ઈરાનના વિદેશ મંત્રી આજે ઇસ્લામાબાદ જશે, ઈરાની સરકારી મીડિયાએ પુષ્ટિ કરી- ન્યૂઝ અપડેટ

વાંચવાનો સમય: 6 મિનિટ

ઈરાનના સરકારી મીડિયા અનુસાર ઈરાનના વિદેશ મંત્રી આજે ઇસ્લામાબાદ જવા રવાના થશે.

ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી આઈએરએનએ અનુસાર, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી શુક્રવારના ઇસ્લામાબાદ, મસ્કટ અને મૉસ્કોની મુલાકાતે જશે.

પાકિસ્તાન સરકારનાં સૂત્રોએ આજે બીબીસીને જણાવ્યું હતું કે અરાગચી આજ રાત્રે ઇસ્લામાબાદ પહોંચે તેવી આશા છે.

આઈઆરએનએના રિપોર્ટ અનુસાર, અરાગચીની આ મુલાકાતનો ઉદ્દેશ દ્વિપક્ષીય વાતચીત કરવા અને ક્ષેત્રમાં હાલના ઘટનાક્રમની સાથે અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધની તાજેતરની પરિસ્થિતિ પર ચર્ચા કરવાનો છે.

રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી છોડી તો સંજય સિંહે શું કહ્યું?

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના નેતા અને નૅશનલ મીડિયા પ્રભારી સંજય સિંહે પ્રેસ કૉન્ફરન્સ કરીને રાઘવ ચઢ્ઢા સહિત પાર્ટીના 7 સાંસદોના ભાજપમાં જોડાવાની ઘટનાને 'ઑપરેશન લોટસ' ગણાવી છે.

સંજય સિંહે કહ્યું,"આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને વિધાનસભ્ય અને સાંસદ બનાવ્યા. બધું આપ્યું, પરંતુ તેમણે પાર્ટી સાથે વિશ્વાસઘાત કર્યો. પંજાબના લોકો તેમને ક્યારેય માફ નહીં કરે."

તેમણે કહ્યું "રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમજિત સાહની, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહને 'આપ' અને જનતાએ જમીન પરથી ઉઠાવીને સંસદમાં પહોંચાડ્યાં. આ સાતેયે પંજાબની જનતાની પીઠમાં છરો ભોંક્યો છે, દગો આપ્યો છે. ભગવંત માનની સરકારને દગો આપ્યો છે."

તેમણે કહ્યું, "ભગવંત માન સરકાર સારું કામ કરી રહી છે એટલે 'ઑપરેશન લોટસ' રમાઈ રહ્યું છે, ઈ.ડી.-સી.બી.આઈ.નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અશોક મિત્તલના ઘરે બે-ચાર દિવસ પહેલાં ઈ.ડી.નો દરોડો પડ્યો, ડર બતાવ્યો અને તેમને તોડી લીધા."

તેમણે ભાર આપતાં કહ્યું, "આ ઑપરેશન લોટસ છે, જે અમિત શાહ અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પંજાબના લોકોને દગો આપવા માટે ચલાવવામાં આવ્યું છે."

રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી છે.

સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે પ્રેસ કૉન્ફરન્સ કરીને રાઘવ ચઢ્ઢાએ કહ્યું, "અમે નક્કી કર્યું છે કે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના બે તૃતીયાંશ સભ્યો બંધારણની જોગવાઈઓ અનુસાર ભાજપમાં જોડાઈ રહ્યા છે."

આમ આદમી પાર્ટીએ આ મહિનાની શરૂઆતમાં રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડરની જવાબદારી રાઘવ ચઢ્ઢાના સ્થાને અશોકકુમાર મિત્તલને સોંપી હતી. રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ સતત જનહિતના મુદ્દાઓ ઉઠાવતા રહ્યા છે. તેમણે એવો પ્રશ્ન કર્યો હતો કે આથી આમ આદમી પાર્ટીને શું નુકસાન થયું હશે?

રાઘવ ચઢ્ઢાએ ઉમેર્યું, "આમ આદમી પાર્ટી, જેને મેં મારા લોહી-પસીનાથી ઉછેરી છે અને જેને મેં મારી યુવાવસ્થાનાં 15 વર્ષ આપ્યાં છે, તે હવે પોતાના સિદ્ધાંતો, મૂલ્યો અને મૂળભૂત નૈતિકતાઓથી સંપૂર્ણપણે ભટકી ગઈ છે. હવે આ પાર્ટી દેશ કે રાષ્ટ્રીય હિત માટે કામ કરતી નથી, પરંતુ વ્યક્તિગત સ્વાર્થ માટે કાર્ય કરી રહી છે."

તેમણે વધુમાં કહ્યું, "તમારામાંથી ઘણા લોકો છેલ્લાં કેટલાંક વર્ષોથી મને કહેતા આવ્યા છો, અને મેં પણ વ્યક્તિગત રીતે આ અનુભવ્યું છે કે હું યોગ્ય માણસ છું, પરંતુ ખોટી પાર્ટીમાં છું. હું ફરી કહું છું, 'હું યોગ્ય માણસ છું, પરંતુ ખોટી પાર્ટીમાં છું.' તેથી આજે હું જાહેરાત કરું છું કે હું આમ આદમી પાર્ટીથી પોતાને અલગ કરી રહ્યો છું અને જનતા પાસે જઈ રહ્યો છું."

ઇઝરાયલ અને લેબનોને એકબીજા પર સીઝફાયરના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો

ઇઝરાયલી સેના તથા હિઝ્બુલ્લાહે એકબીજા પર સીઝફાયરના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.

આ પહેલાં ઇઝરાયલી સેનાએ કહ્યું હતું કે તેણે લેબનોનથી છોડવામાં આવેલાં પ્રોજેક્ટાઇલને ઇન્ટરસેપ્ટ કર્યાં હતાં. શ્ટૂલા વિસ્તારમાં સાઇરન પણ વગાડવામાં આવી હતી.

ત્યાં, હિઝ્બુલ્લાહે ટેલીગ્રામ પર કહ્યું હતું કે તેણે આ વિસ્તારને રૉકેટથી નિશાન બનાવ્યો હતો.

ઇઝરાયલી સેનાએ ઍક્સ પર જારી નિવેદનમાં કહ્યું કે તેણે ત્રણ લોકોને માર્યા છે, તેને ઇઝરાયલે 'હિઝ્બુલ્લાહના આતંકવાદીઓ' ગણાવ્યા.

ઇઝરાયલી સેનાનું કહેવું છે કે આ લોકોએ ઇઝરાયલી ઍરફોર્સના એક વિમાન તરફ મિસાઇલ છોડવાની 'નાકામ કોશિશ' કરી હતી.

ઇઝરાયલી સેનાએ એમ પણ કહ્યું કે બે અલગ-અલગ ઘટનાઓમાં હિઝ્બુલ્લાહે દક્ષિણ લેબનોનમાં તહેનાત તેમના સૈનિકો પર રૉકેટ ફેંક્યાં હતાં.

તેણે કહ્યું કે "આ પ્રકારની કાર્યવાહી યુદ્ધવિરામનું ઉલ્લંઘન છે."

ગુરુવારે સાંજે હિઝ્બુલ્લાહે કહ્યું હતું કે તેણે ઉત્તર ઇઝરાયલ પર રૉકેટ ફેંક્યાં હતાં. તેણે તેને ઇઝરાયલ તરફથી કરવામાં આવેલા 'યુદ્ધવિરામ ભંગ સામેની કાર્યવાહી' ગણાવી.

લેબનોનની સરકારી નૅશનલ ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, ઇઝરાયલે આજે સવારે દેશના દક્ષિણ ભાગ પર ટાયર શહેરમાં હુમલો કર્યો છે.

યુદ્ધવિરામ માટેની મિટિંગ વચ્ચે જ લેબનોને ઇઝરાયલ પર રૉકેટ છોડ્યાં

ઇઝરાયલી સેનાએ કહ્યું છે કે તેની વાયુસેના દ્વારા લેબનોનથી છોડવામાં આવેલાં ઘણાં પ્રોજેક્ટાઇલને ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યાં છે.

આ હુમલાને કારણે શ્ટૂલા ક્ષેત્રમાં સાઇરન વાગી હતી.

ત્યાં, હિઝ્બુલ્લાહે ટેલીગ્રામ પર કહ્યું કે તેણે રૉકેટ હુમલામાં આ ક્ષેત્રને નિશાન બનાવ્યું હતું.

લેબનોનના નૅશનલ મીડિયા અનુસાર, આ ત્યારે થયું જ્યારે લેબનોન અને ઇઝરાયલ વચ્ચે અમેરિકાના વૉશિંગ્ટન ડીસીમાં યુદ્ધવિરામને લંબાવવાને લઈને વાતચીત ચાલી રહી હતી.

ઇઝરાયલી સેનાએ બાદમાં કહ્યું કે તેણે એ લૉન્ચર પર હુમલો કર્યો જેનાથી શ્ટૂલા પર રૉકેટ છોડવામાં આવ્યાં હતાં.

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પરમાણુ હથિયારના ઉપયોગ વિશે શું કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની સામે પરમાણુ હથિયારનો ઉપયોગ સાથે જોડાયેલા એક સવાલને 'મૂર્ખતાપૂર્ણ' ગણાવ્યો છે.

તેમનું કહેવું છે કે તેઓ ઈરાનની સામે પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરે અને સાથે તેમણે કહ્યું કે આ પ્રકારનો 'મૂર્ખતાપૂર્ણ' સવાલ ન પૂછવો જોઈએ.

ઓવલ ઑફિસમાં મીડિયા સાથેની વાતચીતમાં એક પત્રકારે તેમને પૂછ્યું, "શું તમે ઈરાન સામે પરમાણુ હથિયારનો ઉપયોગ કરશો?"

તેમણે કહ્યું, "નહીં, આ પ્રકારનો બેવકૂફીભર્યો સવાલ કેમ પૂછવામાં આવી રહ્યો છે?"

તેમણે કહ્યું, "હું પરમાણુ હથિયારનો ઉપયોગ શા માટે કરું, જ્યારે કે અમે તેના વગર જ ઈરાનને તબાહ કરી નાખ્યું છે?"

ટ્રમ્પે એમ પણ કહ્યું કે "પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની અનુમતિ કોઈને પણ ન આપવી જોઈએ."

ટ્રમ્પનું ઍલાન, 'ઇઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામ ત્રણ સપ્તાહ માટે લંબાવાયો'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘોષણા કરી છે કે ઇઝરાયલ અને લેબનોન વચ્ચે સીઝફાયરને ત્રણ સપ્તાહ માટે લંબાવાયો છે.

ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ પર તેમણે કહ્યું કે આ નિર્ણય ઓવલ ઑફિસમાં ઇઝરાયલી અને લેબનોની અધિકારીઓ વચ્ચે થયેલી બેઠકમાં લેવામાં આવ્યો.

ટ્રમ્પે કહ્યું કે આ બેઠક 'બહુ સારી' રહી. જેમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ તથા વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ ઉપસ્થિત હતા.

તેમણે લખ્યું, "અમેરિકા લેબનોન સાથે મળીને કામ કરશે. જેમાં તેઓ હિઝ્બુલ્લાહથી પોતાની સુરક્ષા કરી શકે."

આ ઉપરાંત તમણે આવનારા સમયમાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ તથા લેબનોનના રાષ્ટ્રપતિ જૉસેફ ઔનની યજમાની કરવાની પણ વાત કહી.

થોડી વાર પછી ઓવલ ઑફિસમાં ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીત કરી. તે દરમિયાન ટ્રમ્પ ઉપરાંત વેન્સ અને રુબિયો ઉપરાંત લેબનોન તથા ઇઝરાયલમાં અમેરિકાના રાજદૂત અને અમેરિકામાં બંને દેશોના રાજદૂત પણ ઉપસ્થિત હતા.

ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલી વાતને ફરી કહેતા જણાવ્યું કે લેબનોની રાષ્ટ્રપતિ અને ઇઝરાયલી વડા પ્રધાન આવનારા સપ્તાહમાં વ્હાઇટ હાઉસ આવશે.

ભારતીય દૂતાવાસે 'ઈરાનનો પ્રવાસ નહીં કરવાની' સલાહ કેમ આપી? – ન્યૂઝ અપડેટ

ભારત અને ઈરાન વચ્ચે ફ્લાઇટ ફરી શરૂ થવાના સમાચાર વચ્ચે ઈરાનમાં ભારતીય દૂતાવાસે ભારતીયો માટે ટ્રાવેલ ઍડવાઇઝરી જારી કરી છે.

ભારતીય દૂતાવાસે ભારતીયોને ઈરાનનો પ્રવાસ ન કરવાની કડક સલાહ આપી છે.

દૂતાવાસે ઍડવાઇઝરીમાં કહ્યું, "ઈરાન અને ભારત વચ્ચે કેટલીક ઉડાને શરૂ થવાના સમાચારો જોતા અને પહેલાં જારી ઍડવાઇઝરીના ક્રમમાં ભારતીય નાગરિકોને સખત સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈરાનનો પ્રવાસ ન કરે. પછી તે હવાઈ માર્ગ હોય કે જમીન."

દૂતાવાસે કહ્યું, "ક્ષેત્રીય તણાવને કારણે હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધો તથા પરિચાલન સાથે જોડાયેલી અનિશ્ચિતતા હજુ પણ ઈરાનમાં આવનારી તથા જનારી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને પ્રભાવિત કરી રહી છે."

ભારતીય દૂતાવાસે એમ પણ કહ્યું છે કે જે ભારતીય આ સમયે ઈરાનમાં ઉપસ્થિત છે. તેઓ દૂતાવાસ સાથે સતત સમન્વય બનાવીને રાખે અને નક્કી કરેલા જમીનના રસ્તે ઈરાન છોડે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન