કૅરેબિયન સમુદ્રનો સ્વર્ગ જેવો ટાપુ, જેના સાગરતટે ખુદ ત્યાંના રહેવાસીઓ જ નથી જઈ શકતા

જમૈકા, પ્રવાસન, બીબીસી ગુજરાતી, પ્રકૃતિ, દરિયો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તાજેતરનાં વર્ષોમાં જમૈકામાં સાર્વજનિક દરિયાકાંઠાની સંખ્યા ઘટી ગઈ છે
    • લેેખક, લેબાવિત લિલી ગિરમા
    • પદ, બીબીસી ટ્રાવેલ
  • વાંચવાનો સમય: 6 મિનિટ

2014માં જમૈકાના ઉત્તરીય કાંઠા તરફની એક રોડ ટ્રિપ દરમિયાન હું લન્ચ લેવા માટે મામ્મી બૅ બીચ પર થોભી હતી. ભૂરાશ પડતા સમુદ્રના કિનારા પર પથરાયેલી સફેદ રેતી જોઈને હું મંત્રમુગ્ધ થઈ ગઈ હતી.

તે સમયે મને ત્યાંનું એક સ્થાનિક દૃશ્ય યાદ રહી ગયું હતું: દિવસભરનું કામ કર્યા પછી કિનારા પર ઊભેલી માછીમારોની હોડીઓ અને રેતીમાં રમી રહેલાં બાળકો.

2020માં રેતીના તે વિશાળ પટ્ટાના અમુક ભાગને લાખો ડૉલરના લક્ઝરી રિઝોર્ટ તથા રહેણાક સંકુલ બનાવવા માટે ખાનગી ડેવલપરને વેચી દેવાયો. ત્યાં કોંક્રિટની દીવાલ ઊભી કરી દેવાઈ અને સ્થાનિક લોકો માટે બીચ બંધ કરી દેવાયો.

નજીકના જ સ્ટીયર ટાઉન સમુદાયમાં રહેતા અને પેઢી દર પેઢીથી તે સાગરતટ પર હોડી લાંગરતા માછીમારોને અચાનક જ સમુદ્ર જળ સુધી પહોંચવાની મનાઈ ફરમાવી દેવાઈ.

સરકારે જ્યારે આસપાસની જમીન ખાનગી રહેઠાણો બનાવવા માટે ચાઇના હાર્બર એન્જિનિયરિંગ કંપનીને વેચી દીધી, તે પછી ત્યાં સ્વિમિંગ માટેના લોકપ્રિય સ્થળ - રોરિંગ રિવરના ઉપયોગ પર નિયંત્રણો મુકાઈ ગયાં.

જમૈકા બીચ રાઇટ એન્વાયરમેન્ટલ મૂવમેન્ટ (જેએબીબીઈએમ)ના સહ-સ્થાપક ડેવોન ટેલરે ફરિયાદ કરતાં કહ્યું હતું, "સેંકડો વર્ષોથી વપરાઈ રહેલા બીચ કે નદીના ઉપયોગ પર એકાએક પ્રતિબંધ મૂકી દેવામાં આવે, આવું શી રીતે બની શકે?"

જમૈકાના તટપ્રદેશો માટે ચાલી રહેલી લડત

જમૈકા, પ્રવાસન, બીબીસી ગુજરાતી, પ્રકૃતિ, દરિયો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સેન્ડલ્સ જેવી આંતરરાષ્ટ્રીય હોટલ ચેઇન્સે સ્થાનિક કાયદાઓનો ફાયદો ઉઠાવીને જમૈકાના દરિયાકાંઠાનો ઘણો ભાગ હસ્તગત કરીને ત્યાં રિઝોર્ટ્સ વિકસાવી દીધા છે

ઘણા વિદેશી પ્રવાસીઓ માટે જમૈકાનો પર્યાય છે - સફેદ રેતીથી આચ્છાદિત સમુદ્રકાંઠા અને લહેરાઈ રહેલાં તાડનાં વૃક્ષો.

2024માં 43 લાખ પ્રવાસીઓએ આ ટાપુનો પ્રવાસ ખેડ્યો હતો અને તેમાંથી ઘણાં પ્રવાસીઓ તેનાં કાચ જેવાં પારદર્શક, નિર્મળ જળમાં સ્નાનનો આનંદ લેવા માટે આવ્યાં હતાં, પણ વક્રોક્તિ એ છે કે, આ સમુદ્રતટો સ્વયં જમૈકાના સ્થાનિક લોકોની પહોંચથી દૂર થવા માંડ્યા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટાપુના 1,022 કિલોમીટર લાંબા દરિયાકાંઠામાંથી માત્ર 0.6 ટકા ભાગ જ સ્થાનિક રહીશો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે, એમ જેએબીબીઈએમે જણાવ્યું હતું.

ટેલરે કહ્યું હતું, "કુદરતી સ્થાનો સાથેનાં અમારાં સાંસ્કૃતિક જોડાણો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયાં છે."

તેમણે ઉમેર્યું હતું, "તેઓ અમારાં કુદરતી સંસાધનો વિદેશી કંપનીઓને સોંપી રહ્યા છે."

છેલ્લા સાત દાયકાથી જમૈકાના દરિયાકાંઠાઓનું ખાનગીકરણ થઈ રહ્યું છે, પણ વિદેશી માલિકીના રિઝૉર્ટ્સ અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ્સની સંખ્યા છેલ્લાં પાંચ વર્ષોમાં અનેકગણી વધી જવા પામી છે.

તેના કારણે મામ્મી બૅ જેવાં સ્થાનિક લોકોનાં મનપસંદ સ્થળો બંધ થવા માંડ્યાં છે.

આજે, જમૈકા પ્રવાસન ઉદ્યોગથી જે 4.3 અબજ ડૉલરની આવક રળે છે, તેના ફક્ત 40 ટકા જ જમૈકામાં રહે છે.

તેમ છતાં, ટાપુના દરિયાકાંઠાઓ પર ઑલ-ઇન્ક્લુઝિવ રિઝૉર્ટ્સની સંખ્યા ઝડપથી વધી રહી છે.

2030 સુધીમાં સમગ્ર ટાપુ પર 10,000 નવા હોટલ રૂમ્સનું બાંધકામ કરવામાં આવશે.

તેમાંથી મોન્ટેગો બૅની 1,350 રૂમની હોટેલ મૂન પેલેસ ધ ગ્રાન્ટ તથા 1,000 રૂમ ધરાવતી હાર્ડ રૉક હોટલ સહિતની હોટલ દરિયાકાંઠા પર આવેલી છે. તેને પગલે ખુદ જમૈકાના જ નાગરિકો તેમના દરિયાકાંઠાથી વધુ વંચિત થશે.

જમૈકા, પ્રવાસન, બીબીસી ગુજરાતી, પ્રકૃતિ, દરિયો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જમૈકાનો મોટાભાગના દરિયાકાંઠાનું સરકારે ખાનગીકરણ કરી દીધું છે અને હવે તે હોટલો કે ખાનગી રહેઠાણો માટે અનામત છે

આ ઘટનાક્રમની સ્થિતિ મૂળ દેશના લગભગ એક સદી જૂના બ્રિટિશ વસાહતી ભૂતકાળના એક ભાગમાંથી ઉદ્ભવી છેઃ 1956નો બીચ કન્ટ્રોલ ઍક્ટ. આ કાયદો રાજ્યને સમુદ્રતટની માલિકી આપે છે અને એ નક્કી કરે છે કે, જમૈકાના નાગરિકોને પરવાનગી વિના બીચમાં તરવાનો કે તેનો ઉપયોગ કરવાનો જાહેર અધિકાર નથી. આ કાયદો હજુયે સરકારને તટવિસ્તારો ખાનગી હાથોમાં સોંપવાની છૂટ આપે છે.

જેએબીબીઈએમનું પ્રતિનિધિત્વ કરતા વકીલ માર્કસ ગોફેએ જણાવ્યા પ્રમાણે, "જમૈકાના સ્થાનિક સમુદાય પાસેથી સમુદ્ર, માછીમારીની તેમની પરંપરાગત પ્રણાલી તથા તેમની રોજગારી છિનવવામાં આવી રહ્યાં છે અને એક કે બે પેઢી બાદ તેમનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે."

2021માં જેએબીબીઈએમની સ્થાપના થઈ, તે પછી જ બીચનો ઉપયોગ કરવા માટેની જમૈકાના નાગરિકોની લડતે વેગ પકડ્યો.

હવે વધુને વધુ નાગરિકો બીચ કન્ટ્રોલ ઍક્ટ નાબૂદ કરવાની માગણી ઉઠાવી રહ્યા છે અને સમગ્ર ટાપુ પર અહીંના રહીશો બીચનો ઉપયોગ કરી શકે, તે સુનિશ્ચિત કરવા માટે હાલ ત્યાં પાંચ કોર્ટ કેસ ચાલી રહ્યા છે.

તેમાં સમાવિષ્ટ બીચ આ પ્રમાણે છેઃ મામ્મી બૅ બીચ, મોન્ટેગો બૅમાં પ્રોવિડન્સ બીચ (જ્યાં સેન્ડલ રિઝૉર્ટ્સ ઇન્ટરનૅશનલ ઓવરવૉટર બંગલો બનાવવાની યોજના ધરાવે છે), બૉબ માર્લે બીચ (જેના રાસ્તફેરિયન સમુદાયો 200 મિલિયન ડૉલરના લક્ઝરી રિઝૉર્ટ સામે લડી રહ્યા છે), લિટલ ડન નદી અને બ્લ્યૂ લગૂન, જેણે ઑગસ્ટ, 2022થી રાફ્ટિંગના સ્થાનિક વ્યવસાયોના કામકાજ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

'દરિયા સાથે અમારે ગાઢ સંબંધ છે'

જમૈકા, પ્રવાસન, બીબીસી ગુજરાતી, પ્રકૃતિ, દરિયો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જમૈકાના જગપ્રસિદ્ધ ભૂરાશપડતા બીચ દર વર્ષે વિશ્વભરનાં લાખો લોકોને આકર્ષિત કરે છે, પણ દુઃખની વાત એ છે કે, અહીંના સ્થાનિકોને જ રમણીય દરિયાકાંઠાઓનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી દેવાઈ છે

જેએબીબીઈએમનાં સહ-નિર્દેશક મોન્ટિક ક્રિસ્ટીએ જણાવ્યા અનુસાર, "મોન્ટેગો બૅમાં હવે કદાચ ચાર જ સાર્વજનિક બીચ બચ્યા છે."

પ્રોવિડન્સ બીચનું ખાનગીકરણ કરવા માગતા સેન્ડલ્સ રિઝૉર્ટ્સ સામે દાવો માંડનાર 10 વ્યક્તિમાં ક્રિસ્ટીનો પણ સમાવેશ થાય છે. ક્રિસ્ટી અને તેમનો પરિવાર બાળપણથી આ સમુદ્રમાં તરતાં આવ્યાં છે.

"આ માત્ર હક્કોનો સવાલ નથી. અમારા જેવા સમુદાયો અમારી જમીન સાથે, અમારા પર્યાવરણ સાથેઃ અમારા સમુદ્રો, હવા, દરિયાકાંઠા અને જીવસૃષ્ટિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે," એમ ગોફેએ કહ્યું હતું.

જ્યારે હું મેલિસા વાવાઝોડાના છ જ સપ્તાહ પછી ડિસેમ્બરમાં જમૈકાની રોડ ટ્રિપ માટે પરત ફરી, ત્યારે મેં જોયું કે, પશ્ચિમ અને ઉત્તર કાંઠાના મોટાભાગના બીચ ઉપલબ્ધ રહ્યા નહોતા, કારણ કે, ઑલ-ઇન્ક્લુઝિવ રિઝૉર્ટ્સે તે જગ્યા પર કબ્જો જમાવી દીધો હતો અને મામ્મી બૅ સહિતનાં સ્થળોએ પ્રવેશ ફી વસૂલવામાં આવતી હતી.

હોટલની બામ્બૂ બ્લૂ રેસ્ટોરાં મારફત બીચનો ઉપયોગ કરવા માટે મેં 1,200 જમૈકન ડૉલર્સ (7.60 અમેરિકન ડૉલર્સ) ચૂકવ્યા હતા.

જમૈકાના ઉત્તર દરિયાકાંઠા પર ડેડ ઍન્ડ બીચ અને ડિસ્કવરી બૅ જેવા ગણ્યા-ગાંઠ્યા સુંદર અને નિઃશુક્લ બીચ આવેલા છે.

ત્યાં બાળકો સાથે પરિવારો હોટલના બાર અને રેસ્ટોરાંમાં સંગીતની મોજ માણી રહ્યા હતા, જ્યારે માછીમારો માછલીઓ સાફ કરીને વેચી રહ્યા હતા.

મોન્ટેગો બૅ તથા ઓચો રિયોસ જેવાં મુખ્ય પ્રવાસન સ્થળો પર ખાનગી રિઝોર્ટ્સમાં આવનારા મહેમાનો સ્થાનિક જીવનના આ વાતાવરણથી વિમુખ થઈ રહ્યા છે.

જમૈકાનો જવાબદારીપૂર્વકનો પ્રવાસ

જમૈકા, પ્રવાસન, બીબીસી ગુજરાતી, પ્રકૃતિ, દરિયો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જમૈકાના માછીમારોને માછીમારી કરી શકાય અને હોડી નાંગરી શકાય, તેવાં સ્થળોથી વંચિત કરવામાં આવી રહ્યા છે

ગયા વર્ષે મેલિસા વાવાઝોડાએ વેરેલા વિનાશમાંથી જમૈકા બેઠું થઈ રહ્યું હતું, તે સમયે ટેલરે પ્રવાસીઓને, સ્થાનિકોને વંચિત રાખીને કેવળ ખાનગી મહેમાનોને જ બીચનો ઉપયોગ કરવાની છૂટ આપનારા રિઝૉર્ટ્સથી દૂર રહેવાની સલાહ આપી હતી.

તેમણે કહ્યું હતું, "આ અત્યંત સરળ કામ છેઃ તમારું રિસર્ચ કરો, વિચારપૂર્વક તમારા બજેટનું રોકાણ કરો અને જમૈકાનાં સ્થાનિક સ્થળોનો લાભ મેળવો."

સદ્ભાગ્યે આ બીચ પર મોજીલા વેકેશનનો આનંદ માણવાના, સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાવાના તથા સ્થાનિક વ્યવસાયોને સહાય કરવાના ઘણા રસ્તા હજુયે મોજૂદ છે.

નેગરિલના સેવન માઇલ બીચમાં સ્થાનિક માલિકીની ચારેલા ઇનમાં રોકાઈને તમે જાહેર બીચથી ગણતરીનાં ડગલાં જ દૂર હશો અને સાથે જ નૉર્મન મેનલી બૂલવાર્ડ પર જર્ક ચિકનના સ્ટૉલ તથા હસ્તકળાના બજારમાં લટાર પણ મારી શકશો.

વેવ્ઝ બીચ ક્લબમાં માસ્ટર ડ્રમર કેલબર્ટ બ્રૂક્સ સાથે વીકલી ઇવનિંગ ડ્રમ સર્કલ કે જમૈકાની માલિકીના બોટ બારમાં લાઇવ રેગે બૅન્ડની મજા માણીને સ્થાનિક સંસ્કૃતિનો અનુભવ કરવાની ઉત્તમ તક મેળવી શકાય છે.

નેગરિલથી દક્ષિણ તરફ બે કલાકના અંતરે ટ્રેઝર બીચના કાળી રેતીવાળા સમુદ્રતટો પણ જાહેર જનતા માટે સુલભ છે અને ત્યાં જમૈકાના ખેડૂતો તેમજ માછીમારો પાસેથી ભોજન મેળવતી માય ઈરી એસ્કેપ જેવી ઘણી સ્થાનિક હોટલ્સ અને વિલા આવેલાં છે.

લોકોની માગ શું છે?

જમૈકા, પ્રવાસન, બીબીસી ગુજરાતી, પ્રકૃતિ, દરિયો

ઇમેજ સ્રોત, ELIZABETH RUIZ/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, આજે જમૈકાવાસીઓએ તેમના પોતાના જ દેશોના સાગરતટો પર ન્હાવા માટે પૈસા ચૂકવવા પડે છે

ટેલર સમગ્ર ટાપુમાં જમૈકન નાગરિકો દ્વારા સંચાલિત એરબીએનબી રહેવાસો શોધવાની પણ ભલામણ કરે છે.

જમૈકાનો શાંત તથા રમણીય પૂર્વીય સાગરતટ ઘણી અંતરંગ અને જમૈકાની માલિકીની હોટેલ્સ ધરાવે છે, જેમાં સી ક્લિફ રિઝૉર્ટનો પણ સમાવેશ થાય છે.

ટાપુના સૌથી મનોહર જાહેર બીચ પૈકીના વિનીફ્રેડ બીચથી રોડમાર્ગે માત્ર 15 મિનિટના અંતરે આ ગેસ્ટહાઉસ આવેલું છે.

કિંગસ્ટનથી મોટરમાર્ગે 45 મિનિટના અંતરે બોબ માર્લે પબ્લિક બીચ આવેલો છે.

આ બીચ મુખ્યત્વે 1960ના દાયકાના ઉત્તરાર્ધમાં રાજ્ય દ્વારા કરવામાં આવેલી હેરાનગતિથી બચીને ભાગી આવેલા રસ્તાફારિયન પરિવારો માટેનું આશ્રયસ્થાન હતું.

અહીં જ મહાન રેગે કલાકાર થોડા સમય માટે રહ્યા હતા અને રેગેના દિગ્ગજો પિટર ટોશ તથા બન્ની વેઇલર સાથે મળીને સંગીતની રચના કરી હતી.

કેમાલા થોમસ રાસ્તફેરિયનની અહીં વસતી ત્રીજી પેઢી છે. અહીં આવીને વસવાટ કરનારાં લોકોમાં તેમનાં દાદી પણ હતાં.

કેમાલા મેકાઝ કિચન નામની એક નાની બીચસાઇડ રેસ્ટોરાં ચલાવે છે અને ઘણી વખત તેઓ પ્રવાસીઓ સાથે આ જગ્યાના ઇતિહાસ વિશે વાતો કરે છે.

જ્યારે નજીકમાં 200 મિલિયન ડૉલરના ખર્ચે લક્ઝરી રિઝૉર્ટ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી, ત્યારે કેમાલા અને તેમનો પરિવાર બીચ સાર્વજનિક રહે, તે સુનિશ્ચિત કરવા માટે દાખલ કરાયેલા મુકદ્દમા સાથે જોડાયાં હતાં.

તેમણે કહ્યું કે, "એવું લાગે છે કે, જાણે સરકારે અમારી સાથે મોટો વિશ્વાસઘાત કર્યો છે."

બીજી તરફ, ક્રિસ્ટી ઇચ્છે છે કે, મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષનારા નીલવર્ણી સમુદ્રનો ઉપયોગ કરવાની છૂટ જમૈસાવાસીઓને પણ મળવી જોઈએ.

"નૉર્વેમાં, જંગલ બધાનું હોય છે, જંગલ આડી વાડ ઊભી કરીને તેને બંધ નથી કરી દેવાયું," એમ તેઓ જનતાને વન પ્રદેશમાં મુક્તપણે ફરવાનો અધિકાર આપતા એલેમેન્સરેટનનો સંદર્ભ આપતાં કહ્યું હતું.

તેઓ સવાલ કરે છે, "તો પછી જમૈકાનો સમુદ્ર અને દરિયાકાંઠો અલગ શા માટે હોવા જોઈએ?"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન