IND vs AUS : વર્લ્ડ કપમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આજે ખરાખરીનો જંગ

રોહિત શર્મા અને શિખર ધવન

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 3 મિનિટ

વર્લ્ડ કપ જીતવાના ભારતના અભિયાનની આકરી કસોટી રવિવારે થનારી છે.

જ્યારે વિરાટ કોહલીની મજબૂત ટીમ તેના જેવી જ મજબૂત અને આ ટુર્નામેન્ટની ફેવરિટ એવી ઑસ્ટ્રેલિયન ટીમ સામે આજે ટકરાશે.

આઈસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં આ વખતે કેટલાક મુકાબલાની અગાઉથી જ રાહ જોવાતી હતી, તેમાંનો એક એટલે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેનો જંગ.

આજે રવિવારે લંડનના ઓવલ મેદાનમાં બપોરે 3.00 કલાકે મૅચનો પ્રારંભ થશે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન
ડેવિડ વૉર્નર અને સ્ટીવ સ્મિથ

ઇમેજ સ્રોત, Reuters

અહીંના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બંને ટીમ વચ્ચે મૅચ રમાશે. આ એ જ મેદાન છે જ્યાં બંને ટીમ અગાઉ રમી હતી અને ઑસ્ટ્રેલિયાનો 77 રનથી વિજય થયો હતો.

ભારતે અગાઉની મૅચમાં સાઉથ આફ્રિકા સામે આસાન વિજય હાંસલ કર્યો હતો, તો બે દિવસ અગાઉ ઑસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડીઝ સામે સંઘર્ષપૂર્ણ વિજય નોંધાવ્યો હતો.

જોકે તે મૅચમાં તેના ચાવીરૂપ ખેલાડીઓએ ફૉર્મનો પરચો આપી દીધો હતો.

સ્ટીવ સ્મિથે ટીમનો રકાસ અટકાવીને પડકારજનક સ્કોર નોંધાવવામાં કાંગારુ ટીમને મદદ કરી હતી તો મિચેલ સ્ટાર્કે વેધક બૉલિંગ કરીને પાંચ વિકેટ ઝડપી હતી.

ઑસ્ટ્રેલિયા સામે રમતી વખતે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીએ આ બાબતનું ખાસ ધ્યાનમાં રાખીને પ્લાન ઘડવાના રહેશે.

છેલ્લા એક વર્ષમાં ઑસ્ટ્રેલિયાએ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નરની ગેરહાજરીમાં ઘણો સંઘર્ષ કર્યો છે, પરંતુ વર્લ્ડ કપમાં બે મૅચ જીતીને તેમણે પુરવાર કરી દીધું છે કે વર્લ્ડ કપ ટાઇટલ ડિફેન્ડ કરવા માટે તેઓ સજ્જ છે.

line

સ્ટીવ સ્મિથ અને મિચેલ સ્ટાર્કનું ફૉર્મ ભારત માટે ચિંતાજનક

ઑસ્ટ્રેલિયન ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

સ્ટીવ સ્મિથ અને મિચેલ સ્ટાર્કનું ફૉર્મ ભારત માટે ચિંતાજનક છે. આ ઉપરાંત ભારતે એ વાતનો પણ ખ્યાલ રાખવાનો છે કે છેલ્લે ઑસ્ટ્રેલિયન ટીમે ભારત આવીને તેમને હરાવ્યા હતા.

એ વખતે સ્ટીવ સ્મિથ અને વૉર્નર ટીમમાં રમ્યા ન હતા તેમ છતાં ભારતે સિરીઝ ગુમાવવી પડી હતી.

ત્યારબાદ આઈપીએલમાં ડેવિડ વૉર્નરે ગજબનું ફૉર્મ દાખવ્યું હતું અને ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન નોંધાવનારા બૅટ્સમૅન બન્યા હતા.

ઑસ્ટ્રેલિયન કોચ રિકી પૉન્ટિંગ પણ આઈપીએલમાં દિલ્હીની ટીમના કોચ હતા. તેને કારણે તેમણે વર્તમાન ભારતીય ટીમના લગભગ તમામ ખેલાડીઓને આઈપીએલમાં નજીકથી નિહાળ્યા છે.

રિકી પૉન્ટિંગ આ જ બાબતને ધ્યાનમાં રાખીને આ મૅચ માટે રણનીતિ ઘડશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

તેમણે જણાવ્યું હતું કે મને લાગે છે કે તેઓ બેને બદલે એક સ્પિનરને રમાડે અને એક ઑલરાઉન્ડર (કેદાર જાધવ)ને સ્પિનર તરીકે અજમાવી શકે છે. આમ થશે તો ભારત વધુ એક ઝડપી બૉલરને સમાવવાની તક ઝડપી શકે તેમ છે.

અમે આગામી બે દિવસ માટે ચિંતિત છીએ, પરંતુ એક વાતની ખાતરી કરાવવા માગીએ છીએ કે તમામ ખેલાડીઓ આ મૅચ માટે સજ્જ છે તેમ પૉન્ટિંગે ઉમેર્યું હતું.

line

બંને ટીમ મજબૂત હોવાથી રોમાંચક મુકાબલો થશે

ભારતીય ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં રમાયેલી સિરીઝમાં ઑસ્ટ્રેલિયાએ ભારતના બે સ્પિનર કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલનો અસરકારક રીતે સામનો કર્યો હતો.

આ જ કારણસર તેમને સફળતા મળી હતી. ખાસ વાત તો એ હતી કે એ સિરીઝમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર તો રમ્યા જ નહોતા.

બે દિવસ અગાઉ વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં પ્રારંભિક ધબડકા છતાં ઑસ્ટ્રેલિયાએ સ્ટીવ સ્મિથ અને કોલ્ટર-નાઇલની મદદથી મૅચમાં પુનરાગમન કર્યું હતું. તેમાંય બૉલિંગમાં મિચેલ સ્ટાર્કે તરખાટ મચાવતાં ચૅમ્પિયનને છાજે તેવી રીતે મૅચ જીત્યા હતા.

ભારતે પણ સાઉથ આફ્રિકા સામે બૉલિંગ અને બૅટિંગમાં મજબૂત પ્રદર્શન કર્યું હતું.

બૉલરોએ ટીમ માટે બાજી ગોઠવી હતી તો રોહિત શર્માએ ટાર્ગેટ સામે રમતાં ટીમ માટે વિજયની રાહ આસાન કરી દીધી હતી.

આમ, બંને ટીમ મજબૂત છે અને રોમાંચક મુકાબલાની અપેક્ષા રખાય છે.

ભારત : વિરાટ કોહલી (સુકાની), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, વિજય શંકર, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, દિનેશ કાર્તિક, રવીન્દ્ર જાડેજા.

ઑસ્ટ્રેલિયા : એરોન ફિંચ (સુકાની), ડેવિડ વૉર્નર, ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લૅન મૅક્સવેલ, ઍડમ ઝમ્પા, પેટ કમિન્સ, નાથાન કોલ્ટર-નાઇલ, મિચેલ સ્ટાર્ક, નાથાન લાયન, શૌન માર્શ, જેસન બેર્હેનડ્રોફ, કેન રિચર્ડસન.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.