'લગ્ન કરવાનો ઇન્કાર કર્યો એટલે તેણે લાલ પ્રવાહીવાળું ઇન્જેક્શન આપ્યું' પછી ખબર પડી કે...

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અમરેન્દ્ર યરલાગડ્ડા
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 4 મિનિટ
ચેતવણી : આ અહેવાલમાં આપવામાં આવેલી કેટલીક માહિતી અમુક વાચકોને વિચલીત કરી શકે છે. વાચકનો વિવેક અપેક્ષિત.
તેલંગણામાં ઍઇડ્સગ્રસ્ત યુવાને કથિત રીતે તેનું એચઆઇવીગ્રસ્ત લોહી એક મહિલાને ઇન્જેક્ટ કરી દીધું હતું. તેલંગણા પોલીસના જણાવ્યા પ્રમાણે, યુવતીને સારવાર આપવામાં આવી છે.
હૈદરાબાદના ઉપનગરના પોલીસ સ્ટેશનમાં આ મતલબનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
કેટલાક મહિના પહેલાં બંને પરિવારોએ યુવક અને યુવતીનાં લગ્ન કરવાનું નક્કી કર્યું.
બંને સંબંધી હતા.
યુવકના પિતાના મૃત્યુ બાદ તે પોતાનાં માતા સાથે રહેતો હતો. તેઓ 25 વર્ષથી હૈદરાબાદમાં રહેતા હતા. આ યુવક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરે છે.
મહિલાના વાલીઓએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું, "યુવક ટ્રાન્સપૉર્ટ કંપનીમાં કામ કરે છે. યુવકના વાલીને ઍઇડ્સ હોવાથી જ્યારે લગ્નની ચર્ચા શરૂ થઈ, ત્યારે યુવતીનાં માતા-પિતાએ યુવકનું છ મહિના પહેલાં ઍઇડ્સનું (ઍક્વાયર્ડ ઇમ્યુનૉ ડિફિસન્સી સિન્ડ્રૉમ) પરીક્ષણ કરાવ્યું હતું. જેમાં લૅબૉરેટરી રિપોર્ટમાં યુવક એચઆઇવી-પૉઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. એ પછી પ્રસ્તાવિત લગ્નસંબંધ ફોક કરી દેવામાં આવ્યો હતો."
પોલીસ સ્ટેશનના તપાસનીશ અધિકારી અને સબ-ઇન્સ્પેક્ટર વિજયા ભાસ્કર રેડ્ડીના કહેવા પ્રમાણે, યુવકે આ વાતની દાઝ રાખી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિજયા ભાસ્કર રેડ્ડીએ જણાવ્યું, "અમારી તપાસમાં બહાર આવ્યું છે કે મહિલા અન્ય કોઈ સાથે લગ્ન ન કરી શકે એવા ઇરાદા સાથે તેણે પોતાનું લોહી મહિલાને ચઢાવ્યું હતું."
'ઘરમાં બળજબરીપૂર્વક ઘૂસ્યો...'

ઇમેજ સ્રોત, UGC
યુવતીનાં માતા-પિતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આ ઘટના તા. 11મી માર્ચના રોજ ઘટી હતી. બનાવના દિવસે માતા-પિતા ફૂલ વેચવા બજારમાં ગયાં હતાં.
યુવતીના પિતાની ફરિયાદ પ્રમાણે, "યુવકને જાણ હતી કે અમારી દીકરી ઘરે એકલી હશે, એટલે તે ઘરમાં ઘૂસ્યો અને ફરી એક વખત લગ્ન માટેનો પ્રસ્તાવ મૂક્યો. જ્યારે અમારી દીકરીએ ઇન્કાર કર્યો, ત્યારે તેણે લાલ રંગનું પ્રવાહી ભરેલી સિરિંજ અમારી દીકરીને બળજબરીપૂર્વક ભોંકી હતી."
પોલીસનું કહેવું છે કે ડરના માર્યા યુવતીએ આ ઘટના અંગે પરિવારજનોને તત્કાળ કંઈ નહોતું જણાવ્યું.
યુવતીના પિતાની ફરિયાદ પ્રમાણે, બે દિવસ પછી યુવતીને તાવ આવવા લાગ્યો હતો અને શરીરમાં કળતર થવા લાગી એટલે પરિવરાજનો યુવતીને એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયાં હતાં. ત્યારે ડૉક્ટર સાથેની વાતચીત દરમિયાન યુવતીએ તેની સાથે શું થયું હતું, તેનો ખુલાસો કર્યો હતો.
ફરિયાદીનું કહેવું છે, "જે શખ્સે અમારી દીકરીને એચઆઇવીવાળું (હ્યુમન ઇમ્યુનોડેફિસન્સી સિન્ડ્રૉમ) લોહી ચઢાવ્યું અને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો, તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ."
'એને ખબર હતી કે તે એચઆઇવી પૉઝિટિવ છે'
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એસઆઈ વિજ્યા ભાસ્કર રેડ્ડીએ બીબીસીને જણાવ્યું, "તા. 13મી માર્ચના રોજ સાંજે અમને જે ફરિયાદ મળી તેના આધારે પોલીસે કેસ દાખલ કર્યો છે. અમે યુવકની ધરપકડ કરી છે અને તેને જ્યુડિશિયલ રિમાન્ડ ઉપર મોકલી આપ્યો છે."
પોલીસના કહેવા પ્રમાણે, "યુવકને ચેપ કેવી રીતે લાગ્યો એના વિશે પણ અમે તપાસ કરી રહ્યા છીએ. ક્યારેક તે એમ કહે છે કે તેને જન્મથી જ છે અને ક્યારેક એમ કહે છે કે તેને પછીથી લાગ્યો. અમે તપાસ કરી રહ્યા છીએ."
રેડ્ડીના કહેવા પ્રમાણે, યુવકને ખબર હતી કે તેને એચઆઇવી છે, એમ છતાં તે લગ્ન કરવા માંગતો હતો.
યુવતીની હૈદરાબાદસ્થિત હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસના કહેવા પ્રમાણે, યુવતીનાં તાજેતરના લોહીના રિપોર્ટમાં તેને એચઆઇવી નહીં હોવાનું બહાર આવ્યું છે. આમ છતાં તબીબોનું કહેવું છે કે વધુ સ્પષ્ટતા માટે આગામી બે મહિના દરમિયાન વધુ કેટલાંક પરીક્ષણ કરવા પડશે, એ પછી જ સ્પષ્ટતા મળશે.
બીબીસીએ ફોન ઉપર યુવતીના પિતાનો સંપર્ક સાધીને તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો હતો. યુવકનાં માતાનો સંપર્ક સાધવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા.
બીબીસીએ યુવકનાં માતા સાથે વાત કરવાનો ત્રણ વખત પ્રયત્ન કર્યો હતો પણ તેમનો ફોન સ્વિચ ઑફ હતો. તેમના ઘરે તાળું લાગેલું હતું.
'તરત અસર ન દેખાય'

ઇમેજ સ્રોત, Getty Images
સિકંદરાબાદસ્થિત કેઆઇએમએસ હૉસ્પિટલ ખાતે ચેપી રોગ તથા ચેપ નિયંત્રણ નિષ્ણાત ડૉ. પાટિલ પ્રતીક યશવંતે બીબીસીને જણાવ્યું, હાલ તો યુવતીના રિપોર્ટ નૅગેટિવ આવ્યા છે, પરંતુ આગામી સમયમાં તબક્કાવાર તેના ટેસ્ટ કરવાની જરૂર પડશે.
તેમણે કહ્યું, "જ્યારે એક ઍઇડ્સગ્રસ્ત વ્યક્તિનું લોહી બીજી વ્યક્તિને ચઢાવવામાં આવે, ત્યારે વાઇરસનો ચેપ લાગવાની શક્યતા 90% જેટલી હોય છે. પ્રારંભિક તબક્કે પીસીઆર (પૉલીમરેઝ ચેઇન રિઍક્શન) કે સિરૉલૉજિકલ ટેસ્ટમાં ચેપ લાગ્યો છે, એવી ખબર ન પણ પડે. આથી, આ ટેસ્ટ સમયાંતરે નિયમિત રીતે કરવા પડે."
ડૉ. પાટિલ કહે છે, "ક્યારેક કોઈ એચઆઇવી-પૉઝિટિવ વ્યક્તિની સારવાર ચાલી રહી હોય, તો તેનો વાઇરલ લૉડ ઓછો હોય એવું બને, પરંતુ તેનો મતલબ એવો નથી કે વાઇરસ નથી. આવી વ્યક્તિ વાઇરસનો ચેપ પહોંચાડી શકે છે. એ ખરું કે ચેપ લાગવાની શક્યતા થોડી ઓછી હોય છે."
તેમણે ઉમેર્યું, "લોહીમાં રહેલો વાઇરસ નિષ્ક્રિય હોય, તો પણ રિઝલ્ટ પૉઝિટિવ આવવામાં થોડો સમય લાગી શકે છે. તેના માટે સતત તપાસ અને સમયાંતરે ટેસ્ટિંગ જરૂરી છે."
યુનિવર્સિટી ઑફ હૈદરાબાદ ખાતે ડિપાર્ટમેન્ટ ઑફ સાઇકૉલૉજીનાં પ્રોફેસર મીના હરિહરને કહ્યું કે આ પ્રકારની વર્તણૂક સામાન્ય નથી.
તેમણે કહ્યું, "આ કેસમાં 'જો તું મારી ન થઈ શકે, તો કોઈની પણ ન થઈ શકે' જેવી માનસિકતા જોવા મળે છે. તેમાં વધુ પડતી સ્વાર્થવૃત્તિ તથા માલિકીની ભાવના જોવા મળે છે."
થોડા સમય અગાઉ કુર્નુલમાં આવો જ એક કિસ્સો બહાર આવ્યો હતો. જેમાં પોલીસે એક મહિલા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ મહિલા કથિત રીતે તેના પ્રેમીનાં પત્નીને એચઆઈવીનું ઇન્જેક્શન આપ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












