ઈરાનના આગામી સર્વોચ્ચ નેતા બની શકે એ મોજતબા ખામેનેઈ કોણ છે?

ઈરાન અમેરિકા ટ્રમ્પ ખામેનેઈ મોજતબા સંઘર્ષ યુદ્ધ ઇઝરાયલ હુમલો બીબીસી ગુજરાતી પર્શિયન ફારસી

ઇમેજ સ્રોત, Tasnim News Agency

ઇમેજ કૅપ્શન, મોજતબા ખામેનેઈને ઈરાનના સર્વોચ્ચ નેતા પદ માટે અગ્રણી દાવેદાર માનવામાં આવે છે
    • લેેખક, બીબીસી ન્યૂઝ પર્શિયન
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના અમેરિકા-ઇઝરાયલના હવાઈ હુમલામાં મોત થયા પછી, ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું તેમના પુત્ર મોજતબાનું પણ મૃત્યુ થયું છે?

ઘણા દિવસો સુધી આ વિશે કોઈ સમાચાર નહોતા. પરંતુ મંગળવારે (3 માર્ચ) ઈરાની સ્ટેટ મીડિયાએ અહેવાલ આપ્યો કે મોજતબા ખામેનેઈ જીવિત છે અને "દેશની મહત્ત્વપૂર્ણ બાબતોમાં સલાહ-સૂચનો આપી રહ્યા છે અને સમીક્ષા કરી રહ્યા છે. જોકે, તેઓ હજુ સુધી જાહેરમાં જોવા મળ્યા નથી.

રૉયટર્સે બે ઈરાની સ્ત્રોતોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, મોજતબા હવે ઈરાનના સૌથી સર્વોચ્ચ નેતા છે. જો કે, આવા દાવાઓની વેરિફાઈ કરવું અઘરું છે.

દરમિયાન, ઍસૅમ્બલી ઑફ ઍક્સપર્ટ્સ, જે સર્વોચ્ચ નેતાની પસંદગી કરવાનું કામ કરતી 88 સભ્યોની ધાર્મિક સંસ્થા છે, તે "નિષ્કર્ષની નજીક" હોવાનું કહેવાય છે. પરંતુ, ઍલિટ ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ (આઈઆરજીસી) સાથે જોડાયેલી અર્ધ-સરકારી સમાચાર સંસ્થા 'ફાર્સ ન્યૂઝ એજન્સી'ના જણાવ્યા અનુસાર, અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર પહેલાં આ જાહેરાત કરવામાં આવે તેવી અપેક્ષા નહોતી.

તેમના પિતાથી વિપરીત, મોજતબા મોટાભાગે જાહેરમાં આવતા નથી. તેમણે ક્યારેય કોઈ સરકારી પદ સંભાળ્યું નથી. તેમણે જાહેરમાં ભાષણો કે ઇન્ટરવ્યૂ પણ આપ્યાં નથી, અને મર્યાદિત સંખ્યામાં તેમના ફોટા અને વિડિયો જાહેરમાં ઉપલબ્ધ છે.

જોકે, ત્યારે તેવી અફવાઓ પણ રહી છે કે, તેઓ તેમના પિતાના 'ગેટ-કીપર' (મુખ્ય રક્ષક અને સંપર્ક સૂત્ર) છે, એપી (ઍસોસિએટેડ પ્રેસ)ના જણાવ્યા અનુસાર, 2000ના દાયકાના અંતમાં વિકિલીક્સ દ્વારા પ્રકાશિત કરાયેલાં યુએસ ડિપ્લોમેટિક કૅબલ્સમાં તેમને "પડદા પાછળની શક્તિ" તરીકે ગણાવવામાં આવ્યા હતા, જેમની શાસનમાં "સક્ષમ અને બળવાન નેતા" તરીકે વ્યાપક ગણના થઈ હતી.

ઈરાન અમેરિકા ટ્રમ્પ ખામેનેઈ મોજતબા સંઘર્ષ યુદ્ધ ઇઝરાયલ હુમલો બીબીસી ગુજરાતી પર્શિયન ફારસી
ઇમેજ કૅપ્શન, બે દાયકાથી પણ વધુ સમયથી મોજતબા ખામેનેઈને આગામી નેતા તરીકે જોવામાં આવી રહ્યા છે.

પરંતુ મોજતબા ખામેનેઈની સંભવિત પસંદગી વિવાદાસ્પદ સાબિત થઈ શકે છે.

ઇસ્લામિક રિપબ્લિકની સ્થાપના 1979માં ઈરાનમાંથી રાજાશાહીને ઉથલાવીને કરવામાં આવી હતી, અને તેની વિચારધારા એ સિદ્ધાંત પર આધારિત છે કે, સર્વોચ્ચ નેતાની પસંદગી તેમના ધાર્મિક સ્થાન અને સાબિતી પ્રાપ્ત નેતૃત્વ દ્વારા થવી જોઈએ, વારસાગત ઉત્તરાધિકાર દ્વારા નહીં.

અલી ખામેનેઈએ ઇસ્લામિક રિપબ્લિકના ભાવિ નેતૃત્વ વિશે ફક્ત થોડી અને ઉપરછલ્લા શબ્દોમાં જ વાત કરી હતી.

ઍસૅમ્બલી ઑફ ઍક્સપર્ટ્સના એક સભ્યએ જણાવ્યું હતું, ખામેનેઈએ બે વર્ષ પહેલાં મોબતબાને ભાવિ નેતૃત્વ માટે ઉમેદવાર બનાવવાના વિચારનો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. પરંતુ તેમણે ક્યારેય આવી અટકળોને જાહેરમાં સંબોધિત કરી ન હતી.

મોજતબા ખામેનેઈ છે કોણ?

ઈરાન અમેરિકા ટ્રમ્પ ખામેનેઈ મોજતબા સંઘર્ષ યુદ્ધ ઇઝરાયલ હુમલો બીબીસી ગુજરાતી પર્શિયન ફારસી

ઇમેજ સ્રોત, West Asia News Agency Via Reuters

ઇમેજ કૅપ્શન, મોજતબા ખામેનેઈનો આ ફોટો 2024માં તહેરાનમાં હિઝબુલ્લાહના કાર્યાલયમાં લેવામાં આવ્યો હતો

8 સપ્ટેમ્બર 1969ના રોજ ઈરાનના ઉત્તરપૂર્વીય શહેર મશહદમાં જન્મેલા મોજતબા ખામેનેઈ અલી ખામેનેઈનાં છ બાળકોમાં બીજા નંબરના પુત્ર છે. તેમણે તેમનું માધ્યમિક શિક્ષણ તેહરાનની ધાર્મિક અલવી સ્કૂલમાં લીધું હતું.

ઈરાની મીડિયા અનુસાર, 17 વર્ષની ઉંમરે, મોજતબાએ ઈરાન-ઈરાક યુદ્ધ દરમિયાન ઘણા ટૂંકા ગાળા માટે લશ્કરમાં પણ સેવા આપી હતી. આઠ વર્ષના લોહિયાળ સંઘર્ષમાં ઈરાકને ટેકો આપનારા અમેરિકા અને પશ્ચિમી દેશો પ્રત્યે શાસનને વધુ શંકાસ્પદ બનાવી દીધું હતું.

મોજતબા તેમનો ધાર્મિક અભ્યાસ ચાલુ રાખવા 1999માં શિયા ધર્મનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર ગણાતા પવિત્ર શહેર 'કૉમ' ગયા હતા, નોંધનીય છે કે તેમણે તે સમય સુધી ધાર્મિક વસ્ત્રો (ક્લેરિકલ કપડાં) પહેર્યાં નહોતાં, અને તે સ્પષ્ટ નથી કે તેમણે 30 વર્ષની ઉંમરે સેમિનરી (ધાર્મિક શાળા)માં જવાનું કેમ નક્કી કર્યું, કારણ કે સામાન્ય રીતે નાની ઉંમરે આવું કરવામાં આવતું હોય છે

મોજતબા મધ્યમ કક્ષાના મૌલવી રહ્યા છે, જે સર્વોચ્ચ નેતા તરીકે તેમના ઉદયમાં અવરોધ ઊભો કરી શકે છે.

ઈરાન અમેરિકા ટ્રમ્પ ખામેનેઈ મોજતબા સંઘર્ષ યુદ્ધ ઇઝરાયલ હુમલો બીબીસી ગુજરાતી પર્શિયન ફારસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2009ની રાષ્ટ્રપતિની ચૂંટણી પછી 'ગ્રીન મૂવમેન્ટ' તરીકે ઓળખાતાં વિરોધપ્રદર્શનો ફાટી નીકળ્યાં હતાં.

તાજેતરના દિવસોમાં, ઈરાનમાં સત્તા કેન્દ્રોની નજીકના કેટલાંક મીડિયા આઉટલેટ્સ અને અધિકારીઓએ મોજતબા ખામેનેઈને એક વરિષ્ઠ ધાર્મિક પદવી "અયાતુલ્લાહ" તરીકે સંબોધવાનું શરૂ કર્યું છે. કેટલાક નિરીક્ષકોને આ ફેરફાર તેમની ધાર્મિક પ્રતિષ્ઠા વધારવા અને તેમને દેશના સર્વોચ્ચ નેતૃત્વ માટે એક વિશ્વસનીય ઉમેદવાર તરીકે રજૂ કરવાનો એક પ્રયાસ લાગે છે.

સેમિનરી સિસ્ટમમાં, "અયાતુલ્લાહ"નો દરજ્જો ધરાવવા અને ઉચ્ચ સ્તરના વર્ગોમાં ભણાવવું એ વ્યક્તિના વિદ્વતાપૂર્ણ સ્તર અને જ્ઞાનના સંકેત માનવામાં આવે છે, અને ભવિષ્યના નેતાની પસંદગી માટે આવશ્યકતાઓ અને પૂર્વશરતોમાંની એક માનવામાં આવે છે.

પરંતુ આનો પહેલાથી જ એક દાખલો રહી ચૂક્યો છે. 1989માં બીજા સર્વોચ્ચ નેતા બનેલા અલી ખામેનેઈને પણ ઝડપથી "અયાતુલ્લાહ" તરીકે બઢતી આપવામાં આવી હતી.

રાજકીય દખલગીરીના આરોપો

ઈરાન અમેરિકા ટ્રમ્પ ખામેનેઈ મોજતબા સંઘર્ષ યુદ્ધ ઇઝરાયલ હુમલો બીબીસી ગુજરાતી પર્શિયન ફારસી

ઇમેજ સ્રોત, ATTA KENARE/AFP via Getty Images

2005ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન મોજતબાનું નામ સૌપ્રથમ જાહેરમાં આવ્યું હતું, જેના પરિણામે લોકપ્રિય કટ્ટરપંથી મહમ્મોદ અહમદીનેજાદનો વિજય થયો હતો.

સુધારાવાદી ઉમેદવાર મહેદી કરૌબીએ ખામેનેઈને લખેલા એક ખુલ્લા પત્રમાં, મુજતબા પર ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ અને બસીજનાં તત્ત્વો દ્વારા મતદાનમાં દખલ કરવાનો આરોપ મૂક્યો હતો, જેમણે અહમદીનેજાદને જીતવામાં મદદ કરવા માટે ધાર્મિક જૂથો સાથે નાણાકીય વ્યહવાર કર્યો હતો.

ચાર વર્ષ પછી ફરીથી, મોજતબાએ આવા જ આરોપોનો સામનો કર્યો હતો. અને અહમદીનેજાદની ફરીથી ચૂંટણીથી દેશભરમાં મોટા પાયે વિરોધપ્રદર્શનો શરૂ થયાં અને તે 'ગ્રીન મૂવમેન્ટ' તરીકે ઓળખાયુ હતું. કેટલાક વિરોધીઓએ આ વિચારનો વિરોધ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા કે મોજતબા તેમના પિતાના સ્થાને ઈરાનના સર્વોચ્ચ નેતા બની શકે છે.

ઈરાન અમેરિકા ટ્રમ્પ ખામેનેઈ મોજતબા સંઘર્ષ યુદ્ધ ઇઝરાયલ હુમલો બીબીસી ગુજરાતી પર્શિયન ફારસી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તત્કાલીન ડેપ્યુટી ઇન્ટિરિયર મિનિસ્ટર મુસ્તફા તાજઝાદેહે આ પરિણામને "ચૂંટણીલક્ષી બળવો" ગણાવ્યો હતો. તેમને સાત વર્ષ માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, જે પગલાંને મુસ્તફાએ "મોજતબા ખામેનેઈની મનોઇચ્છા" ગણાવી હતી

2009ની ચૂંટણી પછી બે સુધારાવાદી ઉમેદવારો, મીર-હુસેન મૌસાવી અને મેહદી કરૌબીને નજરકેદ કરવામાં આવ્યા હતા. ઈરાની સૂત્રોએ બીબીસી ન્યૂઝ પર્શિયનને જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2012માં મોજતબાએ મૌસાવીને મળીને તેમનો વિરોધ ન કરવા વિનંતી કરી હતી.

ઘણા લોકો અપેક્ષા રાખે છે કે જો મોજતબા ઉત્તરાધિકારી બનશે તો તેમના પિતાની કટ્ટર નીતિઓ ચાલુ રાખશે. કેટલાક એવું પણ માને છે કે જે વ્યક્તિએ અમેરિકા-ઇઝરાયલી હુમલામાં પોતાનાં પિતા, માતા અને પત્ની ગુમાવ્યાં છે તે પશ્ચિમી દબાણ સામે ઝૂકવાની શક્યતા ઓછી છે.

પરંતુ તેમને ઇસ્લામિક રિપબ્લિકના અસ્તિત્વને ટકાવી રાખવાના અને જનતાને ખાતરી આપવી પડશે કે, તેઓ દેશને રાજકીય અને આર્થિક વિનાશમાંથી બહાર કાઢવા માટે યોગ્ય વ્યક્તિ છે.

તેમના નેતૃત્વનો ઇતિહાસ મોટાભાગે પરીક્ષણ વિનાનો છે, અને રિપબ્લિક હવે વંશપરંપરાગત વ્યવસ્થામાં ફેરવાઈ રહ્યું છે તેવી ધારણા જાહેર અસંતોષને વધુ ઊંડો બનાવી શકે છે.

જો મોજતબાની પસંદગી કરવામાં આવે તો, મોજતબા એક નોંધપાત્ર વ્યક્તિ બનશે - જેમ કે ઇઝરાયલી સંરક્ષણ પ્રધાને કહ્યું છે કે કોઈપણ અનુગામી "નિશ્ચિતપણે ખતમ કરવા માટે એક સ્પષ્ટ લક્ષ્ય" રહેશે.

(બીબીસી પર્શિયન એ બીબીસી ન્યૂઝની ફારસી ભાષાની સેવા છે. વિશ્વભરમાં 2.4 કરોડ લોકો તેનો ઉપયોગ કરે છે, જેમાંથી મોટા ભાગના લોકો ઈરાનમાં રહે છે. જોકે ઈરાને બીબીસી ફારસીને બ્લૉક કરેલી છે.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન