'અમે એક ચીની હોટલમાં સેક્સ કર્યું, પછી ખબર પડી કે તેનું બ્રૉડકાસ્ટ હજારો લોકોને કરવામાં આવ્યું હતું', છૂપાયેલા કૅમેરાનું ડરામણું સત્ય

- લેેખક, વાનકિંગ ઝાંગ
- પદ, બીબીસી ગ્લોબલ ચાઇના યુનિટ અને આઈ ઇન્વેસ્ટિગેશન
- વાંચવાનો સમય: 7 મિનિટ
એરિક 2023માં એક રાતે, રાબેતા મુજબ પોર્ન નિહાળવા માટે એક સોશિયલ મીડિયા ચેનલ પર સ્ક્રોલ કરી રહ્યા હતા. એક વીડિયો જોયા પછી તેઓ જાણે કે થીજી ગયા હતા.
તેમણે જોયું કે એક યુગલે રૂમમાં પ્રવેશ કર્યો હતો, પોતાની બેગ્સ મૂકી હતી અને પછી સેક્સ કર્યું હતું. એ યુગલ બીજું કોઈ નહીં, પરંતુ એરિક અને તેમનાં ગર્લફ્રેન્ડ હતાં.
તેમણે ત્રણ સપ્તાહ પહેલાં દક્ષિણ ચીનના શેનઝેનની એક હોટલમાં એક રાત વિતાવી હતી. તેમને ખબર ન હતી કે તેમના પર કોઈની નજર છે.
તેમના હોટલ રૂમમાં છૂપાવવામાં આવેલા કૅમેરા વડે તેમની સૌથી ઘનિષ્ઠ ક્ષણોને કેદ કરવામાં આવી હતી અને તેનું ફૂટેજ, તે ચેનલમાં લૉગ ઇન કરનારા હજારો લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. એ ચેનલનો ઉપયોગ એરિક પોતે પોર્નોગ્રાફી નિહાળવા માટે કરતા હતા.
એરિક (નામ બદલ્યું છે) હવે માત્ર ચીનના સ્પાય-કેમ પોર્ન ઉદ્યોગનો એક ગ્રાહક જ નથી, પરંતુ એક પીડિત પણ છે.
ચીનમાં પોર્ન ફિલ્મો બનાવવું અને તેનું વિતરણ કરવું ગેરકાયદે છે. તેમ છતાં આ કથિત સ્પાય-કેમ પોર્ન ઓછામાં ઓછા એક દાયકાથી દેશમાં અસ્તિત્વમાં છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી આ મુદ્દો સોશિયલ મીડિયામાં નિયમિત ચર્ચાનો વિષય બન્યો છે. લોકો અને ખાસ કરીને મહિલાઓ, પેન્સિલ ઇરેઝર જેટલા નાના કેમેરાને કેવી રીતે શોધવા તેની ટિપ્સની આપ-લે કરી રહ્યા છે.
કેટલાક લોકો તો પોતાનું આ રીતે ફિલ્માંકન ન થાય એટલા માટે હોટલના રૂમની અંદર તંબુ પણ લગાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દુષ્ટ પ્રવૃત્તિને રોકવાનો પ્રયાસ ગયા એપ્રિલમાં નવા સરકારી નિયમો દ્વારા કરવામાં આવ્યો હતો.
એ નિયમ હેઠળ હોટલ માલિકો માટે છૂપા કૅમેરા સંબંધી તપાસ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું.
તેમ છતાં હોટેલ રૂમમાં ગુપ્ત રીતે ફિલ્માંકન થવાનો ભય દૂર થયો નથી.
બીબીસી વર્લ્ડ સર્વિસને હોટલ રૂમમાં ફિલ્માવવામાં આવેલા અને બહુવિધ સાઇટ્સ પર પોર્ન તરીકે વેચવામાં આવેલા હજારો સ્પાય-કેમ વીડિયો મળી આવ્યા છે.
હોટલના સ્પાય કૅમેરા ફીડની સોશિયલ મીડિયા પર જાહેરાત

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મોટા ભાગની સામગ્રીની જાહેરાત મેસેજિંગ અને સોશિયલ મીડિયા ઍપ્લિકેશન ટેલિગ્રામ પર કરવામાં આવે છે.
મેં 18 મહિના દરમિયાન ટેલિગ્રામ પર પ્રમોટ કરવામાં આવેલી છ અલગ અલગ વેબસાઇટ્સ તથા ઍપ્લિકેશન્સ શોધી કાઢી છે.
તેમાં 180થી વધુ હોટલ રૂમમાં સ્પાય-કેમ ચલાવવામાં આવતા હોવાનો દાવો તેમણે કર્યો હતો અને તેઓ ફક્ત વીડિયો કેપ્ચરિંગ જ નહીં, પરંતુ લાઇવસ્ટ્રીમિંગ પણ કરતા હતા.
મેં સાત મહિના સુધી આ વેબસાઇટ્સ પૈકીની એક પર નિયમિત રીતે નજર રાખી હતી અને 54 અલગ અલગ કૅમેરા દ્વારા કૅપ્ચર કરવામાં આવેલી સામગ્રી મળી હતી. 54 પૈકીના અડધોઅડધ કૅમેરા સતત ચાલુ રહેતા હતા.
બીબીસીના અંદાજ મુજબ, એ સમયગાળા દરમિયાનના હોટેલના ઑક્યુપન્સી રેટના આધારે હજારો લોકોનું ફિલ્માંકન કરવામાં આવ્યું હોય તે શક્ય છે, પરંતુ મોટાભાગના લોકોને એ ખબર નહીં હોય કે તેમને કૅમેરામાં કેદ કરવામાં આવ્યા હતા.
હૉંગકૉંગના એરિકે કિશોરાવસ્થામાં ગુપ્ત રીતે ફિલ્માંકન કરવામાં આવ્યું હોય તેવા વીડિયો જોવાનું શરૂ કર્યું હતું.
એ પૈકીનું કેટલુંક રૉ ફૂટેજ હતું અને એરિક તેનાથી આકર્ષાયા હતા. એરિક હવે આયુષ્યની ત્રીસીમાં છે.
એરિક કહે છે, "પોતાનું ફિલ્માંકન થઈ રહ્યું છે એ લોકો જાણતા નથી હોતા અને મને એ વસ્તુ આકર્ષિત કરે છે. મને લાગે છે કે પરંપરાગત પોર્ન ખૂબ જ સ્ટેજ્ડ, ખૂબ જ નકલી હોય છે."
જોકે, એરિકને પોતાનો સમાવેશ પણ આવી છેતરપિંડીમાં થયો હોવાનો અનુભવ, તેનો અને તેની ગર્લફ્રેન્ડ એમિલી (નામ બદલ્યું છે)નો વીડિયો ઑનલાઇન જોવા મળ્યો ત્યારે થયો હતો. હવે એરિકને તે સામગ્રી નિહાળવાથી સંતોષ મળતો નથી.
હોટલમાં રોકાણનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે, એક કલાક લાંબી ક્લિપ એડિટ કરવામાં આવી છે અને તેને ટેલિગ્રામ પર અપલોડ કરવામાં આવી છે, એવા સમાચાર એરિકે એમિલીને આપ્યા ત્યારે એમિલીને લાગ્યું હતું કે એરિક મજાક કરી રહ્યા છે, પરંતુ ફૂટેજ નિહાળ્યા પછી તે શરમથી અવાક થઈ ગઈ હતી.
એ ક્લિપ સાથી કર્મચારીઓ અને પરિવારજનો પણ નિહાળી શકે છે, એ વિચારીને એમિલી ભયભીત થઈ ગઈ હતી. એમિલી અને એરિકે અઠવાડિયાઓ સુધી એકમેકની સાથે વાત કરી ન હતી.
સવાલ એ છે કે અજાણ્યા યુગલો દ્વારા ખાનગીમાં કરવામાં આવતી જાતીય પ્રવૃત્તિને ગુપ્ત કૅમેરામાં ઝડપીને તેનું વેચાણ ગ્રાહકોને કરતો આ ઉદ્યોગ કેવી રીતે કામ કરે છે અને તેની પાછળ કોણ છે?
હું સૌથી મોટા સ્પાય કૅમ પોર્ન-ટ્રેડર્સને મળ્યો હતો. એ પૈકીનો એક એજન્ટ એકેએ તરીકે ઓળખાય છે.
તેમના દ્વારા એક લાઇવસ્ટ્રીમિંગ વેબસાઇટ પ્રમોટ કરવામાં આવે છે. તે વેબસાઇટના ઍક્સેસ માટે 450 યુઆન (65 ડૉલર)ની માસિક ફી ચૂકવીને હું તેમનો ગ્રાહક બન્યો હતો.
લૉગ ઇન કર્યા પછી મારી પાસે પાંચ અલગ-અલગ ફિલ્મિંગ ફીડ્સમાંથી કોઈની પસંદગી કરવાનો વિકલ્પ હતો.
એ દરેકમાં હોટલ રૂમ્સ જોવા મળતા હતા. તેમાં આવતા ગેસ્ટ્સ પોતાનું કાર્ડ નાખીને લાઇટ ચાલુ કરતા જોવા મળતા હતા.
લાઇવસ્ટ્રીમને શરૂઆતથી રિવાઇન્ડ કરવાનું અને આર્કાઇવ કરવામાં આવેલી ક્લિપ્સ ડાઉનલોડ કરવાનું પણ શક્ય હતું.
ટેલિગ્રામ ચેનલના હજારો સબસ્ક્રાઇબર્સ સુધી પહોંચે છે હોટલ પોર્ન

ચીનમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ છે, પરંતુ તેનો ગેરકાયદે કામો માટે ઉપયોગ કરવામાં આવે છે.
એકેએ તે લાઇવસ્ટ્રીમની જાહેરાત કરતો હતો. અમારી તપાસમાં જાણવા મળ્યું હતું કે એક ટેલિગ્રામ ચેનલના 10,000થી વધારે મેમ્બર્સ હતા.
તેમણે એડિટ કરેલા લાઇવસ્ટ્રીમની એક લાયબ્રેરી પણ ટેલિગ્રામ ચેનલ પર ઉપલબ્ધ છે.
તેના એક્સેસ માટે ચોક્કસ ફી ચૂકવવી પડે છે. મને આર્કાઇવમાં 2017 સુધીના 6,000થી વધારે વીડિયો જોવા મળ્યા હતા.
એકેએના સબક્રાઇબર્સ ચેનલમાં અજાણ્યા હોટેલ ગેસ્ટ્સને નિહાળતા હોય છે ત્યારે ચેનલ ફંક્શનમાં એ ગેસ્ટ્સના ચહેરા વિશે કૉમેન્ટ્સ કરતા હોય છે. તેમની વાતચીત વિશે ગૉસિપ કરતા હોય છે અને તેના સેક્સ્યુઅલ પર્ફોર્મન્સનો અંદાજ લગાવતા હોય છે.
કોઈ યુગલ સેક્સ શરૂ કરે ત્યારે તેઓ ઉજવણી કરે છે અને સેક્સ કરતી વેળાએ યુગલ લાઇટ બંધ કરી દે અને અંધારું થઈ જાય તો સબસ્ક્રાઇબર્સ ફરિયાદ કરે છે. મહિલાઓને કાયમ સ્લટ, વેશ્યા અને કૂતરી કહેવામાં આવે છે.
અમે સબસ્ક્રાઇબર્સ, સોશિયલ મીડિયા યુઝર અને અમારા પોતાના રિસર્ચ વડે અનેક પુરાવા એકઠા કરીને સેન્ટ્રલ ચીનના ઝેંગઝોની એક હોટેલમાં રાખવામાં આવેલા ગુપ્ત સ્પાય-કેમ સુધી પહોંચી શક્યા હતા.
ગ્રાઉન્ડ પરનો રિસર્ચર હોટલના એ રૂમ સુધી પહોંચ્યો હતો અને તેમને કૅમેરા મળી આવ્યો હતો.
એ કૅમેરાનો લેન્સ પલંગ તરફ હતો. તે કૅમેરા દીવાલ પરના વેન્ટિલેશન યુનિટમાં છૂપાવવામાં આવ્યો હતો અને બિલ્ડિંગની લાઇટ સપ્લાય સાથે જોડાયેલા હતો.
એક છૂપું કૅમેરા ડિટેક્ટર, જે હોટલના ગેસ્ટ્સને જરૂરી ચીજ તરીકે ઑનલાઇન વેચવામાં આવે છે, પરંતુ તેમની જાસૂસી કરવામાં આવી રહી છે તેની કોઈ ચેતવણી તેમને આપવામાં આવતી નથી.
ટીમે તે સિક્રેટ કૅમેરા બંધ કરી દીધો હતો અને ટેલિગ્રામ પર એ વાત ઝડપભેર ફેલાઈ ગઈ હતી.
એક સબસ્ક્રાઇબરે એકેએ દ્વારા મૅનેજ કરવામાં આવતી મુખ્ય ચેનલ પર લખી જણાવ્યું હતું કે "ઝોંગહુઆ (કૅમેરાનું નામ) બંધ થઈ ગયો છે."
એકેએ ચૅટમાં જવાબ આપ્યો હતો કે "એ બહુ દુ:ખની વાત છે. એ કૅમેરાની સાઉન્ડ ક્વૉલિટી સૌથી સારી હતી."
જોકે, એક અન્ય હોટલમાંનો રિપ્લેસમેન્ટ કૅમેરા ઍક્ટિવેટ કરવામાં આવ્યો છે, એવી જાહેરાત એકેએએ થોડા કલાકો પછી કરી ત્યારે સબસ્ક્રાઇબર્સની ફરિયાદ ઉત્સવમાં પરિવર્તિત થઈ ગઈ હતી.
એકેએએ તેના સબસ્ક્રાઇબર્સને કહ્યું હતું, "આ (અમારા લાઇવસ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મની) સ્પીડ છે. પ્રભાવશાળી છેને?"
અમારી 18 મહિનાની તપાસ દરમિયાન અમે એકેએ જેવા એક ડઝન એજન્ટોને ઓળખી કાઢ્યા હતા.
સબસ્ક્રાઇબર્સની તેમની સાથેની વાતચીતથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓ સપ્લાય ચેઇનમાંના ઉપરના લોકો માટે કામ કરી રહ્યા હતા. ઉપરના લોકોને તેઓ કૅમેરાના માલિક કહેતા હતા.
એજન્ટ્સની કમેન્ટ્સથી જાણવા મળ્યું હતું કે એ લોકો સ્પાય-કેમ લગાવવાની વ્યવસ્થા કરતા હતા અને લાઇવસ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ મૅનેજ કરતા હતા.
એકેએએ અમારી સાથેના ડાયરેક્ટ મેસેજિંગ દરમિયાન કોઈ એવી વ્યક્તિના મૅસેજનો સ્ક્રીનશૉટ શેર કર્યો હતો, જે કૅમેરા માલિક હોવાનું તેણે જણાવ્યું હતું. એ વ્યક્તિનું પ્રોફાઇલ નેમ બ્રધર ચુન હતું.
એકેએએ તે મૅસેજ તરત ડિલીટ કરી નાખ્યો હતો અને એ વિશે વાત કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ અમે સીધા બ્રધર ચુનનો સંપર્ક કરવામાં સફળ થયા હતા.
અમારા પુરાવા છતાં તેણે એકેએને લાઇવસ્ટ્રીમિંગ વેબસાઇટ આપી હતી.
બ્રધર ચુને દાવો કર્યો હતો કે તે એક વધુ સેલ્સ એજન્ટ છે. અલબત, સપ્લાય ચેઇનમાં તેના જેવા અનેક લોકો હોવાનું તેણે સ્વીકાર્યું હતું.
લોકોની અંગત પળોના વીડિયો વેચી અઢળક કમાણી કરાય છે
આ ધંધામાં જંગી પ્રમાણમાં કમાણી કરી શકાય છે, તે સ્પષ્ટ છે.
ચેનલ મેમ્બરશિપ અને સબસ્ક્રીપ્શન ફીના આધારે બીબીસીના અનુમાન મુજબ, એકમાત્ર એકેએએ જ ગયા એપ્રિલથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1,63,200 યુઆન (22,000 ડોલર)ની કમાણી કરી હતી.
ચીનના બ્યુરો ઑફ સ્ટેટેસ્ટિક્સના અંદાજ મુજબ, ચીનમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સરેરાશ વાર્ષિક 43,377 યુઆન (6,200 ડૉલર) હતી.
ચીનમાં સ્પાય-કૅમેરા વેચવા અને તેના ઉપયોગ કરવા બાબતે આકરા નિયમો છે, પરંતુ હુઆકિયાંગબેઈ ખાતેના ચીનના સૌથી મોટા ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાંથી તેને ખરીદવાનું અમારા માટે અત્યંત આસાન હતું.
સ્પાય-કેમ માટે કેટલા લોકોને કોર્ટમાં લાવવામાં આવ્યા છે, તેના ચોક્કસ આંકડા મળવા વધારે મુશ્કેલ છે.
ચીની અધિકારીઓએ તાજેતરનાં વર્ષોમાં બહુ ઓછા કાયદાકીય મામલાઓની માહિતી શેર કરી છે, પરંતુ અમને જેની માહિતી મળી તે સમગ્ર ચીનમાં, ઉત્તરમાં જિલિન પ્રાંતથી માંડીને સુદૂર દક્ષિણમાં ગ્વાંગડોંગ સુધી ફેલાયેલા હતા.
હૉંગકૉંગ સ્થિત રેનલિલી નામનું સ્વૈચ્છિક સંગઠન પીડિતોને, તેમના ગુપ્ત રીતે કરવામાં આવેલા ફિલ્માંકનને ઇન્ટરનેટ પરથી હટાવવામાં મદદ કરે છે.
બ્લુ લી એ સંસ્થામાં કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે તેમના ગ્રૂપની સેવાની માંગ વધી રહી છે, પરંતુ એ કામ વધારેને વધારે મુશ્કેલ થઈ રહ્યું છે.
ચોક્કસ વીડિયો હટાવવાની રેનલિલીની વિનંતીનો ટેલિગ્રામ ક્યારેય જવાબ આપતું નથી. તેમણે એવા વીડિયો હટાવવા માટે ગ્રૂપ ઍડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરવો પડે છે.
ઍડમિનિસ્ટ્રેટર્સ એવા લોકો છે, જે સ્પાય-કેમ પોર્ન વેચે છે અથવા શેર કરે છે. તેઓ આવી વિનંતીનો જવાબ આપતા જ નથી.
બ્લુ લી કહે છે, "આ સમસ્યાના સામનામાં ટેકનૉલૉજી કંપનીઓની બહુ મોટી જવાબદારી છે, એવું અમે માનીએ છીએ, કારણ કે આ કંપનીઓ ન્યૂટ્રલ પ્લૅટફૉર્મ નથી. કન્ટેન્ટ કેવી રીતે ફેલાશે એ તેમની નીતિઓ નક્કી કરે છે."
બીબીસીએ પોતે તેના રિપોર્ટ ફંક્શન દ્વારા ટેલિગ્રામને જણાવ્યું હતું કે એકેએ, બ્રધર ચુન અને તેમના દ્વારા મેનેજ કરવામાં આવતા ગ્રૂપ્સ તેમના પ્લૅટફૉર્મ્સ મારફત સ્પાય-કેમ પોર્ન શેર કરી રહ્યા છે, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. તેમણે કોઈ કાર્યવાહી પણ કરી ન હતી.
દસ દિવસ પછી ફરી સંપર્ક કરવામાં આવ્યો ત્યારે બીબીસીની સમગ્ર તપાસના તારણો સાથે ટેલિગ્રામે અમને જણાવ્યું હતું કે, "ટેલિગ્રામની સર્વિસ શરતો અનુસાર કોઈ સહમતિ વિના પોર્નોગ્રાફી શેર કરવાની સ્પષ્ટ મનાઈ છે અને તેને પ્રોઍક્ટિવ રીતે મૉડરેટ કરવામાં આવે છે...લાખો હાનિકારક કન્ટેન્ટ હટાવવાના લાખો રિપોર્ટ્સનો રોજેરોજ સ્વીકાર કરે છે."
અમે બ્રધર ચુન અને એકેએને અમારી તપાસ બાબતે જણાવ્યું હતું કે તેઓ અજાણ્યા હોટલ ગેસ્ટ્સનો લાભ લઈને કમાણી કરી રહ્યા છે.
તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો, પરંતુ થોડા કલાકો પછી, તેઓ જે ટેલિગ્રામ અકાઉન્ટનો ઉપયોગ કન્ટેન્ટની જાહેરાત માટે કરતા હતા, તે ડિલીટ કરી નાખવામાં આવ્યા હતા.
જોકે, જે વેબસાઇટનું ઍક્સેસ એકેએએ મને વેચ્યું હતું, તે હજુ પણ હોટલ ગેસ્ટ્સનું લાઇવસ્ટ્રીમિંગ કરતું હતું.
એરિક અને એમિલી તેમના અનુભવને કારણે આઘાતમાં છે. જાહેરમાં કોઈ ઓળખી ન લે એટલા માટે તેઓ કાયમ ટોપી પહેરી રાખે છે અને હોટલમાં રોકાવાનું ટાળે છે.
એરિકનું કહેવું છે કે તેઓ હવે પોર્ન જોવા માટે આવી ટેલિગ્રામ ચેનલ્સનો ઉપયોગ કરતા નથી, પરંતુ પોતાની ક્લિપ ફરી પ્રસારિત કરવામાં આવે છે કે કેમ તે જાણવા, ક્યારેક-ક્યારેક ચેક જરૂર કરતા રહે છે.
(એડિશનલ રિપોર્ટિંગઃ બ્રિજેટ વિંગ અને મેંગ્યુ ડોંગ)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












