'અમારા લોકોનો બદલો લઈશું', ઈરાનના સુપ્રીમ લીડર બન્યા બાદ મોજતબા ખામેનેઈનું પ્રથમ નિવેદન - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Iranian President's Press Office / Handout /Anadolu via Getty Images
ઈરાનના સર્વોચ્ચ નેતા તરીકે મોજતબા ખામેનેઈનો પ્રથમ સંદેશ ઈરાની ટેલિવિઝન પર પ્રસારિત થયો હતો. સમાચારવાચકે ટીવી ચેનલ પર તેમનો આ સંદેશ વાંચી સંભળાવ્યો હતો.
ખામેનેઈએ પોતાના સંદેશમાં "હોર્મુઝની સામુદ્રધુનીની નાકાબંધી ચાલુ રાખવા" અને "મિનાબ સ્કૂલનાં બાળકો સહિત શહીદ થયેલા લોકોના લોહીનો બદલો લેવા" પર વિશેષ ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત મોજતબા ખામેનેઈએ જણાવ્યું કે, તેમને "ઇસ્લામિક ગણરાજ્યના ટેલિવિઝન મારફતે સર્વોચ્ચ નેતા તરીકેની ચૂંટણીનાં પરિણામો અને વિશેષજ્ઞોની સભાના મતદાન વિશે જાણ કરવામાં આવી હતી."
અમેરિકા અને ઇઝરાયલ સાથે ઈરાનના ચાલી રહેલા સંઘર્ષનો ઉલ્લેખ કરતા ખામેનેઈએ સતત હુમલા ચાલુ રાખવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, "અન્ય મોરચાઓ ખોલવા અંગે પણ વિચારણા ચાલી રહી છે, જ્યાં દુશ્મનનો અનુભવ ઓછો છે."
વધુમાં તેમણે યમનમાં ઈરાનના સાથીદારો, લેબનાનમાં હિઝબુલ્લાહ અને ઈરાકમાં સક્રિય 'રેઝિસ્ટન્સ ફોર્સ'ની પણ પ્રશંસા કરી હતી.
નોંધનીય છે કે, આ અઠવાડિયે સોમવારે વિશેષજ્ઞોની સભાએ તેમને ઈરાનના ઇસ્લામિક ગણરાજ્યના ત્રીજા સર્વોચ્ચ નેતા તરીકે પસંદ કર્યા છે. ઈરાનની ન્યાયતંત્ર, સુરક્ષા એજન્સીઓ અને સૈન્ય સહિતની તમામ સંસ્થાઓએ તેમની વરણીને વધાવી લીધી છે અને તેમના પ્રત્યે "વફાદારી"ના શપથ લીધા છે.
ઈરાન યુદ્ધ વચ્ચે ઑઇલની કિંમત વધીને 100 ડૉલર પ્રતિ બૅરલ થઈ

ઇમેજ સ્રોત, Getty Images
એશિયામાં ગુરુવારે બ્રેન્ટ ક્રૂડઑઇલની કિંમત વધીને 100 ડૉલર પ્રતિ બૅરલ સુધી પહોંચી ગઈ. તેમાં લગભગ નવ ટકાનો વધારો નોંધાયો છે.
બ્રેન્ટ ક્રૂડ વિશ્વમાં ક્રૂડઑઇલની કિંમતો નક્કી કરનાર સૌથી મોટા માપદંડો પૈકી એક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકા અને બ્રિટન સહિત ઘણા દેશોએ કટોકટીના સમય માટેના ક્રૂડઑઇલ ભંડારમાંથી રેકૉર્ડ પ્રમાણમાં ઑઇલ કાઢવાની જાહેરાત કરી છે, પરંતુ તેમ છતાં કિંમતોમાં ઘટાડો નથી થયો.
આ દરમિયાન ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતાં જહાજો અંગે પોતાની ધમકીઓ ચાલુ રાખી છે.
આ સમુદ્રમાર્ગ વિશ્વના લગભગ 20 ટકા ક્રૂડઑઇલની અવરજવર માટે મહત્ત્વપૂર્ણ મનાય છે.
ઇરાકમાં અમેરિકન ટૅન્કર પર હુમલામાં એક ભારતીયનું મોત

ઇમેજ સ્રોત, Getty Images
ઇરાકમાં ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું છે કે ક્રૂડ ઑઇલ લઈ જતા અમેરિકાના એક ટૅન્કર પર ઇરાકના બસરા નજીક હુમલો થયો છે.
દૂતાવાસે જણાવ્યા મુજબ આ હુમલામાં એક ભારતીયનું મોત થયું છે. જોકે, આ હુમલો કોણે કર્યો તે દૂતાવાસે જણાવ્યું નથી.
સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર એક નિવેદનમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે, "11 માર્ચ, 2026ના રોજ ઇરાકના બસરા નજીક માર્શલ આઇલૅન્ડના ધ્વજ સાથેના અમેરિકન ઑઇલ ટૅન્કર 'સેફ્સી વિષ્ણુ' પર હુમલો કરવામાં આવ્યો હતો."
નિવેદનમાં જણાવાયું હતું કે, જહાજ પર હાજર બાકીના 15 ભારતીય ચાલકદળના સભ્યોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવાયા હતા.
બગદાદસ્થિત દૂતાવાસે કહ્યું કે તેઓ ઇરાકના અધિકારીઓ અને બચાવાયેલા ભારતીય નાવિકો સાથે સંપર્કમાં છે અને દરેક સંભવિત મદદ પહોંચાડવામાં આવી રહી છે.
સાઉદી અરેબિયાએ 18 ડ્રોન પાડવાનો દાવો કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે દેશના પૂર્વ વિસ્તારમાં તેમણે 18 ડ્રોન તોડી પાડ્યા છે.
સાઉદી પ્રેસ એજન્સીના અહેવાલ મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં અનેક ડ્રોન આંતરીને નષ્ટ કરવામાં આવ્યા છે. જોકે, આ ડ્રોન કોણે મોકલ્યા હતા તે અધિકારીઓએ જણાવ્યું ન હતું.
થોડા સમય પછી જણાવાયું કે શાયબહ ઑઇલ ફિલ્ડ તરફ જતા એક ડ્રોનને રુબ અલ ખલી રણ નજીક ઇન્ટરસેપ્ટ કરીને તોડી પાડવામાં આવ્યું છે.
અમેરિકા અને ઇઝરાયલે ગયા મહિનાના અંતમાં ઈરાન પર હુમલા શરૂ કર્યા હતા, ત્યારથી સંઘર્ષ ચાલુ છે.
ઈરાન પણ મધ્યપૂર્વના દેશોમાં અમેરિકા અને ઇઝરાયલના સ્થળોને નિશાન બનાવી રહ્યું છે.
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ફારૂક અબ્દુલ્લાહ પર 'જીવલેણ હુમલો'

ઇમેજ સ્રોત, Parveen Negi/The India Today Group via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ફારૂક અબ્દુલ્લાહ પર બુધવારે હુમલો કરવામાં આવ્યો હતો. ફારૂક અબ્દુલ્લાહને ઝેડ પ્લસ સિક્યૉરિટી આપવામાં આવી હોવા છતાં હુમલાખોરો તેમની નજીક પહોંચી ગયા હતા.
કાશ્મીરના હાલના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે જણાવ્યું કે મારા પિતાની હત્યા કરવાનો પ્રયાસ થયો હતો.
તેમણે કહ્યું કે જમ્મુના રૉયલ પાર્કમાં એક લગ્ન સમારોહ દરમિયાન એક વ્યક્તિ ભરેલી પિસ્તોલ સાથે આવી અને ગોળીબારનો પ્રયાસ કર્યો હતો. નજીકમાં રહેલા સુરક્ષા કર્મચારીઓએ શૉટ ફાયર કરવા દીધો ન હતો અને હત્યાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.
ઓમર અબ્દુલ્લાહે કહ્યું કે "અલ્લાહ દયાળુ છે. મારા પિતાનો સહેજમાં બચાવ થયો છે. હાલમાં વિગતો અસ્પષ્ટ છે, પણ એટલું જાણવા મળ્યું છે કે ભરેલી પિસ્તોલ સાથે એક માણસને એકદમ નજીક જઈને શૉટ ફાયર કરવા જણાવાયું હતું. ઝેડ પ્લસ એનએસજી સિક્યૉરિટી ધરાવતા ભૂતપૂર્વ મુખ્ય મંત્રીની આટલી નજીક કોઈ કેવી રીતે આવી શકે તેના સહિતના સવાલો થઈ રહ્યા છે."
સમાચાર એજન્સી પીટીઆઇએ જમ્મુ કાશ્મીર પોલીસને ટાંકીને જણાવ્યું કે "ફારૂક અબ્દુલ્લાહનો જીવ લેવાના પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે.
પોલીસે કહ્યું કે ફારૂક અબ્દુલ્લાહ જમ્મુના ગ્રેટર કૈલાસ વિસ્તારમાં આવેલા રૉયલ પાર્કમાં એક લગ્ન સમારોહમાં ગયા હતા. આ દરમિયાન તેમના પર હુમલાનો પ્રયાસ થયો હતો."
પોલીસે જણાવ્યું કે "ફારૂક અબ્દુલ્લાહ લગ્ન સમારંભમાં હાજર હતા. ત્યારે તેમનો જીવ લેવા પ્રયાસ કરાયો હતો. તેમની સુરક્ષામાં તહેનાત સુરક્ષા કર્મચારીઓએ તરત કાર્યવાહી કરી અને હુમલાને નિષ્ફળ બનાવી દીધો. આરોપીને ઘટનાસ્થળે જ પકડી લેવાયો હતો."
'ઈરાન સામે અમે જીતી ગયા છીએ', ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ચાલતા સૈન્ય કાર્યવાહીનાં વખાણ કરતાં કહ્યું છે કે અમેરિકાની સેનાએ કેટલાક કલાકોમાં જ ઈરાનની નેવી અને ઍરફોર્સને ખતમ કરી દીધા હતા.
ટ્રમ્પે કહ્યું કે, 'અમે જીતી ગયા છીએ. પહેલા કલાકમાં જ બધું ખતમ થઈ ગયું હતું.'
ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાએ બે દિવસમાં ઈરાનનાં 54 જહાજને તબાહ કરી નાખ્યાં છે. જોકે થોડી વાર પછી તેમણે આ સંખ્યા 58 જણાવી હતી.
આ આંકડો અગાઉ બહાર આવ્યો ન હતો અને બીબીસી સ્વતંત્ર રીતે આની પુષ્ટિ કરતું નથી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે એમ પણ કહ્યું કે 'ઑપરેશન એપિક ફ્યૂરી' ઑઇલના ભાવોને ઘણા ઘટાડશે અને દુનિયા માટે ખતરો ઓછો થશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












