BHU સંસ્કૃત વિવાદ : 'રાજકારણ ભાષાને પોતાનું હથિયાર બનાવી તેને ક્રૂર અને ખોખલી બનાવી દે છે.'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મંગલેશ ડબરાલ
- પદ, વરિષ્ઠ કવિ-પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
- વાંચવાનો સમય: 4 મિનિટ
રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનમાં અભ્યાસ કરનાર ફિરોઝ ખાને કદાય ક્યારેય કલ્પના નહીં કરી હોય કે બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં તેમની નિમણૂક અંગે વિવાદ થશે અને વિદ્યાર્થીઓ જ તેમની સામે ધરણાં પર બેસશે.
સૌનો સમાવેશ કરતી એ સંસ્કૃતિના પ્રતિનિધિ ફિરોઝ છે જેની સાથે આપણા સમાજના તાણાવાણા જોડાયેલા છે અને જેના પર હાલનાં વર્ષોમાં સતત પ્રહાર થતા રહ્યા છે.
સંસ્કૃતમાં 'કૂપમંડૂકતા' આ માટે યોગ્ય શબ્દ છે, જેના કારણે વ્યાકરણ અને સાહિત્યની દૃષ્ટિએ આ મહાન ભાષા એકીકરણ, સંકીર્ણતા અને સાંપ્રદાયિકતાનો શિકાર બની છે.
આપણે એ ભૂલી ગયા કે સંસ્કૃતને વૈશ્વિક સ્તરે જેના લીધે સન્માન મળ્યું એ લોકો માત્ર હિંદુ કે બ્રાહ્મણ નહોતા, પરંતુ જર્મન, અંગ્રેજ અને મુસ્લિમ વિદ્વાન હતા. તેમણે ઘણી ભાષાઓ વચ્ચે પ્રત્યાયન અને સંવાદનો પુલ બાંધ્યો હતો.
તાલમેલ વધારતી ભાષાઓ

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1953-54માં મોહમ્મદ મુસ્તફા ખાન 'મદ્દાહ'એ એક ઉર્દૂ-હિંદી શબ્દકોશનું સંપાદન કર્યું હતું, જેનું પ્રકાશન ઉત્તર પ્રદેશ હિંદી સંસ્થાએ કર્યું હતું.
સાત દાયકા બાદ પણ ઉર્દૂ-હિંદીમાં આનાથી વધુ સારો શબ્દકોશ બન્યો નથી.
મદ્દાહ પાલિ, સંસ્કૃત, અરબી, ફારસી, તુર્કી અને હિંદીના જાણકાર હતા અને આ બધી ભાષાઓના શબ્દકોશ તૈયાર કરી ચૂક્યા છે.
તેમના એક હિંદુ મિત્રે આગ્રહ કર્યો કે હિંદી-ઉર્દૂના કોશ બાદ તેઓએ ઉર્દૂ-હિંદીનો કોશ પણ તૈયાર કરવો જોઈએ, કેમ કે 'ઉર્દૂ સાહિત્ય ખૂબ ઝડપથી હિંદીમાં લિપિબદ્ધ થઈ રહ્યું છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉલ્લેખનીય છે કે મદ્દાહનો આ કોશ ડૉ. સંપૂર્ણાનંદને સમર્પિત છે જેઓ રાજનેતા હોવા ઉપરાંત સંસ્કૃતના વિદ્વાન હતા અને તેમના નામે બનારસમાં સંપૂર્ણાનંદ સંસ્કૃત વિદ્યાપીઠ બની છે.
આ માત્ર એક ઉદાહરણ છે. વાસ્તવમાં આપણા દેશમાં ભાષા અને વિદ્વતાના ક્ષેત્રમાં સંસ્કૃત, ફારસી, હિંદી, ઉર્દૂના તાલમેલ અને પ્રત્યાયનની લાંબી પરંપરા છે જેના લીધે સુસંગતતાના વિકાસમાં મદદ મળી.
મુઘલના દોરમાં દારા શિકોહે ઉપનિષદોનો કરેલો અનુવાદ એકતાનો મહત્ત્વનો પડાવ હતો.

