડલે સિડનીમાં 79 રન આપી 5 વિકેટ ઝડપી હતી.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














