દક્ષિણ ભારતનો સાઇકલ પ્રોજેક્ટ, જેણે મહિલાઓનું જીવન બદલી નાખ્યું

દક્ષિણ ભારત, સાઇકલ પ્રોજેક્ટ, મહિલાઓનું જીવન, મહિલાઓનું જીવન, ભારતમાં મહિલાઓની સ્થિતિ, ભારત, બીબીસી ગુજરાતી, મહિલાઓના અધિકાર, ભારતની આઝાદી

ઇમેજ સ્રોત, P Sainath/PARI

ઇમેજ કૅપ્શન, સાઇકલે 1990ના દાયકામાં ભારતના સાક્ષરતા અભિયાનને નવી ઊર્જા અને ઉત્સાહ આપ્યાં
    • લેેખક, મુરલીધરન કાશીવિશ્વનાથન
    • પદ, સિનિયર રિપોર્ટર, બીબીસી તમિલ
  • વાંચવાનો સમય: 6 મિનિટ

"ભારત 1947માં આઝાદ થયો હતો, પરંતુ મને મારી આઝાદી 1992માં મળી."

55 વર્ષનાં જયાચિત્રા દક્ષિણ ભારતની એક સરકારી સ્કૂલમાં હેડ ટીચર તરીકે કામ કરે છે.

33 વર્ષ પહેલાં તેમનું જીવન ત્યારે બદલાઈ ગયું જ્યારે એક ડીએમએ રાષ્ટ્રીય સાક્ષરતા મિશનમાં એક નાનો, પરંતુ ક્રાંતિકારી ફેરફાર કર્યો. તેમાં મહિલાઓને સાઇકલ ચલાવતાં શીખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી.

જયાચિત્રા, એ લગભગ એક લાખ મહિલાઓમાં સામેલ હતાં જે ગ્રામીણ અને પરંપરાગત પરિવારોમાંથી આવતી હતી અને ક્યારેય પોતાના ઘરની બહાર પણ નીકળી નહોતી.

સાઇકલ ચલાવતાં શીખવાથી તેમને હરવા-ફરવાની આઝાદી, આત્મનિર્ભરતા અને સ્વતંત્રતા મળી.

1990ના દાયકાની શરૂઆતમાં સાઇકલ ચલાવતાં શીખનાર કેટલીક મહિલાઓએ આગળ જતાં સારા પગારવાળી નોકરીઓ મેળવી, જેનાથી તેમનું જીવન બદલાઈ ગયું અને સાથે જ તેમની પુત્રીઓ અને પૌત્રીઓનું ભવિષ્ય પણ બદલાઈ ગયું.

એક યોજનાથી શરૂઆત થઈ અને મહિલાઓને નવો માર્ગ મળ્યો

દક્ષિણ ભારત, સાઇકલ પ્રોજેક્ટ, મહિલાઓનું જીવન, મહિલાઓનું જીવન, ભારતમાં મહિલાઓની સ્થિતિ, ભારત, બીબીસી ગુજરાતી, મહિલાઓના અધિકાર, ભારતની આઝાદી

ઇમેજ સ્રોત, Arivoli Iyakkam

ઇમેજ કૅપ્શન, સાઇકલ ચલાવવાથી મહિલાઓને પાણી લાવવું અને બાળકોને શાળાએ મૂકવા જવું જેવાં રોજિંદાં કામોમાં સમય બચાવવામાં મદદ મળી
દક્ષિણ ભારત, સાઇકલ પ્રોજેક્ટ, મહિલાઓનું જીવન, મહિલાઓનું જીવન, ભારતમાં મહિલાઓની સ્થિતિ, ભારત, બીબીસી ગુજરાતી, મહિલાઓના અધિકાર, ભારતની આઝાદી

ઇમેજ સ્રોત, Arivoli Iyakkam

ઇમેજ કૅપ્શન, ડીએમ શીલા રાની ચંકથ સાઇકલ ચલાવનાર મહિલાઓનું સ્વાગત કરતાં હતાં

1988માં ભારતમાં રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની શરૂઆત કરવામાં આવી હતી. તેનો હેતુ સાક્ષરતા અને ગાણિતિક સમજ વધારવાનો અને લોકોને તેમના મૂળભૂત અધિકારો પ્રત્યે જાગૃત કરવાનો હતો.

ભારતના દક્ષિણી શહેર ચેન્નાઈથી લગભગ 380 કિલોમીટર દૂર દક્ષિણમાં આવેલા પુડુકોટ્ટઈ જિલ્લામાં આ યોજનાને 'એનલાઇટનિંગ મૂવમેન્ટ' નામથી ઓળખવામાં આવી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1991ની વસ્તીગણતરી અનુસાર, આ જિલ્લામાં અડધાથી પણ ઓછી મહિલાઓ વાંચી-લખી શકતી હતી.

લગભગ 2,70,000 મહિલાઓ નિરક્ષર હતી.

તેની એક બેઠકમાં હાજર રહેલાં 'એનલાઇટનમેન્ટ મૂવમેન્ટ'નાં કો-ઑર્ડિનેટર કન્નમ્મલ યાદ કરે છે, "સાક્ષરતા મિશન વિશે મંથન કરવા દરમિયાન એ સ્પષ્ટ થઈ ગયું હતું કે આ યોજનાથી સૌથી વધુ લાભ મહિલાઓને થશે."

સાક્ષરતા અભિયાને અનુમાન કર્યું કે આ મહિલાઓને ભણાવવા માટે 30,000 સ્વયંસેવકોની જરૂર પડશે અને આ લૉજિસ્ટિક પડકારથી સાઇકલ યોજનાની શરૂઆત થઈ.

સમસ્યા એ હતી કે નિરક્ષર મહિલાઓના પરિવાર ઇચ્છતા હતા કે તેમને ભણાવનાર શિક્ષક પણ મહિલા હોય, પરંતુ ખૂબ ઓછી મહિલાઓની પાસે પોતાનું કોઈ સાધન હતું, જેનાથી તેઓ આવ-જા કરી શકે.

તે સમયે જિલ્લાનાં વરિષ્ઠ સિવિલ સેવક શીલા રાની ચંકથે બીબીસી ન્યૂઝને કહ્યું, "તે સમયે મહિલાઓની પાસે સાઇકલ કે મોપેડની સુવિધા નહોતી. તેઓ સ્વતંત્ર રીતે મુસાફરી નહોતી કરી શકતી. મને લાગ્યું કે આ તક ઊભી કરવી જરૂરી છે."

તેઓ કહે છે, "સાઇકલ ચલાવવાથી મહિલાઓમાં આઝાદી અને આત્મવિશ્વાસની ભાવના જાગી."

"કેટલાક અધિકારીઓ મહિલા સ્વયંસેવકોની ભરતીના વિરોધી હતા. તેમનું કહેવું હતું કે મહિલાઓ દૂરનાં અંતરિયાળ ગામો સુધી નથી જઈ શકતી."

કન્નામ્મલ જણાવે છે, "પરંતુ જિલ્લા કલેક્ટર ચંકથે તેમની દલીલોને નકારી દીધી."

તેઓ કહે છે, "જ્યારે મહિલાઓએ સ્વતંત્ર રીતે મુસાફરી કરવાનું શરૂ કર્યું, ત્યારે તેમને અહેસાસ થયો કે તેઓ બધું જ કરી શકે છે. તેનાથી પુરુષો દ્વારા ઊભી કરવામાં આવેલા બાકીના બધા અવરોધોને તોડવાનો રસ્તો ખૂલી ગયો."

સફળતાની કહાણીઓ

દક્ષિણ ભારત, સાઇકલ પ્રોજેક્ટ, મહિલાઓનું જીવન, મહિલાઓનું જીવન, ભારતમાં મહિલાઓની સ્થિતિ, ભારત, બીબીસી ગુજરાતી, મહિલાઓના અધિકાર, ભારતની આઝાદી
ઇમેજ કૅપ્શન, જયાચિત્રા પોતાની સફળતાનું મોટું શ્રેય સાઇકલ યોજનાને આપે છે

આ પરિયોજનાએ આગળ જતાં જુદા-જુદા સામાજિક વર્ગોની મોટી સંખ્યાની મહિલાઓની મદદ કરી. તેમાં મહિલા ટીચર્સ અને વિદ્યાર્થિનીઓ પણ સામેલ હતાં.

પ્રમાણમાં શિક્ષિત જયાચિત્રા કહે છે, "તે સમયે એક ગુલામની જેમ જીવન જીવતી હતી. મારા પિતા મને બારી ખોલીને બહાર જોવાની પણ મંજૂરી નહોતા આપતા."

એ જમાનામાં અપરિણીત મહિલાઓને મોટા ભાગે પુરુષોની નજરથી દૂર રાખવામાં આવતી હતી.

તેઓ કહે છે, "10મું ધોરણ પૂરું કર્યા પછી મારા સંબંધીઓએ મને કહ્યું કે હું સિલાઈ કે ટાઇપિંગ શીખી લઉં."

સામાન્ય રીતે આ કામોને મહિલાઓ માટે સુરક્ષિત અને યોગ્ય માનવામાં આવતાં હતાં.

જયાચિત્રાએ ગણિતમાં 99 માર્ક મેળવ્યા હતા. આવાં સૂચનોથી તેઓ ખૂબ જ નિરાશ થઈ ગયાં.

તેમનાં માતાએ તેમના અભ્યાસ માટે પોતાનાં લગ્નનાં ઘરેણાં ગીરવી મૂક્યાં, જેથી જયાચિત્રા ટીચર ટ્રેનિંગનો કોર્સ કરી શકે.

સાક્ષરતા મિશન હેઠળ તેમને પડોશી ગામની મુસ્લિમ મહિલાઓને ભણાવવા માટે પસંદ કરવામાં આવ્યાં.

દક્ષિણ ભારત, સાઇકલ પ્રોજેક્ટ, મહિલાઓનું જીવન, મહિલાઓનું જીવન, ભારતમાં મહિલાઓની સ્થિતિ, ભારત, બીબીસી ગુજરાતી, મહિલાઓના અધિકાર, ભારતની આઝાદી
ઇમેજ કૅપ્શન, વસંતા શિક્ષણને ખૂબ મહત્ત્વ આપે છે અને હવે મેડિકલ ક્ષેત્રમાં કરિયર બનાવતી પોતાની પૌત્રી નવીનાને સહકાર આપી રહ્યાં છે

જયાચિત્રોને અહેસાસ થયો કે ત્યાં ચાલતાં જવું અઘરું પડશે, એટલે પછી તેમણે સાઇકલ ચલાવતાં શીખવાની તક મેળવી લીધી.

તેઓ યાદ કરે છે, "હું લાંબું સ્કર્ટ અને હાફ સાડી પહેરતી હતી. એ સમયે મહિલાઓ માટે અલગ સાઇકલ નહોતી, તેથી હું પુરુષોવાળી સાઇકલ જ ચલાવતાં શીખી ગઈ."

તેનાથી એક જુદા પ્રકારની સમસ્યા પણ સામે આવી. મહિલાઓની સાઇકલમાં હૅન્ડલ અને સીટ વચ્ચેની ડંડી નીચી હોય છે, જેનાથી સાડી પહેરીને બેસવું અને ચલાવવાનું સરળ થઈ જાય છે.

જયાચિત્રા ઘણી વખત પડી પણ ગયાં, પરંતુ સાઇકલ ચલાવવાના લાભ તેમને ખૂબ જ રોમાંચિત કરતા હતા.

તેઓ કહે છે, "મારું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું. હું મને એક પતંગિયા જેવી અનુભવવા લાગી. હું સાંજ પડવાની રાહ જોતી હતી, કેમ કે, ત્યારે હું સાઇકલ ચલાવીને વર્ગોમાં જતી હતી."

તેઓ કહે છે, "શરૂઆતમાં મારા પિતા આના વિરોધી હતા, પરંતુ પછી તેમનું મન બદલાઈ ગયું અને તેમણે મારા માટે સાઇકલ ખરીદી આપી. તે મારા જીવનનો સૌથી સારો દિવસ હતો."

વસંતા હવે પચાસ વર્ષનાં થવા આવ્યાં છે. તેઓ પહેલાં નિરક્ષર હતાં અને એક ગરીબ દલિત પરિવારમાંથી આવે છે.

એક એવો સામાજિક વર્ગ, જેણે સદીઓ સુધી ભેદભાવ અને એકલતા સહન કર્યાં છે. તેમનાં લગ્ન નાની ઉંમરે થઈ ગયાં હતાં અને તેમના પતિ પણ નિરક્ષર હતા.

દક્ષિણ ભારત, સાઇકલ પ્રોજેક્ટ, મહિલાઓનું જીવન, મહિલાઓનું જીવન, ભારતમાં મહિલાઓની સ્થિતિ, ભારત, બીબીસી ગુજરાતી, મહિલાઓના અધિકાર, ભારતની આઝાદી

ઇમેજ સ્રોત, Arivoli Iyakkam

ઇમેજ કૅપ્શન, 1990નાં શરૂઆતનાં વરસોમાં પુડુકોટ્ટઈમાં ગ્રામીણ મહિલાઓને સ્વતંત્ર રીતે મુસાફરી કરતી જોવી ખૂબ જ દુર્લભ હતું

જ્યારે તેઓ એક ખાણમાં ઓજારોથી પથ્થર તોડવાનું કામ કરતાં હતાં, ત્યારે 'એનલાઇટનિંગ મૂવમેન્ટ'ના પ્રતિનિધિ તેમને મળ્યા.

ત્યાં સુધીમાં સાઇકલ ચલાવવી આ પ્રોજેક્ટનો એક મહત્ત્વનો ભાગ બની ગયો હતો અને તેમાં ભાગ લેનાર મહિલાઓ આ કોશલ્ય પણ શીખી શકતી હતી.

વસંતાએ બીબીસીને જણાવ્યું, "સાક્ષરતા આંદોલનના લોકોએ અમને જણાવ્યું કે જો અમે સાઇકલ ચલાવતાં શીખી જઈએ, તો અમને સાઇકલ મળી શકે છે."

શરૂઆતમાં તેઓ ખંચકાતાં હતાં અને તેમને શરમ આવતી હતી, પરંતુ પોતાના ગામમાં વધી રહેલા ઉત્સાહની લહેરને તેઓ નજરઅંદાજ ન કરી શક્યાં.

તેઓ કહે છે, "એ સમયે અમારા ગામમાં ખૂબ ઓછાં ઘરોમાં સાઇકલ હતી, તો પણ હું એક સાઇકલ ઉધાર લઈને શીખી શકી."

પછી તેમણે પોતાના માટે સાઇકલ ખરીદી લીધી, જેનો ઉપયોગ તેઓ નિયમિત રીતે ઘર માટે પાણી લાવવામાં કરતાં હતાં.

વાંચતાં-લખતાં અને ગણતાં શીખ્યા પછી તેમણે પોતાના જેવી અન્ય મહિલાઓની સાથે મળીને પથ્થરની એક ખાણ ભાડાપટ્ટે લીધી અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો.

વસંતા કહે છે કે સાઇકલ કાર્યક્રમે તેમનો આત્મવિશ્વાસ વધાર્યો અને તેમને આઝાદી અને સન્માન અપાવ્યાં. હવે તેઓ પોતાની પૌત્રીનો આધાર બની રહ્યાં છે, જે ડૉક્ટર બનવા માગે છે.

'મારે કોઈના પર આધારિત રહેવાની જરૂર નથી'

દક્ષિણ ભારત, સાઇકલ પ્રોજેક્ટ, મહિલાઓનું જીવન, મહિલાઓનું જીવન, ભારતમાં મહિલાઓની સ્થિતિ, ભારત, બીબીસી ગુજરાતી, મહિલાઓના અધિકાર, ભારતની આઝાદી
ઇમેજ કૅપ્શન, જયાચિત્રા હવે સ્કૂટર ચલાવે છે

આજે પુડુકોટ્ટઈનાં લગભગ બધાં ગામમાં વસંતા જેવી ઘણી બધી મહિલાઓ મળી આવશે.

કેટલીકે નાના વ્યવસાય શરૂ કર્યા અને ઘણી મહિલાઓ અસંગઠિત સિઝનલ ખેતીકામથી આગળ વધીને ઑફિસની નોકરીઓ સુધી પહોંચી છે.

સાક્ષરતાએ મહિલાઓને એ સમજવામાં મદદ કરી છે કે તેમને ખૂબ ઓછું મહેનતાણું આપવામાં આવતું હતું. ઘણા કિસ્સામાં તેઓ સફળતાપૂર્વક પોતાનું મહેનતાણું વધારવામાં સફળ પણ રહી.

સાઇકલ ચલાવવાએ મહિલાઓને ઘરની બહારના જીવન માટે પુરુષ સંબંધીઓ પર આધારિત રહેવાથી મુક્ત કરી દીધી.

ખાસ કરીને એવા સમયે જ્યારે મોટા ભાગનાં ગામોમાં પાકો રસ્તો નહોતો અને પબ્લિક ટ્રાન્સપૉર્ટ પણ બરાબર વિકસ્યું નહોતું.

11 ઑગસ્ટ, 1992એ પુડુકોટ્ટઈને સંપૂર્ણ સાક્ષર જિલ્લો જાહેર કરી દેવાયો.

પુડુકોટ્ટઈમાં આજે સાઇકલ ચલાવતી મહિલાઓ દેખાવી તે સામાન્ય વાત છે, પરંતુ જયાચિત્રા હવે તેમનામાં સામેલ નથી.

હવે તેઓ સ્કૂટરનો ઉપયોગ કરે છે અને તેમની પુત્રીએ તો કાર પણ ખરીદી લીધી છે.

જયાચિત્રા કહે છે, "સાઇકલ ચલાવવાથી મારા જેવા લોકોમાં આત્મવિશ્વાસ જન્મ્યો. તેનાથી મને અનુભૂતિ થઈ કે મારે કોઈના પર આધારિત રહેવાની જરૂર નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન