અમેરિકાના U Visa શું છે જેના માટે 11 'ગુજરાતીઓ'એ 'બનાવટી લૂંટ'નું કાવતરું ઘડ્યું?

બીબીસી ગુજરાતી અમેરિકા યુ વિઝા ઇમિગ્રેશન નાગરિકત્વ ગ્રીન કાર્ડ ફ્રોડ છેતરપિંડી ગ્રીન કાર્ડ પરમેનન્ટ રેસિડન્સી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
વાંચવાનો સમય: 5 મિનિટ

અમેરિકામાં ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટીગેશન (એફબીઆઈ)એ U Visa મેળવવા માટેના કથિત ષડયંત્રમાં 11 'ગુજરાતીઓ'ની ધરપકડ કરી હતી.

અમેરિકાના ન્યાય વિભાગનું કહેવું છે કે આ લોકોએ અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે દુકાનોમાં 'બનાવટી લૂંટનું કાવતરું' રચ્યું હતું.

ન્યાય વિભાગનું કહેવું છે કે આ તમામ લોકો અમેરિકામાં 'ગેરકાયદેસર' રીતે રહેતા હતા.

ઉલ્લેખનીય છે કે, યુએસમાં ગુનાનો ભોગ બનેલા પીડિતો ગુનાની તપાસમાં પોલીસને મદદ કરે તો તેમને યુ વિઝા મળતા હોય છે અને તેને કારણે આગળ જતા ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ સરળ થઈ જાય છે.

ન્યાય વિભાગનું એ પણ કહેવું છે કે યુ વિઝા એ ખાસ અપરાધોના પીડિતોને આપવામાં આવે છે, જેને માનસિક કે શારીરિક શોષણનો સામનો કરવો પડ્યો હોય, જેમને આપરાધિક ગતિવિધિઓની તપાસ કે કેસમાં કાયદાની વિવિધ એજન્સીઓને મદદ કરી હોય.

અહીં અમેરિકાના યુ વિઝા, તેને મેળવવાની પ્રક્રિયા, તેની શરતો અને વિઝા કોને કોને મળી શકે તેની માહિતી આપી છે.

અમેરિકાના U વિઝા શું હોય છે?

બીબીસી ગુજરાતી અમેરિકા યુ વિઝા ઇમિગ્રેશન નાગરિકત્વ ગ્રીન કાર્ડ ફ્રોડ છેતરપિંડી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે જાતજાતના રસ્તા અજમાવવામાં આવે છે જેમાં કેટલાક લોકો 'યુ વિઝાનો સહારો' પણ લે છે.

અમેરિકન સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ(યુએસસીઆઈએસ)ની વેબસાઇટ પર યુ વિઝા વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે.

તે મુજબ અમેરિકામાં ગુનાનો ભોગ બનેલા લોકો યુ નૉન-ઇમિગ્રન્ટ સ્ટેટસ માટે અરજી કરી શકે છે, જેને યુ વિઝા પણ કહેવામાં આવે છે.

અમેરિકામાં ચોક્કસ પ્રકારના ગુનામાં શારીરિક અથવા માનસિક દુર્વ્યવહારનો ભોગ બનેલા લોકો સરકારી અધિકારીઓને ગુનાની તપાસમાં મદદ કરી શકે તે માટે ખાસ યુ વિઝા રાખવામાં આવ્યા છે.

આ વિઝાને એક ખાસ કાયદા હેઠળ ઘડવામાં આવ્યા છે, જેનો હેતુ કાયદાકીય એજન્સીઓને ઘરેલુ હિંસા, જાતીય હિંસા, વિદેશીઓના ટ્રાફિકિંગ અને બીજા ગુનાની તપાસમાં મદદ કરવાનો છે.

અમેરિકન એજન્સીઓ ગુનાનો ભોગ બનેલા પીડિતોને વધુ સારી રીતે મદદ કરી શકે તે માટે યુ વિઝાની રચના કરવામાં આવેલી છે, પરંતુ કેટલીક વખત તેનો 'દુરુપયોગ' થાય છે અને 'હિંસાના બનાવટી કિસ્સા દ્વારા યુ વિઝા મેળવવા પ્રયાસ' થતો હોય છે.

કોને યુ વિઝા મળી શકે?

બીબીસી ગુજરાતી અમેરિકા યુ વિઝા ઇમિગ્રેશન નાગરિકત્વ ગ્રીન કાર્ડ ફ્રોડ છેતરપિંડી

ઇમેજ સ્રોત, Getty Images

યુએસસીઆઈએસની વેબસાઇટ પ્રમાણે આ મુજબની વ્યક્તિને યુ વિઝા મળી શકે છેઃ

  • તમે કોઈ ગુનાઈત પ્રવૃત્તિનો ભોગ બન્યા હોવ.
  • કોઈ ગુનાઇત પ્રવૃત્તિના કારણે તમારી સાથે નોંધપાત્ર પ્રમાણમાં શારીરિક કે માનસિક દુર્વ્યવહાર થયો હોય.
  • તમારી પાસે કોઈ ગુનાઇત પ્રવૃત્તિને લગતી માહિતી હોય. જો તમારી ઉંમર 16 વર્ષથી ઓછી હોય, અથવા વિકલાંગતાના કારણે ગુનાની માહિતી આપી શકો તેમ ન હોવ, તો કોઈ વાલી, ગાર્ડિયન, નજીકના મિત્ર તમારા વતી ગુનાની માહિતી આપી શકે છે.
  • તમે અમેરિકાની તપાસકર્તા એજન્સીઓને ગુનાની તપાસમાં મદદ કરી હોય.
  • ગુનો અમેરિકામાં બન્યો હોય અથવા અમેરિકન કાયદાનો ભંગ થયો હોય.

કયા-કયા ગુનાને તેમાં આવરી લેવાય છે?

બીબીસી ગુજરાતી અમેરિકા યુ વિઝા ઇમિગ્રેશન નાગરિકત્વ ગ્રીન કાર્ડ ફ્રોડ છેતરપિંડી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

યુ વિઝા હેઠળ આવરી લેવાયેલા ગુનામાં સામેલ છેઃ

અપહરણ, દુર્વ્યવહારપૂર્ણ જાતીય સંપર્ક, બ્લૅકમેઇલ, ઘરેલુ હિંસા, ખંડણી, ખોટી રીતે જેલ, મહિલાને જેનિટલ મ્યુટિલેશન, ફૉરેન લેબર કૉન્ટ્રૅક્ટ ફ્રૉડ, બંધક બનાવવા, વ્યભિચાર, અપહરણ, હત્યા, માનવવધ, ન્યાયમાં અવરોધ પેદા કરવો, બળાત્કાર, વેશ્યાવૃતિ, પીછો કરવો, ટ્રાફિકિંગ, પુરાવા સાથે છેડછાડ સહિતના ગુનાના પીડિતોને યુ વિઝા મળી શકે છે.

યુ વિઝાની અરજી કરવા માટે ફૉર્મ I-918 ભરવાનું હોય છે.

યુ વિઝાની અરજી કરનારી મુખ્ય વ્યકિતની ઉંમર 21 વર્ષથી ઓછી હોય તો તેઓ પોતાનાં પતિ/પત્ની, બાળક, વાલી અને 18 વર્ષથી ઓછી વયનાં ભાઈબહેન વતી પણ અરજી કરી શકે છે.

જો યુ વિઝાની અરજી કરનારી મુખ્ય વ્યક્તિની ઉંમર 21 વર્ષથી વધુ હોય તો પોતાના જીવનસાથી અને બાળકો વતી ડૅરિવેટિવ યુ વિઝાની અરજી કરી શકાય છે. મુખ્ય અરજકર્તાની યુ વિઝાની અરજી મંજૂર થાય, ત્યાર પછી જ તેના પરિવારજનો ડૅરિવેટિવ યુ વિઝા માટે પાત્ર બની શકે છે.

યુ વિઝાનો સમયગાળો

બીબીસી ગુજરાતી અમેરિકા યુ વિઝા ઇમિગ્રેશન નાગરિકત્વ ગ્રીન કાર્ડ ફ્રોડ છેતરપિંડી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકામાં ગુનાનો ભોગ બનેલા પીડિતો યુ વિઝા માટે અરજી કરી શકે છે. (પ્રતીકાત્મક તસવીર)

યુ નૉનઇમિગ્રેશન સ્ટેટસ આપવામાં આવે ત્યાર પછી તે ચાર વર્ષ સુધી માન્ય હોય છે.

જોકે, અમુક સંજોગોમાં યુ વિઝાધારકને ઍક્સ્ટેન્શન મળી શકે છે, જેમ કે લૉ ઍન્ફોર્સમેન્ટ તરફથી વિનંતી કરવામાં આવી હોય, અસાધારણ સંજોગોમાં જરૂર હોય, કૉન્સ્યુલર પ્રોસેસિંગમાં વિલંબ થયો હોય અથવા ગ્રીન કાર્ડ માટે અરજી દાખલ થયા પછી તેનો ઑટોમેટિક લંબાવવામાં આવ્યા હોય.

કેટલા લોકોને યુ વિઝા મળી શકે

યુએસસીઆઈએસની વેબસાઈટ પ્રમાણે U વિઝાની વાર્ષિક મર્યાદા 10 હજાર વિઝાની છે. આ મર્યાદા મુખ્ય અરજકર્તા માટેની છે, પરિવારજનો (પતિ/પત્ની, બાળક, કે બીજા પરિવારજનો) માટે કોઈ મર્યાદા નથી.

જો વિઝાની લિમિટ પહેલેથી ભરાઈ જાય તો લોકોને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવે છે.

ગ્રીન કાર્ડ માટે અરજી

યુ વિઝા મેળવનારા લોકો ચોક્કસ શરતોનું પાલન થાય તો ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકાય છે.

તેના માટે યુ વિઝા સ્ટેટસ મળ્યા પછી ઓછામાં ઓછાં સળંગ ત્રણ વર્ષથી તમે અમેરિકામાં હાજર હોવ તે જરૂરી છે.

તમે યુ વિઝા મેળવ્યા પછી કાયદાકીય એજન્સીઓને મદદ કરવાનો ઇન્કાર કર્યો હોવો ન જોઈએ.

અહીં એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે મુખ્ય યુ વિઝાધારકને ગ્રીન કાર્ડ મળી જાય ત્યારે જે પરિવારજન પાસે યુ વિઝા આવ્યા ન હોય, તેઓ યુ વિઝા માટે લાયક ગણાતા નથી. જોકે, તેઓ કાયદેસર પર્મેનન્ટ રેસિડન્સ માટે અરજી કરી શકે છે.

અમેરિકામાં તાજેતરની ઘટના શું બની?

બીબીસી ગુજરાતી અમેરિકા યુ વિઝા ઇમિગ્રેશન નાગરિકત્વ ગ્રીન કાર્ડ ફ્રોડ છેતરપિંડી

ઇમેજ સ્રોત, US Attorney's office

ઇમેજ કૅપ્શન, અમેરિકન ઍટર્ની વિભાગની વેબસાઇટ પર આ ઘટના વિશે માહિતી આપવામાં આવી છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તાજેતરમાં અમેરિકામાં 'ફ્રૉડ કરીને યુ વિઝા લેવાનો પ્રયાસ' કરવા બદલ 11 ભારતીયો (આ તમામ ભારતીય ગુજરાતી છે) સામે આરોપ લગાવવામાં આવ્યા છે. આ લોકોએ કથિત રીતે જાણી જોઈને દુકાનમાં 'હથિયારબંધ લૂંટફાટ' કરાવી હતી તેવો આરોપ છે.

ઑથોરિટીના દાવા પ્રમાણે એક 'બનાવટી લૂંટારુ' દુકાનમાં ઘૂસીને ક્લાર્ક અને બીજા લોકોને હથિયાર દેખાડીને 'ધમકાવે' છે. ત્યાર પછી સ્ટોરમાંથી રકમ ઉપાડીને ફરાર થઈ જાય છે. સીસીટીવી કૅમેરામાં આ ઘટના રેકૉર્ડ થઈ ગઈ હતી.

જોકે, પોલીસની તપાસમાં બહાર આવ્યું કે 'આ અસલી નહીં, પરંતુ આયોજનબદ્ધ લૂંટ' હતી. આ લોકો મૅસેચ્યુસેટ્સ, કેન્ટુકી અને ઓહાયોમાં 'ગેરકાયદે' રીતે રહેતા હતા.

અમેરિકાની તપાસકર્તા એજન્સીઓનું કહેવું છે કે 'આ લોકોના એક સમૂહે મૅસેચ્યુસેટ્સની શરાબની દૂકાનો પર ધમકી તથા સીસીટીવી ફૂટેજની મદદથી નાટકીય ઢંગથી લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો, આમ એટલા માટે કરવામાં આવ્યું કે જેથી ક્લાર્ક અને દુકાન માલિકો અપરાધના પીડિતો તરીકે વિઝા માટે આવેદન કરી શકે'.

ઑથોરિટીનું કહેવું છે કે આ શકમંદ લોકોએ એટલા માટે બનાવટી લૂંટ કરી હતી જેથી સ્ટોરમાં કામ કરતા લોકો પોતાની ઇમિગ્રેશન અરજીઓમાં પોતે ગુનાનો ભોગ બન્યા છે તેવો 'ખોટી રીતે દાવો' કરે.

'વિઝા ફ્રૉડ' માટે અમેરિકામાં સખત કાયદા છે. અમેરિકાના ફેડરલ કાયદા પ્રમાણે વિઝાને લગતી છેતરપિંડી બદલ પાંચ વર્ષ સુધીની જેલ, ત્રણ વર્ષ માટે સુપરવિઝન હેઠળ રિલિઝ અને અઢી લાખ ડૉલર સુધીનો દંડ થઈ શકે છે.

જે ગુજરાતીઓ સામે આ આરોપ છે તેમની પ્રતિક્રિયા મળી શકી નથી. તેમનો પક્ષ જ્યારે આવશે ત્યારે અહીં ઉમેરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન