સ્લીપ બૅન્કિંગ : ઉજાગરો કરવા માટે ઊંઘને જમા કરાવી બાદમાં વાપરી શકવાની અનોખી ટેકનિક

સ્લીપ બૅન્ક શું છે, ક્યારે અને કેટલી ઊંઘ કરવી જોઈએ, ઊંઘ અને ઉજાગરો, સારી ઊંઘથી ફાયદો થાય ? બીબીસી ગુજરાતી સાથે સમજો,

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, કેટી રાઇટ
  • વાંચવાનો સમય: 7 મિનિટ

ઊંઘને 'જમા' કરાવી શકાય અને પછી રમતગમત ક્ષેત્રે, ધ્યાન કેન્દ્રિત કરવા કે બીજી ઘણી બધી રીતે તેનો લાભ લઈ શકાય એવું કેટલાક વૈજ્ઞાનિકો માને છે.

વિકએન્ડ દરમિયાન ઍલાર્મને બંધ કરીને વધુ સમય માટે ઊંઘવાની તક મળી રહે છે. અઠવાડિયા દરમિયાન જેમને પૂરતો આરામ ન થયો હોય, તેઓ સામાન્ય રીતે રજાના દિવસે આ પ્રકારની લક્ઝરી માણતા હોય છે. પરંતુ શું આપણે તેના વિશે ખોટી માન્યતા ધરાવીએ છીએ?

અઠવાડિયાની વ્યસ્તતા અને ઉજાગરાની વચ્ચે ઊંઘના અમુક કલાકો "બૅન્ક" કરાવવા એ યોગ્ય વિચાર છે?

કેટલાક સંશોધકો માને છે કે સ્લીપ બૅન્કિંગ – એટલે કે જ્યારે તમને ખબર હોય કે ચોક્કસ દિવસો દરમિયાન તમને ઓછી ઊંઘ મળશે, એવા સંજોગોમાં તમે એ પહેલાંની રાત્રિઓ દરમિયાન થોડા વધુ સમય માટે ઊંઘ લેવાનું ચાલુ કરી દો - એ પણ અસરકારક ઉપાય હોઈ શકે છે.

આ સંશોધકોનું માનવું છે કે – ઊંઘના અભાવે સતર્કતા અથવા કોઈ ચોક્કસ કામ કરવામાં અવરોધ ઊભો થઈ શકે છે, પરંતુ 'બૅન્ક'ને કારણે મગજને જરૂરી મહત્વપૂર્ણ સંસાધનો પછીના સમયમાં (જ્યારે ઊંઘનો અભાવ હોય ત્યારે) વાપરવામાં મદદ મળે છે.

સ્લીપ બૅન્કિંગ એટલે શું?

સ્લીપ બૅન્ક શું છે, ક્યારે અને કેટલી ઊંઘ કરવી જોઈએ, ઊંઘ અને ઉજાગરો, સારી ઊંઘથી ફાયદો થાય ? બીબીસી ગુજરાતી સાથે સમજો,

ઇમેજ સ્રોત, Serenity Strull/ BBC

ટિકટૉક ઉપરના વેલનેસ વિશેષજ્ઞોમાં આ વિચાર લોકપ્રિય થઈ રહ્યો છે. કોઈ મોટા પ્રોજેક્ટ કે લાંબા પ્રવાસ પહેલાં લોકો સ્લીપ બૅન્ક એકઠી કરે છે, જે મગજની સતર્કતાને જાળવી રાખવામાં કે વ્યસ્તતાના સમયમાં "સેફ્ટીનેટ"ની ગરજ સારે છે.

અમેરિકાના સિલ્વર સ્પ્રિંગસ્થિત વૉલ્ટર રિડ્ડ આર્મિ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિસર્ચ ખાતે ઊંઘ ઉપર અભ્યાસ કરી રહેલા સંશોધકોએ 'સ્લીપ બૅન્કિંગ'નો વિચાર રજૂ કર્યો હતો.

આ વિચાર બૅન્કની વિભાવના ઉપરથી લેવામાં આવ્યો છે. જેમાં મોટી રકમ ઉપાડતા, પહેલાં તેમાં નાની-નાની રકમ જમા કરવામાં આવી હોય છે.

આ સંશોધનની અધ્યક્ષતા ટ્રેસી રૂપે કરી હતી, જેઓ હાલમાં ઉટાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલાં છે. તેમની ટીમ લાંબા અને મહત્ત્વપૂર્ણ મિશનો સમયે સૈનિકોની સતર્કતા વધારવાના રસ્તાઓ ઉપર વિચાર કરી રહી હતી. ત્યારે મહત્ત્વપૂર્ણ મિશન પહેલાં ઊંઘનો સમય વધારી દેવામાં આવે તો મદદ મળે કે કેમ, તેના વિકલ્પ ઉપર પણ વિચાર થયો હતો.

તેમણે મિલિટરીમાં કામ કરતા 24 સૈનિકોને બે જૂથમાં વહેંચી દીધા. એક સમૂહને રાત્રે સાત કલાકની ઊંઘ લેવાની હતી, જ્યારે બીજા સમૂહને 10 કલાક સૂવાની છૂટ હતી. એ પછીના અઠવાડિયે તમામ સૈનિકોની ઊંઘને દરરોજ ત્રણ કલાક પૂરતી મર્યાદિત કરી દેવામાં આવી હતી. એ પછી ફરી તેમને દર રાત્રે આઠ કલાકની ઊંઘ લેવાની છૂટ આપવામાં આવી હતી.

આનાં પરિણામો ઉત્સાહજનક હતાં. જેમને ત્રણ કલાકની વધુ ઊંઘ મળી હતી, તેઓ પ્રમાણમાં વધુ સતર્ક હતા (હરીફ જૂથ કરતાં) અને તેઓ લાંબા સમય સુધી ધ્યાન આપી શકતા હતા. જેમણે ઊંઘને 'બૅન્ક' નહોતી કરી, તેમની સરખામણીમાં વધુ ઊંઘ કરનારાઓ લઘુત્તમ પર્ફોર્મન્સ સુધી મોડા પહોંચ્યા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ પછી વર્ષો સુધી અલગ-અલગ સ્વરૂપ અને તબક્કે આ સંશોધન ચાલતું રહ્યું, જેમાં એ વાત પ્રતિપાદિત થઈ કે ઉજાગરાની રાતો પહેલાં સ્લીપ બૅન્ક ઊભી કરવાથી શારીરિક અને માનસિક થાકને નિવારી શકાય છે. વર્ષ 2023માં મિયામીની હૉસ્પિટલમાં તબીબોએ અભ્યાસ કર્યો હતો. તેનાં તારણ મુજબ, જેમને ત્રણ દિવસ સુધી રોજની 90 મિનિટની સ્લીપ બૅન્ક મળી હતી, તેમનું પર્ફોર્મન્સ આગામી બે અઠવાડિયાં સુધી નાઇટ શિફ્ટ દરમિયાન સુધર્યું હતું.

અન્ય કેટલાક અભ્યાસ મુજબ, આ વ્યૂહરચના અપનાવીને ખેલમાં પણ પર્ફૉર્મન્સ સુધારી શકાય છે. ટૂંકી નૌકાદોડની સ્પર્ધામાં ભાગ લેનારાં પ્રતિસ્પર્ધકો સ્લીપ બૅન્કિંગની સ્ટ્રૅટજી વ્યાપકપણે વાપરે છે. તેનાથી તેઓ ત્વરિત પ્રતિક્રિયા આપી શકે છે અને ઊંઘના અભાવે ચૂક થવાની શક્યતાને ઘટાડે છે.

જે પ્રોફેશનલ રગ્બી પ્લેયર્સને ત્રણ અઠવાડિયાં સુધી 10 કલાક સુધીની ઊઘ મળી હતી, તેમના શારીરિક થાકમાં ઘટાડો જોવાયો હતો. જે ટેનિસ પ્લેયર્સે એક અઠવાડિયા સુધી નવ કલાક જેટલી ઊંઘ લીધી હતી, તેમની સર્વિસ કરવાની ક્ષમતામાં વધારો થયો હતો.

જે બાસ્કૅટબૉલ પ્યેર્સને પાંચથી સાત અઠવાડિયાં દરમિયાન વધુ ઊંઘ મળી હતી, તેઓ બૉલને સારી રીતે શૂટ કરી શકતા હતા અને વધુ સારી રીતે દોડી શકતા હતા.

બચત બૅન્ક કે ક્રૅડિટ કાર્ડ?

સ્લીપ બૅન્ક શું છે, ક્યારે અને કેટલી ઊંઘ કરવી જોઈએ, ઊંઘ અને ઉજાગરો, સારી ઊંઘથી ફાયદો થાય ? બીબીસી ગુજરાતી સાથે સમજો,

ઇમેજ સ્રોત, Getty Images

જોકે સ્લીપ બૅન્કિંગનો વિચાર વિવાદાસ્પદ રહ્યો છે. કેટલાક સંશોધકો માને છે કે લાંબા સમય સુધી જાગરણ દરમિયાન ઉપયોગમાં લઈ શકાય એ વિચાર સાથે ઊંઘને "જમા" કરવી શક્ય નથી.

તેમનું કહેવું છે કે ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શરીર ખરેખર ઊંઘનો "સંગ્રહ" કરી રહ્યું છે કે તે ઊંઘની અગાઉની ખાધ કે જરૂરિયાતને પૂરી કરી રહ્યું છે?

શિફ્ટમાં કામ કરતા લોકોમાં સ્લીપ બૅન્કિંગ અંગેના પુરાવાની સમીક્ષા કરવામાં આવે તો જે રીતે કેટલાક અભ્યાસ હાથ ધરવામાં આવ્યા હતા, તેના કારણે પક્ષપાતી વલણનું જોખમ રહેલું છે.

તેમનું કહેવું છે કે પહેલાં વધુ ઊંઘ લેવાથી પર્ફોર્મન્સમાં સુધારો થયો હોવાનો સીધો પુરાવો આ અભ્યાસમાંથી નથી મળતો.

આ ચર્ચાના કેન્દ્રમાં એ વાત છે કે આપણા શરીરને શા માટે ઊંઘની જરૂર પડે છે. હૅકનસૅક મેરિડિયન સ્કૂલ ઑફ મેડિસિન ખાતે સ્લીપ મેડિસિનના ઍસોસિયેટ પ્રોફેસર પીટર પોલોસ કહે છે, "આપણે શા માટે ઊંઘીએ છીએ, તેના વિશે અનેક પ્રકારની થીયરીઓ પ્રવર્તમાન છે. ઊંઘ દરમિયાન ચયાપચયની ક્રિયા, હોર્મોનલ, ન્યૂરૉલૉજિકલ તથા મનને લગતી બાબતો થાય છે. એવું માનવામાં આવે છે કે આ ગાળા દરમિયાન મગજ તેના વિચારોમાં સ્પષ્ટતા લાવે છે અને 'ફાઇલો'ને પ્રાયોરિટાઈઝ કરે છે."

કોને કેટલી ઊંઘ પૂરતી ગણાય?

સ્લીપ બૅન્ક શું છે, ક્યારે અને કેટલી ઊંઘ કરવી જોઈએ, ઊંઘ અને ઉજાગરો, સારી ઊંઘથી ફાયદો થાય ? બીબીસી ગુજરાતી સાથે સમજો,

ઇમેજ સ્રોત, Getty Images

ભૌતિક રીતે જોઈએ તો આપણા શરીરના અબજો કોષો માટે ઊંઘ જરૂરી છે. યુનિવર્સિટી ઑફ મિનેસોટા ખાતે ન્યૂરૉલૉજીના પ્રાધ્યાપક માઈકલ હોવેલ કહે છે, "આપણા દરેક કોષને ઊર્જાના સંચય તથા સમારકામ માટે સારી ઊંઘની જરૂર પડે છે. દિવસ દરમિયાન આપણાં શરીર અને મગજમાં અનેક જાતની નકામી સામગ્રી એકઠી થાય છે, ઊંઘ દરમિયાન આપણું મગજ તેને ધોઈ કાઢે છે."

હોવેલ કહે છે કે મોટાભાગના પુખ્તો માટે સાતથીનવ કલાકની ઊંઘ પૂરતી હોય છે. "કોઈ વ્યક્તિ માટે માત્ર ચાર કે પાંચ કલાકની ઊંઘ જ પૂરતી હોય, તે જ્વલ્લે જ બનતી ઘટના છે." એટલે જ ઊંઘની મોટી ઊણપ મહત્વપૂર્ણ બની રહે છે.

પોલોસ કહે છે, "એકાદ કલાકની ઊંઘ આમતેમ થઈ હોય તો આપણે તેને પહોંચી વળીએ છીએ અને સામાન્ય રીતે તેની કોઈ નકારાત્મક અસર નથી હોતી. પરંતુ જ્યારે આવું વારંવાર થવા લાગે ત્યારે તે તકલીફ ઊભી કરવા માંડે છે. ઊંઘનો સતત અભાવ તમારી કાર્યક્ષમતા તથા સામાજિક વર્તાવને અસર કરી શકે છે."

હોવેલ કહે છે કે જો મગજને પૂરતો આરામ ન મળે તો તે કચરો બહાર નથી કાઢી શકતું, એટલે જે રાત્રે પૂરતી ઊંઘ ન થઈ હોય, તેના બીજા દિવસે તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે અથવા તો મહત્ત્વપૂર્ણ માહિતી ચૂકી જવાય છે.

હોવેલ કહે છે, "જો તમે કોઈ નવી ભાષા કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શીખી રહ્યા હો અથવા તો તમે કોઈ ઍથ્લીટ હો અને નવું કૌશલ્ય શીખવાનો પ્રયાસ કરી રહ્યા હો, તો તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં તથા માહિતીને ગ્રહણ કરવામાં તકલીફ અનુભાવેશે."

તેઓ ઉમેરે છે, "સાથે જ તમે મગજમાં માહિતીનો સંગ્રહ કરીને તેનો ભવિષ્યમાં ઉપોયગ કરવા માટેના કોડિંગમાં પણ મુશ્કેલી અનુભવશો."

રૂપ અને તેમના સહયોગીઓ માને છે કે સ્લીપ બૅન્કિંગની પ્રક્રિયા દરમિયાન મગજને તેનો ન્યૂરૉલૉજિકલ વેસ્ટ દૂર કરવા માટે વધુ સમય મળે છે અને તે ગ્લાયકોજનનો સંગ્રહ કરે છે.

જ્યારે લોહીમાં ગ્લૂકોઝનો ઘટાડો થાય છે, ત્યારે મગજ ઊર્જા માટે આ ગ્લાયકોજન ઉપર આધાર રાખે છે. જેથી કરીને જ્યારે ઊંઘનો અભાવ ઊભો થાય છે, ત્યારે આપણું મગજ તેનો સામનો સારી રીતે કરી શકે છે.

ઊંઘને ક્યારે અને કેવી રીતે 'જમા' કરી શકાય?

સ્લીપ બૅન્ક શું છે, ક્યારે અને કેટલી ઊંઘ કરવી જોઈએ, ઊંઘ અને ઉજાગરો, સારી ઊંઘથી ફાયદો થાય ? બીબીસી ગુજરાતી સાથે સમજો,

ઇમેજ સ્રોત, Getty Images

સ્લીપ બૅન્કિંગના હિમાયતીઓનું કહેવું છે કે તમારે ઊંઘમાં કયા કારણોસર દખલ થવાની છે, તેના ઉપર પણ સ્લીપ બૅન્કિંગનો આધાર રહે છે. હોવેલ કહે છે, "જો તમને આશંકા હોય કે ચોક્કસ કારણોસર પૂરતી ઊંઘ નહીં મળે અને તમે સ્લીપ બૅન્કિંગ ટ્રાય કરવા માંગતા હો, તો તમારે એકથી બે અઠવાડિયાં માટે દરરોજ 30થી 60 મિનિટ વધારે ઊંઘવું જોઈએ."

હોવેલ માને છે કે સવારના ઍલાર્મને થોડો મોડો કરી દેવો એ સહેલો ઉપાય હોઈ શકે છે. આથી વિપરીત પોલોસ માને છે કે કેટલાક લોકો માટે વહેલા ઊંઘી જવાની સ્ટ્રેટેજી સારી નીવડી શકે છે. હોવેલ ઉમેરે છે કે જો તમે ભાવિ ઉજાગરા માટે ઊંઘ એકઠી કરવા માંગતા હો, તો ઝોકું પણ અસરકારક રસ્તો હોઈ શકે છે, જોકે તેના કારણે રાતની ઊંઘ ઉપર અસર ન થવી જોઈએ.

સ્લીપ બૅન્કથી જૂની ખોટ ભરપાઈ થાય?

વીડિયો કૅપ્શન, બરતન બૅન્ક, ગામલોકો સાથે પર્યાવરણની સમસ્યાઓનું પણ સમાધાન કેવી રીતે કરે છે?

જો તમને છેલ્લા કેટલાક સમયથી પૂરતી ઊંઘ ન મળી હોય, તો 'સ્લીપ બૅન્કિંગથી' તમને લાભ થાય કે નહીં તે વિશે સંશોધકો એકમત નથી.

રૂપ અને તેમના સહયોગીઓની દલીલ છે કે છે કે તેનાથી લાભ થઈ શકે છે, પણ સાથે જ કહે છે કે "જો ઊંઘની ઘટ પડી હોય, તો તેને વહેલામાં વહેલી તકે ભરપાઈ કરી દેવી જોઈએ."

મેસાચ્યૂસેટ્સ જનરલ હૉસ્પિટલના પ્રોફેસર ઍલિઝાબેથ ક્લેરમેન આ વાતને નકારે છે. તેઓ કહે છે કે "સ્લીપ બૅન્કિંગ શક્ય છે એ સાબિત કરવા માટે તમારે પહેલાં એ દેખાડવું પડે કે કોઈને થાક ન લાગ્યો હોય તો પણ તે ઊંઘી શકે છે, પણ આ વાતના કોઈ પુરાવા નથી." તેઓ માને છે કે ઊંઘ એ બચત બૅન્ક કરતાં ક્રેડિટ કાર્ડ જેવી વધુ છે: "તમે દેવું કરી શકો છો, પરંતુ સરપ્લસ નથી કરી શકતા."

ઍલિઝાબૅથ કહે છે કે જો લોકો એવું માનવા માંડશે કે સ્લીપ બૅન્કિંગ અસરકારક છે, તો તેઓ વ્યવસ્થિત, સારી અને પૂરતી ઊંઘ લીધા બાદ ઉજાગરાને વ્યાજબી માનવા માંડેશે.

તેઓ ચેતવે છે કે બપોરની ઊંઘ 45 મિનિટ કરતાં વધુ ન હોવી જોઈએ, અન્યથા 'સ્લીપ ઇનર્શિયા' થઈ શકે છે.

પોલોસ કહે છે કે જો સ્લીપ બૅન્કિંગ અસરકારક હોય તો પણ તેને લાંબાગાળાના ઉકેલ તરીકે ન જોવું જોઈએ. 'ઊંઘ સાથેના રિલેશનશિપ'ને બદલીને જ તમે લાંબાગાળાની અસર મેળવી શકો છો: "ઊંઘવા-જાગવાનું નિયમિત રાખો, પૂરતી અને સારી ઊંઘ લો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન