હાર્દિક પંડ્યા 'એકલા જવાબદાર નથી', IPLમાં મુંબઈ ઇન્ડિયન્સની સતત હાર પર કોચે કેવો બચાવ કર્યો?

વાંચવાનો સમય: 4 મિનિટ

વાનખેડેમાં આઈપીએલની એક મૅચમાં મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 195 રન કર્યા હતા, પંજાબની ટીમ 196 રન બનાવવાના ટાર્ગેટ સાથે મેદાનમાં ઊતરી અને ફક્ત ત્રણ જ વિકેટના નુકસાન સાથે 16.3 ઓવરમાં 198 રન મારીને વિજય મેળવ્યો હતો.

આ સાથે જ, મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2026ની સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો છે.

મુંબઈ જે પાંચ વખત આઈપીએલ ટ્રૉફી જીતનારી ટીમ છે તે તાજેતરની હાર બાદ પૉઇન્ટ ટેબલમાં નવમાં ક્રમે પહોંચી ગઈ છે.

મુંબઈ ઇન્ડિયન્સે તેમના IPL 2026 અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી, પરંતુ મુંબઈની ટીમ આ સિઝનમાં સતત ઉતાર-ચઢાવનો સામનો કરી રહી છે.

ટીમના પ્રદર્શન અંગેના સવાલ પર હાર્દિક પંડ્યાએ કહ્યું, "ખૂબ પ્રમાણિકતાથી કહું તો, મારી પાસે કહેવા માટે કંઈ નથી. મને લાગે છે કે અમારે નવેસરથી વિચાર કરવાની જરૂર છે, તે જોવાની જરૂર છે કે અમારી ખામીઓ ક્યાં રહેલી છે."

"શું તે કોઈ ખેલાડીમાં છે? કે ટીમમાં છે? કે શું તે મૅનેજમેન્ટમાં છે? અમે તે શોધીશું અમે આ બાબતે આગળ શું કરી શકીએ છીએ."

ત્યારે, મુંબઈ ટીમના કોચ મહેલા જયવર્ધને કૅપ્ટન હાર્દિક પંડ્યાનો બચાવ કર્યો, અને કહ્યું, "ટીમનું ખરાબ ફૉર્મ ટીમની સામૂહિક જવાબદારી છે, તેના માટે ફક્ત હાર્દિક પંડ્યા જ એકલા જવાબદાર નથી."

મુંબઈ ટીમના કોચ મહેલા જયવર્ધને કૅપ્ટન હાર્દિકનો બચાવ કરતાં શું કહ્યું?

મુંબઈ ઇન્ડિયન્સે સતત ચોથી હારનો સામનો કર્યા બાદ, ટીમના કોચ મહેલા જયવર્ધનેએ પ્રેસ કૉન્ફરન્સમાં ટીમના પ્રદર્શન મામલે પ્રશ્નોના જવાબ આપવા પડ્યા હતા.

તેમને પૂછવામાં આવ્યું કે, ટીમમાં બૅટિંગ, બૉલિંગ, ફિલ્ડિંગ અને લીડ કેવી રીતે કરવી જોઈએ તે બાબતે કચાશ જોવા મળી હતી. તે સાથે જ ટીમમાં પ્લાનિંગની ખરાબ શરૂઆત પર હાર્દિકની જવાબદારી વિશે પણ પૂછવામાં આવ્યું હતું.

પ્રશ્નનો જવાબ આપતા જયવર્ધનેએ જણાવ્યું કે, હાલમાં ટીમ સાથે વ્યક્તિગત સ્તરે કોઈ સમસ્યા નથી. તેમનું માનવું છે કે ખેલાડીઓ અને મૅનેજમેન્ટ, જેમાં તેઓ પોતે પણ સામેલ છે, આ હાર માટે સૌ સામૂહિક રીતે જવાબદાર છે.

જયવર્ધનેએ ટીમનો બચાવ કરતા કહ્યું કે, તેઓ સારું ક્રિકેટ રમી રહ્યા છે, પરંતુ અન્ય ટીમો ઘણી સારી રહી છે.

"અમે સારું ક્રિકેટ રમી રહ્યા છીએ, એટલે જ અમે હજુ સંપૂર્ણપણે બહાર નથી ફેંકાયા, પરંતુ તે જ સમયે અન્ય ટીમો વધારે સારું પ્રદર્શન કરી રહી છે. સ્વાભાવિક રીતે."

તેમણે હાર્દિકનો બચાવ કરતાં કહ્યું, "મને નથી લાગતું કે તે હાર પાછળ ફક્ત હાર્દિક જવાબદાર છે; મને લાગે છે કે તે ટીમ જવાબદાર છે કે તે સારું પ્રદર્શન કરી રહી નથી, પણ ચોક્કસ વ્યક્તિ જવાબદાર નથી."

"મારા સહિત મૅનેજમેન્ટ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ પર તે જવાબદારી છે કે, અમે કેવી રીતે વધુ સારા બની શકીએ."

હાર્દિક પંડ્યાએ મુંબઈની ટીમમાં ફેરફારનો સંકેત આપ્યો?

મુંબઈ ઇન્ડિયન્સે તેમના IPL 2026 અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી, પરંતુ ત્યાર પછીથી તેમનું પર્ફૉર્મન્સ ધીમું જોવા મળ્યું છે.

હાર્દિક પંડ્યાએ મૅચ બાદ પત્રકારપરિષદમાં પોતાની હતાશા છુપાવી ન હતી.

હાર્દિકે કહ્યું હતું, "ખૂબ પ્રમાણિકતાથી કહું તો, મારી પાસે કહેવા માટે કંઈ નથી. મને લાગે છે કે, અમારે ખરેખર ફરીથી વિચાર કરવાની જરૂર છે અને જોવાની જરૂર છે કે અમારી પાસે ક્યાં અભાવ છે."

"શું તે ખેલાડીઓમાં છે? શું તે ટીમમાં છે? કે પછી મૅનેજમેન્ટમાં છે? અમે શોધીને વિચારણા કરીશું કે આગળ શું કરી શકાય."

તે સાથે જ હાર્દિકે ટીમની અંદર પણ જવાબદારી પર ભાર મૂક્યો હતો.

તેમણે કહ્યું કે, "મને લાગે છે કે, અમારે કેટલાક મુશ્કેલ નિર્ણયો લેવાની જરૂર છે કે, શું અમુક નિર્ણયો ચાલુ રાખવાની જરૂર છે અને હું આશા રાખું છું કે કેટલીક બાબતો બદલાશે, તેમજ દરેકે જવાબદારી પણ લેવી પડશે."

ગઈ મૅચ વિશે બોલતા હાર્દિકે કહ્યું, "મને લાગે છે કે પંજાબની ટીમને પણ શ્રેય આપવાની જરૂર છે. તેમણે વધુ સારી બૉલિંગ અને બૅટિંગ કરી, તેમજ સારી ફિલ્ડિંગ પણ કરી."

આઈપીએલમાં જસપ્રીત બુમરાહનું પ્રદર્શન પણ ચર્ચામાં

હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમની સતત હારની સાથેસાથે સ્ટાર બૉલર જસપ્રીત બુમરાહના પ્રદર્શનની પણ ચર્ચા થઈ રહી છે.

પાંચ મૅચોમાં જસપ્રીત બુમરાહે 164 રન આપ્યા છે પરંતુ એક પણ વિકેટ લીધી નથી. તેમણે 8.63 ના ઇકોનૉમી રેટથી રન આપ્યા છે.

વિશ્વકપમાં તેમની શાનદાર પ્રદર્શનની ચર્ચા થઈ રહી હતી પરંતુ આઈપીએલમાં તેમનું પ્રદર્શન હતાશાજનક ગણાવાઈ રહ્યું છે.

ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સની સામેની મૅચમાં પણ તેઓ એક પણ વિકેટ નહોતા લઈ શક્યા, સામે તેમણે 41 રન આપી દીધા હતા. આમ આ પાંચમી મૅચ હતી જેમાં તેઓ વિકેટ નહોતા લઈ શક્યા.

આ આઈપીએલમાં બુમરાહનું પ્રદર્શન આ રીતે રહ્યું-

  • વાનખેડેમાં કેકેઆર સામે ચાર ઓવરમાં 35 રન, એકેય વિકેટ નહીં
  • દિલ્હીમાં દિલ્હી કૅપિટલ્સ સામે ચાર ઓવરમાં 21 રન આપ્યા, એકેય વિકેટ નહીં
  • ગુવાહાટીમાં રાજસ્થાન રૉયલ્સ સામે ત્રણ ઓવરમાં 32 રન આપ્યા, એકેય વિકેટ નહીં
  • વાનખેડેમાં આરસીબી સામે ચાર ઓવરમાં 35 રન આપ્યા, એકેય વિકેટ નહીં
  • વાનખેડેમાં પંજાબ કિંગ્સ સામે ચાર ઓવરમાં 41 રન આપ્યા, એકેય વિકેટ નહીં

એટલે આ સીઝનમાં તેમણે અત્યાર સુધી 114 બૉલ ફેંક્યા પણ એક પણ વિકેટ લેવામાં સફળ નથી થયા.

મુંબઈ ઇન્ડિયન્સ હવે 20 એપ્રિલ, સોમવારે ગુજરાત ટાઇટન્સ સામેના મુકાબલામાં ટકરાશે, જે ટીમ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ અને કોઈ પણ ભોગે જીતવાની મૅચ સાબિત થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન