ગુજરાતમાં મતદારયાદીમાંથી નામ કમી કરવા માટે ખોટા નામે લાખો ફૉર્મ 7 ભરાયાં? શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Getty
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 5 મિનિટ
ગુજરાતમાં ભારતના ચૂંટણીપંચે હાથ ધરેલી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR)ની પ્રક્રિયા પર પાછલા ઘણા સમયથી સતત સવાલો થઈ રહ્યા છે.
આ સવાલોમાં મુખ્યત્વે ખોટા નામથી અરજી કરી કોઈ એક ચોક્કસ વિસ્તારના લોકોનાં નામો કમી કરવા માટે ફૉર્મ 7 ભરવાના આરોપો લાગી રહ્યા છે.
આરોપ છે કે આ એક 'સુનિયોજિત કાવતરું' છે અને મુસ્લિમ અને દલિત સમાજોના વોટ 'કાપવા' માટે અરજીઓ થઈ રહી છે.
ગુજરાત કૉંગ્રેસના નેતાઓએ આ અંગે વિવિધ ફરિયાદો કરી છે, અને ગુજરાત હાઇકોર્ટમાં આ પ્રક્રિયા પર સવાલો ઊભા કરતી પિટિશન પણ કરી છે.
સુરેન્દ્રનગરમાં હાલમાં આ સમગ્ર મુદ્દે કૉંગ્રેસના નેતાઓએ જાહેર વિરોધપ્રદર્શનનું પણ આયોજન કર્યું હતું, જોકે, હજી સુધી આ અંગે કોઈ પણ પ્રકારની કામગીરી અંગે તેમનો કોઈ જવાબ મળ્યો નથી.
જોકે, આ આરોપો સામે બીબીસી ગુજરાતીએ એકથી વધુ વખત ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણીઅધિકારી હારીત શુક્લાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, તેમને એકથી વધુ વખત મૅસેજ કર્યા છે, પરંતુ તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નથી. જવાબ મળશે ત્યારે તેની વિગત આ અહેવાલમાં ઉમેરવામાં આવશે.
ભાજપનું કહેવું છે કે 'કૉંગ્રેસ પાસે મુદ્દા ન હોવાને કારણે મુદ્દા ઊભા કરી રહી છે'.
સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે જાન્યુઆરીના અંત સુધીમાં ચૂંટણીપંચને લગભગ 9.88 લાખ ફૉર્મ 7 મળ્યાં હતાં. આ રિપોર્ટ પ્રમાણે કમિશનને મળેલી અરજીઓની સત્યતા ચકાસ્યા પછી અંતિમ મતદારયાદીમાં નામ ઉમેરવાં કે કાઢી નાખવાં અંગે અંતિમ નિર્ણય ચૂંટણીઅધિકારીઓ દ્વારા લેવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
12 ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં ચૂંટણીપંચ પર આરોપો મૂકવામાં આવ્યા છે કે આ પ્રક્રિયામાં 'પારદર્શિતાનો અભાવ' છે. આ અરજી કૉંગ્રેસ નેતા વિપુલ ઉદનાવાલા અને વિનોદ પાટીલ દ્વારા કરવામાં આવી છે.
અરજદારોનું કહેવું છે કે ભારતના ચૂંટણીપંચની આ કામગીરી 'ગેરકાયદેસર અને મનસ્વી' છે.
અરજદારોની માંગ છે કે કોર્ટ ચૂંટણીપંચને રજિસ્ટ્રેશન ઑફ ઇલેક્ટર્સ રૂલ્સ, 1960 મુજબ યોગ્ય રીતે પ્રક્રિયા અમલમાં મૂકવા માટે દિશાનિર્દેશ આપવામાં આવે.
શું છે આરોપો?

ઇમેજ સ્રોત, Gujarat Congress
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૉંગ્રેસના નેતાઓએ આ મામલે ઘણા આરોપ કર્યા છે. તેમનો આરોપ છે કે જે-તે વિધાનસભા વિસ્તારમાં જ્યાં કૉંગ્રેસતરફી વોટ વધુ હોય ત્યાં મતદારોનાં નામ કમી કરવા માટે એક 'સુનિયોજિત કાવતરું' ઘડવામાં આવ્યું છે.
જેમાં પહેલેથી જ જેમનું નામ કાઢવાનું હોય તેમનું નામ પ્રિન્ટ થયેલું હોય છે. આ પ્રકારનાં ફૉર્મ હજારોની સંખ્યામાં ચૂંટણીપંચને સોંપવામાં આવ્યાં છે.
જોકે, કૉંગ્રેસના નેતાઓનો એવો પણ આરોપ છે કે જ્યારે તેમણે આ ફૉર્મ ભરનારા લોકોનો સંપર્ક કર્યો તો તેમણે સોગંદનામામાં જણાવ્યું હતું કે તેમણે પોતે આ ફૉર્મ ભર્યાં નથી, અને કોઈએ તેમના નામનો ખોટો ઉપયોગ કરી, તેમના ચૂંટણી કાર્ડનો દુરુપયોગ કરીને આ ફૉર્મ ભર્યાં છે.
ઉદાહરણ તરીકે, સુરેન્દ્રનગરમાં રહેતા કમલેશ દલસાણિયા નામની વ્યક્તિએ 128 ફૉર્મ 7 ભર્યાં છે. એટલે કે એકલા તેમણે 128 લોકોનાં નામો કમી કરવા માટે તેમણે અરજી કરેલી છે, જેમાં તેમના મોબાઇલ નંબર અને ચૂંટણી કાર્ડની વિગત નોંધવામાં આવી છે. જોકે, જ્યારે બીબીસી ગુજરાતીએ તેમનો સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યું હતું કે તેમણે આ પ્રકારનાં કોઈ ફૉર્મ ભર્યાં નથી.
સુરેન્દ્રનગરના દસાડાના કૉંગ્રેસના નેતા નૌશાદ સોલંકીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "કમલેશભાઈ અને તેમના જેવા બીજા અનેક લોકોના નામે ખોટી અરજીઓ થઈ છે. જેની રજૂઆત અમે કલેક્ટરને સતત કરી રહ્યા છીએ. કોઈએ 200 તો કોઈએ 100 તો કોઈએ 50, જથ્થાબંધ સંખ્યામાં ફૉર્મ 7 ભરીને નામો કમી કરવા માટેની ખોટી અરજીઓ કરી છે."
વિનુભાઈ મેરાભાઈ લીંબડી તાલુકામાં રહે છે. તેમના ઇલેક્શન કાર્ડ અને મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને દસાડા વિધાનસભાના રહેવાસી મસ્તુરભાઈ સૈયદ નામની એક વ્યક્તિનું નામ કમી કરવાની અરજી થઈ છે.
બીબીસી ગુજરાતીએ જ્યારે વિનુભાઈનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું, "મેં આવી કોઈ અરજી કરી જ નથી. મને આ વિશે કંઈ ખબર જ નથી. કોઈનું નામ કમી કરાવવાની મારી કોઈ મંશા નથી. મારા નામે કોઈએ ખોટી અરજી કરી છે."
આવી જ રીતે વેરાવળમાં રહેતા પટાટ દેવાનભાઈના નામે એક ફૉર્મ 7 ભરાયું છે, જેમાં તેમણે હમીદા ઇશાક નામનાં એક મહિલાનું નામ કમી કરવા માટે અરજી કરી છે.
બીબીસી ગુજરાતીએ જ્યારે દેવાનભાઈ સાથે વાત કરી તો તેમણે કહ્યું હતું કે, "હું તો એક ખેડૂત છું, મને કોઈ ફૉર્મ ભરતા આવડતું નથી. મેં કોઈ ફૉર્મ ભર્યું નથી. મને ખબર જ નથી કે આ ફૉર્મ 7 શું હોય છે, કેવી રીતે ભરાય છે. આવું કોઈ પણ ફૉર્મ ભરવાની મારે શું જરૂર છે? મેં આવું કોઈ ફૉર્મ ભર્યું નથી."
સોમનાથ જિલ્લામાંથી વિશ્વજિત રાણાના નામે 130 ફૉર્મ 7 ભરાયાં છે, એટલે કે તેમણે 130 લોકોનાં નામો કમી કરવા માટે 130 અરજીઓ કરી છે. તેમના ફૉર્મમાં તેમનો જે મોબાઇલ નંબર લખેલો છે, તેના પર જ્યારે બીબીસી ગુજરાતીએ ફોન કર્યો તો મહારાષ્ટ્રના એક પ્રૅક્ટિસિંગ મેડિકલ ડૉક્ટર ડૉ. શુકન જૈન નામની વ્યક્તિએ જવાબ આપતાં કહ્યું કે કોઈ તેમના ફોન નંબરનો દુરુપયોગ કર્યો છે, તેમને ફૉર્મ 7 વિશે કંઈ જ ખબર નથી.
લખતર તાલુકામાં રહેતા મનજીભાઈ લોરિયાના નામે 142 ફૉર્મ 7 ભરાયાં છે. બીબીસી ગુજરાતીએ તેમનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું હતું કે, "મારા ચૂંટણી કાર્ડ અને ફોન નંબરનો દુરુપયોગ થયો છે. મેં મામલતદારમાં અરજી કરી છે કે જેમણે મારા નામનો દુરુપયોગ કર્યો છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મેં એવું પણ કહ્યું છે કે મારા નામે જે અરજીઓ થઈ છે, તેમાં કોઈનું નામ કમી કરવું નહીં, કારણ કે તેના વિશે મને કંઈ જાણ જ નથી."
સુરેન્દ્રનગરના ચૂંટણી અધિકારી સંદીપ શાહે વાત કરતાં કહ્યું કે, "આ પ્રકારનાં ફૉર્મ મળ્યાં છે. તેની ઝીણવટભરી તપાસ કરવા માટે દરેક ઇઆરઓને જાણ કરવામાં આવી છે, જેથી ખોટાં ફૉર્મની ચકાસણી કરી શકાય. જે લોકોએ આ પ્રકારે ખોટાં ફૉર્મ ભર્યાં છે, એ અંગે તપાસ કરવામાં આવી રહી છે."
ગુજરાતમાં નામ રદ કરવા માટેનાં ફૉર્મમાં જોવા મળી એક જેવી પૅટર્ન?

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસનો આરોપ છે કે 'ચૂંટણીપંચને મળેલા ફૉર્મમાં એક ચોક્કસ પૅટર્ન જોવા મળી રહી છે. જેમનું નામ કમી કરવાનું છે તે વ્યક્તિનું નામ, ચૂંટણી કાર્ડ, વૉર્ડ વગેરેની વિગત પ્રિન્ટ થયેલી છે.'
'જેમનું નામ કમી કરવા અરજી કરાઈ રહી છે, એ વ્યક્તિનું નામ એક જ પ્રકારના ફૉન્ટમાં જોવા મળે છે. '
'માત્ર અરજદારનું નામ હાથથી લખેલું છે, જેમાં ઘણી અરજીઓમાં અરજદારનો મોબાઇલ નંબર પણ ખોટો હોવાનું જણાયું છે.'
આ વિશે નૌશાદ સોલંકી કહે છે કે, "કોઈ એક સ્થળે આ પ્રકારે દરેક ફૉર્મની પ્રિન્ટ કાઢવામાં આવી છે અને જથ્થાબંધ રીતે તેના પર સહીઓ કરવામાં આવી છે, જેમાં ચૂંટણી કાર્ડ અને મોબાઇલ નંબર લખવામાં આવ્યા છે."
ગુજરાત હાઇકોર્ટમાં આ અંગે ફેબ્રુઆરી 12ના રોજ થયેલી અરજીમાં એવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જથ્થાબંધ રીતે આ પ્રકારે ફૉર્મ ભરી રહ્યા છે.
જોકે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલ સાથે જ્યારે બીબીસી ગુજરાતીએ આ વિશે વાત કરી હતી તો તેમણે જણાવ્યું હતું કે, "કૉંગ્રેસ પાસે હાલમાં કોઈ મુદ્દા ન હોવાથી તે આવા મુદ્દા ઊભા કરી રહી છે. જો ખોટાં ફૉર્મ ભરાયાં છે, તો એ અંગે ચૂંટણીપંચ યોગ્ય કામગીરી કરશે."
અનેક જગ્યાએ આવી રીતે ખોટાં ફૉર્મ ભરનાર લોકો સામે ફરિયાદ કરવાની અરજીઓ કરવામાં આવી છે.
જેમ કે, અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશનમાં ખોટી રીતે નામો કમી કરવા માટે ભરાયેલાં ફૉર્મ 7 અંગે એક અરજી કરવામાં આવી છે.
જોકે, શાહપુર પોલીસે હજી સુધી આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી. શાહપુર પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. કંભાળિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "આ અંગે અમારે કોઈ કાર્યવાહી કરવાની થતી નથી. આ માટે ચૂંટણીપંચ જ કામગીરી કરશે."
ચોટીલાના કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે,"વ્યાપક પ્રમાણમાં અરજીઓ થઈ હોવાના મામલે અમે મામલતદારમાં રજૂઆત કરી છે, પરંતુ હજી સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી."
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન












