ગુજરાત સરકારે શું તેના જ નિયમોનો ભંગ કર્યો, વનવિભાગની હદમાં જ દબાણ થવા દીધું? કૅગનો રિપોર્ટ શું કહે છે

ઇમેજ સ્રોત, Parimal Nathwani
જો કોઈને આફ્રિકા ખંડના દેશો સિવાય દુનિયામાં કોઈ અન્ય જગ્યાએ મુક્ત રીતે વિચરણ કરતા સિંહો જોવા હોય તો તેને ગુજરાતના ગીરના જંગલની મુલાકાત લેવી પડે.
જો કોઈને ઘોડાના માસિયાઇ ભાઈ ઘુડખરના ટોળાં જોવાં હોય તો ગુજરાત આવવું પડે. જો કોઈને વિલુપ્ત થવાના આરે પહોંચી ગયેલા ઘોરાડ પક્ષી અને તેના જ કુળના ખડમોર અને ટીલોર પક્ષીઓ એક જ જગ્યાએ સાથે જોવા હોય તો તેને પણ ગુજરાત આવવું પડે.
અને, જો કોઈ ગુજરાતની મુલાકત લે તો તે રીંછ, દીપડા અને કાળીયાર પણ જોઈ શકે.
આમ, ગુજરાતની વનસંપદા જૈવવૈવિધ્યથી ભરેલી છે અને ગુજરાત સરકાર તેના જતન, ખાસ કરીને ગીરના જંગલ અને તેની આજુબાજુના વિસ્તારમાં વસતા એશિયાર સિંહોના સંરક્ષણમાં તેને મળેલી સફળતાની યશોગાથા ગાતી રહે છે.
પરંતુ ગુજરાત વિધાનસભામાં 25 માર્ચના રોજ રજૂ થયેલા ભારતના કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ(સીએજી)ના એક અહેવાલમાં એવું અવલોકન કરવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર આ જૈવવિધતાને સાચવવામાં માટેના નિયમોનો અમલ કરવામાં કેટલાક કિસ્સાઓમાં ઊણી ઊતરી છે.
સીએજીએ તેના એહેવાલમાં જણાવ્યું છે કે ગુજરાતમાં આવેલા વન્યજીવોનાં રહેઠાણોમાં કે તેની આસપાસના વિસ્તારોમાં રોડ જેવા માળખાકીય સુવિધાના પ્રોજેક્ટ, કારખાનાં તેમ જ પર્યટનને લગતા હોટેલ-રિસૉર્ટ્સ વગેરેને મંજૂરી આપતી વખતે સરકારી અધિકારીઓએ જ નિયમભંગ કર્યો અને પછી સીએજીને તેના સંતોષકારક જવાબ આપી ન શક્યા.
સીએજીએ જણાવ્યું છે કે આવા પ્રોજેક્ટ્સને મંજૂરી આપતી વખતે રાજ્ય સરકારે તેના જ નિયમોનો ઉલાળિયો કર્યો અને સ્થાનિક વન અધિકારીઓ યોગ્ય મંજૂરી વગરના પ્રોજેક્ટના અમલીકરણને અટકાવી ન શક્યા.
ગીર ઇકો ઝોનમાં સોલાર પાર્કને શું ગણાવીને મંજૂરી આપી દેવાઈ?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ગીર રક્ષિત વિસ્તારમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાઓમાં ફેલાયેલા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, પાણીયા વન્યજીવ અભયારણ્ય અને મીતીયાળા વન્યજીવ અભયારણ્યનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રક્ષિત વિસ્તાર ગીર પૂર્વ, ગીર પશ્ચિમ અને સાસણ એમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલો છે.
સીએજીએ ગુજરાતના અગ્ર મુખ્ય વનસંરક્ષક(વન્યજીવ)ની કચેરી દ્વારા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન્યજીવ વિભાગ સહિતના રાજ્યના છ વન વિભાગોના ઇકોસેન્સિટિવ ઝોનની અંદર ફેબ્રુઆરી 2022થી ફેબ્રુઆરી 2024 દરમિયાન બિન-ખેતી પ્રવૃત્તિ માટે આપવામાં આવેલા 22 ના-વાંધા પ્રમાણપત્રની ચકાસણી કરી.
તે 22 પ્રોજેક્ટ્સમાંથી 16 પ્રોજેક્ટ્સ ગીરના ઇકોસેન્સિટિવ ઝોનમાં સ્થાપવા માટેની અરજીઓ હતી.
તે 16 પ્રોજેક્ટ્સમાંનો એક પ્રોજેક્ટ હતો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાઘાવાડી ગામે પ્રસ્તાવિત સોલાર પાર્ક.

ઇમેજ સ્રોત, Gujarat Legislative Assembly
ગુજરાત સરકારે તૈયાર કરેલી એક દરખાસ્તના આધારે કેન્દ્ર સરકારે 2016માં ગીર રક્ષિત વિસ્તારના ઇકોસેન્સિટિવ ઝોનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું.
તેમાં વાઘાવાડી ગામનો સમાવેશ થતો હતો. સીએજીએ તેના અહેવાલમાં નોંધ્યું છે કે વાઘાવાડી ગામે એક વ્યક્તિએ આશરે 10 હેક્ટર (અંદાજે 66 વીઘા) જમીનમાં સૌર ઊર્જાનું વીજળીમાં રૂપાંતર કરવા માટે સોલાર પાર્ક સ્થાપવા વન વિભાગની મંજૂરી માંગી હતી.
સીએજીએ નોંધ્યું છે કે ધારી પૂર્વ વન્યપ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષકે આ પ્રોજેક્ટને "નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ/ગ્રીન ટેકનૉલૉજી અપનાવવાની પ્રવૃત્તિ" તરીકે વર્ગીકૃત કરી પ્રોજ્કટને ના-વાંધા પ્રમાણપત્ર આપવાની ભલામણ કરી અને તે ભલામણના આધારે અગ્ર મુખ્ય વન સંરક્ષકે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી.
સીએજી રિપોર્ટ કહે છે કે આ એક અનિયમિતતા હતી. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે, "આ અનિયમિત હતું કારણ કે સૌર પ્લાન્ટની સ્થાપનામાં ઊર્જાનો ઉપયોગ નહીં પરંતુ નવીનીકરણીય ઊર્જાનું ઉત્પાદન સામેલ છે."

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP via Getty Images)
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ બાબતે સીએજીએ ગીર પૂર્વના નાયબ વનસંરક્ષકનો ખુલાસો માંગ્યો હતો પરંતુ તેમના તરફથી નવેમ્બર 2025 સુધી કોઈ જવાબ મળ્યો ન હતો તેમ રિપોર્ટમાં જણાવ્યું છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે ગીર રક્ષિત વિસ્તારના ઇકો સેન્સિટિવ ઝોનના 2016માં પ્રસિદ્ધ કરાયેલા પ્રાથમિક જાહેરનામા બાદ તે બાબતે અંતિમ જાહેરનામું આજ દિન સુધી પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી એટલે કે ગીરના ઇકોસેન્સિટિવ ઝોનને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી.
જ્યાં સુધી સરકાર કોઈ રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્યના ઇકોસેન્સિટિવ ઝોનને અંતિમ સ્વરૂપ આપી તેનું જાહેરનામું ગેઝેટમાં પ્રસિદ્ધ ન કરે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જે તે રક્ષિત વિસ્તારની સરહદ ફરતે 10 કિલોમીટર સુધી પથરાયેલા વિસ્તારને ઇકોસેન્સિટિવ ઝોન ગણવામાં આવે છે. એવું જ ગીર રક્ષિત વિસ્તારનું છે.
2024માં કેન્દ્ર સરકારે ગીર રક્ષિત વિસ્તારના પ્રસ્તાવિત ઇકોસેન્સિટિવ ઝોનમાં સુધારા-વધારા કરી ફરી એક વાર પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું.
તેમાં વાઘાવાડી ગામનો સમાવેશ થતો નથી. આ સુધારેલા પ્રાથમિક જાહેરનામામાં એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે ગીર રક્ષિત વિસ્તારની સરહદથી એક કિલોમીટરની હદમાં કે ઇકોસેન્સિટિવ ઝોનમાં કોઈ નવા સોલાર પાર્કને મંજૂરી આપવામાં ન આવે.
ગીર કાંઠે કારખાનાંને કઈ રીતે મંજૂરી અપાઈ ગઈ?
સીએજીએ તેના રિપોર્ટમાં નોંધ્યું છે કે આ સમયગાળા દરમિયાન ગીર પશ્ચિમ વિભાગના ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ધોકડવા, વડાવીયાળા અને હરીપરા ગામે એક-એક એમ કુલ ત્રણ ગામોમાં મગફળીને પ્રોસેસ કરવાનાં કારખાનાં નાખવાની મંજૂરી આપવામાં આવી હતી.
તેમાંથી ધોકડવાના યુનિટને ઔદ્યોગિક યુનિટ ગણવાને બદલે વાણિજ્યિક ગણવામાં આવ્યું અને તે જે જમીન પર ઊભું કરવામાં આવ્યું હતું તે જમીનને બિનખેતીની મંજૂરી આપતી વખતે જિલ્લા કલેક્ટરે કોઈ ખાસ હેતુના બદલે બહુહેતુક વપરાશની મંજૂરી આપેલી તેમ સીએજી રિપોર્ટ કહે છે.
એવું જ અન્ય બે કારખાનાંના કિસ્સામાં પણ બન્યું તેમ રિપોર્ટમાં કહેવાયું છે.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
સીએજીએ આ બાબતે ગીર પૂર્વ વન્યપ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષકોના જવાબ માંગતા અધિકારીએ જણાવ્યું કે મગફળીનું પ્રોસેસિંગ કરવાના કારખાના આસપાસના પર્યાવરણમાં નજીવું પ્રદૂષણ ફેલાવે છે.
પરંતુ સીએજીએ નોંધ્યું, "નાયબ વન સંરક્ષકનો જવાબ પ્રતીતિજનક નથી કારણ કે.. નજીવા પ્રદૂષણના સંદર્ભમાં ના-વાંધા પ્રમાણપત્ર જારી કરવા માટે સ્વીકાર્યતા/અસ્વીકાર્યતા નક્કી કરવા માટે ચોક્કસ પ્રવૃત્તિને કારણે થતા પ્રદૂષણના જથ્થાના સંદર્ભમાં કોઈ માપદંડ/સૂચનાઓ નક્કી કરવામાં આવી નથી."
તે જ રીતે ઇકોસેન્સિટિવ ઝોનમાં આવેલા ધારી તાલુકાના મોળવેલ ગામે એક પુંઠાના બૉક્સ બનાવવાનું કારખાનું સ્થાપવા એક વ્યક્તિએ અરજી કરી હતી.
ગીર પૂર્વના નાયબ વન સંરક્ષકે આ કારખાનાને મંજૂરી ન આપવાનો અભિપ્રાય જૂનાગઢ વન્યપ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષકને મોકલી આપ્યો હતો.
સીએજી રિપોર્ટ અનુસાર તેના આધારે જૂનાગઢના મુખ્ય વન સંરક્ષકે પણ આ પ્રોજેક્ટ બાબતે પોતાનો નકારાત્મક અભિપ્રાય અગ્ર મુખ્ય વન સંરક્ષકને પાઠવ્યો હતો.
તેમ છતાં અગ્ર મુખ્ય વન સંરક્ષની કચેરી દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી હતી તેમ સીએજીના રિપોર્ટમાં જણાવાયું છે.
રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે એવું ચાર અન્ય કિસ્સામાં પણ બન્યું હતું.
રિપોર્ટમાં કહેવાયું છે, "પાંચ કેસોમાં જૂનાગઢના વન્યજીવ વર્તુળના મુખ્ય વન સંરક્ષકે મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા સરકારી ઠરાવના આધારે અરજદારોને ના-વાંધા પ્રમાણપત્ર ન આપવાની ભલામણ કરી હતી (જુલાઈ 2019 અને ફેબ્રુઆરી 2022 વચ્ચે). આમ છતાં, મુખ્ય વન્યજીવ સંરક્ષકે આ કેસોમાં ના-વાંધા પ્રમાણપત્ર મંજૂર કર્યું હતું."
સીએજીએ કેટલાક જિલ્લા કલેક્ટરો સામે પણ આંગળી ચીંધતા ટાંક્યું છે, "સંબંધિત સંરક્ષિત વિસ્તાર (PA )ના ઇકો સેન્સિટિવ ઝોન (ESZ) સૂચનાઓની જોગવાઈઓ અને સંરક્ષિત વિસ્તારના પરિઘમાં બિનખેતી પ્રવૃત્તિઓનું નિયમન કરતી રાજ્ય સરકારની નીતિઓનું ઉલ્લંઘન કરીને બિન-ખેતી પ્રવૃત્તિઓ માટે ના-વાંધા પ્રમાણપત્રો જારી કરવાના કિસ્સાઓ હતા."
"વધુમાં, કેટલાક કિસ્સાઓમાં જિલ્લા કલેક્ટરે વન-વિભાગના ના-વાંધા પ્રમાણપત્ર વિના બિનખેતી પરવાનગી આપી હતી, અથવા બિનખેતી પરવાનગીઓમાં આપવામાં આવેલા ના-વાંધા પ્રમાણપત્ર સાથે સુસંગત ન હતી."
'નિયમભંગ' કરી હાઇવે પહોળો થયો, ગુજરાત સરકારના અધિકારીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Gujarat Forest Department
સીએજીએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે ડાંગ જિલ્લામાં આવેલા પૂર્ણા વન્યજીવ અભયારણ્યમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે નંબર 80ને પહોળો કરવામાં નિયમોનો ભંગ થયો હતો.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડે સપ્ટેમ્બર 2023માં માર્ગ અને મકાન વિભાગને સ્ટેટ હાઇવે 80ના પૂર્ણા વન્યજીવ અભયારણ્યની અંદર સુબીરથી શીંગણા વચ્ચે આવેલા અંદાજે સાત કિલોમીટર લાંબા ભાગને પહોળો કરવા માટે મંજૂરી આપી. પરંતુ તેમાં શરત એ મૂકવામાં આવી કે વન્યજીવો તે રસ્તો ઓળંગી શકે તે માટે વાઇલ્ડલાઇફ પેસેજ બનાવવામાં આવે.
રસ્તો અભયારણ્યમાંથી પસાર થતો હોવાથી તેને પહોળો કરવા માટે રાજ્ય બોર્ડની મંજૂરી મળી ગયા બાદ માર્ગ અને મકાન વિભાગે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવા રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડને નવેમ્બર 2023માં એક અરજી આપી.
જોકે અરજીમાં વાઇલ્ડલાઇફ પેસેજની યોજનાની ગેરહાજરી બાબતે રાષ્ટ્રીય બોર્ડે પ્રશ્નો ઉઠાવ્યા.
સીએજી રિપોર્ટ અનુસાર માર્ગ અને મકાન વિભાગે જુલાઈ 2025 સુધી તે પ્રશ્નનું નિરાકાણ કર્યું ન હતું જો કે હાઇવેને પહોળો કરવાનું કામ તો જૂન 2024માં જ પૂરું કરી દેવામાં આવ્યું હતું.
આ મુદ્દે સીએજીએ સ્થાનિક નાયબ વન સંરક્ષકની ટીકા કરતા રિપોર્ટમાં લખ્યું છે, "...આવા રસ્તાના કામ જરૂરી પરવાનગીઓ પ્રાપ્ત થયા પછી જ હાથ ધરવામાં આવે એ સુનિશ્ચિત કરવા માટે નાયબ વનસંરક્ષક દ્વારા દેખરેખનો અભાવ અને/અથવા અપૂરતી અમલીકરણ પ્રવૃત્તિઓને પણ પ્રતિબિંબિત કરે છે."
સીએજીએ તેના રિપોર્ટમાં નોંધ્યું છે કે નાયબ વન સંરક્ષકને આ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કોઈ સીધો જવાબ આપ્યો ન હતો.
ગુજરાત સરકાર શું કહે છે?

ઇમેજ સ્રોત, ANI
બીબીસીએ આ બાબતે ગુજરાતના વર્તમાન અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) ડૉ. જયપાલ સિંહનો સંપર્ક કરતા તેમણે કહ્યું, "સીએજીનો રિપોર્ટ એક રૂટિન રિપોર્ટ (નિયમિત થતો અહેવાલ) છે. તેમાં નાની નાની ચૂકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ કોઈ મોટા નિયમ ભંગના કિસ્સા થયા હોય તેવું જણાવવામાં આવ્યું નથી."
ડૉ. સિંહે કહ્યું કે સરકારે સીએજીના રિપોર્ટને ધ્યાનમાં લીધો છે અને તેમાં જે નિયમભંગના ઉલ્લેખ કરવામાં આવ્યા છે તેનું વિશ્લેષણ પણ કરી લીધું છે.
ડૉ. સિંહે ઉમેર્યું,"સીએજીના નિયમિત ઇન્સ્પેક્શનમાં આવી બાબતો સામે આવતી હોય છે. અમે તેની નોંધ લઈએ છીએ અને સુધારાત્મક પગલાં પણ લઈએ છીએ. તે અનુસાર આ રિપોર્ટમાં જણાવવામાં આવેલા કેસોનું અમે વિશ્લેષણ કરી લીધું છે."
નાયબ વન સંરક્ષક અને મુખ્ય વન સંરક્ષકના નકારાત્મક અભિપ્રાય છતાં અમુક પ્રોજેક્ટ્સને ના-વાંધા પ્રમાણપત્રો કેમ આપી દેવાયા તેવા બીબીસીના સવાલના જવાબમાં ડૉ. સિંહે કહ્યું, "અગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરી સામાન્ય રીતે નાયબ વન સંરક્ષક અને મુખ્ય વન સંરક્ષક જેવા સ્થાનિક અધિકારીઓના અભિપ્રાયોની વિરુદ્ધ જઈને કોઈ પ્રોજેક્ટને મંજૂરી નથી આપતા."
"પરંતુ અપવાદરૂપ કિસ્સામાં પ્રોજેક્ટની જેન્યુઅનનેસ (યથાર્તતા) ચકાસીને ફિલ્ડ ઑફિસરોના અભિપ્રાય વિરુદ્ધ જઈને પણ મંજૂરી અપાતી હોય છે."
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન
































