આખું જીવન કેમ એક સરખું ભોજન ન કરવું જોઈએ, આહાર કેવી રીતે બદલતા રહેવો જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જેસિકા બ્રેડલી
- પદ, બીબીસી ફ્યૂચર
- વાંચવાનો સમય: 9 મિનિટ
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, બ્રિટિશ સરકારે રૅશનિંગની નીતિ રજૂ કરી હતી, જે હેઠળ પરિવારોને સાપ્તાહિક ભથ્થું આપવામાં આવતું હતું. આ પાછળનો ઉદ્દેશ્ય લોકોને પોષણ પૂરું પાડવાનો અને તેની સાથે જ દેશભરમાં એકસમાન રીતે આહારનું વિતરણ થાય, એ સુનિશ્ચિત કરવાનો હતો.
રૅશનમાં અન્ય ખાદ્ય સામગ્રીની સાથે ખાંડ પણ આપવામાં આવતી હતી. લોકોને દર અઠવાડિયે લગભગ 8 ઔંસ (227 ગ્રામ) ખાંડ મેળવવાની છૂટ હતી. જોકે, બે વર્ષ કરતાં નીચેનાં બાળકો માટે ખાંડ ફાળવાતી નહોતી.
1953માં જ્યારે ખાંડના રૅશનિંગનો અંત આવ્યો, ત્યારે પુખ્ત લોકોમાં ખાંડનું સરેરાશ સેવન બેવડાઈ ગયું. તે સમયે લોકોને એટલી જાણકારી ન હતી, પણ તેનાથી ભવિષ્યમાં વિજ્ઞાનીઓને પ્રારંભિક તબક્કે ખાંડના સેવનની અસરોનો અભ્યાસ કરવાની તક સાંપડવાની હતી.
2025ના એક સંશોધન પત્રમાં સંશોધકોની એક વૈશ્વિક ટીમે 1951 અને 1956ની વચ્ચેના સમયમાં બ્રિટનમાં જન્મેલા 63,000 લોકોના તબીબી રેકૉર્ડનો ઊંડો અભ્યાસ કર્યો. અભ્યાસમાં એ સમયગાળો લેવામાં આવ્યો હતો, જ્યારે ખાંડનું રેશનિંગ પુરજોશમાં ચાલુ હતું.
તેમણે જોયું કે, રેશનિંગ સમાપ્ત થઈ ગયા બાદ ભરપૂર માત્રામાં મીઠાઈ આરોગવાની છૂટ મેળવનારાં બાળકોની તુલનામાં માતાના ગર્ભમાં અને જીવનના પ્રથમ 1,000 દિવસ સુધી ઓછી ખાંડ મેળવનારાં બાળકોને પાછલી વયે હૃદય સંબંધિત બિમારી થવાની શક્યતા 20 ટકા ઓછી હતી, હાર્ટ ફેઇલ્યોર થવાની શક્યતા 25 ટકા ઓછી હતી તથા સ્ટ્રોક થવાની સંભવિતતા 31 ટકા ઓછી હતી.

ઇમેજ સ્રોત, Serenity Strull/BBC
તમને કદાચ એ જાણીને આશ્ચર્ય નહીં થાય કે, ખાંડના સેવન અને આરોગ્ય વચ્ચેનો આ મજબૂત સંબંધ આપણા જન્મ પછી સતત ચાલુ રહે છે. સરળ શબ્દોમાં કહીએ તો, અતિશય ગળપણનું સેવન કરવું કોઈપણ વયે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
પરંતુ, અન્ય કેટલાક ખાદ્ય પદાર્થોના મામલામાં, પોષણ સંબંધિત લાભનો આધાર વ્યક્તિ જીવનના કયા તબક્કે છે, તેના પર રહેતો હોય છે.
