ઉનામાં દીપડાના હુમલા બાદ 'સ્વબચાવ'માં વળતો પ્રહાર કરતાં દીપડાનું મોત, વનવિભાગે પિતા-પુત્ર સામે ગુનો નોંધ્યો

ગુજરાત, વનવિભાગ, દીપડાનું મોત, ગીર અભયારણ્ય, ગીરનું જંગલ, પ્રાણીઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images/bbc

ઇમેજ કૅપ્શન, બાબુભાઈ અને તેમના દીકરા શાર્દૂલભાઈ પર દીપડાએ હુમલો કરતા તેમને ઈજા થઈ હતી

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રામેશ્વર ગામના ખેડૂત બાબુભાઈ સોલંકી બુધવારે સાંજનું ભોજન લઈ પોતાની વાડીમાં આવેલા મકાનની ઓસરીમાં સૂતા હતા ત્યારે રાત્રે દસેક વાગ્યે એક દીપડો આવી ચડ્યો અને તેમના પર હુમલો કર્યો.

પિતાનો પડકારો સાંભળી ઘરની અંદર સૂતેલા બાબુભાઈના દીકરા શાર્દૂલભાઈ મદદે દોડ્યા તો દીપડાએ તેમની પર પણ હુમલો કર્યો. ત્યાર બાદ જીવ માટેના જંગમાં પિતા-પુત્ર ગંભીર રીતે ઘવાયા. પછી તેમના વળતા હુમલામાં દીપડાનું મોત થયું.

એક તરફ ઈજાગ્રસ્ત ખેડૂત પિતા-પુત્ર હજુ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે, તો બીજી તરફ વનવિભાગે તેમની સામે "દીપડાનો શિકાર" કરવા બદલ ગુનો નોંધ્યો છે.

કાયદાના નિષ્ણાત કહે છે કે 'સ્વબચાવ' માણસનો અધિકાર છે અને તેથી જો આ ઘટનામાં પિતા-પુત્રે તેમના પર થયેલા હુમલા બાદ વળતા હુમલામાં દીપડાને ઈજા પહોંચાડી હોય તો તેમની સામે ગુનો ન બને, પરંતુ વનવિભાગના અધિકારી કહે છે કે ખરેખર શું બન્યું છે તે સ્થાપિત કરવા માટે પણ કાયદાકીય પ્રક્રિયા કરવી જરૂરી છે અને જો ખેડૂતોના 'સ્વબચાવ'ના પ્રયત્નોમાં દીપડાનું મૃત્યુ થયું હશે તો કોર્ટ તેમને નિર્દોષ છોડી મૂકશે.

બાબુભાઈની વાડીમાં દીપડો આવ્યો એ સમયે રાત્રે શું બન્યું?

ગુજરાત, વનવિભાગ, દીપડાનું મોત, ગીર અભયારણ્ય, ગીરનું જંગલ, પ્રાણીઓ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રામેશ્વર ગામના ખેડૂત બાબુભાઈ સોલંકી બુધવારે સાંજનું ભોજન લઈ પોતાની વાડીમાં આવેલા મકાનની ઓસરીમાં સૂતા હતા ત્યારે રાત્રે દસેક વાગ્યે એક દીપડો આવી ચડ્યો અને તેમના પર હુમલો કર્યો

ગીર પશ્ચિમ વન્ય પ્રાણી વિભાગની જસાધાર રેન્જના રેવન્યૂ એટલે કે મહેસૂલી વિસ્તારની હદ રામેશ્વર અને બાજુમાં આવેલા ગાંગડા ગામ સુધી વિસ્તરેલી છે. બાબુભાઈની જમીન રામેશ્વર અને ગાંગડાના સીમાડે આવેલી છે.

બાબુભાઈને શાર્દૂલભાઈ, જગદીશભાઈ અને ચેતનભાઈ નામના ત્રણ દીકરા છે. બીબીસી સાથે વાત કરતા ચેતનભાઈએ કહ્યું, કે તેમનો પરિવાર વર્ષોથી તેમની વાડીમાં આવેલા ત્રણ રૂમવાળા ઓસરીબંધ મકાનમાં રહે છે. બાબુભાઈ અને શાર્દૂલભાઈ ખેતી કરે છે, જ્યારે જગદીશભાઈ અને ચેતનભાઈ હીરા ઘસે છે.

બીબીસી સાથે વાત કરતા જગદીશભાઈએ કહ્યું, "બુધવારે બનાવ બન્યો ત્યારે હું વાડીએ હાજર ન હતો, પરંતુ મને મારા પિતાએ કહ્યું કે તેઓ ઓસરીમાં એક ખાટલામાં સૂતા હતા તેવામાં અચાનક દીપડાએ તેમની પર હુમલો કરી તેમનો હાથ પકડી લીધો. મારા પિતાએ પડકારો કરતા શાર્દૂલભાઈ જે એક રૂમની અંદર સૂતા હતા તે બહાર દોડી આવ્યા અને મારા પિતાને બચાવવા પ્રયત્ન કર્યો, પરંતુ દીપડાએ શાર્દુલભાઈ પર પણ હુમલો કર્યો. હુમલામાં મારા પિતાને માથામાં અને જમણા હાથે અને શાર્દૂલભાઈને ડાબા હાથે ગંભીર ઈજાઓ થઈ."

બાબુભાઈએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે તેમના પર તો થોડી વાર શાર્દૂલભાઈ પર એમ દીપડાએ વારાફરતી હુમલા ચાલુ રાખ્યા. તેમણે કહ્યું, "એ ઘણી વાર ચાલ્યું. મારવા હાટુ (માટે) કોશિશ કરતો હતો અને મૂકતો ન હતા. પછી મેં મારી દીધું, દાતરડું અને લાકડી..."

જસાધાર રેન્જના રેન્જ ફૉરેસ્ટ ઑફિસર (આરએફઓ) લાખાભાઈ ભરવાડે બીબીસીને જણાવ્યું કે આ ઘટના બુધવારે રાત્રે દસેક વાગ્યે બની અને અગિયારેક વાગ્યે વનવિભાગને જાણ થતા સ્ટાફ ત્યાં દોડી ગયો.

તેમણે બીબીસીને જણાવ્યું, "ઘટનામાં પિતા-પુત્રને ઈજા થતા સારવારે માટે ઉના શહેરમાં આવેલ એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ દીપડાનું મૃત્યુ થયું."

પિતા-પુત્રની હાલત કેવી છે?

ગુજરાત, વનવિભાગ, દીપડાનું મોત, ગીર અભયારણ્ય, ગીરનું જંગલ, પ્રાણીઓ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ઉનાની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાબુભાઈ અને શાર્દૂલભાઈ

બાબુભાઈ અને શાર્દૂલભાઈ શુક્રવારે સાંજે પણ ઉનાની એક હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જગદીશભાઈએ કહ્યું કે તેમના પિતાને માથામાં અને જમણા હાથે ઈજા થતા કેટલાય ટાંકા લેવા પડ્યા છે. તે જ રીતે શાર્દૂલભાઈને પણ ડાબા હાથે આશરે પચ્ચીસ જેટલા ટાંકા લેવા પડ્યા છે.

આ બંને વ્યક્તિઓની સારવાર કરી રહેલા જનરલ સર્જન ડૉ. પંકીલ પટેલે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "તેમની બંનેની સ્થિતિ હાલ સ્થિર છે. બંનેને વૉર્ડમાં સારવાર અપાઈ રહી છે. પિતાને માથામાં અને હાથ પર ઊંડા ચીરા છે. તે જ રીતે પુત્રને પણ હાથમાં ઊંડા ચીરા પડી ગયા છે. જોકે તેમને ફ્રૅક્ચર જેવી કોઈ ઈજાઓ નથી થઈ અને બંને ખોરાક લઈ શકે તેવી સ્થિતિમાં છે."

જગદીશભાઈએ કહ્યું કે બંનેને હજુ દુખાવો છે અને હૉસ્પિટલમાં બાટલા ચડાવવાનું ચાલુ છે.

વનવિભાગે પિતા-પુત્ર સામે ગુનો કેમ નોંધ્યો?

ગુજરાત, વનવિભાગ, દીપડાનું મોત, ગીર અભયારણ્ય, ગીરનું જંગલ, પ્રાણીઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખેડૂત પિતા-પુત્રે 'સ્વબચાવ'માં વળતો પ્રહાર કરતાં દીપડાનું મોત થયું હતું (પ્રતીકાત્મક તસવીર)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રામેશ્વરના સરપંચ રમેશભાઈ બાંભણિયાએ કહ્યું કે વનવિભાગના કર્મચારીઓએ બાબુભાઈની વાડીમાંથી દીપડાના મૃતદેહને ગુરુવારે સવારે પાંચેક વાગ્યે ખસેડી લીધો હતો.

આરએફઓ લાખાભાઈએ જણાવ્યું, "બાબુભાઈના ઘર નજીક મૃત મળી આવેલ દીપડો પાંચથી સાત વર્ષની માદા હતી. ઘટનાસ્થળેથી અમને એક ભાલુ અને મોટું દાતરડું મળી આવ્યાં છે. પિતા-પુત્રનો દાવો છે કે દીપડાએ હુમલો કર્યા બાદ 'સ્વબચાવ'માં દીપડાને મારતા દીપડાનું મૃત્યુ થયું છે, પરંતુ એક દીપડાનું મૃત્યુ થયું હોવાથી અમે હાલ તો પિતા-પુત્ર સામે દીપડાના 'શિકાર'નો ગુનો નોંધી તપાસ ચાલુ કરી છે. પિતા-પુત્ર હૉસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી હજુ સુધી તેમના નિવેદન નોંધી શકાયા નથી, પરંતુ તપાસમાં જે હકીકત ખૂલશે તે મુજબ આગળની કાર્યવાહી કરીશું."

દીપડાને ભારતીય વન્ય જીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 હેઠળ રક્ષણ મળેલું છે. દીપડાને આ અધિનિયમની સૂચિ-1માં સમાવેલ છે. આ સૂચિમાં સમાવવામાં આવેલા વન્ય જીવોને સૌથી ઉચ્ચ કાયદાકીય રક્ષણ મળે છે અને તેમનો શિકાર કરનારને સાત વર્ષની જેલની સજા થઇ શકે છે.

બીબીસી સાથે વાત કરતા ગીર પૂર્વ વન્ય પ્રાણી વિભાગના નાયબ વનસંરક્ષક વિકાસ યાદવે કહ્યું, "દીપડાનું મોત થયું હોવાથી ગુનો નોંધવો તે એક કાયદાકીય ઔપચારિકતા છે. શક્ય છે કે પિતા-પુત્રે 'સ્વબચાવ'માં દીપડાને માર્યો હોય અને તેનું મૃત્યુ થયું હોય, પરંતુ યોગ્ય તપાસ કર્યા પહેલાં તે જ સાચી હકીકત છે તેવી જાહેરાત કરવાની અમને સત્તા નથી. આવી જાહેરાત માત્ર કોર્ટ કરી શકે."

"જો બે વ્યક્તિઓની લડાઈમાં એક વ્યક્તિનું મૃત્યુ થાય અને બચી જનાર વ્યક્તિ એમ કહે કે તેણે 'સ્વબચાવ'માં વળતો હુમલો કર્યો હતો અને તેમાં સામેની વ્યક્તિનુ મોત થયું છે તો તેવા દાવાની પણ તપાસ કરવામાં આવતી હોય છે. તેવું જ આ કિસ્સામાં છે. તેથી, આ ઘટનાની યોગ્ય તપાસ કરવી અને ખરેખર શું બન્યું છે તે સાબિત કરવું કાયદાકીય રીતે જરૂરી છે. એટલા માટે અમે ગુનો નોંધ્યો છે અને તપાસ ચાલુ કરી છે. જો તપાસમાં એવી હકીકત બહાર આવશે કે 'સ્વબચાવ'માં જ દીપડા પર હુમલો થયો હતો તો અમે કોર્ટને તેની જાણ કરીશું."

વિકાસ યાદવે ઉમેર્યું કે ગીર પૂર્વ વન્ય પ્રાણી વિભાગની હદ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વિસ્તરેલી છે અને તેમાં 400થી વધારે એશિયાઈ સિંહો તેમ જ સેંકડો દીપડા વસે છે.

"સામાન્ય રીતે અન્ય પ્રાંતોમાંથી ખેતમજૂરી કરવા આવેલા મજૂર લોકો પર દીપડાના હુમલાના છૂટાછવાયા બનાવો બનતા રહે છે, કારણ કે બહારના લોકોને સિંહ-દીપડાના વર્તનની ખબર હોતી નથી. ઉનામાં જે પ્રકારનો બનાવ બન્યો છે તે ખૂબ જ અસામાન્ય ગણાય," એમ તેમણે ઉમેર્યું.

કાયદાના નિષ્ણાતો શું કહે છે?

ગુજરાત, વનવિભાગ, દીપડાનું મોત, ગીર અભયારણ્ય, ગીરનું જંગલ, પ્રાણીઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દીપડાને ભારતીય વન્ય જીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 હેઠળ રક્ષણ મળેલું છે

એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે કોર્ટ કેસો લડનાર રાજકોટના જાણીતા વકીલ તુષાર ગોકાણી કહે છે કે 'સ્વબચાવ' એક મહત્ત્વનો અધિકાર છે.

તેમણે બીબીસીને જણાવ્યું, "ભારતીય કાયદાઓમાં 'સ્વબચાવ'ને એક મહત્ત્વના અધિકાર તરીકે સ્વીકારવામાં આવ્યો છે. 'સ્વબચાવ'ની વ્યાખ્યામાં પોતાની સંપત્તિના બચાવનો પણ સમાવેશ થાય છે. તેથી કોઈ વ્યક્તિ પોતાનો જીવ બચાવવા તો વળતો હુમલો કરી જ શકે, પરંતુ પોતાની બકરીને બચાવવા પણ વળતો હુમલો કરી શકે છે પછી ભલે હુમલો કરનાર કોઈ માણસ હોય કે પ્રાણી હોય."

"વળી, કાયદાની વ્યાખ્યામાં 'સ્વબચાવ' એ ગુનાહિત કૃત્ય નથી. તેથી, જો ઉનાની ઘટનામાં પણ પિતા-પુત્રે 'સ્વબચાવ'માં જ દીપડા પર વળતો હુમલો કર્યો હોય તો તેમની સામે જોઈ ગુનો ન બને."

વન્ય જીવ સંરક્ષણ અધિનિયમની કલમ-9માં કઈ રીતે કોઈ વન્ય જીવનું મોત નિપજાવવામાં આવે તો તેને શિકારનો ગુનો ગણવો તેની જોગવાઈ છે, પરંતુ કલમ-11(2)માં જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ 'સ્વબચાવ' કરતા કોઈ વન્ય જીવનું મૃત્યુ નીપજાવે તો તેને શિકારની ઘટના ગણી ન શકાય.

તુષાર ગોકાણીએ કહ્યું, "સિંહો, દીપડા અને અન્ય વન્ય જીવોનું સંરક્ષણ, સંવર્ધન કરવું આપણી ફરજ છે, પરંતુ માનવજિંદગી પણ મૂલ્યવાન છે અને દરેકને પોતાના જીવનું રક્ષણ કરવાનો અધિકાર છે. સમાચાર માધ્યમોમાં એવા અહેવાલ આવે છે કે દીપડો ખેડૂતના ઘરમાં ઘૂસી ગયો હતો અને પછી ખેડૂત પિતા-પુત્ર પર હુમલો કર્યો હતો. જો આ માહિતી સાચી હોય તો પિતા-પુત્ર સામે કોઈ ગુનો બનતો નથી અને તેમની સામે કોર્ટમાં કેસ ચલાવવાની પણ જરૂર રહેતી નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન