મધ્યપૂર્વની સ્થિતિ અંગે ભારતના વડા પ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં સાથે વાત કરી-ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાણકારી આપી છે કે પશ્ચિમ એશિયા (મધ્યપૂર્વ)ની સ્થિતિ અંગે તેમણે ગુરુવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોં સાથે વાત કરી.
પીએમ મોદીએ ઍક્સ પર લખ્યું, "આજે મારા મિત્ર રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોં સાથે વાત કરી. અમે પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે અમારી સમાન ચિંતાઓ અંગે ચર્ચા કરી."
વાતચીત અને કૂટનીતિની જરૂરિયાત પર ભાર મૂકતાં વડા પ્રધાન મોદીએ લખ્યું કે ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની બહાલી માટે ભારત અને ફ્રાન્સ સાથે મળીને પ્રયાસ કરશે.
અમેરિકા અને ઇઝરાયલના ઈરાન વિરુદ્ધના યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન પર હુમલો કર્યો હતો.
અમેરિકા-ઇઝરાયલી હુમલાના જવાબમાં ઈરાને પોતાના આરબ પાડોશીઓ તરફ સેંકડો મિસાઇલો અને ડ્રોન છોડ્યાં હતાં. ઈરાને કહ્યું છે કે તેમનું નિશાન ક્ષેત્રમાં સ્થિત અમેરિકન બેઝ છે.
બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારે રાજ્યસભા જવા મામલે શું કહ્યું

ઇમેજ સ્રોત, Getty Images
બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારે પોતાના રાજકીય ભવિષ્ય અંગે ચાલી રહેલી અટકળો પર વિરામ મૂક્યો છે અને તેમણે રાજ્યસભા માટે પોતાની ઉમેદવારીની પુષ્ટિ કરી છે.
ઍક્સ પોસ્ટમાં તેમણે આ માહિતી આપી હતી.
આની સાથે જ નક્કી થઈ ગયું છે કે બિહારમાં બે દાયકા પછી રાજ્યની સત્તામાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નીતીશકુમાર અંંગે બિહારમાં સતત ચર્ચા ચાલી રહી હતી કે તેઓ બિહારની સત્તામાંથી અલગ થઈને રાજ્યસભા જવાના છે.
નીતીશકુમારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, "ગત બે દાયકાથી વધુ સમયથી તમે તમારો વિશ્વાસ અને સમર્થન મને સતત આપ્યા છે, અને તેના બળે જ અમે બિહાર અને બધા લોકોની સેવા કરી છે."
નીતીશકુમારે લખ્યું કે, "તમારા વિશ્વાસ અને સમર્થનની જ તાકાત હતી કે બિહાર આજે વિકાસ અને સન્માનનો વિસ્તાર પ્રસ્તુત કરી રહ્યું છે. તેના માટે પહેલાં પણ મેં તમારો આભાર પ્રકટ કર્યો છે."
નીતીશકુમારે કહ્યું કે, "સંસદીય જીવન શરૂ કરતી વખતે જ મારા મનમાં ઇચ્છા હતી કે હું બિહાર વિધાનમંડળનાં બંને સદનોની સાથે જ સંસદનાં બંને સદનોનો સભ્ય બનું. આ ક્રમમાં આ વખતે થઈ રહેલી રાજ્યસભા ચૂંટણીનો સભ્ય બનવા માગું છું."
આ પણ એ વાતનો સંકેત હતો કે બિહારની રાજનીતિમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલની સેના અનુસાર ઈરાને ગુરુવાર સવારે તેની તરફ અનેક મિસાઇલો છોડી છે.
પણ એએફપીના રિપોર્ટ અનુસાર દેશની ઇમર્જન્સી સેવાઓને તાત્કાલિક કોઈ જાનહાનિની માહિતી નથી આપી.
બે કલાકની અંદર ત્રણ અલગ-અલગ એલર્ટ જારી કર્યા છે.
ફ્રાન્સ-પ્રેસ એજન્સીના સંવાદદાતાઓએ યરુશલેમમાં બ્લાસ્ટનો અવાજ સંભળાયો, જોકે સેનાએ પછી લોકોને સુરક્ષિત સ્થળોથી બહાર આવવાની અનુમતિ આપી હતી.
નેપાળમાં 'જેન ઝી'ના વિરોધ પ્રદર્શન બાદ પ્રથમ વખત ચૂંટણી, મતદાન શરૂ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના પાડોશી દેશ નેપાળમાં નવી સરકાર માટે ચૂંટણી યોજાઈ રહી છે. ગુરુવાર સવારથી નેપાળમાં મતદાન શરૂ થઈ ગયું છે.
નેપાળમાં ગયા વર્ષે 'ઝેન ઝી' ના આંદોલન બાદ સરકાર પડી ગઈ હતી અને ત્યાર બાદ દેશમાં પ્રથમ વખત ચૂંટણી થઈ રહી છે.
આ ચૂંટણી બાદ નેપાળમાં સુશીલા કાર્કીના નેતૃત્વની વચગાળાની સરકારની જગ્યા નવી સરકાર બનશે.
નેપાળમાં ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં સંસદ ભંગ કરવામાં આવી હતી. તે સમયે દેશમાં યુવાનોના આંદોલનને રોકવા દરમિયાન ઘણી હિંસા થઈ હતી.
આ ચૂંટણીમાં નેપાળમાં લગભગ એક કરોડ 90 લાખ મતદાતા છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલની સેના અનુસાર તેણે ઈરાનની રાજધાની તેહરાનમાં નવા શ્રેણીબદ્ધ હુમલા કર્યા છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના એક નિવેદન અનુસાર, "આઈડીએફે તેહરાનમાં ઈરાની સરકારના મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને હુમલાની વધુ એક શ્રેણી શરૂ કરી છે."
આ નિવેદનમાં કોઈ ખાસ જગ્યા પર હુમલા વિશે વધારે જાણકારી નથી આપવામાં આવી પણ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આગળ વધુ માહિતી આપવામાં આવશે.
ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર તેના પત્રકારોએ બુધવાર રાત્રે રાજધાની તેહરાનમાં એક જોરદાર વિસ્ફોટ જોયો.
આની પહેલાં ઇઝરાયલની સેનાએ ઘોષણા કરી કે તેની ઍરફોર્સે તેહરાનમાં પૂર્વમાં આવેલા એક કમ્પાઉન્ડ પર "મોટા પ્રમાણમાં હુમલા" કર્યા છે, જ્યાં કમાન્ડ સેન્ટર અને ઇન્ટરનલ સિક્યૉરિટીના લોકો હતો.
અમેરિકાએ ઈરાન હુમલામાં માર્યા ગયેલા યુએસ આર્મીના સૈનિકોનાં નામ જાહેર કર્યાં

ઇમેજ સ્રોત, US Army Reserve Command
બીબીસી સંવાદદાતા ઓલિવિયા આયર્લૅન્ડ અને કાયલા આઇપ્સ્ટીન અનુસાર અમેરિકન સેનાએ ઈરાન સાથેના સંઘર્ષમાં તેના છ સૈનિકોનાં મોતની પુષ્ટિ કરી છે.
અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલા કર્યા બાદ ઈરાને કુવૈતમાં પૉર્ટ શુએબામાં વળતો હુમલો કર્યો હતો જેમાં એક "માનવરહિત ઍરક્રાફ્ટ સિસ્ટમં" ઍર ડિફેન્સ સિસ્ટમને ભેદીને કમાન્ડ સેન્ટર પર વાર કર્યો હતો.
યુએસ સેન્ટ્રલ કમાંડે પહેલાં કહ્યું હતું કે ત્રણ સૈનિકોનાં હુમલામાં મોત થયાં હતાં પણ અધિકારીઓએ સોમવારે કહ્યું કે એક ઈજાગ્રસ્ત વ્યક્તિનાં મોત અને કાટમાળમાંથી બે મૃતદેહો મળ્યા બાદ મૃતકોનો આંકડો બમણો થઈ ગયો છે.
હુમલામાં જે મૃત્યુ પામ્યા છે તેમાં 54 વર્ષના ચીફ વૉરન્ટ ઑફિસર 3 રૉબર્ટ એમ માર્ઝન, 45 વર્ષના મેજર જેફરી આર ઓ બ્રાયન, 35 વર્ષના કૅપ્ટન કોડી ખૉર્ક, 42 વર્ષના સાર્જેન્ટ નોઆ ટિએત્ઝેન્સ, 39 વર્ષના સાર્જેન્ટ નિકોલ અમોર, અને 20 વર્ષના સાર્જેન્ટ ડેક્લાન કૉડી સામેલ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












