રાજકોટ શું ગુજરાતનું સૌથી વધુ ગરમ શહેર બની રહ્યું છે, પારો સતત ઊંચે કેમ રહે છે?

રાજકોટ, ઉનાળો, ગરમી, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં ગરમી, ગુજરાતનું હવામાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ani

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા, રાજકોટથી
  • વાંચવાનો સમય: 5 મિનિટ

રાજકોટ શહેર છેલ્લા એકાદ મહિનાથી તેના હવામાનના કારણે ચર્ચામાં છે. રાજકોટમાં 11 માર્ચના રોજ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગ અનુસાર, તે દિવસનું આખા ભારતમાં તે સૌથી ઊંચું તાપમાન હતું.

ત્યાર પછીના દિવસોમાં પણ રાજકોટ શહેરનું તાપમાન ગુજરાત રાજ્યમાં સૌથી ઊંચું રહ્યું છે.

ભારતીય હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રે સોમવારે સવારે આપેલી એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે રવિવારે પણ રાજકોટમાં તાપમાન 42.4 ડિગ્રી હતું, જે રાજ્યમાં સૌથી ઊંચું હતું.

ઊંચા તાપમાનના કારણે શહેરમાં બપોરના સમયે રસ્તા પર વાહનોની સંખ્યા ઓછી થવા લાગી છે અને હવા સાંજ સુધી ગરમ હોય તેવું અનુભવાય છે. પાંખો ટ્રાફિક હોવા છતાં વાહનચાલકોને તડકામાં ઊભું રહેવું ન પડે તે માટે ટ્રાફિક પોલીસ શહેરના કેટલાય ચોકમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ્સ સિસ્ટમ બંધ કરી રહી છે.

ગુજરાતમાં ઉનાળા દરમિયાન સામાન્ય રીતે અમરેલી, અમદાવાદ, ડીસા, દાહોદ, ભુજ વગેરે સ્થળોએ સૌથી ઊંચું તાપમાન નોંધાતું હોય છે, પરંતુ આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં તાપમાનની બાબતમાં રાજકોટ આગળ રહ્યું છે.

હવામાન વૈજ્ઞાનિકો કહે છે કે વર્ષનો સમય, ભૂગોળ, શહેરીકરણ, પ્રવર્તમાન વાતાવરણ વગેરે પરિબળોના સંયોજનના કારણે રાજકોટમાં આ વર્ષે ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે.

રાજકોટમાં ગરમીનો પારો કેમ 42 ડિગ્રીએ ચડી રહ્યો છે?

રાજકોટ, ઉનાળો, ગરમી, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં ગરમી, ગુજરાતનું હવામાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટમાં ફળ વેચનારા ફેરિયાઓની 13 એપ્રિલ, 2026ના રોજ લેવાયેલ તસવીર

13 એપ્રિલની બપોરે જાહેર કરાયેલી એક અખબારી યાદીમાં ભારતીય હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રે જણાવ્યું કે નૈર્ઋત્ય પાકિસ્તાન અને તેની નજીકના રાજસ્થાન વિસ્તાર ઉપર દરિયાની સપાટીથી દોઢ કિલોમીટરની ઊંચાઈએ એક અપર ઍર સર્ક્યુલેશન એટલે કે વંટોળ સર્જાયેલું છે.

હવામાન ખાતાએ વધારેમાં જણાવ્યું કે હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર ઉપર સમુદ્રની સપાટીથી 5.8 કિલોમીટરની ઊંચાઈએ સ્થિર ગઈ કાલનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈશાન તરફ ખસ્યું છે.

પરંતુ આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાન (કૃષિ હવામાનશાસ્ત્ર) વિભાગના વડા પ્રોફેસર મનોજ લુણાગરિયાએ બીબીસીને જણાવ્યું કે રાજકોટમાં ઊંચા તાપમાન માટે કોઈ મોટી વેધર સિસ્ટમના બદલે સ્થાનિક કારણો વધારે જવાબદાર છે.

તેમણે જણાવ્યું કે કોઈ સ્થળનું તાપમાન કેટલું રહેશે તેનો આધાર તેનું ભૌગોલિક સ્થાન, વર્ષનો સમય અને સ્થાનિક હવામાન પર વધારે હોય છે.

પ્રો. લુણાગરિયાએ કહ્યું, "રાજકોટ શહેર સૂકા વિસ્તારમાં આવેલ શહેર છે. ઉનાળામાં પાણીના અભાવે તેની આજુબાજુના વિસ્તારોમાં ખેતી પાકો બહુ ઓછા હોય છે અને પિયત થતું નથી. તેના પરિણામે ખુલ્લી જમીન વધારે હોય છે. આવી ખુલ્લી જમીન સોલાર રેડિયેશન (સૂર્યપ્રકાશ)ના કારણે 70 ડિગ્રી સુધી ગરમ થઈ શકે છે. જમીન ગરમ થતા તે હવાને ગરમ કરે છે અને ત્યાં હવાનું હલકું દબાણ ઊભું થાય છે. ગરમ હવા સામાન્ય રીતે આકાશ તરફ ઉપર ઊંચકાય છે અને તેની આજુબાજુ કે આકાશમાં રહેલી ઠંડી હવા તેનું સ્થાન લેવા નીચે આવે છે. પરંતુ જો આકાશમાં પણ હવાનું હલકું દબાણ હોય તો હવાની તે હરફર થતી નથી. તેથી, તાપમાન વધે છે."

પવનની ગતિ, દિશા શું ભાગ ભજવે છે?

રાજકોટ, ઉનાળો, ગરમી, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં ગરમી, ગુજરાતનું હવામાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટના 150 ફૂટ રિંગ રોડની 13 એપ્રિલ, 2026ના રોજ લેવાયેલ તસવીર

પ્રો. લુણાગરિયા કહે છે કે પવનની દિશા અને ગતિ પણ મહત્ત્વનાં પરિબળો બની રહે છે.

તેઓ કહે છે, "જો પવનની દિશા દરિયાથી ગરમીવાળી જગ્યા તરફ હોય તો આવો પવન ગરમીવાળી જગ્યાને ઠંડી પાડી તાપમાનને અંકુશમાં રાખે છે, પરંતુ જો પવન ભૂમિવિસ્તાર તરફથી ગરમ જગ્યા તરફ આવતો હોય તો તે પવન પણ ગરમ હોવાની શક્યતા વધારે હોય છે અને તેથી તે ગરમ જગ્યાને ઠંડી પાડી શકતો નથી. રાજકોટમાં જો પવન અરબી સમુદ્ર તરફથી આવતો હોય તો તે ઠંડો હોય છે. જો કચ્છ કે રાજસ્થાન તરફથી આવતો હોય તો ગરમ હોય છે."

તેઓ ઉમેરે છે કે શહેરમાં સિમેન્ટ-કૉંન્ક્રિટના બાંધકામ વધારે અને વૃક્ષો તેમજ હરિયાળી ઓછી હોવાથી અર્બન હીટ આઇલૅન્ડ ઇફેક્ટનું નિર્માણ થાય છે. આ પ્રકારની ઘટનામાં શહેરી વિસ્તારના તાપમાનમાં અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો તફાવત જોવા મળે છે.

તો રાજકોટમાં ગરમી કેમ વધુ પડી રહી છે?

રાજકોટ, ઉનાળો, ગરમી, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં ગરમી, ગુજરાતનું હવામાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, વધતાં તાપમાનમાં ઠંડક મેળવવા લોકો માટીનાં માટલાં-ગોળામાં ભરી રાખે છે

પ્રો. લુણાગરિયા કહે છે કે બહુવિધ પરિબળો રાજકોટમાં તાપમાન ઊંચું રાખી રહ્યાં છે.

તેમણે કહ્યું, "એપ્રિલ મહિનો શિયાળા અને ઉનાળા વચ્ચેનો સંક્રમણનો કાળ છે. આ કાળ દરમિયાન પવનની કોઈ ચોક્કસ દિશા નક્કી હોતી નથી. રાજકોટમાં શિયાળામાં ઈશાન દિશાથી પવન ફૂંકાય છે અને ઉનાળામાં નૈર્ઋત્ય દિશા તરફથી પવન ફૂંકાય છે, પરંતુ હાલ પવનની દિશા વારંવાર બદલાય છે. વળી, પવનની ઝડપ પણ વધારે નથી. તેથી ગરમીનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થતું નથી. તેથી, તાપમાન વધતું રહે છે. વળી, ચોક્કસ પરિબળોને કારણે ગરમ હવા ઉપર ઊઠી શકતી ન હોય અને આજુબાજુનો વિસ્તાર સૂકો હોવાથી પણ તાપમાન ઊંચું રહેતું હોય તેવી શક્યતા છે."

હવામાન વૈજ્ઞાનિક ઉમેરે છે કે અર્બન હીટ આઇલૅન્ડ ઇફેક્ટ પણ કામ કરી રહી હોઈ શકે છે અને સ્થાનિક કક્ષાએ હવાના હલકા દબાણવાળા વિસ્તારમાંથી હવાના ભારે દબાણવાળા વિસ્તારો તરફ હવા સરકી ન શકવાના કારણે તાપમાન ઊંચું રહેતું હોય તેવું બની શકે.

તેઓ એમ પણ ઉમેરે છે કે અપર ઍટમોસ્ફિયરિક વેધર (આકાશમાં પ્રવર્તમાન હવામાન)નાં પરિબળોની અસર પણ આ તાપમાન પર પડી રહી હોઈ શકે છે.

આવું ઊંચું તાપમાન કેટલા દિવસ સુધી રહેશે?

રાજકોટ, ઉનાળો, ગરમી, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં ગરમી, ગુજરાતનું હવામાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, તડકાથી બચવા રાજકોટમાં વેપારીઓએ કેટલીક બજારોમાં કાપડ બાંધીને છાંયો કર્યો છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાન ખાતાની આગાહી અનુસાર 20 એપ્રિલ સુધી ગુજરાતના હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને તાપમાન 40 ડિગ્રીની આજુબાજુ જ રહેશે.

જોકે આગાહી અનુસાર 19 એપ્રિલ સુધી દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે લોકોને મુશ્કેલી અનુભવાઈ શકે છે.

ભારતીય હવામાન ખાતાનાં શહેરો માટેના વર્તારામાં જણાવ્યું છે કે 14 એપ્રિલથી તાપમાન ઘટશે અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે.

પ્રોફેસર લુણાગરિયા કહે છે કે રાજકોટમાં અનુભવાઈ રહેલું હવામાન લાંબા સમય સુધી ટકતું નથી. તેમણે કહ્યું, "રાજકોટ હાલ એક હોટસ્પૉટ (ગરમ સ્થળ) છે, પરંતુ બે-ત્રણ દિવસમાં કોઈ અન્ય સ્થળ હોટસ્પૉટ બનશે, કારણ કે આ પ્રકારનું વાતાવરણ એક જગ્યાએ લાંબા સમય સુધી અનુભવાતું નથી."

પરંતુ તેઓ ઉમેરે છે કે રાજકોટનું હવામાન ઉનાળોએ તેની પકડ જમાવવાનું ચાલુ કરી દીધાનો સંકેત પણ છે. પ્રો. લુણાગરિયાએ કહ્યું, "હવે ઉનાળામાં જે ગરમી હોવી જોઈએ તે શરૂ થઈ ગઈ છે અને રાજકોટ તેના સંકેત આપે છે. હવે ચોમાસાનો વરસાદ ન આવે ત્યાં સુધી આ રીતે હીટ આઇલૅન્ડ્સ સર્જાતા રહેશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન