બાંગ્લાદેશમાં બસ નદીમાં ખાબકી, 26નાં મોત અને કેટલાક લોકો લાપતા – ન્યૂઝ અપડેટ

બાંગ્લાદેશ

ઇમેજ સ્રોત, Mithun

વાંચવાનો સમય: 8 મિનિટ

બાંગ્લાદેશમાં એક બસના નદીમાં ખાબકતાં 26 લોકોનાં મોત થયાં છે, જ્યારે કેટલાક લોકો લાપતા છે.

પીટીઆઈ અનુસાર, દુર્ઘટના બુધવાર સાંજે લગભગ 5.15 વાગ્યે દક્ષિણ-પશ્ચિમ જિલ્લા રાજબાડીના દૌલતદિયા ફેરી ટર્મિનલ પર થઈ, જ્યારે બસ પદ્મા નદીમાં ખાબકી હતી.

જ્યારે બસ એક ફૅરી પર ચઢી રહી હતી ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. ફૅરી એક હોડી હોય છે જેનો ઉપયોગ લોકો, ગાડિઓ અને સામાનને નદી, તળાવ અથવા સમુદ્ર પાર લઈ જવા માટે થાય છે.

અધિકારીઓએ જણાવ્યું કે કેટલાક મુસાફરો તરીને બહાર નીકળી ગયા પરંતુ બાકી ફંસાઈ ગયા.

અત્યાર સુધી 20થી વધારે મૃતદેહો કાઢી લેવાયા છે જેમાં પાંચ બાળકો પણ છે. ભારે વરસાદ અને ઝડપી ધારને કારણે રાતના બચાવકાર્યમાં મુશ્કેલી પડી રહી છે.

ઑલિમ્પિકમાં ટ્રાન્સજેન્ડર મહિલાઓની ભાગીદારી પર આઈઓસીએ કરી જાહેરાત

ઑલિમ્પિકમાં ટ્રાન્સજેન્ડર મહિલાઓની ભાગીદારી પર આઈઓસીએ કરી જાહેરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કિર્સ્ટી કોવેન્ટ્રી એક વર્ષ પહેલાં આઈઓસીનાં અધ્યક્ષ બન્યાં હતાં

રમતગમત સંપાદક ડૅન રોઆન અનુસાર ઇન્ટરનૅશન ઑલિમ્પિક કમિટી એટલે કે આઈઓસીએ કહ્યું કે 2028થી ઑલિમ્પિક રમતોની મહિલા કૅટેગરીમાં માત્ર "બાયોલૉજિકલ ફીમેલ્સ" એટલે કે જન્મથી મહિલા મહિલા ખેલાડીઓ જ ભાગ લઈ શકશે.

હવે ખેલાડીઓની યોગ્યતા "જીવનમાં એક વખત" થનાર એક જેન્ડર ટેસ્ટથી જ નક્કી થશે. આ નિયમના લાગુ થયા બાદ ટ્રાન્સજેન્ડર મહિલાઓ, મહિલા કૅટેગરીમાં ભાગ નહીં લઈ શકે.

આ નિયમ લૉસ એન્જિલસ ઑલિમ્પિક 2028થી લાગુ થશે.

આઈઓસીનાં અધ્યક્ષ કિર્સ્ટી કોવેન્ટ્રીએ કહ્યું કે, "આ નિર્ણય મેડિકલ ઍક્સપર્ટની સલાહ પર લેવાયો છે."

તેમણે કહ્યું કે, "ઑલિમ્પિક રમતોમાં બહુ નાનુ અંતર પણ જીત અને હાર નક્કી કરે છે. એટલે સ્પષ્ટ છે કે બાયોલૉજિકલ પુરુષોની મહિલા કૅટેગરીમાં રમવું યોગ્ય નહીં હોય. ત્યારે કેટલીક રમતમાં આ સુરક્ષિત પણ નથી."

આઈઓસીએ જણાવ્યું કે મહિલા કૅટેગરી માટે પાત્રતા નક્કી કરવા માટે એસઆરવાઈ જીનની તપાસ કરવામાં આવશે. આ જીન વાઈ ક્રોમોસોમનો ભાગ હોય છે અને પુરુષો જેવા શારીરિક ગુણ વિકસિત કરે છે.

આઈઓસી અનુસાર, એસઆરવાઈ જીનની તપાસ લાર, મોંના સ્વૅબ અથવા લોહીના સૅમ્પલથી કરી શકાય છે અને આ પરીક્ષણના અન્ય પ્રકારની સરખામણીમાં સરળ છે.

જે ખેલાડીમાં એસઆરવાઈ જીન નહીં મળે, તે મહિલા કૅટેગરીમાં રમવા માટે યોગ્ય ગણાશે.

આ ટેસ્ટ જીવનમાં માત્ર એક વાર જ કરાવવાનો રહેશે.

ઈરાનના નનૈયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે શું ચેતવણી આપી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, ઈરાન, ઇઝરાયલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાને જલદી ગંભીર થવું પડશે, નહીંતર ઘણું મોડું થઈ જશે, બાદમાં પરત ફરવાનો રસ્તો નહીં બચે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાછલા કેટલાક દિવસોથી દાવો કરી રહ્યા છે કે તેમની ઈરાન સાથે વાતચીત થઈ રહી છે. પરંતુ બીજી તરફ ઈરાન અમેરિકાના પ્રસ્તાવને ક્યારેક ફગાવે છે તો ક્યારેક કહે છે કે અમારી સાથે અમેરિકાની કોઈ વાતચીત નથી થઈ.

સાથે જ ઈરાન એવું પણ કહી રહ્યું છે કે આના કારણે ટ્રમ્પે 'વાતચીત'ના માર્ગ પર આવવું પડ્યું છે.

આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે તેમણે (ઈરાન) જલદી ગંભીર થવું પડશે, નહીંતર ઘણું મોડું થઈ જશે, બાદમાં પરત ફરવાનો રસ્તો નહીં બચે.

ખરેખર તો ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હાલમાં જ એક 15 સૂત્રીય શાંતિ યોજનાનો પ્રસ્તાવ આપ્યો હતો.

પરંતુ ઈરાને તેને સ્વીકાર ન કર્યો. જોકે, ઈરાનના વિદેશમંત્રીએ એવું જરૂર કહ્યું કે ઈરાનના ટૉપ લીડર 'અલગ અલગ પ્રસ્તાવો' પર વિચાર કરી રહ્યા છે. જોકે, બાદમાં ઈરાનની તરફથી પાંચ શરતો સામે આવી.

નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ટ્રુથ સોશિયલ પર પોસ્ટમાં લખ્યું, "જે લોકો ઈરાન વતી વાતચીત કરી રહ્યા છે, તેઓ ખૂબ અજીબ છે. તેઓ અમને સમાધાન કરવા માટે 'આજીજી'કરી રહ્યા છે, જે તેમણે કરવી પણ જોઈએ, કારણ કે તેમની સૈન્યશક્તિ સંપૂર્ણપણે ખતમ થઈ ચૂકી છે અને વાપસીની કોઈ તક નથી."

તેમણે લખ્યું, "તેમ છતાં તેઓ જાહેરમાં કહી રહ્યા છે કે તેઓ (ઈરાન) માત્ર અમારા પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છે. એ ખોટું છે, તેમણે જલદી ગંભીર થવું પડશે, નહીંતર ખૂબ મોડું થઈ જશે. જ્યારે એવું થશે તો પરત ફરવાનો કોઈ રસ્તો નહીં હોય અને સ્થિતિ સારી નહીં હોય."

ઇઝરાયલે ઈરાનના મોટા અધિકારીને મારી નાખવાનો દાવો કર્યો

અલીરેઝા તંગસિરીને વર્ષ 2018માં ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ્સ કૉર્પ્સ (આઈઆરજીસી)ના નેવી કમાંડર નિયુક્ત કરાયા હતા

ઇમેજ સ્રોત, Tasnim

ઇમેજ કૅપ્શન, અલીરેઝા તંગસિરીને વર્ષ 2018માં ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ્સ કૉર્પ્સ (આઈઆરજીસી)ના નેવી કમાંડર નિયુક્ત કરાયા હતા

ઇઝરાયલે દાવો કર્યો છે કે તેણે ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ્સ કોર (આઈઆરજીસી) ના નેવી કમાંડર અલીરેઝા તંગસિરીને મારી નાખ્યા છે.

ઇઝરાયલના રક્ષા મંત્રી ઇઝરાયલ કાત્ઝે કહ્યું કે તંગસિરી "સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં બૉમ્બમારો અને તેને બાધિત કરવા જેવી આતંકવાદી ગતિવિધિઓ માટે સીધી રીતે જવાબદાર હતા" અને તેમણે મારી નાખવામાં આવ્યા છે.

તેમણે આગળ કહ્યું કે કોઈ અન્ય "સિનિયર નેવી કમાંડ અધિકારી" પણ માર્યા ગયા છે.

જોકે, ઈરાને અત્યાર સુધી આ સમાચારની પુષ્ટિ નથી કરી.

કોણ છે તંગસિરી?

અલીરેઝા તંગસિરી વર્ષ 2018માં ઇસ્લામિક રિવૉલ્યૂશની ગાર્ડ્સ કૉર્પ્સ(આઈઆરજીસી) ના નેવી કમાંડર તરીકે નિયુક્ત થયા હતા. આની પહેલાં વર્ષ 2010થી તેઓ આઈઆરજીસી નેવીના ડેપ્યુટી કમાંડર તરીકે કામ કરી રહ્યા હતા.

2019માં તેમણે ધમકી આપી હતી કે જો ઈરાનના તેલ નિર્યાતમાં કોઈ અડચણ આવી તો તેઓ હોર્મુઝ સામુદ્રધુની બંધ કરી દઈશું.

આંધ્ર પ્રદેશના માર્કાપુરમમાં થયેલા માર્ગ અકસ્માતમાં 14 લોકોનાં મૃત્યુ

આંધ્ર પ્રદેશના માર્કાપુરમમાં થયેલા માર્ગ અકસ્માતમાં 14 લોકોનાં મૃત્યુ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, UGC

આંધ્ર પ્રદેશના માર્કાપુરમ જિલ્લાના રાયવરમ પાસે એક માર્ગ અકસ્માતમાં 14 લોકોનાં મૃત્યુ થયાં છે.

ગુરુવારે સવારે અહીં એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો અને બંનેમાં આગ લાગી ગઈ.

માર્કાપુરમના ડીએસપી હર્ષવર્ધન રાજુએ બીબીસી તેલુગુને જણાવ્યું કે બસમાં યાત્રા કરતા 14 મુસાફરોનાં મૃત્યુ થઈ ગયાં.

સમાચાર પ્રમાણે આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા, દુર્ઘટનામાં બસ અને ટ્રક બળીને ખાખ થઈ ગયાં.

આ અકસ્માત પર પીએમ નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે પ્રત્યેક મૃતકના પરિજનોને 2-2 લાખ રૂપિયા તથા ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ આ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.

ઈરાને ઇઝરાયલ પર કર્યા નવા હુમલા, કેટલાક લોકો ઘાયલ

ઈરાને ઇઝરાયલ પર કર્યા નવા હુમલા, કેટલાક લોકો ઘાયલ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Israeli emergency services

ઇઝરાયલની સેનાએ જણાવ્યું છે કે ઈરાને દેશના મધ્યભાગમાં મિસાઇલ છોડી છે.

ઇઝરાયલની ઇમર્જન્સી સર્વિસનું કહેવું છે કે દેશના મધ્યભાગમાં થયેલા એક મિસાઇલ હુમલામાં 6 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે.

આ હુમલાને કારણે કફ્ર કાસિમ શહેરમાં પણ કેટલાંક ઘરોને નુકસાન થયું છે. સેનાએ જણાવ્યું કે આ મિસાઇલ ઈરાને છોડી હતી.

ઇઝરાયલી સેનાએ એમ પણ જણાવ્યું કે હુમલા બાદ લોકોને સુરક્ષિત જગ્યાએ જવા માટે કહેવાયું છે.

ઇઝરાયલી સેનાએ એક સોશિયલ પોસ્ટમાં લખ્યું, "હોમ ફ્રન્ટ કમાન્ડની રાહત અને બચાવ ટુકડી દેશના મધ્યભાગમાં એ જગ્યા પર રવાના થઈ છે, જ્યાં હુમલાના સમાચાર છે. આ વિસ્તારના લોકોએ એકઠાં થવાથી બચવાની જરૂર છે."

હોમ ફ્રન્ટ કમાન્ડે લોકોને અપીલ કરી છે કે તેઓ જરૂરી દિશાનિર્દેશોનું પાલન કરે.

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચીન પ્રવાસ મામલે આ જાણકારી આપી

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચીન પ્રવાસ મામલે આ જાણકારી આપી – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Andrew Harnik/Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે ગત વર્ષ ઑક્ટોબરમાં દક્ષિણ કોરિયામાં મુલાકાત થઈ હતી તે વખતની તસવીર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધને કારણે ટાળવામાં આવેલી પોતાની ચીન યાત્રા મામલે નવી જાણકારી આપી છે.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "ચીનના અતિ સન્માનિત રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે મારી મુલાકાત ફરી નક્કી કરી દેવામાં આવી છે."

ટ્રમ્પે કહ્યું, "આ મુલાકાત ઈરાનમાં અમારા સૈન્ય અભિયાનને કારણે સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે તે 14 અને 15 મેના રોજ બેઇજિંગમાં થશે."

ટ્રમ્પે જણાવ્યું કે ફર્સ્ટ લેડી મેલાનિયા અને તેઓ આ વર્ષે વૉશિંગ્ટન ડીસીમાં રાષ્ટ્રપતિ શી અને મૅડમ પેંગની યજમાની પણ કરશે.

ટ્રમ્પે જણાવ્યું, "અમારા પ્રતિનિધિઓ આ ઐતિહાસિક યાત્રાઓની તૈયારીમાં જોતરાયેલા છે. હું રાષ્ટ્રપતિ શી સાથે સમય વિતાવવા માટે ઉત્સુક છું. મને વિશ્વાસ છે કે આ એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને યાદગાર તક હશે."

કુવૈત, બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત પર હુમલાના સમાચાર

કુવૈત, બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત પર હુમલાના સમાચાર – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, AFP via Getty Images

અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત વાતચીતના સમાચારો વચ્ચે ખાડીના દેશોએ તાજા હુમલાની સૂચના આપી છે.

કુવૈત આર્મીએ થોડીવાર પહેલાં જણાવ્યું છે કે કુવૈતી ઍર ડિફેન્સ હજુ દુશ્મનનાં મિસાઇલ અને ડ્રૉનના હુમલાનો સામનો કરી રહ્યું છે.

આર્મીના જનરલ સ્ટાફે જણાવ્યું છે કે જો વિસ્ફોટનો અવાજ સંભળાશે, તો તે ઍર ડિફેન્સ સિસ્ટમના દુશ્મન દ્વારા થયેલા હુમલાને રોકવાના સંકેતો છે.

આર્મીએ લોકોને આગ્રહ કર્યો છે કે સંબંધિત અધિકારીઓ તરફથી જારી સૂચનાનું પાલન કરે.

બહેરીનના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે ઈરાની હુમલાને કારણે એક સરકારી પ્રતિષ્ઠાનમાં લાગેલી આગને બુઝાવી દેવામાં આવી છે.

તેણે જણાવ્યું કે આ હુમલામાં કોઈ ઘાયલ નથી થયું.

અલ જજીરા ચૅનલ પ્રમાણે, સંયુક્ત આરબ અમીરાતના સંરક્ષણ મંત્રાલયે પણ ઈરાનના મિસાઇલ અને ડ્રૉન હુમલાની સૂચના આપી છે.

સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે યુએઈની ડિફેન્સ સિસ્ટમ આ હુમલાને રોકી રહી છે.

ફાર્સ ન્યૂઝ એજન્સી પ્રમાણે હિઝ્બુલ્લાહે દાવો કર્યો છે કે તેણે તેલ અવીવમાં ઇઝરાયલના મિનિસ્ટ્રી અને વૉર મુખ્યાલયને નિશાન બનાવ્યું છે.

ભારત દ્વારા હોર્મુઝની સામુદ્રધુનીના ઉપયોગ વિશે ઈરાને શું કહ્યું?

હોર્મુઝની સામુદ્રધુની, ઈરાન, ભારતના જહાજ, અબ્બાસ અરાગચી, મધ્યપૂર્વ તણાવ, ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ યુદ્ધ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, OLIVIER HOSLET/EPA/Shutterstock

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાદ અરાગચીએ જાહેરાત કરી છે કે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી ભારત સહિત કેટલાક દેશોનાં જહાજોને પસાર થવાની છૂટ આપવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ આ મતલબના અહેવાલ આપ્યા છે.

મુંબઈસ્થિત ઈરાનના કૉન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એક પોસ્ટ મૂકીને જણાવ્યું, "ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી: અમે ચીન, રશિયા, ભારત, ઇરાક તથા પાકિસ્તાન જેવા મિત્ર રાષ્ટ્રોને (જહાજો) હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાની છૂટ આપી છે."

આ પહેલાં સંયુક્ત રાષ્ટ્રોના મહાસચિવે સોશિયલ મીડિયા ઉપર અપીલ કરી હતી કે વિશ્વભરમાં વાવેતરની સિઝન ચાલી રહી છે, ત્યારે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ થવાથી ઑઇલ, ગૅસ અને ખાતરની અસર ઉપર તેની અસર પડી છે. જેના કારણે આ વિસ્તાર સિવાયના સ્થાનોના નાગરિકોને પણ અસર થઈ રહી છે.

તેમણે અમેરિકા તથા ઇઝરાયલને યુદ્ધ સમાપ્ત કરવા તથા ઈરાનને યુદ્ધમાં નહીં સંકળાયેલા પાડોશી દેશો ઉપર હુમલા નહીં કરવાનો સંદેશ આપ્યો હતો.

અમેરિકા સાથે વાટાઘાટો વિશે ઈરાને શું કહ્યું?

ઈરાન, હોર્મુઝની ખાડી, અમેરિકા, અરાગચી,

ઇમેજ સ્રોત, EPA/Shutterstock

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું હતું કે 'અમેરિકાએ છેલ્લા કેટલાક દિવસો દરમિયાન અલગ-અલગ મધ્યસ્થો મારફત સંદેશ મોકલવાનું શરૂ કરી દીધું છે.'

અરાગચીનું કહેવું છે કે આ સંદેશ "મૈત્રીપૂર્ણ દેશો મારફત મોકલવામાં આવ્યા" તથા ઈરાને પોતાની "સ્થિતિ જણાવી અને ચેતવણી આપીને" તેનો જવાબ આપ્યો.

અરાગચીના કહેવા પ્રમાણે, "આ ન તો વાતચીત, વાટાઘાટ કે એવું કંઈ નથી."

અરાગચીએ કહ્યું, "ઈરાનની નીતિ હજુ પણ પોતાની સુરક્ષા કરવાની છે તથા હાલમાં વાતચીતનો કોઈ ઇરાદો નથી."

અરાગચીએ ઉમેર્યું હતું, "આ ઇઝરાયલનું યુદ્ધ છે, જેની કિંમત અમેરિકાની સાથે આ વિસ્તારના લોકો ચૂકવી રહ્યા છે."

બીજી બાજુ, અમેરિકાએ યુદ્ધને પૂર્ણ કરવા માટે ઈરાન સમક્ષ પંદર શરતો મૂકી હોવાના અહેવાલ છે. જેના જવાબમાં ઈરાને સંઘર્ષને સમાપ્ત કરવા માટે પાંચ શરતો મૂકી છે.

સોશિયલ મીડિયાની લતના કેસમાં મૅટા અને ગૂગલ જવાબદાર ઠર્યા

ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ, યુટ્યૂબ માનસિક આરોગ્યને અસર, અમેરિકામાં કેસ, વળતર ચૂકવવા આદેશ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર, ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના લૉસ એન્જલ્સ ખાતે એક યુવતીએ નાનપણમાં સોશિયલ મીડિયાની લત લગાડવા બદલ મૅટા અને ગૂગલ સામે કેસ કર્યો હતો.

જેમાં જ્યુરીએ કેલી નામનાં મહિલાને છ મિલિયન ડૉલરનું (અંદાજે રૂ. 56 કરોડ 40 લાખ) વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

જ્યુરીના સભ્યોનું કહેવું છે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તથા વૉટ્સઍપની માલિક મૅટા તથા યુટ્યૂબની માલિક ગૂગલે ઇરાદાપૂર્વક સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ બનાવ્યાં, જેના કારણે 20 વર્ષીય યુવતીનાં માનસિક આરોગ્યને અસર થઈ.

અમેરિકાની અલગ-અલગ કૉર્ટોમાં આ પ્રકારના સેંકડો કેસ દાખલ થયેલા છે, ત્યારે આ ચુકાદાને કારણે તેમને પણ અસર થઈ શકે છે.

મૅટા અને ગૂગલે અલગ-અલગ નિવેદન આપીને કહ્યું હતું કે તેઓ આ ચુકાદા સાથે સહમત નથી અને અપીલ કરશે.

મૅટાનું કહેવું છે: "ટીનઍજરની માનસિક સ્થિતિ ખૂબ જ જટિલ બાબત છે તથા તેને કોઈ એક ઍપ સાથે જોડી ન શકાય."

"દરેક કેસ અલગ હોય છે એટલે અમે અમારી જાતને બચાવવાનું ચાલુ રાખીશું. ટીનઍજર્સની ઑનલાઇન સુરક્ષા માટેના અમારા રેકૉર્ડ ઉપર અમને વિશ્વાસ છે."

ગૂગલના પ્રવક્તાનું કહેવું છે, "આ કેસમાં યુટ્યૂબ વિશે ગેરસમજ થઈ છે. તે જવાબદારીપૂર્ણ સ્ટ્રિમિંગ પ્લૅટફૉર્મ છે અને તે સોશિયલ મીડિયા સાઇટ નથી."

કેલીને જે રકમ ચૂકવવાનો આદેશ થયો છે, આમાંથી 70 ટકા રકમ મૅટા અને બાકીની 30 ટકા રકમ ગૂગલે ચૂકવવાની થાય, એવી શક્યતા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન