રાજ્યસભા ચૂંટણી : બિહારમાં એનડીએએ તમામ 5 બેઠકો જીતી, નીતીશકુમાર પણ ચૂંટાયા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, એડીએએ બિહારની તમામ પાંચ બેઠકો પર જીત હાંસલ કરી છે. બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર અને ભાજપ અધ્યક્ષ નીતિન નબીન રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.
બિહાર, ઓડિશા અને હરિયાણાની 11 રાજ્યસભાની બેઠકો માટે સોમવારે મતદાન થયું હતું.
ઓડિશામાં ભાજપના બે અ એક ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવારને જીત મળી છે.
હરિયાણામાં વોટ પર વાંધાને લઈને મતગણતરી રોકી દેવાઈ છે. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી પંચને પત્ર લખીને હસ્તક્ષેપની માગ કરી હતી.
દેશમાં એલપીજીના પુરવઠા અંગે કેન્દ્ર સરકારે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Sivaram Venkitasubramanian/NurPhoto via Getty Images
પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગૅસ મંત્રાલયનું કહેવું છે કે દેશભરમાં પેટ્રોલપમ્પોનું સંચાલન સામાન્યપણે ચાલી રહ્યું છે તથા ક્યાંયથી પણ 'ડ્રાઇઆઉટ'ના અહેવાલ નથી.
મંત્રાલયનાં જૉઇન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ પત્રકારપરિષદ દરમિયાન કહ્યું, "સીએનજી (કમ્પ્રેશ્ડ નેચરલ ગૅસ) તથા પીએનજીના (પાઇપ્ડ નેચરલ ગૅસ) ગ્રાહકોને જરૂરિયાત મુજબ પૂરેપૂરો ગૅસ આપવામાં આવી રહ્યો છે. જેમાં વાહનો માટેનો સીએનજી ગૅસ પણ સામેલ છે. જ્યારે કૉમર્શિયલ એલપીજી (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ) ગ્રાહકોને શક્ય હોય ત્યાં પીએનજી તરફ શિફ્ટ થવા માટે કહેવામાં આવ્યું છે."
જૉઇન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ કહ્યું, "હાલમાં એલપીજી સપ્લાય અંગે થોડી સમસ્યા છે, આવા સંજોગોમાં સંગ્રહખોરી તથા કાળાબજારને અટકાવવામાં રાજ્ય સરકારો તથા સ્થાનિક વહીવટીતંત્રની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહે છે."
તેમણે જણાવ્યું, "લગભગ દરેક રાજ્યમાં પરિસ્થિતિ ઉપર નજર રાખવા માટે કંટ્રૉલરૂમ બનાવવામાં આવ્યા છે. દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ સિવાય ઑઇલ માર્કેટિંગ કંપનીઓની ટીમોને પણ સક્રિય કરી દેવામાં આવી છે. લગભગ 1,100 સ્થાનોએ ઓચિંતું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાંક રિટેલ આઉટલેટ તથા એલપીજી ડિસ્ટ્રિબ્યૂટર પણ સામેલ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉલ્લેખનીય છે કે એલપીજી ટૅન્કર 'શિવાલિક' હોર્મુઝની ખાડીમાંથી નીકળીને સોમવારે ગુજરાતના મુન્દ્રા બંદરે પહોંચ્યું હતું, જ્યારે એલપીજી ભરેલું વધુ એક જહાજ મંગળવારે ગુજરાત પહોંચશે.
આમ બંને જહાજને કારણે દેશમાં કુલ 93 હજાર મેટ્રિક ટન એલપીજીની ઉપલબ્ધતા વધશે.
વિધાનસભા ચૂંટણી 2026 : ભાજપે પશ્ચિમ બંગાળ અને કેરળ માટે કેટલાક ઉમેદવારોની યાદી જાહેર કરી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ આગામી વિધાનસભા ચૂંટણી માટે પશ્ચિમ બંગાળના 144 અ કેરળના 47 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.
ભાજપે શુભેન્દુ અધિકારીને બંગાળની બે બેઠકો પરથી ઉમેદવાર બનાવ્યા છે. અધિકારીને નંદીગ્રામ અને ભવાનીપુરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. હાલ, મુખ્ય મંત્રી મમતા બેનરજી ભવાનીપુરથી જ ધારાસભ્ય છે. શુભેન્દુ અધિકારીને તેમણે નંદીગ્રામથી ચૂંટણીમાં હરાવ્યાં હતાં.
ત્યાં, ભાજપે કેરળમાં રાજ્ય ભાજપ અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખરને નેમોમ સીટથી ઉમેદવાર બનાવ્યા છે. ચંદ્રશેખરે વર્ષ 2024માં તિરુવનંતપુરમ્ બેઠકથી કૉંગ્રેસના સાંસદ શશિ થરૂર સામે ચૂંટણી લડી હતી અને તેઓ હારી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે રવિવારે જ ચાર રાજ્યો પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ અને આસામ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીની તારીખનું ઍલાન કર્યું હતું. તમામ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ 4થી મેના રોજ આવશે.
ઈરાન યુદ્ધ : સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી પસાર થઈને એલપીજી ટૅન્કર 'શિવાલિક' ગુજરાતના મુન્દ્રા બંદરે પહોંચ્યું

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એલપીજી ટૅન્કર 'શિવાલિક' સોમવારે બપોરે કચ્છના અખાતમાં આવેલા મુન્દ્રા બંદર ખાતે પહોંચ્યું હતું.
ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે, આ એલપીજી ટૅન્કર યુદ્ધગ્રસ્ત હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈને ગુજરાતના બંદરે પહોંચ્યું છે.
ઇઝરાયલ-અમેરિકાના હુમલા બાદ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થઈ રહેલાં ક્રૂડઑઇલ અને એલપીજી ભરેલાં ગૅસનાં જહાજો ઉપર જોખમ ઊભું થયું હતું. એ પછી શનિવારે ભારતના બે જહાજ સલામત રીતે સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી બહાર નીકળ્યાં હતાં.
શનિવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "ભારત તરફ આવી રહેલા અમુક જહાજ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવામાં સફળ રહ્યાં છે. બે ભારતીય જહાજ શિવાલિક તથા નંદાદેવી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ ગયાં છે અને તે ભારતીય બંદરો તરફ આગળ વધી રહ્યાં છે."
જયસ્વાલે જણાવ્યું હતું કે આ બંને જહાજોમાં કુલ લગભગ 93 હજાર મેટ્રિક ટન એલપીજી ભરેલો છે. જે ભારતમાં એલપીજીની અછતમાં રાહત આપશે.
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું, "હું ઈરાનની સાથે વાટાઘાટો કરી રહ્યો છું અને મારા વાટાઘાટોના કેટલાંક પરિણામ પણ મળ્યાં છે. જો તેના પરિણામ મળી રહ્યાં હોય, તો હું સ્વાભાવિક રીતે વાટાઘાટો ચાલુ રાખીશ. ભારતીય ઝંડા ધરાવતાં જહાજો માટે આ કોઈ સામાન્ય વ્યવસ્થા નથી. દરેક જહાજની અવરજવર એક અલગ કિસ્સો કે બાબત છે."
ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી પર ચીને શું પ્રતિક્રિયા આપી?

ઇમેજ સ્રોત, Andrew Harnik/Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ 'ફાઇનાન્સિયલ ટાઇમ્સ'ને આપેલા ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે ચીને હોર્મુઝ સામુદ્રઘુનીની સુરક્ષામાં મદદ નહીં કરી તો તેઓ શી જિનપિંગ સાથે થનારી બેઠક ટાળી શકે છે. હવે તેના પર ચીને પ્રતિક્રિયા આપી છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું, "દેશોના નેતાઓ વચ્ચે થનારી વાતચીત બહુ જરૂરી હોય છે અને ચીન-અમેરિકા સંબંધોને દિશા આપે છે. બંને દેશો વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પની યાત્રાને લઈને વાતચીત ચાલુ છે."
અમેરિકાના રાષ્ટ્રપતિની વાત પર સવાલનો જવાબ આપતા લિન જિયાને કહ્યું, "હાલની તનાતનીએ વ્યાપાર માર્ગો પર અસર પહોંચાડી છે. ક્ષેત્રીય અને વૈશ્વિક શાંતિને નુકસાન પહોંચાડ્યું છે."
તેમણે આગળ કહ્યું, "ચીન ફરીથી તમામ પક્ષોને અપીલ કરે છે તે તરત જ સૈન્ય કાર્યવાહી બંધ કરવામાં આવે, અમે તણાવ ઘટાડવા માટે પ્રતિબદ્ધ છીએ."
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે જો યુરોપના દેશો હોર્મુઝની સામુદ્રધુનીને ખોલવામાં મદદ નહીં કરે તો તે નાટોના ભવિષ્ય માટે 'ઘણું ખરાબ' હશે.
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપી તથા કોલકતાના પોલીસ કમિશનરને હઠાવ્યા

ઇમેજ સ્રોત, Sudipta Das/NurPhoto via Getty Images
ચૂંટણી પંચે સોમવારે પશ્ચિમ બંગાળના ડીજીપી (ડાયરેક્ટર જનરલ પોલીસ) પીયૂષ પાંડેને હઠાવી દીધા છે.
આ સિવાય કોલકતાના પોલીસ કમિશનર સુપ્રિતમ સરકારને પણ હઠાવી દેવામાં આવ્યા છે.
સમાચાર સંસ્થા પીટીઆઈએ આ અંગેનો અહેવાલ આપ્યો છે. ચૂંટણી પંચ દ્વારા સિદ્ધનાથ ગુપ્તાને ડીજીપી બનાવ્યા છે. જ્યારે અજયકુમાર નંદને કોલકતાના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે કેન્દ્રીય ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, પુડ્ડુચેરી અને કેરળ વિધાનસભાની જાહેરાત કરી હતી.
આદર્શ આચારસંહિતાની જોગવાઈઓ મુજબ, જ્યારે કોઈ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થાય, ત્યારે ચૂંટણી પંચ પાસે અધિકારીઓની નિમણૂક અને બદલી સંબંધે અધિકાર મળે છે અને રાજ્યની સરકાર પાસે આ બધા અધિકાર નથી રહેતા.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હોર્મુઝમાં મદદ મળે કે ન મળે અમે આ 'યાદ રાખીશું'

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે જે દેશોથી હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા માટે લડાયક જહાજો મોકલવાની વિનંતી કરી છે, તેમના દ્વારા મદદ કરવા અને નહીં કરવાની, બંને પરિસ્થિતિમાં તેઓ આ વાતને 'યાદ રાખશે'.
ટ્રમ્પે ગત દિવસોમાં ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રિટનથી લડાયક જહાજો મોકવાની વિનંતી કરી હતી.
તેમણે રવિવારના 'ઍર ફોર્સ વન'માં યાત્રા દરમિયાન પત્રકારોને કહ્યું કે અમેરિકા કેટલાંક વર્ષોથી હોર્મુઝને સંભાળી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે અમેરિકાને હોર્મુઝની 'જરૂર નથી', પણ કેટલાક દેશોને છે.
તેમણે કહ્યું કે, "હવે જ્યારે યુદ્ધ ખતમ થઈ ગયું છે અને તેમની (ઈરાન) સૈન્ય ક્ષમતાઓ નબળી પડી ગઈ છે...મને લાગે છે કે બીજા દેશોનું આમાં સામેલ થવું સારી વાત છે."
ટ્રમ્પે કહ્યું કે બે અઠવાડિયાં પહેલાં બ્રિટનના વડા પ્રધાને પોતાનાં બે વિમાનવાહક જહાજ હોર્મુઝ મોકલવામાં ખચકાટ અનુભવી રહ્યા હતા.
તેમણે કહ્યું કે, "હવે જ્યારે અમે તેને ઘણી ખરી હદ સુધી તબાહ કરી નાખ્યું છે...તો તેમણે કહ્યું કે, 'અમે અમારા વિમાનવાહક જહાજ મોકલાવ માગીએ છીએ'. આની પર મેં કહ્યું કે, 'જંગ જીતી ગયા બાદ હવે મને તેમની જરૂર નથી'."
ટ્રમ્પે કહ્યું કે, "મને તેમની જરૂર ત્યારે હતી જ્યારે અમે જંગ શરૂ કરી રહ્યા હતા. એટલે અમને સમર્થન મળ્યું કે નહીં, હું એટલું કહી શકું અને મેં તેમને પણ કહ્યું : અમે આને યાદ રાખીશું."
ઓડિશાના કટકમાં હૉસ્પિટલમાં આગથી 10 લોકોનાં મોત

ઇમેજ સ્રોત, ANI
ઓડિશાના કટકમાં આવેલી એસસીબી મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં આગ લાગવાથી દસ લોકોનાં મોત થયાં છે.
ઓડિશાના મુખ્ય મંત્રી મોહન ચરણ માઝીએ આ વાતની જાણકારી આપી હતી.
મુખ્ય મંત્રી માઝીએ જણાવ્યું હતું કે , "એસસીબી મેડિકલ કૉલેજના ટ્રૉમા કેર સેન્ટરમાં આગ લાગી હતી. સંભવિત કારણ શૉર્ટ સર્કિટ છે. ટ્રૉમા પાસેના આઈસીયુમાં 23 દર્દીઓ દાખલ હતા."
તેમણે કહ્યું, "આ ઘટનામાં સાત લોકોનાં મોત થયાં. આઈસીયુના દર્દીઓને બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા, ત્યાર બાદ વધુ ત્રણ લોકોનાં મોત થયાં હતાં."
સીએમ માઝીએ જણાવ્યું હતું કે આ ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઍકેડમી ઍવૉર્ડ્ઝ: 'વન બૅટલ આફ્ટર અનધર' ને મળ્યો બેસ્ટ ફિલ્મનો ઑસ્કર

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના લૉસ એન્જલસમાં 98માં ઍકૅડેમી ઍવૉર્ડ્ઝની જાહેરાત થઈ રહી છે. તેમાં અલગ-અલગ કૅટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે ઑસ્કર આપવામાં આવે છે.
પૉલ થૉમસ ઍન્ડરસનની ફિલ્મ 'વન બૅટલ આફ્ટર અનધર'ને શ્રેષ્ઠ ફિલ્મનો ઑસ્કર મળ્યો છે. આ સિવાય પણ ફિલ્મે આજે છ ઑસ્કર જીત્યા છે.
'વન બૅટલ આફ્ટર અનધર' એ ડાર્ક કૉમેડી ઍક્શન થ્રિલર ફિલ્મ છે જેમાં લિયોનાર્દો દી કેપ્રિઓ, શૉન પૅન, બેનિસિઓ ડેલ તોરો, રેજાઇને હૉલ, ટિયાના ટૅલર અને ચેઝ ઇન્ફિનિટી જેવા કલાકારો હતા.
આ ફિલ્મને અલગ-અલગ 13 કૅટેગરીમાં નૉમિનેશન્સ મળ્યાં હતાં, જે બીજા સૌથી વધારે નૉમિનેશન્સ છે. સૌથી વધુ 16 નૉમિનેશન્સનો રેકૉર્ડ 'સિનર્સ'ના નામે છે.
આ ફિલ્મમાં લિયોનાર્દો દી' કેપ્રિઓ તાનાશાહ અમેરિકી સત્તા સામે ક્રાંતિકારી લડાઈ લડે છે. એ સમયે તેમની દીકરી ગાયબ થઈ જાય છે અને તેમનો ભૂતકાળ તેમને ડરાવે છે, જેના કારણે આ ફિલ્મમાં નવો ટ્વિસ્ટ આવે છે અને વધુ રસપ્રદ બને છે.
આ ફિલ્મને બેસ્ટ ઍન્સેમ્બલ કાસ્ટ, બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર અને બેસ્ટ ઍડોપ્ટેડ સ્ક્રીનપ્લૅનો ઍવોર્ડ પણ મળ્યો છે.
આ સિવાય જાહેર થયેલા અન્ય પુરસ્કારો:
- બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રી: ઍમી મૅડિગન- વીંપન્સ (ધ ઑવર ઑફ ડિસઅપીયરન્સ)
- બેસ્ટ ઍનિમેટેડ ફિલ્મ: કેપૉપ ડેમન હન્ટર્સ (ધ કે-પૉપ વૉરિયર્સ)
- બેસ્ટ ઍનિમેટેડ શૉર્ટ ફિલ્મ: ધ ગર્લ હૂ ક્રાઇડ પર્લ્સ
- બેસ્ટ કાસ્ટ: વન બૅટલ આફ્ટર અનધર
- બેસ્ટ સપોર્ટિંગ અભિનેતા: સીન પેન (વન બેટલ આફ્ટર અનધર)
- બેસ્ટ ઓરિજનલ સ્ક્રીનપ્લૅ: સિનર્સ
"જો નેતન્યાહૂ જીવિત હશે તો તેમને શોધીને મારી નાખીશું" – આવી ધમકી કોણે આપી?

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાન રિવૉલ્યૂશનરી ગાર્ડ કોરે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને મારી નાખવાની ધમકી આપી છે.
ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ઇરનાએ આ વાતની માહિતી આપી છે.
ઈરાન રિવોલ્યૂશનરી ગાર્ડ કોરે કહ્યું છે કે, "જો ઇઝરાયલના વડા પ્રધાન જીવિત હશે તો તેમને અમે શોધીને મારી નાખીશું. નેતન્યાહૂ બાળકોના હત્યારા છે."
આઈઆરજીસીએ કહ્યું હતું કે, "ઝિયોનિસ્ટ અપરાધી વડા પ્રધાનનો અજ્ઞાત અંજામ થયો હોય, તેમનું મોત થયું હોય કે તેમના કબ્જા વાળા વિસ્તારોમાંથી પરિવાર સાથે ભાગી નીકળ્યા હોય તેવી શક્યતા છે. આ એક સંકટ છે અને ઝિયોનિસ્ટની ડગમગતી સ્થિતિને ઉજાગર કરે છે. જો બાળકોની હત્યા કરનારો અપરાધી જીવિત છે તો અમે સંપૂર્ણ તાકાત લગાવીને તેને મારી નાખીશું."
છેલ્લા કેટલાક દિવસોથી નેતન્યાહૂનું મૃત્યુ થઈ ગયું હોવાના દાવાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા છે.
જોકે, ઇઝરાયલના વડા પ્રધાન કાર્યાલયે આ વાતને 'ખોટા સમાચાર' ગણાવ્યા છે. ગઈકાલે સાંજે જ નેતન્યાહૂએ ઍક્સ પર તેમનો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેઓ કૉફી પીતા નજરે ચડે છે.
ટ્રમ્પે હોર્મુઝ સામુદ્રધુની ખોલવાને લઈને ચીન અને યુરોપના દેશોને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Andrew Harnik/Getty
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો યુરોપિયન દેશો હોર્મુઝ સામુદ્રધુની ખોલવામાં મદદ નહીં કરે તો તે નાટોના ભવિષ્ય માટે 'ખૂબ જ ખરાબ' હશે.
ટ્રમ્પે એવી આશા પણ વ્યક્ત કરી છે કે બેઇજિંગમાં ચીનના રાષ્ટ્રપતિ સાથેની તેમની આગામી મુલાકાત પહેલાં ચીન હોર્મુઝ સામુદ્રધુની ખોલવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે ચીન 'તેનું 90 ટકા ઑઇલ આ સામુદ્રધુની દ્વારા મેળવે છે.'
ટ્રમ્પે ફાઇનાન્સિયલ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાતો કહી હતી.
નાટો અને યુરોપિયન સાથી દેશો વિશે બોલતા, અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે હોર્મુઝ સામુદ્રધુનીથી લાભ મેળવતા દેશોએ તેને ફરીથી ખોલવામાં મદદ કરવી જોઈએ.
તેમનો દાવો છે કે યુરોપ અને ચીન ખાડી દેશોમાંથી આવતા ઑઇલ પર અતિશય નિર્ભર છે.
ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો અન્ય દેશો તરફથી કોઈ પ્રતિભાવ નહીં પણ તો એ વાત નાટો માટે સારી નથી.
અહીં ઉલ્લેખનીય છે કે હજુ ટ્રમ્પે એક દિવસ પહેલાં જ ચીન, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, જાપાન અને બ્રિટનને હોર્મુઝ સામુદ્રધુની ખોલવા માટેના 'સંયુક્ત પ્રયાસ'માં જોડાવા અપીલ કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