જેમકે, શિશુઓ તથા નાનાં બાળકોને ડેરી તથા ફુલ ક્રીમ દૂધમાં મોજૂદ ચરબીની ભરપૂર માત્રામાં આવશ્યકતા હોય છે, પણ 20 અને 30 વર્ષની વયના લોકો માટે તે એટલું આરોગ્યપ્રદ ગણાતું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બ્રિટનની ઇમ્પિરીયલ કૉલેજ લંડન ખાતેનાં ન્યૂટ્રિશનલ સાયન્ટિસ્ટ ફેડરિકા અમાતીના મત અનુસાર, બાળકોમાં ઊંચી ઊર્જાની આવશ્યકતાનો અર્થ એ કે, તેમને પોષક તત્ત્વોથી ભરપૂર આહારની જરૂર હોય છે.
બાળક તરીકે આપણને જે આહારની જરૂર હોય છે, જરૂરી નથી કે, પાછલા જીવનમાં પણ તેની આવશ્યકતા રહે.
અમાતી જણાવે છે, "બાળપણમાં આહાર શરીર તથા મસ્તિષ્કનું નિર્માણ કરે છે." તંદુરસ્ત કેલરીઝની સાથે-સાથે બાળકોને શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા, મસ્તિષ્કના વિકાસ અને સ્નાયુઓની વૃદ્ધિ માટે આયર્ન, આયોડિન તથા ઘણાં પ્રકારનાં વિટામિન્સની પણ જરૂર હોય છે.
અર્થાત્, પુષ્કળ પ્રમાણમાં ફળો અને શાકભાજી, અનાજ, કઠોળ, દાળ, સૂકા મેવા અને બીજ સહિત સારી ગુણવત્તાયુક્ત ચરબી અને અલ્પતમ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્ય ચીજો.
અમાતીના જણાવ્યા પ્રમાણે, "ગર્ભધારણથી લઈને પ્રથમ 1,000 દિવસો અને શાળાનાં વર્ષો દરમિયાન બાળકો ઝડપથી વૃદ્ધિ પામતાં હોય છે અને આ ગાળામાં તેમની મોટાભાગની અસ્થિ સંરચનાનું નિર્માણ થતું હોય છે."
"આથી જ ઉંમરના આ તબક્કે કેલ્શિયમ અને વિટામિન ડી અગત્યનાં પોષક તત્ત્વો હોય છે."
"હાડકાંના સામાન્ય વિકાસ માટે તેમજ તંદુરસ્ત અસ્થિ ઘનત્વ પ્રાપ્ત કરવા માટે આવશ્યક છે. તેનાથી ભવિષ્યમાં ઑસ્ટિયોપોરોસિસ અને ફ્રૅક્ચરનું જોખમ ઘટી જાય છે."
અમાતીના મતાનુસાર, તેનો અર્થ એ થાય છે કે, દૂધ, દહીં, ચીઝ, કેલ્શિયમયુક્ત ટોફુ કે ફોર્ટિફાઇડ પ્લાન્ટ ડ્રિન્ક્સ જેવા કેલ્શિયમના નિયમિત સ્રોતો અને વિટામિન ડી જેમાંથી મળે છે, તે માછલી તથા ઈંડા જેવા ખાદ્ય પદાર્થોનો આહારમાં સમાવેશ કરવો જોઈએ તેમજ સૂર્ય પ્રકાશ લેવો જોઈએ.
બાળપણમાં યોગ્ય આહાર લેવાથી આગળ જતાં આરોગ્યને ફાયદો થતો હોવાના પુરાવા મોજૂદ છે.
2023ના એક અભ્યાસમાં સંશોધકોએ બાળકોના આહારનો અભ્યાસ કર્યો હતો તથા તેની સરખામણી તેમના બાળપણ અને યુવાવસ્થાના આરોગ્ય સાથે કરી હતી.
તેમને જોવા મળ્યું કે, જે બાળકોએ સાત વર્ષની વયે બ્રિટનની ઇટવેલ ગાઇડની આહારલક્ષી ભલામણો પૂરી કરી હતી, તેમનામાં એક પણ આવશ્યકતા ન સંતોષનારાં બાળકોની તુલનામાં 24 વર્ષની વયે હૃદય સંબંધિત બીમારીનું જોખમ ઓછું હતું.
કિશોરાવસ્થા અને 20થી 30 વર્ષ વચ્ચેની વય

ઇમેજ સ્રોત, Getty Images
બાળપણ મહત્ત્વનો સમયગાળો હોય છે, પણ કિશોરાવસ્થા તથા વીસીના દાયકામાં આપણે જે આહાર લઈએ છીએ, તે પણ આપણી ભાવિ તંદુરસ્તી માટેનો પાયો બની રહે છે.
અમાતીના જણાવ્યા મુજબ, જીવનનો આ તબક્કો એવો છે, જ્યારે હાડકાં અને સ્નાયુઓ સંપૂર્ણપણે વિકસિત થઈ ચૂક્યાં હોય છે અને આપણે અભ્યાસ, કામ અને સામાજિક પ્રવૃત્તિઓમાં સમય વીતાવવા માંડીએ છીએ - આ તમામ કાર્યો પોષક તત્ત્વોની જરૂરિયાત વધારે છે.
અમાતી કહે છે, "કિશોરાવસ્થા અને યુવાવસ્થાનો પ્રારંભિક તબક્કો પોષણ માટેની વધુ એક મહત્ત્વપૂર્ણ તક છે."
"ઉંમરની વીસીમાં વિકાસ ધીમો થઈ જાય છે, તેમ છતાં જીવનના આગામી તબક્કામાં હૃદય તેમજ મસ્તિષ્કનું રક્ષણ કરતી ટેવો પ્રસ્થાપિત કરવા માટે તે અગત્યનો દાયકો છે."
"આપણે જોઈએ છીએ કે, હૃદય રોગની બીમારીનો પાયો આ વય જૂથમાં જ નંખાવો શરૂ થઈ જતો હોય છે, પછી ભલે તેનાં લક્ષણો ઘણા સમય બાદ જોવા મળે."
પુખ્તાવસ્થાની તુલનામાં કિશોરાવસ્થામાં શરીરને ઘણાં પોષક તત્ત્વોની જરૂર પડતી હોય છે. તેમાં કેલ્શિયમ, વિટામિન ડીનો સમાવેશ થાય છે, જે ખાસ કરીને માસિક ધર્મમાં બેસતી મહિલાઓ માટે આવશ્યક છે. અમાતી પ્રોટીન અને બી વિટામિન્સને પણ મહત્ત્વ આપે છે.
તો, આ આહાર કેવો હોય છે?
અમાતી જણાવે છે તેમ, તરુણો અને યુવાનોએ મોટાભાગે શાકાહારી આહાર લેવો જોઈએ અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્ય ચીજોનું સેવન ટાળવું જોઈએ.
આ માટે ભોજનમાં અઢળક પ્રમાણમાં ફળો, શાકભાજી, અનાજ, કઠોળ, સૂકા મેવા, દાળ અને બીજ લેવાં જોઈએ.
સાથે જ દરેક ભોજનમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેવું પણ જરૂરી છે, જે પણ શાકાહારી સ્રોતોમાંથી મેળવી શકાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
અભ્યાસો દર્શાવે છે કે, આ પ્રકારનો આહાર લેવાથી શરીરની સાથે-સાથે માનસિક આરોગ્યને પણ લાભ થઈ શકે છે.
અમાતી કહે છે, "કિશોરાવસ્થામાં આહારલક્ષી ટેવો માનસિક આરોગ્યના જોખમને પ્રભાવિત કરવા સક્ષમ હોવાના પુરાવા મોજૂદ છે - અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્ઝનું ઊંચું પ્રમાણ અને સંપૂર્ણ વનસ્પતિ આધારિત ખોરાકનું નીચું પ્રમાણ હતાશા અને વ્યગ્રતાના ઊંચા સ્તર સાથે સંકળાયેલાં છે. આ સ્થિતિ જોતાં ભૂમધ્ય (મેડિટેરેનિયન) શૈલીની પેટર્ન વધુ સુરક્ષાત્મક જણાય છે."
કિશોરાવસ્થા દરમિયાન જેમનો માસિક ધર્મ શરૂ થયો હોય, તેવી છોકરીઓને સંતુલિત પોષક તત્ત્વો મળી રહેવાં જરૂરી છે.
મેડિટેરેનિયન ડાયેટમાં શાકભાજી, કઠોળ, સૂકા મેવા અને ઑલિવ ઑઇલનો વ્યાપક ઉપયોગ થતો હોય છે અને માછલી, ડેરી અને પોલ્ટ્રીનો ઓછી માત્રામાં ઉપયોગ થાય છે.
સંતતિ ઇચ્છનારાં મહિલા-પુરુષો માટે પણ મેડિટેરેનિયન ડાયેટ લાભદાયી નીવડી શકે છે.
પ્રજોત્પાદનનો ગાળો સામાન્યતઃ ઉંમરની વીસી, ત્રીસી અને ચાળીસીમાં આવતો હોય છે. અભ્યાસો દર્શાવે છે કે, મેડિટેરેનિયન આહાર પ્રજનન ક્ષમતા પર સકારાત્મક પ્રભાવ ઉત્પન્ન કરી શકે છે, જ્યારે વધુ પ્રમાણમાં સેચ્યુરેટેડ ફેટ, મીટ અને વ્હાઇટ કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતો પશ્ચિમી શૈલીનો આહાર સ્ત્રી અને પુરુષ, બંનેમાં વંધ્યત્વ સાથે સંબંધ ધરાવે છે.
અભ્યાસ પરથી એ પણ માલૂમ પડે છે કે, મહિલાઓ માટે ફોલેટથી ભરપૂર આહાર પ્રજનનની સારવારમાં સહાયક નીવડી શકે છે. વિપુલ માત્રામાં ફોલેટ ધરાવતા ખાદ્ય પદાર્થોમાં લીલાં પાંદડાંવાળાં શાકભાજી, ફણગાવેલાં કઠોળ, બ્રૉકોલી અને ચણાનો સમાવેશ થાય છે.
આધેડ વયેે શું ખાવું જોઈએ

ઇમેજ સ્રોત, Serenity Strull/ BBC
બ્રિટનની યુનિવર્સિટી ઑફ શેફિલ્ડમાં માનવ પોષણનાં પ્રોફેસર એલિઝાબેથ વિલિયમ્સના મતે, આધેડ વયે આપણે આગામી જીવનના સ્વાસ્થ્ય માટે અનુકૂળ હોય, તેવા આહાર વિશે વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ.
વિલિયમ્સના જણાવ્યા અનુસાર, ખાસ કરીને મેનોપોઝની વયની આસપાસ હોય, તેવી મહિલાઓ માટે આ બાબત સાચી ઠરે છે. "કારણ કે, આ સમયે હાડકાંનું ઘનત્વ ઝડપથી ઘટવા માંડે છે, સાર્કોપેનિયા (વય વધવા સાથે સ્નાયુઓ કમજોર થવા) અને ઑસ્ટિયોપોરોસિસ થાય છે."
મેનોપોઝ દરમિયાન ઑસ્ટિયોપોરોસિસની સાથે-સાથે મેદસ્વીતા, હૃદય રોગ અને ટાઇપ-ટુ ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે.
પ્રજોત્પાદનની વય ધરાવતી મહિલાઓમાં એસ્ટ્રોજન સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (કેન્દ્રીય તંત્રિકા તંત્ર) પર અસર ઉપજાવીને ભૂખ ઘટાડી દે છે.
સાથે જ તે સ્નાયુઓની ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારે છે. જોકે, મેનોપોઝમાં શરીરમાં એસ્ટ્રોજનનો પ્રવાહ ધીમો થઈ જાય છે. પરિણામે વજન અને આંતરિક ચરબી વધવા માંડે છે.
અલબત્ત, સારો આહાર અપનાવીને આ જોખમને ઘણા અંશે ઘટાડી શકાય છે.
ઉદાહરણ તરીકે, તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં સંશોધકોએ ઓછામાં ઓછી 39 વર્ષની વયનાં 1,00,000 કરતાં વધુ અમેરિકન પુરુષો અને મહિલાઓના આહાર અને આરોગ્યનો અભ્યાસ કર્યો હતો.
વિજ્ઞાનીઓની સલાહ અનુસાર, મેનોપોઝ નિકટ હોય, તેવી મહિલાઓએ આગામી વર્ષોમાં તેમના આહારમાં ફેરફાર કરવા પર ધ્યાન આપવું જોઈએ.
અભ્યાસમાં જોવા મળ્યું હતું કે, ફળો, શાકભાજી, અનાજ, અનસેચ્યુરેટેડ ફેટ, સૂકા મેવા, કઠોળ અને લો-ફેટ ડેરી ઉત્પાદનો ધરાવતો તંદુરસ્ત આહાર સ્વસ્થ વૃદ્ધાવસ્થા સાથે સંબંધ ધરાવતો હતો (જેને તેઓ ઓછામાં ઓછા 70 વર્ષ સુધી કોઈપણ જૂની બીમારી વિના, સારા જ્ઞાનાત્મક અને શારીરિક કાર્ય અને માનસિક સ્વાસ્થ્ય સાથેના જીવન તરીકે વ્યાખ્યાયિત કરે છે).
અમાતી કહે છે, "મહિલાઓ 40 અને 50 વર્ષની વયે પહોંચે છે, ત્યારે પોષણલક્ષી બે મહત્ત્વની પ્રાથમિકતાઓ સામે આવે છેઃ હૃદયની તંદુરસ્તી અને હાડકાં તથા સ્નાયુઓની તંદુરસ્તી."
"મેનોપોઝ દરમિયાન હૃદયને લગતી બિમારીઓનું જોખમ ઝડપથી વધી જાય છે, જેનું એક કારણ એ છે કે, એસ્ટ્રોજનની ઊણપને કારણે લોહીમાં ચરબી, રક્તવાહિનીઓ અને બૉડી ફેટનું વિતરણ પ્રભાવિત થાય છે."
અમાતી જણાવે છે કે, ખાસ કરીને મેકેરલ અને સાલ્મન જેવી તૈલી માછલીઓમાં મળી આવતા ઓમેગા 3 ફેટ હૃદય રોગનું જોખમ જન્માવતાં પરિબળોને ઘટાડવામાં સહાયરૂપ બને છે.
આ સાથે જ અમાતી સ્નાયુઓના નુકસાનની અસરોને ઓછી કરવા માટે પ્રોટીનયુક્ત આહાર વધારવાની તથા બહેતર કાર્ડિયોમેટાબૉલિક આરોગ્ય માટે મેડિટેરેનિયન શૈલીનો આહાર અપનાવવાની સલાહ આપે છે. વળી, તેનાથી આંતરડાંનું સ્વાસ્થ્ય અને માનસિક આરોગ્ય પણ સુધરી શકે છે.
અંતમાં તેઓ જણાવે છે કે, હૃદય, હાડકાં અને મસ્તિષ્કના આરોગ્યને સહાયક બની રહે, તેવો પૂરતા પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી અને ઓમેગા 3 સાથેનો વૈવિધ્યસભર, મેડિટેરેનિયન શૈલીનો આહાર અપનાવવો જોઇએ તથા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થોનું સેવન મર્યાદિત કરી દેવું જોઈએ.
વૃદ્ધાવસ્થામાં શું ખાવું જોઈએ

ઇમેજ સ્રોત, Getty Images
આપણી વય વધે, તે સાથે શરીરની સંરચનામાં પણ ફેરફાર થાય છે અને આપણી ઊર્જાની આવશ્યકતાઓ ઘટી જાય છે, જેથી આપણે ઓછી કેલરીનું સેવન કરવું જોઈએ. સાથે જ, શરીર અને સ્નાયુઓની શક્તિ જાળવી રાખવા માટે શરીરને પૂરતાં પોષક તત્ત્વો મળી રહે, તે આપણે સુનિશ્ચિત કરવું જોઈએ.
વિલિયમ્સના જણાવ્યા અનુસાર, વૃદ્ધાવસ્થામાં આપણે જે મહત્ત્વના બે પોષક તત્ત્વો પર ધ્યાન આપવું જોઈએ, તે છેઃ કેલ્શિયમ અને વિટામિન ડી. પૂરતા પ્રમાણમાં વિટામિન ડી અને કેલ્શિયમ ન મેળવનારાં વૃદ્ધ લોકોમાં ઑસ્ટિયોપોરોસિસ અને ફ્રૅક્ચરનું જોખમ વધી જાય છે.
દૂધ, કેલ્શિયમયુક્ત પીણાં, પનીર, દહીં, સાર્ડિન માછલી, ટોફુ અને પાલકમાંથી કેલ્શિયમ મળી રહે છે.
જ્યારે તૈલી માછલી, ઈંડાંનો પીળો ભાગ અને પોષક તત્ત્વો ઉમેરેલો ખોરાક વિટામિન ડીથી સમૃદ્ધ હોય છે.
બ્રિટન સ્થિત ડાયેટિશ્યન તથા બોર્નમાઉથ યુનિવર્સિટીમાં એજિંગ ઍન્ડ ડિમેન્શિયા રિસર્ચ સેન્ટરનાં સહ-પ્રમુખ જેન મર્ફીના મતે, વધતી વય સાથે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત પ્રોટીનનું સેવન કરવું જરૂરી છે.
તેઓ કહે છે, "આપણી વય વધે, તે સાથે આપણા શરીરની બનાવટ અને કાર્યપ્રણાલી બગડવા માંડે છે, સ્નાયુઓની માત્રા અને શક્તિ ઘટવા માંડે છે. સાર્કોપેનિયાને અટકાવવા માટે પ્રોટીનની જરૂર પડે છે."
પરંતુ, આપણું શરીર તેનો યોગ્ય ઉપયોગ કરે, તે સુનિશ્ચિત કરવા માટે પ્રોટીન સંતુલિત આહારનો એક ભાગ હોવું જોઈએ.
સંતુલિત આહારમાં કાર્બોહાઇડ્રેટ્સ, સારી ગુણવત્તા ધરાવતી ચરબી (જેમકે, ઑલિવ ઑઇલ, એવોકાડો, સૂકા મેવા અને તૈલી માછલી સહિતનાં અનસેચ્યુરેટેડ ફેટ્સ) તેમજ વિટામિન્સ અને ખનીજ તત્ત્વોનો સમાવેશ થાય છે, એમ મર્ફી ઉમેરે છે.
વય વધવાની સાથે માઇક્રોબાયોમમાં પણ ફેરફાર થાય છે, જેમાં ફર્મિક્યૂટ્સ અને બિફિડોબેક્ટેરિયમ જેવા લાભકારક બૅક્ટેરિયાની સંખ્યા ઘટી જાય છે, જ્યારે ક્લોસ્ટ્રીડિયમ જેવી સંભવિત હાનિકારક પ્રજાતિઓની સંખ્યા વધી જાય છે.
આ અસંતુલન અલ્ઝાઇમર, સ્ટ્રોક અને હૃદય રોગ જેવી ઘણી આરોગ્યલક્ષી સમસ્યાઓ સાથે સંકળાયેલું છે.
બ્રિટનની કિંગ્ઝ કૉલેજ લંડન ખાતે ક્લિનિકલ લેક્ચરર મૅરી ની લોચલૈનના મંતવ્ય અનુસાર, સંશોધકો હજુ સુધી પ્રત્યેક જુદી-જુદી બીમારીની પ્રક્રિયાના સંદર્ભમાં આંતરડાંનાં માઇક્રોબાયોમ વિશે સંપૂર્ણ સમજૂતી મેળવી શક્યા નથી, પણ આપણે સો વર્ષ જીવનારા લોકો પાસેથી ઘણું શીખી શકીએ તેમ છીએ.
ની લોચલૈન જણાવે છે, "સો વર્ષ સુધી જીવનારા લોકો અન્ય લોકોમાં સામાન્ય હોય, તેવાં વૃદ્ધાવસ્થાનાં અન્ય ઘણાં પાસાંઓને પડકાર આપતા જણાય છે. તેમનું માઇક્રોબાયોમ વૈવિધ્યપૂર્ણ હોય છે અને અન્ય વૃદ્ધ લોકો કરતાં જુદું દેખાય છે."
સામાન્યતઃ તંદુરસ્ત કે નાદુરસ્ત આંતરડાના બૅક્ટેરિયાની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, કારણ કે, તે આરોગ્યને વેગ આપવા માટે એક સાથે કામ કરતાં સૂક્ષ્મજીવોના સંતુલન સાથે વધુ સંબંધ ધરાવે છે.
જોકે, ફેકેલિબૅક્ટેરિયમ પ્રાઉસ્નિત્ઝી જેવી કેટલીક ચોક્કસ બૅક્ટેરિયલ પ્રજાતિઓની ઓળખ કરવામાં આવી છે, જે આરોગ્યનું રક્ષણ કરવામાં સહાયક જણાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
ની લોચલૈન જણાવે છે કે, જે લોકોની વય સ્વસ્થતાથી વધી રહી હોય, તેમાં એફ. પ્રાઉસ્નિત્ઝી બૅક્ટેરિયા હોવાની સંભવિતતા વધુ હોય છે.
સંશોધકોએ એ તો પ્રસ્થાપિત કરી દીધું છે કે, આ બૅક્ટેરિયા રક્ષણાત્મક અને સકારાત્મક ગુણો ધરાવે છે, પણ તેઓ આ બૅક્ટેરિયા કેવી રીતે કામ કરે છે, તેની સંપૂર્ણ સમજૂતી મેળવી શક્યા નથી.
જો તમે તમારા પેટમાં એફ. પ્રાઉસ્નિત્ઝીની સંખ્યા વધારવા માગતા હો, તો ફાઇબર અને પોલિફેનોલ (જે ફળો અને શાકભાજીમાંથી વિપુલ પ્રમાણમાં મળી રહે છે)ની ઊંચી માત્રા ધરાવતો આહાર તે માટેનો શ્રેષ્ઠ ઉપાય છે.
તંદુરસ્ત આંતરડાં વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલી કેટલીક પોષક તત્ત્વોની ઊણપને દૂર કરવામાં પણ સહાયરૂપ બની શકે છે, કારણ કે, વૃદ્ધ લોકો યુવાનોની તુલનામાં ભોજનમાંથી વિટામિનને એટલી સારી રીતે શોષી શકતા નથી.
અભ્યાસો દર્શાવે છે કે, તંદુરસ્ત આંતર બૅક્ટેરિયા વ્યક્તિની આવશ્યકતા માટે પર્યાપ્ત પ્રમાણમાં બી12નું ઉત્પાદન કરી શકે છે, જ્યારે કેટલાક આંતર બૅક્ટેરિયા ફોલિક એસિડનું પણ ઉત્પાદન કરી શકે છે.
તંદુરસ્ત આંતર માઇક્રોબાયોમ વૃદ્ધાવસ્થામાં સ્નાયુઓના ક્ષય અને સાર્કોપેનિયાનું જોખમ ખાળવામાં પણ સહાયરૂપ બની શકે છે.
અંતમાં, કેટલાંક સપ્લિમેન્ટ્સ પાછલી વયમાં લાભદાયી નીવડી શકે છે.
ની લોચલૈનના અભ્યાસ પ્રમાણે, લાભદાયી સૂક્ષ્મજીવોની વૃદ્ધિને વેગ આપતાં કુદરતી સંયોજનો એવાં પ્રિબાયોટિક સપ્લિમેન્ટ્સ વૃદ્ધોમાં 12 અઠવાડિયાના ગાળામાં જ્ઞાનાત્મક ક્ષમતામાં સુધારો લાવી શકે છે.
ની લોચલૈનના પ્રિબાયોટિક્સમાં ઇનુલિન (એક પ્રકારનું ફાઇબર) અને વનસ્પતિમાં મળી આવતી શર્કરા - ફ્રુક્ટો-ઓલિગોસેકેરાઇડનો સમાવેશ થાય છે. અન્ય એક અભ્યાસ સૂચવે છે કે, વૃદ્ધ લોકો, ખાસ કરીને કેર હોમમાં રહેનારા લોકોને વિટામિન ડી સપ્લિમેન્ટથી લાભ થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