ઇમેજ સ્રોત, Thinkstock
આઝાદી મળ્યા બાદ પણ બે કે ત્રણ ભાષાના જાણકાર હોય એવા લોકો દૂરના ગામમાંથી મળી આવતા હતા. જેમ કે મારા પિતા સંસ્કૃત, ઉર્દૂ અને હિંદીના સારા જાણકાર હતા.
તેમણે 'સત્યનારાયણ કી કથા'નો ગઢવાલીમાં છંદબદ્ધ અનુવાદ કર્યો હતો અને તેઓ પોતાની રોજનીશી ઉર્દૂમાં લખતા હતા.
સાહિત્યમાં હિંદી-ઉર્દૂની ઘનિષ્ઠતાનો લાંબો ઇતિહાસ છે.
પ્રેમચંદ, રતનનાથ, સરશાર, વ્રજનારાયણ ચકબસ્ત, ફિરાક ગોરખપુરી, કૃષ્ણ ચંદર, રાજેન્દ્રસિંહ બેદી અને ઉપેન્દ્રનાથ અશ્ક જેવા મોટા લેખકોએ ઉર્દૂમાં લખ્યું, પરંતુ એ સવાલ ક્યારેય ન ઊઠ્યો કે તેઓ ઉર્દૂમાં શા માટે લખે છે.
એ સમયે હિંદી અને ઉર્દૂનું એકસાથે અધ્યયન કરવું સામાન્ય વાત હતી અને આજે પણ વિદેશી વિદ્વાનો હિંદી અને ઉર્દૂ એકસાથે ભણે-શીખે છે.
પ્રેમચંદ બહોળા વાચક સમુદાય સુધી પહોંચવાની ગરજ સાથે હિંદીમાં આવ્યા, પરંતુ ઉર્દૂનો છેડો તેમણે ક્યારેય ન છોડ્યો. તેમની છેલ્લી વાર્તા 'કફન' મૂળરૂપે ઉર્દૂમાં લખાઈ હતી.

આજે પણ હિંદુ ઘરોમાં જન્મેલા ઘણા ઉર્દૂ શાયર ખૂબ લખી રહ્યા છે. શીન કાફ નિઝામ, જયંત પરમાર અને ચંદ્રભાન ખયાલ જેવાં ઘણાં નામો ગણાવી શકાય.
ઉર્દૂની મહાન પરંપરામાં મીર અને ગાલિબ એવા શાયર છે જેઓ હિંદી કે ખડીબોલીના શબ્દોને અનેક જગ્યાએ ઉપયોગ કરે છે:
'પત્તાં પત્તાં બૂટા બૂટા હાલ હમારા જાને હૈ', 'સિરહાને 'મીર' કે કોઈ ન બોલો, અભી ટૂટા રોતે રોતે સો ગયા હૈ' કે 'હૈ ખબર ગર્મ ઉન કે આને કી, આજ હી ઘર મેં બોરિયા ન હુઆ' કે 'મેરે દુઃખ કી દવા કરે કોઈ' (ગાબિલ).
ફિરાક ગોરખપુરીની શાયરી પણ હિંદી-ઉર્દૂની એકતાની મિસાલ છે - 'જ્યૂં કોઈ નાર સિતાર બજાવે હૈ', 'બહોત પહલે સે ઉન કદમોં કી આહટ જાન લેતે હૈ, તુઝે એ જિંદગી હમ દૂર સે પહચાન લેતે હૈ', 'ઈસી ખંડહર મેં કહી કુછ દિયે હૈ ટૂટે, ઇન્હી સે કામ ચલાઓ બડી ઉદાસ હૈ રાત.'
રોજિંદા વ્યવહારની ભાષામાં પણ હિંદીના દેશ્ય શબ્દો અને ઉર્દૂની દોસ્તીએ કેટલી સુંદરતા બક્ષી છે, એના પર ફિરાકસાહેબે આખું પુસ્તક લખ્યું છે, જેમાં સેંકડો ઉદાહરણ આપવામાં આવ્યાં છે : શાદી-બ્યાહ, રોટી-સબ્જી, હુક્કા-પાની, જાત-બિરાદરી, રસ્મો-રાહ, બોરિયા-બિસ્તર વગેરે.
પરંતુ રાજકારણ ભાષાને પોતાનું હથિયાર બનાવી લે છે, તેને ક્રૂર અને ખોખલી બનાવી દે છે.
જર્મનીમાં હિટલરની તાનાશાહી દરમિયાન લાખો યહૂદીઓની હત્યા બાદ દાર્શનિક થિયોડોર અડૉર્નોએ કહ્યું હતું કે 'હવે જર્મન ભાષામાં કવિતા લખવી શક્ય નથી.'

ભાષાઓને ધર્મ સાથે જોડી દીધી

ઇમેજ સ્રોત, Getty Images
આઝાદી બાદ હિંદી અને ઉર્દૂ સાથે પણ આ રીતની દુર્ઘટના થઈ છે અને આજે આપણે જોઈએ છીએ કે હિંદીને હિંદુ અને ઉર્દૂને મુસ્લિમ બનાવવામાં આવે છે, જેની મોટી અસર ઉર્દૂને વેઠવી પડે છે.
આધુનિક સમયમાં સંસ્કૃત કેવી રીતે ભણાવવી? ભાષાને 'વહેતું પાણી' માનવામાં આવે છે, જેમાં દેશકાળ અનુરૂપ ફેરફાર થતા રહે છે.
જો આવું ન થાય તો એ એક સ્થગિત અને ગંદું પાણી બની શકે છે.
સંસ્કૃત સાથે પણ આવું જ થયું છે, કેમ કે તેના વાંચન સાથે જોડાયેલા લોકો, તેના સંચાલક તંત્રે તેને નવા જમાના પ્રમાણે ઢાળવાનો બહુ ઓછો પ્રયત્ન કર્યો.
જોકે સંસ્કૃત એટલી લચીલી છે કે તે કોઈ પણ નવા વાતાવરણ કે નવી અભિવ્યક્તિનો સમાવેશ કરી શકે છે.
કમનસીબે એ લચીલાપણું શિક્ષણમાં ન અપનાવાયું અને એ જ જૂની, સંકીર્ણ અને સામંતી રીતથી ચાલતું રહ્યું.
તેના કારણે આ મહાન ભાષા પરિવર્તનોથી અછૂત અને અપ્રાસંગિક બનતી ગઈ.

આઝાદી બાદ રાષ્ટ્રીય સ્તરે સંસ્કૃતની સંસ્થાઓ ખોલાઈ, પરંતુ તેનો અભ્યાસક્રમ એ જ રહ્યો, જેને સંસ્કૃતમાં 'ગતાનુગતિક' કહેવાય છે.
ડૉ. રાધાવલ્લભ ત્રિપાઠી અને બલરામ શુક્લ જેવા કેટલાક વિદ્વાનો અપવાદ જરૂર છે જેમણે સંસ્કૃત સાહિત્યની બીજી પરંપરાઓની શોધ કરી અને એ જણાવ્યું કે તે માત્ર બ્રાહ્મણવાદી ધરોહર નથી.
તેમાં માત્ર 'તન્વીશ્યામા શિખરિદશના પક્વબિમ્બાધરોષ્ટિ'નું સૌંદર્ય અને શૃંગાર નથી, પણ પોતાના સમયના અભાવ અને સંકટોનું ચિત્રણ પણ છે જે આજે કાવ્ય-સંવેદના સાથે જોડાયેલું છે.
સંસ્કૃતનો વાસ્તવિક વિકાસ ચોટલી રાખવાનો અને આચાર્યોને દંડવત્ કરાવતાં ગુરુકુળો સાથે નથી.
આધુનિક ઉદાર દૃષ્ટિકોણથી પણ થઈ શકે છે, જેમાં ધર્મવિદ્વતા આડે ન આવે અને અન્ય ધર્મોમાં જન્મ લેનારના પ્રવેશ પર પ્રતિબંધ ન હોય.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












