કોરોનાને લીધે ચીનનાં શહેરો ઠપ, અઢી કરોડ લોકોને ક્વોરૅન્ટીન કરાયા
- લેેખક, ઝુબૈદા અબ્દુલ જલીલ અને એનાબેલ લીએંગ
- પદ, બીબીસી ન્યૂઝ
- વાંચવાનો સમય: 3 મિનિટ
કોરોના વાઇરસ મહામારીની શરૂઆત બાદથી ચીન આજ દિન સુધીના સૌથી મોટા લૉકડાઉનનો સામનો કરી રહ્યું છે. આ લૉકડાઉનના પ્રસારના કારણે મલ્ટિનેશનલ કંપનીઓએ પોતાની પ્રવૃત્તિઓ અટકાવવાની ફરજ પડી છે.

ઇમેજ સ્રોત, Getty Images
દેશમાં કરોડો લોકો નવા પ્રતિબંધોનો સામનો કરી રહ્યા છે, જેમાં જિલીન પ્રાંત અને ટેકનૉલૉજી હબ શેનઝેન પણ સામેલ છે. આ દરમિયાન સત્તાધીશો દ્વારા કોરોનાના રેકર્ડ કેસો રિપોર્ટ કરાયા હતા.
ટોયોટા, ફોક્સવેગન અને ઍપ્પલના સપ્લાયર ફોક્સકૉન જેવી મોટી કંપનીઓ પર તેની અસર પડી છે.
લૉકડાઉનના કારણે જરૂરી વસ્તુઓના પુરવઠાતંત્ર પર માઠી અસર પડવાની સંભાવના છે.
મંગળવારે ચીનમાં પાંચ હજાર લોકો કોરોનાગ્રસ્ત મળી આવ્યા હતા, જે પૈકી મોટા ભાગના કિસ્સા જિલીન ખાતે નોંધાયા હતા.
સોમવારથી ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આવેલા આ પ્રાંતના તમામ 2.4 કરોડ લોકોને કૉરૅન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. મહામારીની શરૂઆત વખતે વુહાન અને હેબેઈ પ્રાંત પર લદાયેલા લૉકડાઉન બાદ ચીને પહેલી વાર આટલા મોટા વિસ્તાર પર નિયંત્રણો લાદ્યાં છે.
જિલીનના લોકોની અવરજવર પ્રતિબંધિત કરાઈ છે. તેમજ વિસ્તાર છોડવા માગતા લોકોએ પોલીસની પૂર્વપરવાનગી લેવાની રહેશે.
દક્ષિણના શહેર શેનઝેનના સવા કરોડ રહેવાસીઓને પાંચ દિવસીય લૉકડાઉન અંતર્ગત રાખવાના નિર્ણય બાદ જિલીન અંગે નિર્ણય લેવાયો હતો. નોંધનીય છે કે શેનઝેન ખાતે બસ અને સબ-વે મુસાફરી વ્યવસ્થા મોકૂફ રાખવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંગળવારે ચીનના પાટનગર બેઇજિંગ સાથે સીમા ધરાવતા લાંગફાંગ શહેર અને દક્ષિણના પ્રાંત ગુઆનડોંગના વિસ્તાર ડોંગગુઆનના સત્તાધીશોએ પણ તાત્કાલિક લૉકડાઉન લાદવાની જાહેરાત કરી હતી.
આ તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં આવેલી કંપનીઓ અને પેઢીઓને તાત્કાલિક કામકાજ બંધ કરવાનું અને તેમજ તેમના કામદારોને વર્ક ફ્રૉમ હોમની સુવિધા આપવાનું જણાવવામાં આવ્યું છે. જોકે આ નિયમોમાંથી ભોજનસામગ્રી, જીવનજરૂરી વસ્તુઓ અને સેવાઓ પૂરા પાડતી પ્રવૃત્તિઓને છૂટછાટ અપાઈ છે.
સોમવારે ઍપ્પલ માટે આઇફોન બનાવતી કંપની ફોક્સકૉને શેનઝેન ખાતે પોતાની પ્રવૃત્તિઓ અટકાવી હતી. તેમજ પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરવાનો નિર્ણય 'સ્થાનિક સરકારની સલાહ પ્રમાણે લેવાશે' તેવું જણાવ્યું હતું.

ફેકટરીઓ પણ બંધ કરવી પડી

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, નોંધનીય છે કે આ કંપની પાસે ચીનમાં ઘણી પ્રોડક્શન સાઇટ છે. તેમણે બીબીસીને જણાવ્યું કે, "તેમણે સંભવિત અસર ઓછામાં ઓછી રાખવા માટે ઉત્પાદનમાં ફેરફાર કરાયો છે." ઝેંગઝોઉ ખાતેનો પ્લાન્ટ - જે વિશ્વની આઇફોનનિર્માણ માટેની સૌથી મોટી ફેકટરી છે - તે ચાલુ રહેશે, કારણ કે શહેર પર નિયંત્રણો નહોતાં લાદવામાં આવ્યાં.
ટોયોટાએ જિલીન પ્રાંતના ચેંગચુન ખાતેની ફેકટરી બંધ કરવી પડી હતી. પરંતુ કંપનીએ પોતાની પ્રવૃત્તિઓ પુન: શરૂ કરવા માટેની સમયમર્યાદા જણાવી નથી.
જાપાનની આ કારનિર્માતા કંપનીએ બીબીસીને જણાવ્યું કે "કામદારો અને સંબંધિત પક્ષોની સલામતી અને સુરક્ષાનાં કારણોસર આ નિર્ણય લેવાયો છે."
ચેંગચુન ખાતે જર્મન કારમૅકર ફોક્સવેગને પણ પોતાની પ્રવૃત્તિઓ અટકાવી દેવી પડી હતી.
તેમણે કહ્યું હતું કે, "ફોક્સવેગન અને ઓડી કારોના નિર્માણની પ્રક્રિયા અને અન્ય ભાગો પર અસર પડી હતી. પરંતુ આશા છે કે ફેકટરી ગુરુવારથી ફરીથી શરૂ કરાશે."
મંગળવારે શાંઘાઈ કૉમ્પોઝિટમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો હતો, તેમજ ચીનની ચાઇનીઝ ટેકનૉલૉજી કંપનીઓ જેમાં લિસ્ટ કરાઈ છે, તે હેંગસેંગ ઇન્ડેક્સમાં છ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
વિશ્લેષકોનું માનવું છે કે કંપનીઓ આ અટકાવનો સામનો કરી લેશે.
સિંગાપોરની ડીબીએસ બૅન્કના વરિષ્ઠ રોકાણ વ્યૂહરચનાકાર યેન્ગ ચેન્ગ લિન્ગે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે, "આ પ્રકારનાં લૉકડાઉન પહેલાં પણ લાગુ કરાયાં છે. તેમજ કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતાં જ ફરી વાર ટૂંકા ગાળામાં જ આ શહેરોમાંથી ફરીથી પ્રતિબંધો હઠાવી લેવાયા હતા."
યુબીએસના વિશ્લેષક ગ્રેસ ચેને કહ્યું કે શેનઝેન એ સપ્લાયરો માટે 'મોટી' પ્રોડક્શન સાઇટ નહોતી, પરંતુ જો શાંઘાઈ અને આસપાસના વિસ્તારોમાં પણ લૉકડાઉન લાદવામાં આવે તો તે મુશ્કેલી સર્જી શકે તેમ છે કારણ કે આ વિસ્તારોએ નોટબુક, સર્વર અને સ્માર્ટ ડિવાઇસો માટેના ઉત્પાદનના હબ છે.
નોંધનીય છે કે ચીનની ઝીરો-કોવિડ પૉલિસીના કારણે વિસ્તારમાં અન્ય વિસ્તારોના સાપેક્ષે ઓછા કેસો સામે આવ્યા છે. ચીન વધુ કેસો સામે આવે ત્યારે તાત્કાલિક લૉકડાઉન, માસ ટેસ્ટિંગ અને અવરજવર પર નિયંત્રણો લાદીને આજ દિન સુધી કેસોના પ્રસારને અટકાવતું આવ્યું છે.
જોકે ઓમિક્રૉન વૅરિયન્ટની પ્રસારક્ષમતાના કારણે આ નીતિ પર ટકી રહેવું વધુ પડકારજનક બન્યું છે.
ચીનના ચેપી રોગોના નિષ્ણાત ઝેંગ વેનહોંગે હાલના પ્રસારને "કોરોના સામેની લડત વિરુદ્ધ સૌથી મુશ્કેલ તબક્કો" ગણાવ્યો હતો. તેમજ વિસ્તારોમાં હાલ "કોરોનાના ચેપમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે."
તેમણે સોશિયલ મીડિયા પર એક ઓનલાઇન પોસ્ટમાં પોતાના વિચારો રજૂ કરતાં જણાવ્યું હતું કે, "ચીન માટે તેની ઝીરો-કોવિડની વ્યૂહરચના પર ટકી રહેવું જરૂરી છે. જોકે તેનો અર્થ એવો નથી કે ભવિષ્યમાં પણ વાઇરસના પ્રસારને રોકવા માટે આપણે લૉકડાઉને અને માસ ટેસ્ટિંગની વ્યૂહરચના જ અપનાવવી જોઈએ."


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












