એ કારણો જેના લીધે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળા બાદ કડાકો આવ્યો

બીબીસી ગુજરાતી સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળા પછી કયા કારણોથી કડાકો આવ્યો?

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 4 મિનિટ

મધ્યપૂર્વની કટોકટી વચ્ચે શૅરબજારથી લઈને ક્રૂડઑઇલ, સોના-ચાંદી અને રૂપિયામાં મોટી ઊથલપાથલ જોવા મળી છે.

છેલ્લા એક મહિનામાં 30 શૅરનો સેન્સેક્સ લગભગ 10% ઘટી ગયો છે, ક્રૂડઑઇલનો ભાવ 60% જેટલો વધ્યો છે અને ડૉલર સામે રૂપિયો તેના સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે. ખાસ કરીને સોના અને ચાંદીના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચ્યા પછી છેલ્લા કેટલાક દિવસોમાં મોટા પાયે કડાકો આવ્યો છે, જેણે રોકાણકારોને ચોંકાવી દીધા છે.

28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કર્યા ત્યારે 'સેફ હેવન ઍસેટ' તરીકે ઓળખાતું સોનું તરત ઊછળ્યું હતું, પરંતુ હવે તેમાં ઘટાડો થયો છે. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ચોથા સપ્તાહમાં પ્રવેશ્યું તેની સાથે જ સોના અને ચાંદીમાં મોટો આંચકો જોવા મળ્યો અને સોનાના ભાવમાં છેલ્લાં 40 વર્ષમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો થયો હતો.

રૉયટર્સના અહેવાલ સોનાના ભાવમાં યુદ્ધ પછી 15% કરતાં વધુ ઘટાડો થયો છે. 20 જાન્યુઆરીએ સોનાએ 5,591 ડૉલર પ્રતિ ઔંસની ટોચ બનાવી હતી, જ્યાંથી સોનું 20% જેટલું ઘટી ગયું છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશનની વેબસાઈટ પ્રમાણે 24 માર્ચે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1.39 લાખ રૂપિયા ચાલતો હતો.

સોના અને ચાંદીના ભાવ કેમ ઘટ્યા?

બીબીસી ગુજરાતી સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળા પછી કયા કારણોથી કડાકો આવ્યો?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુદ્ધ વખતે સોનાના ભાવ સામાન્ય રીતે વધતા હોય છે, પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે.

સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવ ઘટવા માટે અલગ-અલગ કારણો જવાબદાર માનવામાં આવે છે. પહેલું કારણ એ છે કે યુદ્ધની સ્થિતિમાં ઑઇલ અને ગૅસના ભાવ ખૂબ વધ્યા છે, જેથી મોંઘવારીમાં ભારે વધારો થવાનું જોખમ છે.

આવી સ્થિતિમાં યુએસ ફેડરલ બૅન્ક દ્વારા લાંબા સમય સુધી વ્યાજના દર ઊંચા રાખવામાં આવી શકે છે. સોનું એ વ્યાજ ન આપતી ઍસેટ છે, તેથી યુએસ ફેડના વ્યાજદર ઊંચા હોય ત્યારે સોનાનું આકર્ષણ ઘટે છે.

સોનાને પરંપરાગત રીતે સેફ હેવન માનવામાં આવે છે અને યુદ્ધના સમયમાં તેનો ભાવ વધવો જોઈએ, પરંતુ તેનાથી ઊલટું થઈ રહ્યું છે. ચાલુ મહિનામાં સોનાના ભાવમાં 20%નો ઘટાડો થયો છે, જ્યારે ચાંદીનો ભાવ 32% કરતાં વધુ ઘટ્યો છે. 1983 પછી સોના અને ચાંદીમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે. ટોચના સ્તર પરથી ચાંદી લગભગ 40% નીચે આવી ગઈ છે.

માર્ચ મહિનામાં સોના અને ચાંદીમાં જે ઘટાડો થયો તે છેલ્લાં 45 વર્ષનો સૌથી મોટો માસિક ઘટાડો છે અને 2026માં આ મેટલમાં જે કમાણી થઈ હતી તે ધોવાઈ ગઈ છે તેમ કહી શકાય.

કેટલા સમય સુધી અનિશ્ચિતતા રહેશે?

બીબીસી ગુજરાતી સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળા પછી કયા કારણોથી કડાકો આવ્યો?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોનાના ભાવે માર્ચ મહિનામાં 40 વર્ષમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાવ્યો.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બુલિયન ટ્રેડિંગ કંપની ઓગમોન્ટનાં રિસર્ચ હેડ ડૉ. રેનિશા ચૈનાનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "સોના અને ચાંદીના ભાવ ઘટ્યા પછી થોડા રિકવર થયા છે, પરંતુ હવે બધો આધાર મધ્યપૂર્વનો તણાવ કઈ દિશામાં જાય છે તેના પર રહેલો છે. હોર્મુઝની સામુદ્રધુની ખોલવા અંગે અનિશ્ચિતતા હોવાથી ફુગાવાનું જોખમ ઊંચું છે."

તેઓ કહે છે કે, "હાલમાં સોના અને ચાંદીમાં જે વેચાણ જોવા મળ્યું તે લિક્વિડિટી માટે હતું. અન્ય ઍસેટ ક્લાસમાં જ્યારે માર્જિન કૉલ આવે ત્યારે તેને સરભર કરવા માટે રોકાણકારો સોના અને ચાંદી જેવી નફાકારક ઍસેટને વેચી નાખતા હોય છે. તે લાંબા ગાળાના ફંડામેન્ટલમાં થયેલો ફેરફાર નહીં, પરંતુ ટૂંકા ગાળા માટે પોઝિશન આધારિત હિલચાલ હોય છે."

ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશનના પ્રમુખ પૃથ્વીરાજ કોઠારીએ જણાવ્યું કે, સોનામાં હાઈ સપાટીએથી લગભગ 30%થી વધુ કરેક્શન આવી ગયું છે. જ્યાં સુધી ઑઇલના ભાવ સ્થિર ન થાય અને હોર્મુઝની સામુદ્રધુનીનો પ્રશ્ન ઉકેલાય નહીં, ત્યાં સુધી સોના અને ચાંદી બંને પર પ્રેશર રહેશે.

તેમણે કહ્યું હતું કે, "સોનાનો ભાવ ઘટ્યો છે ત્યારે ચીન જેવા દેશો નીચા સ્તરે ખરીદી કરતા જાય છે. ગયા શુક્રવારે અને સોમવારે પણ ચીને સોનાની ખરીદી કરી હતી."

રિદ્ધિ સિદ્ધિ બુલિયનના એમડી પૃથ્વીરાજ કોઠારીએ ચાંદી વિશે કહ્યું કે, "હાલમાં ચાંદીના શિપમેન્ટ અટકી ગયા છે અને ક્રૂડઑઇલમાં તેજીના કારણે ચાંદી ઘટી છે. હવે યુદ્ધ અટકે ત્યારે જ ચાંદી વધી શકે છે."

બીબીસી ગુજરાતી સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળા પછી કયા કારણોથી કડાકો આવ્યો?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોનાના ભાવમાં ઉથલપાલથની સાથે સાથે ડૉલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે.

સોના અને ચાંદીના ભાવમાં થયેલા ઘટાડાનું એક કારણ નફાવસૂલી એટલે કે 'પ્રોફિટ બુકિંગ' પણ જણાવાય છે. આ બંને ધાતુઓના ભાવ એટલા વધારે વધ્યા હતા કે ઊંચા સ્તરે ટકી શકે તેમ ન હતા.

સોનામાં કોઈ ફિક્સ્ડ વળતર મળતું નથી હોતું, તેથી યુએસ ફેડના વ્યાજદર નીચા હોય ત્યારે સોનું વધે છે, પરંતુ વ્યાજના દર વધે ત્યારે સોનું ઓછું આકર્ષક બની જાય છે. રોકાણકારોને જે શૅરબજારોમાં નુકસાન થયું છે, તેને સરભર કરવા માટે પણ સોનાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

બીબીસી ગુજરાતી સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળા પછી કયા કારણોથી કડાકો આવ્યો?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2025માં જબ્બરજસ્ત વળતર આપનાર ચાંદીના ભાવમાં પણ આ મહિને ઘટાડો થયો છે.

ચાંદીમાં કેવી સ્થિતિ છે?

ચાંદી માટે 2025નું વર્ષ બહુ જોરદાર રહ્યું હતું, જેમાં આ સફેદ ધાતુએ 170% જેટલું વળતર આપ્યું હતું. ત્યાર પછી જાન્યુઆરી 2026માં પણ ચાંદીનો ભાવ 74% વધ્યો હતો.

મે મહિનાના સિલ્વર ફ્યુચરનો ભાવ 4.39 લાખ રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 2.15 લાખ રૂપિયા પ્રતિ કિલો થયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન