ઈરાને હોર્મુઝ સામુદ્રધુની બંધ કરતાં ગુજરાત સહિત ભારતની નિકાસને કેટલી અસર પહોંચી?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કરતા ઈરાને હોર્મુઝની સામુદ્રધુની (સ્ટ્રેટ ઑફ હોર્મુઝ)માંથી કોઈ પણ જહાજને પસાર થવાથી પ્રતિબંધ મૂકી દીધો છે. તેનો અર્થ એ થાય છે કે ભારતથી અખાતના દેશોમાં કે પછી અખાતના દેશોમાંથી ભારતમાં કોઈ પણ જહાજની અવરજવર હાલ થઈ શકે તેમ નથી.
સમાચાર એજન્સી રૉયટર્સના ત્રીજી માર્ચના અહેવાલ પ્રમાણે, "ઈરાનના રિવૉલ્યૂશનરી ગાર્ડ્સના એક ઉચ્ચ અધિકારીએ સોમવારના રોજ હોર્મુઝની સામુદ્રધુનીને બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. સાથે ચેતવણી આપી હતી કે જો કોઈ જહાજ અહીંથી પસાર થવાનો પ્રયાસ કરશે તો તેના પર હુમલો કરવામાં આવશે."
ઈરાનની આ ધમકીનો અર્થ એ થાય છે કે ભારતમાં ક્રૂડઑઇલ આયાત ઉપરાંત ભારતથી અખાતના દેશોમાં થતી નિકાસ પર વિપરીત અસર પડી શકે એમ છે.
ભારતથી અખાતના દેશોમાં મુખ્યત્વે બાસમતી ચોખા, ખાંડ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રિક વસ્તુઓ, ટેલિકૉમ્યુનિકેશનની વસ્તુઓ તેમજ સ્ટીલ વગેરે નિકાસ થાય છે.
નિષ્ણાતોનું માનવું છે કે, હાલમાં અખાત તરફ જવા માટેના માલ-સામાનનું બુકિંગ બંધ થઈ ગયું છે તથા અમુક શિપિંગ કંપનીઓ પોતાના માલ-સામાનને ગોદામમાં પરત લઈ જઈ રહી છે.
હાલમાં આ વિસ્તારમાં વધતી જતી તણાવપૂર્ણ સ્થિતિને કારણે સાંકડો જળમાર્ગ એવી હોર્મુઝની સામુદ્રધુની તરફ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાયેલું છે. આ જળમાર્ગ ભારત સહિત અનેક એશિયન દેશો માટે ઘણો મહત્ત્વપૂર્ણ છે.
આ સામુદ્રધુનીમાં બે સૌથી નજીકના કિનારાની પહોળાઈ આશરે 33 કિલોમીટર છે. વિશ્વના કુલ ક્રૂડઑઇલનો પાંચમા ભાગનો હિસ્સો એટલે કે દરરોજ અંદાજે 22 મિલિયન બેરલ ઑઇલ અહીંથી પસાર થાય છે. આ સાથે વૈશ્વિક સ્તરે પ્રવાહી કુદરતી ગૅસ (એલપીજી)નો પણ નોંધપાત્ર જથ્થો અહીંથી જ પસાર થાય છે. ઉપરાંત ભારતથી અખાતના દેશો, ઈરાન, ઇરાક વગેરે દેશોમાં થતી નિકાસ પણ આ જ માર્ગેથી પસાર થાય છે.
પરંતુ, હાલ આ બધું લઈ જતાં જહાજો ઈરાનની ધમકીને કારણે અહીંથી પસાર થઈ રહ્યાં નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત સરકારનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકારના પૉર્ટ્સ, શિપિંગ અને વૉટરવેઝ મંત્રાલયે અખાતના આ વિસ્તારમાં ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય ધ્વજવાળાં જહાજો અને ભારતીય સમુદ્રી કર્મચારીઓની સુરક્ષા માટે વધારાની સાવચેતીનાં પગલાં ભર્યાં હોવાનો દાવો કર્યો છે.
કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે મંગળવારે એક સમીક્ષા બેઠક બોલાવી હતી અને આ પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
ડાયરેક્ટર જનરલ ઑફ શિપિંગ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે મંત્રાલયે રિયલ-ટાઇમ ટ્રૅકિંગ, વધારાની રિપોર્ટિંગ વ્યવસ્થા અને 24×7 મૉનિટરિંગ સેલ શરૂ કર્યા છે.
મંત્રાલય દ્વારા જહાજમાલિકો અને અન્ય સંબંધિત એજન્સીઓને ક્રૂની તહેનાતી દરમિયાન સાવચેત રહેવાની તથા સમુદ્રી કર્મચારીઓ તથા તેમના પરિવારજનો સાથે નિયમિત સંપર્ક જાળવી રાખવાની સૂચના આપવામાં આવી છે. મંત્રાલય દ્વારા આ મામલે ઝડપી પ્રતિસાદ માટે ક્વિક રિસ્પોન્સ ટીમ તથા હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.
વેપારીઓમાં ચિંતા
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ લડાઈને કારણે દેશભરની શિપિંગ કંપનીના માલિકો, નિકાસકારો, લૉજિસ્ટિક્સ કંપની સાથે જોડાયેલા લોકો સૌથી વધુ ચિંતિત છે.
ભારતમાં કુલ 12 મોટાં બંદરો આવેલાં છે, જે મિનિસ્ટ્રી ઑફ પૉર્ટ્સ, શિપિંગ ઍન્ડ વૉટરવેઝ હેઠળ સંચાલિત છે.
આ મુખ્ય બંદરોમાં કોલકાતાનું શ્યામાપ્રસાદ મુખરજી પૉર્ટ, ગુજરાતનું દીનદયાળ ઉપાધ્યાય પૉર્ટ એટલે કે કંડલા પૉર્ટ, તામિલનાડુનું ચેન્નાઈ પૉર્ટ તથા મુંબઈ પૉર્ટનો સમાવેશ થાય છે.
કંડલા પૉર્ટના વાર્ષિક અહેવાલ પ્રમાણે વર્ષ 2024-25માં 468.29 લાખ ટન માલ-સામાનની આ બંદરેથી નિકાસ કરાઈ હતી, જેની કિંમત 6,52,630.80 કરોડ રૂ. થાય છે. પશ્ચિમ ભારતની વાત કરવામાં આવે તો કંડલા પૉર્ટ દેશ માટે મહત્ત્વનું બંદર છે.
વર્ષ 2024-25માં 468.29 લાખ ટન કાર્ગોની નિકાસ કરવામાં આવી, જેની કિંમત 6,52,630.80 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.
આ બંદરથી નિકાસ થયેલી વસ્તુઓમાં આશરે 5.80 લાખ ટનનાં વિવિધ રસાયણો, 3.04 લાખ ટન બેન્ટોનાઇટ, 21.87 લાખ ટન ચોખા, 174.83 લાખ ટન મીઠું, 9.75 લાખ ટન ખાંડ, તેમજ બીજી વસ્તુઓનો સમાવેશ થાય છે.
હાલની પરિસ્થિતિનો અંદાજ મેળવવા અને તેની અસરની માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ દીનદયાળ ઉપાધ્યાય પૉર્ટને એક ઇમેઇલ કર્યો હતો, પરંતુ તેનો જવાબ હજુ મળ્યો નથી. તેમનો જવાબ મળ્યે અહીં અપડેટ કરવામાં આવશે.
આમ તો આ બંદરેથી અનેક વસ્તુઓ જેમ કે, સ્ટીલ, ખાદ્ય પદાર્થો, ખાંડ વગેરે નિકાસ થાય છે, પરંતુ સૌથી વધુ મીઠું અને બાસમતી ચોખાની નિકાસ થાય છે. આ નિકાસ મહદંશે અખાતના દેશોમાં થાય છે.
આ બંદરેથી લાખો ટન ચોખાની નિકાસ અખાતના દેશોમાં થાય છે અને આ નિકાસ સાથે સેંકડો શિપિંગ કંપનીઓ જોડાયેલી છે.
ગાંધીધામથી અખાતના દેશોમાં બાસમતી ચોખાની નિકાસનું કામ કરતા ઇનાયત કાર્ગો કૅરિયરના મૅનેજર હાજી જિંગિયાએ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું, "હાલમાં એવી સ્થિતિ છે કે તે તરફ જતો તમામ માલ રોકાઈ ગયો છે."

ઇમેજ સ્રોત, Gallo Images/Orbital Horizon/Copernicus Sentinel Data 2025
હાજી જેવા વેપારીઓનો દાવો છે કે તેઓ માત્ર પાંચ કે દસ ટકાના ફાયદાના ગાળા સાથે વેપાર કરે છે. જો તેમાં ખર્ચો વધે તો તેમના જેવા સેંકડો વેપારીઓની પરિસ્થિતિ ખરાબ થઈ જશે.
હાજી કહે છે કે જો પરિસ્થિતિ જલદી નહીં સુધરે તો તેમને મોટું નુકસાન જશે. હાલમાં ઘણા વેપારીઓ તેમનો સામાન ગોદામમાં મૂકી રાખવા મજબૂર છે.
બાસમતી ચોખાની વાત કરીએ તો, ગુજરાતના દીનદયાળ પૉર્ટથી ભારે જથ્થામાં બાસમતી ઈરાન, ઇરાક, સાઉદી અરેબિયા તેમજ દુબઈ ખાતે નિકાસ કરવામાં આવે છે.
વર્ષ 2023-24ની સરખામણીએ આ બંદરથી થતી ચોખાની નિકાસમાં 133 ટકા જેટલો વધારો થયો હતો. વર્ષ 2024-25માં આ નિકાસનો આંકડો વધીને 21.87 લાખ ટન થઈ ગયો હતો.
હાજી કહે છે, "છેલ્લાં દસ વર્ષથી મહેનત કરીને અમે શિપિંગ કંપની બનાવી છે. ચોખાની નિકાસ અમે માત્ર અખાતના દેશોમાં જ કરીએ છીએ. આની સૌથી વિપરીત અસર અમને થવાની છે."
કેટલાક વેપારીઓ હોર્મુઝની સામુદ્રધુનીને સ્થાને રાતા સમુદ્રના જળમાર્ગેથી માલ-સામાનને સાઉદી અરેબિયા સુધી પહોંચાડવાનો વૈકલ્પિક માર્ગ પસંદ કરવાનું સૂચન કરે છે. જોકે, આ માર્ગમાં ખર્ચ વધી જાય તેમ છે.
ગાંધીધામમાં કાર્યરત્ ફ્રેન્ડ્સ ઇમ્પેક્સ નામની શિપિંગ કંપનીના ડાયરેક્ટર અશોક સિંઘવીએ બીબીસી ગુજરાતીને કહ્યું, "રાતા સમુદ્ર કે કૅપ ઑફ ગુડ હોપ થઈને લાંબા રસ્તે પણ અખાતના દેશોમાં જઈ શકાય છે. એટલા માટે હાલ ભાવમાં પ્રતિ ટન 100 યુએસ ડૉલરનો વધારો થયો છે. એટલે ટન દીઠ અમારે વધારાનો ખર્ચ કરવો પડી રહ્યો છે."
વધુ એક શિપિંગ ઑપરેટર મલારા ગ્રૂપના ડાયરેક્ટર આશિષ જોશીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "સૌથી વધુ અસર બાસમતી ચોખાની નિકાસને થઈ છે, પરંતુ સાથે નૉન-ઑઇલ પેદાશો જેવી કે, મિથેનોલ, જિપ્સમ, બિટુમિન ઉપરાંત અન્ય ખાદ્ય પદાર્થો અને સ્ટીલની નિકાસ પર પણ અસર પડી રહી છે."
તેમના મત પ્રમાણે આ પ્રકારની પરિસ્થિતિ દસેક દિવસ પણ લંબાય તો નાના નિકાસકારોએ અને નાના વેપારીઓએ પોતાનો ધંધો બંધ કરી દેવો પડશે, કારણકે તેઓ લાંબા સમય સુધી વધુ નુકસાન સહન નહીં કરી શકે.
આ વિશે વાત કરતાં તેઓ કહે છે, "અખાત તરફ જતાં જહાજોએ નવા બુકિંગ લેવાનું બંધ કર્યું છે. જો કન્ટેનર જહાજ પર ચઢાવી દીધાં હોય અને જો એ જહાજ બંદર પર જ હોય તો તેને ઉતારવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે કન્ટેનર પૉર્ટ પર આવી ગયાં હોય તેને પરત મોકલાઈ રહ્યાં છે."

ઘણા વેપારીઓનું માનવું છે કે આ સંકટ થોડા સમય પહેલાં ઊભા થયેલા રાતા સમુદ્રના સંકટ કરતાં પણ મોટું છે, કારણ કે જો કોઈ જહાજ લાંબો રૂટ પસંદ કરે તો પણ તે સાઉદી અરેબિયા સુધી જ પહોંચી શકે છે, તેનાથી આગળ ઈરાન, ઇરાક કે દુબઈ સુધી પહોંચવા માટે તે જહાજે હોર્મુઝની સામુદ્રધુની થઈને જ જવું પડે તેમ છે.
જોકે, હોર્મુઝની સામુદ્રધુની ઉપરાંત મધ્યપૂર્વનાં બંદરો જેમ કે, શારજાહ, જેબેલ અલી પૉર્ટ જેવાં બંદરો પૉર્ટ ટ્રાન્ઝિટ હબ તરીકે કામ કરે છે. એટલે મોટાં જહાજોનો માલ-સામાન નાનાં જહાજોમાં શિફ્ટ કરીને આગળ મોકલવામાં આવે છે, પરંતુ આ કામ પણ હાલ ખોરંભે છે.
ગુજરાતનાં વિવિધ બંદરોમાં હાલ હજારો કન્ટેનર્સનું બુકિંગ રદ કરવામાં આવ્યું છે.
આ વિશે વાત કરતાં આશીર્વાદ શિપિંગ ટ્રાન્સપૉર્ટના ડિરેક્ટર હીરેન સેટિયાએ બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતાં જણાવ્યું, "આ એક જંગ છે. હાલમાં મારાં 40 જેટલાં કન્ટેનરોને ખાલી કરવાં પડી રહ્યાં છે. પહેલાં તેને ભરવાનો ખર્ચ અને હવે તેને ખાલી કરવાનો ખર્ચ, હજારો ટન માલ ફરીથી ગોડાઉનમાં મૂકી દેવો પડશે. જેના કારણે ખર્ચો વધી જશે."
બીજાં બંદરોની કેવી પરિસ્થિતિ છે?

ઇમેજ સ્રોત, CFOTO/Future Publishing via Getty Images
દક્ષિણ ભારતની વાત કરીએ તો ચેન્નાઈ પૉર્ટના વેપારીઓની હાલત પણ કંઈક ગુજરાતના વેપારીઓ જેવી જ છે.
ચેન્નાઈ પૉર્ટ મારફતે હોમ ઍપ્લાયન્સિસ, તૈયાર કપડાં તથા વિવિધ ખાદ્ય પદાર્થો અખાતના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. આ કામ સાથે દક્ષિણના ઘણા વેપારીઓ જોડાયેલા છે.
ચેન્નાઈસ્થિત લૉજિસ્ટિક્સ કંપની પૅસિફિક શિપિંગ કંપનીના ડાયરેક્ટર આર. ત્યાગરાજનના જણાવ્યા પ્રમાણે તેઓ હાલમાં પોતાનો માલ-સામાન આમતેમ ખસેડી રહ્યા છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "દરેક માલ-સામાન પાછળ ગોદામ, ટ્રક લૉડિંગ અને અનલૉડિંગ ઉપરાંત અન્ય ખર્ચા થતા હોય છે. એક વખત માલ-સામાનને પૉર્ટમાં લઈ જવો અને પછી તેને ફરીથી પરત લાવવો, એ ખર્ચાનું કામ છે. હાલમાં અમે આમ જ કરી રહ્યા છીએ. ખબર નહીં આવું ક્યાં સુધી ચાલશે, પરંતુ આ લડાઈને કારણે નિકાસ પર ગંભીર અસર પડી છે."
ચેન્નાઈ પૉર્ટની કારોબારી સમિતિના એક સભ્ય અંસાર ખાન પઠાણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "જાપાન કે પૂર્વ તરફથી તમામ શિપિંગ સેવાઓ હાલ ચાલુ છે, પરંતુ ચેન્નાઈ પૉર્ટથી માલ-સામાન અખાતના દેશો કે પછી રાતા સમુદ્ર તરફ મોકલવા માટે કોઈ તૈયાર નથી."
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ એક વિકટ સ્થિતિ છે અને તેનો જલદી ઉકેલ નહીં આવે તો તે મોટી આર્થિક તંગીમાં પરિણમી શકે છે.
કોલકાતાના શ્યામાપ્રસાદ મુખરજી પૉર્ટના ભૂતપૂર્વ ડેપ્યુટી ચૅરમૅન તથા શિપિંગ ઇન્ડસ્ટ્રીઝના જાણકાર એકે મહેરાએ બીબીસીને કહ્યું, "એ વાત ચોક્કસ છે કે પૂર્વનાં બંદરો પર આ સ્થિતિની ગંભીર અસર દેખાતી નથી, પરંતુ દુબઈ થકી જે માલ-સામાન મોટાં જહાજોમાંથી નાનાં જહાજોમાં ટ્રાન્સફર થઈને પહોંચે છે, અને ભારતથી જે સામાન દુબઈ થકી સાઉદી અરેબિયા કે અન્ય દેશોમાં પહોંચે છે, તેની મોટી અસર જોવા મળી રહી છે."
ચેન્નાઈની હૅરી ઍન્ડ કંપની શિપિંગ લિમિટેડના ડાયરેક્ટર માઇકલ ઍન્થનીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "દરેક વધારાના દિવસ માટે ટન દીઠ અમારે વધારાનો ખર્ચો કરવો પડી રહ્યો છે. જે કન્ટેનર ભરાઈ બંદર પર તૈયાર છે, પરંતુ જહાજ ન હોવાને કારણે નિકાસ નથી થઈ શકતી, તે કન્ટેનરનો ખર્ચો અમારે ભોગવવાનો આવે છે. પરિસ્થિતિ નહીં સુધરે તો ઉત્પાદકોએ પોતાનું ઉત્પાદન બંધ કરી દેવું પડશે, લોકોની નોકરી પણ જશે."
ભારતના નિકાસના આંકડા પર એક નજર

ઇમેજ સ્રોત, Firdous Nazir/NurPhoto via Getty Images
ભારત સરકારના મિનિસ્ટ્રી ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર જનરલ ઑફ કૉમર્શિયલ ઇન્ટેલિજન્સ ઍન્ડ સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે, વર્ષ 2025-26 દરમિયાન ભારતમાંથી 45.38 મિલિયન અમેરિકન ડૉલરની પેટ્રોલિયમ પેદાશોની નિકાસ થઈ હતી. જ્યારે 27.98 મિલિયન અમેરિકન ડૉલરની ટેલિકૉમ વસ્તુઓની નિકાસ થઈ હતી.
ડ્રગ ફૉર્મ્યુલેશન અને અન્ય બાયૉલૉજિકલ પેદાશોની લગભગ 20.43 મિલિયન યુએસ ડૉલરની નિકાસ થઈ હતી. જ્યારે 12.73 મિલિયન અમેરિકન ડૉલરનાં ઇલેક્ટ્રિક મશીનરી અને સાધનોની નિકાસ થઈ હતી.
આ જ સમયગાળા દરમિયાન પર્લ, પ્રિસિયસ તેમજ સેમી-પ્રિસિયસ સ્ટોન્સની (મોતી, મૂલ્યવાન રત્નો) 11.53 મિલિયન અમેરિકન ડૉલરની નિકાસ થઈ હતી. આમ, દેશમાંથી કુલ નિકાસ 329.96 મિલિયન અમેરિકન ડૉલરની રહી હતી, જ્યારે આયાત 578.61 મિલિયન અમેરિકન ડૉલરની રહી હતી.
વર્ષ 2025-26 દરમિયાન અમેરિકામાં સૌથી વધુ નિકાસ થઈ હતી. અમેરિકા 65.82 મિલિયન અમેરિકન ડૉલર સાથે પ્રથમ ક્રમે રહ્યું હતું. ત્યાર બાદ 28.87 મિલિયન અમેરિકન ડૉલર સાથે યુનાઇટેડ આરબ અમીરાત હતું, પછી 14.24 મિલિયન અમેરિકન ડૉલર સાથે ચીન, અને પછી 14.22 મિલિયન અમેરિકન ડૉલર સાથે નેધરલૅન્ડ્ઝ હતું. 10.06 મિલિયન અમેરિકન ડૉલર સાથે યુકે નિકાસના સંદર્ભમાં પાંચમા ક્રમે રહ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












