ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ માટે ઠેર-ઠેર લાઇનો કેમ લાગી ગઈ, રાજ્ય સરકારે શું કહ્યું?

ગુજરાતમાં પેટ્રોલ પમ્પો પર લાઇનો કેમ લાગી, ગુજરાત સરકારે શું કહ્યું, હર્ષ સંઘવી, પેટ્રોલ-ડીઝલનો પુરવઠો, મોના ખંધાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં એક પેટ્રોલપમ્પ ખાતેનું દૃશ્ય
વાંચવાનો સમય: 3 મિનિટ

સોમવારે સવારે નવા સપ્તાહની શરૂઆત વેપારીઓ અને નોકરિયાતો માટે ઘણી કપરી રહી હતી. સવારથી રાજ્યનાં અલગ-અલગ શહેરોમાં પેટ્રોલ પમ્પો ઉપર પેટ્રોલિયમ પેદાશોની તંગી હોવાથી તેનું વેચાણ બંધ થઈ ગયું હોવાનાં દૃશ્યો ટીવી સ્ક્રીન ઉપર જોવા મળ્યાં હતાં.

એ પછી સમાચાર અને સોશિયલ મીડિયા ઉપર ફરતા થયેલા સંદેશાઓને કારણે લોકોએ પેટ્રોલ પમ્પો ઉપર ધસારો કર્યો હતો અને ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલરધારકોએ પેટ્રોલ-ડીઝલ ભરાવવા લાંબી લાઇનો લગાવી હતી.

આ પરિસ્થિતિ વચ્ચે બપોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં મધ્યપૂર્વ એશિયાના સંકટ વિશે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, "દેશમાં પેટ્રોલ, ડીઝલ તથા ગૅસના પુરવઠાને મોટી અસર ન થાય, તે માટે સરકાર પ્રયાસરત છે."

ગુજરાત સરકારનું પણ કહેવું છે કે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલનો પુરવઠો ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર તેની ઉપર નજર રાખી રહી છે, એવી ખાતરી આપવામાં આવી છે.

ગુજરાતમાં ઠેર-ઠેર લાઇનો

ગુજરાતમાં પેટ્રોલ પમ્પો પર લાઇનો કેમ લાગી, ગુજરાત સરકારે શું કહ્યું, હર્ષ સંઘવી, પેટ્રોલ-ડીઝલનો પુરવઠો, મોના ખંધાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ankit Chauhan/BBC

ઇમેજ કૅપ્શન, મોડાસામાં એક પેટ્રોલ પમ્પ ખાતેનું દૃશ્ય

રાજકોટથી બીબીસી ગુજરાતીના સહયોગી બિપીન ટંકારિયા જણાવે છે, "સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના લગભગ 1,000 જેટલા પેટ્રોલ પમ્પ આવેલા છે, જેમાંથી કેટલાક પર પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી ગયો હતો. જેના કારણે ઍસોસિયેશનના પદાધિકારીઓ અને પ્રતિનિધિઓએ IOCLના અધિકારીઓ સાથે બેઠક કરી હતી."

"આ બેઠક પછી ઍસોસિયેશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શનિવાર-રવિવારની રજાને કારણે વ્યવસ્થાપનમાં થોડું 'મિસમૅનેજમૅન્ટ' થયું હતું. સોમવાર સાંજ કે મંગળવાર સવાર સુધીમાં પરિસ્થિતિ થાળે પડી જશે એવી ખાતરી IOCએ આપી હતી."

"લોકોએ ગભરાટમાં આવીને 'પેનિક બાઇંગ' કર્યું હતું, જેના કારણે જ્યાં પુરવઠો હતો, ત્યાં પણ લાંબી લાઇનો જોવા મળી હતી. ઍસોસિયેશને લોકોને જણાવ્યું હતું કે પૂરતા જથ્થામાં પેટ્રોલ-ડીઝલ ઉપલબ્ધ છે, એટલે ગભરાટમાં ખરીદી કરવાની જરૂર નથી."

રાજકોટના કલેક્ટર ડૉ. ઓમપ્રકાશે પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પાડીને લોકોને સોશિયલ મીડિયા ઉપર ફેલાતી અફવાઓથી દૂર રહેવા તથા આવા કોઈ સંદેશ ફોરવર્ડ નહીં કરવા અપીલ કરી હતી અને જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની કોઈ તંગી ન હોવાનો દાવો કર્યો હતો.

બનાસકાંઠા, પંચમહાલ, ડીસા, લિંબડી, સુરેન્દ્રનગર, અરવલ્લી, મોડાસા, ખેડા, બોટાદ, અમદાવાદ સહિત અલગ-અલગ શહેરો અને જિલ્લાઓ સાથે ખાનગી તથા જાહેર સાહસની પેટ્રોલિયમ કંપનીના પમ્પો ખાતે લાઇનો જોવા મળી હોવાની માહિતી મળી છે.

જોકે, જિલ્લા વહીવટી તંત્રો દ્વારા લોકોને અફવાથી દોરવાઈ નહીં જવા તથા પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ હોવાની વિજ્ઞપ્તિઓ પણ બહાર પાડવામાં આવી હતી.

અહીં ટુ-વ્હીલર તથા ફૉર-વ્હીલરધારકોએ બીબીસીના સહયોગી તથા રિપોર્ટરો સાથે વાત કરતા જણાવ્યું હતું કે પુરવઠો નહીં હોવાના સમાચાર તથા મૅસેજને કારણે તેઓ ખરીદી કરવા પહોંચ્યા છે.

શું કહે છે કેન્દ્ર અને રાજ્ય સરકાર?

વીડિયો જુઓ
વીડિયો કૅપ્શન, Rajkot માં પેટ્રોલ-ડીઝલની અછત મામલે કેમ બેઠક યોજવામાં આવી?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પેટ્રોલ-ડીઝલનો પુરવઠો ખૂટી પડશે, એવી આશંકા પાછળ મધ્યપૂર્વ એશિયામાં ચાલી રહેલો તણાવ છે. સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે આગામી ઉનાળાનો સમય 'કપરો' રહેશે, એવી વાત પણ કરી હતી.

પીએમ મોદીએ કહ્યું, "આ યુદ્ધને કારણે ભારત સામે અભૂતપૂર્વ સમસ્યાઓ ઊભી થઈ છે, જે આર્થિક, રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત તથા માનવીય પણ છે. ભારતમાં મોટા પાયે ક્રૂડઑઇલ, ગૅસ તથા ખાતર જેવી અનેક જરૂરી ચીજવસ્તુઓ હોર્મુઝ સ્ટ્રેટના માર્ગે આવે છે. યુદ્ધ પછી હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવર-જવર પડકારજનક બની રહી છે. આમ છતાં, અમારી સરકાર પ્રયાસ કરી રહી છે કે પેટ્રોલ-ડીઝલ તથા ગૅસના સપ્લાયને ખાસ અસર ન થાય."

ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું, "હું તમામ નાગરિકોને વિનંતી કરું છું કે, સોશિયલ મીડિયા કે વૉટ્સએપ ઉપર આવેલી અફવાથી દોરવાઈને કોઈ પણ પ્રકારની ભાગદોડ કરવાની જરૂર નથી. રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા સપ્લાયનું દરરોજ નિરીક્ષણ કરવામાં આવે છે. રાજ્યના તમામ પેટ્રોલ પમ્પો ઉપર પૂરતી સંખ્યામાં પેટ્રોલ-ડીઝલ મળી રહે તે માટે પૂરતી તૈયારી પણ છે."

સંઘવીએ લોકોને પૂરતી માહિતી વગર સોશિયલ મીડિયા પર પોસ્ટ નહીં કરવા તથા ફોરવર્ડ નહીં કરવા અપીલ કરી હતી. સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, આગામી દિવસોમાં આ પ્રકારની ગેરમાહિતી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત રાજ્યના અન્ન અને પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે, રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કોઈ તંગી નથી અને તેનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, તેમ જ જરૂરિયાત મુજબનો બફર સ્ટોક પણ રાખવામાં આવ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન