ઇસ્તાંબુલમાં ઇઝરાયલની કૉન્સ્યુલેટ પાસે ગોળીબારમાં ત્રણનાં મોત, મધ્યપૂર્વમાં તણાવ વકર્યો – ન્યૂઝ અપડેટ

વાંચવાનો સમય: 5 મિનિટ

તુર્કીના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ઇસ્તાંબુલમાં ઇઝરાયલના કૉન્સ્યુલેટ પાસે ગોળીબારમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.

તુર્કીના સરકારી મીડિયાના અહેવાલ પ્રમાણે, ભારતીય સમય મુજબ બપોરે પોણા ત્રણ વાગ્યે, ત્રણ સંદિગ્ધ સૈન્ય ગણવેશમાં રાયફલ સાથે પહોંચ્યા હતા.

ગોળીબારમાં બે પોલીસવાળા ઘાયલ થયા છે. એક સૂત્રે ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું હતું, "હાલ તુર્કીમાં કોઈ ઇઝરાયલી રાજદ્વારી નથી."

મોટી સંખ્યામાં પોલીસકર્મી રાજદુતાલય પાસે ધસી ગયા હતા.

અમેરિકા-ઇઝરાયલે ઈરાન તથા લેબેનૉન ઉપર નવેસરથી હુમલા શરૂ કર્યા છે. ઈરાને જવાબમાં હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે.

ઇઝરાયલની ઇમર્જન્સી સેવાના કહેવા પ્રમાણે, ઈરાનની બૅલેસ્ટિક મિસાઇલને કારણે દેશના મધ્યભાગમાં નુકસાન થયું હતું.

આ મિસાઇલહુમલામાં કેટલા લોકો ઘાયલ થયા, તેના વિશે ઇઝરાયલે કોઈ માહિતી નથી આપી, પરંતુ ઇઝરાયલના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, એક જ દિવસમાં 133 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઇઝરાયલે ઈરાનના નાગરિકોને ટ્રેન મારફત સફર નહીં ખેડવા, તથા રેલવેલાઇનની આસપાસ નહીં રહેવા, તાકિદ કરી હતી. એ પછી ઈરાનના કેટલાક ભાગોમાં ટ્રેનવ્યવહાર અટકાવી દેવાયો છે.

પશ્ચિમ બંગાળમાં મતદારયાદીમાંથી 91 લાખ મતદારોનાં નામ હટાવવામાં આવ્યાં

પશ્ચિમ બંગાળમાં મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(એસઆઈઆર)ની પ્રક્રિયા પછી, અત્યાર સુધીમાં લગભગ 91 લાખ નામો મતદારયાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાં છે.

ચૂંટણીપંચ દ્વારા તાર્કિક વિસંગતતાઓ ધરાવતા મતદારોના દસ્તાવેજોની તપાસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જાહેર કરાયેલી યાદીમાંથી આ આંકડો સામે આવ્યો છે.

કમિશને એવા મતદારોની યાદી જાહેર કરી છે, જેમનાં નામ તાર્કિક વિસંગતતાઓને કારણે ચકાસણી પછી યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં હતાં. તે યાદીમાં 60 લાખથી વધુ નામો હતાં, અને તેમાંથી 27 લાખથી વધુ નામો કાઢી નાખવામાં આવ્યાં છે.

સોમવારે મોડી રાત્રે જાહેર કરાયેલી આ યાદીમાં કયા જિલ્લામાંથી કેટલાં નામ કાઢી નાખવામાં આવ્યાં છે તેની વિગતો આપવામાં આવી છે.

કમિશનના ડેટા અનુસાર, તાર્કિક વિસંગતતાઓ સાથે યાદીમાંથી સૌથી વધુ મતદારો મુર્શિદાબાદ જિલ્લામાંથી દૂર કરવામાં આવ્યા હતા, જે 4.55 લાખ હતા. અગાઉ, 28 ફેબ્રુઆરીની યાદીમાંથી આ જિલ્લામાંથી 2.94 લાખ નામો દૂર કરવામાં આવ્યાં હતાં. આનો અર્થ એ થયો કે ફક્ત આ જિલ્લામાં જ આશરે 7.49 લાખ મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

ત્યારબાદ, માલદા જિલ્લામાંથી કુલ 4.59 લાખ મતદારોનાં નામ કાઢી નાખવામાં આવ્યાં છે.

28 ફેબ્રુઆરીના રોજ પ્રકાશિત થયેલી મતદારયાદીમાંથી 63.67 લાખ નામો દૂર કરવામાં આવ્યાં હતાં. હવે, તાર્કિક વિસંગતતાઓ સાથે યાદીમાંથી દૂર કરાયેલાં નામો ઉમેર્યાં બાદ, આવા મતદારોની સંખ્યા 90.83 લાખ પર પહોંચી ગઈ છે.

કમિશને કહ્યું છે કે હજુ પણ, તાર્કિક વિસંગતતાઓ ધરાવતા લગભગ 22 હજાર મતદારોના કિસ્સામાં, ઈ-હસ્તાક્ષરના અભાવે તેમનાં નામ યાદીમાં સામેલ કરી શકાયાં નથી.

જોકે, તેમના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, યાદીમાંથી દૂર કરાયેલા મતદારોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

બંગાળમાં એસઆઈઆરની શરૂઆત પહેલાં, મતદાર યાદીમાં આશરે 7.66 કરોડ નામો હતાં. જોકે, ડ્રાફ્ટ યાદીમાંથી 58 લાખથી વધુ નામો કાઢી નાખવામાં આવ્યાં હતાં. 28 ફેબ્રુઆરીના રોજ પ્રકાશિત થયેલી અંતિમ યાદીમાં આશરે સાડા પાંચ લાખ મતદારોનાં નામ કાઢી નાખવામાં આવ્યાં હતાં.

ટ્રમ્પે ઈરાનને એક રાતમાં ખતમ કરવાની ધમકી આપી, કરાર માટે સમયસીમા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે "ઈરાન એક રાતમાં ખતમ કરી શકાય છે."

ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન તેની સમયમર્યાદામાં અમેરિકા સાથે કોઈ કરાર કરવામાં નિષ્ફળ જાય, તો તે આવતી કાલે (મંગળવાર) રાતે પણ થઈ શકે છે.

ટ્રમ્પના કરાર મુજબ, ઈરાને હોર્મુઝ સામુદ્રધુની ખોલવી જ જોઈએ, જેના દ્વારા વિશ્વનો 20% ઑઇલ પુરવઠો વહન થાય છે. ટ્રમ્પ દ્વારા નક્કી કરાયેલી આ સમયમર્યાદા મંગળવારે વૉશિંગ્ટન ડીસીના સમય મુજબ રાત્રે 8 વાગ્યે (ભારતીય સમય મુજબ બુધવાર સવારે 5:30 વાગ્યે) સમાપ્ત થાય છે.

વ્હાઇટ હાઉસમાં બોલતાં ટ્રમ્પે કહ્યું કે તેમનું માનવું છે કે ઈરાનના વર્તમાન નેતાઓ "સારી ભાવના" સાથે વાતચીત કરી રહ્યા છે, પરંતુ પરિણામ હજુ પણ અનિશ્ચિત રહ્યું છે.

દરમિયાન, ઈરાને કામચલાઉ યુદ્ધવિરામ માટેના પ્રસ્તાવોને નકારી કાઢ્યા છે. તેના બદલે તેણે સંઘર્ષનો કાયમી અંત અને પ્રતિબંધો હઠાવવાની માગ કરી છે.

અમેરિકાના જૉઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફના ચૅરમૅન જનરલ ડેન કેન અને સંરક્ષણમંત્રી પીટ હેગસેથે પણ ટ્રમ્પ સાથે પ્રેસ કૉન્ફરન્સમાં હાજરી આપી હતી.

ગયા અઠવાડિયે જ, યુએસ સુરક્ષા દળોએ દક્ષિણ ઈરાનમાં તોડી પાડવામાં આવેલા એફ-15 ફાઇટર જેટના બે ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવ્યા હતા.

અમેરિકા સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે ઈરાને પાકિસ્તાનને શાંતિપ્રસ્તાવ મોકલ્યો

ઈરાનની સરકારી સમાચાર એજન્સી આઇઆરએનએએ સોમવારે અહેવાલ આપ્યો હતો કે ઈરાને પાકિસ્તાનને શાંતિપ્રસ્તાવ મોકલાવ્યો હતો, જેનો હેતુ અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધને "હંમેશાં માટે સમાપ્ત" કરવાનો છે.

આઇઆરએનએએ અહેવાલમાં કહ્યું છે કે અમેરિકાથી આવેલા પ્રસ્તાવ પર ઈરાની પ્રતિનિધિમંડળે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. ઈરાનના નેતૃત્વે લગભગ બે અઠવાડિયાં સુધી તેની સમીક્ષા કરીને જવાબ મોકલાવ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને જવાબ આપવા માટે મંગળવાર સુધીની સમયમર્યાદા આપ્યા બાદ ઈરાનનો આ જવાબ આવ્યો છે. ટ્રમ્પે ધમકી આપી હતી કે જો હોર્મુઝની સામુદ્રધુની ખોલવામાં નહીં આવે તો ઈરાની પાવર પ્લાન્ટ અને પુલોને નિશાન બનાવવામાં આવશે.

6 એપ્રિલના રોજ, ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બગાઈએ પૃષ્ઠિ કરતાં જણાવ્યું હતું કે, સંદેશાઓનું આદાનપ્રદાન મધ્યસ્થીઓ દ્વારા થયું હતું, પરંતુ તેમણે ઉમેર્યું કે તહેરાને અમેરિકાના "15-મુદ્દાઓની યોજના"ને નકારી કાઢી છે.

આઇઆરએનએના અહેવાલ મુજબ, ઈરાનના દસ ફકરાના પ્રતિભાવમાં યુદ્ધવિરામના વિચારને "ભૂતકાળના અનુભવો" ટાંકીને નકારી કાઢવામાં આવ્યો હતો. તેના બદલે ઈરાને પોતાની શરતો પર કાયમી સમાધાનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

એજન્સીના જણાવ્યા અનુસાર, તહેરાનના દસ્તાવેજમાં અનેક માગણીઓ સામેલ છે, જેમ કે પ્રાદેશિક સંઘર્ષોનો અંત, હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત માર્ગ પર કરાર, પુનર્નિર્માણ અને પ્રતિબંધો હઠાવવા.

ઍરમૅનને બચાવવાના અમેરિકાના મિશન વિશે ઈરાને શું કહ્યું?

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા, ઇસ્માઇલ બગાઈએ જણાવ્યું હતું કે ઇસ્ફહાનમાં અમેરિકાની કાર્યવાહીનો હેતુ "ઈરાનમાંથી યુરેનિયમ ચોરી કરવાનો" પણ હોઈ શકે છે.

જ્યારે અમેરિકાએ ઇસ્ફહાનની દક્ષિણમાં થયેલી સૈન્ય કાર્યવાહીને ગુમ થયેલા ઍરમૅનને બચાવવાના મિશન તરીકે વર્ણવી હતી, આ ઍરમૅન ઈરાનના આકાશમાં નિશાન બનેલા એફ-15 ફાઇટર જેટનો બીજો ક્રૂ સભ્ય હતો.

સોમવારે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પેન્ટાગને આ કાર્યવાહીને "પોતાના વિજય" તરીકે ગણાવી હતી. જોકે, સોશિયલ મીડિયા પર કેટલાક લોકો અને નિષ્ણાતોએ શંકા વ્યક્ત કરી હતી કે આ વિશાળ કાર્યવાહીનો હેતુ ઇસ્ફહાનથી 200 કિલોગ્રામ સમૃદ્ધ યુરેનિયમ ટ્રાન્સફર કરવાનો હતો.

ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા બગાઈએ એમ પણ કહ્યું હતું કે ઇસ્ફહાનની દક્ષિણમાં અમેરિકાની કાર્યવાહીનો હેતુ ઈરાનમાંથી 'યુરેનિયમ ચોરી' કરવાનો હોઈ શકે છે અને આ શક્યતાને અવગણી શકાય નહીં.

જોકે, વ્હાઇટ હાઉસ અને અમેરિકાના સંરક્ષણમંત્રી પીટ હેગસેથે આ અટકળોનો કોઈ જવાબ આપ્યો નથી.

બીજી તરફ, ઈરાનનું કહેવું છે કે આ મિશનમાં અમેરિકાને ઘણું નુકસાન થયું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન