India Vs WI: એ ખેલાડી જેણે એકલા હાથે ભારતને સેમિફાઇનલમાં પહોંચાડી દીધું

સંજુ સેમસન

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 2 મિનિટ

આઈસીસી ટી-20 વર્લ્ડ કપના સુપર-8ના છેલ્લા મુકાબલામાં વેસ્ટ ઈન્ડીઝને હરાવીને ભારતે સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે.

વેસ્ટ ઈન્ડીઝે ભારત સામે જીત માટે 196 રનનું લક્ષ્ય મૂક્યું હતું, જેને ભારતીય ટીમે 19મા ઓવરમાં પાંચ વિકેટ ગુમાવતાં હાંસલ કરી લીધું.

ભારતની જીતના હીરો સંજુ સેમસન રહ્યા, જેમણે 50 બૉલમાં 97 રનની નોટઆઉટ ઈનિંગ રમી.

ભારત હવે છઠ્ઠી વાર ટી-20 વર્લ્ડ કપના સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ થયું છે અને હવે 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બીજી સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ઇંગ્લૅન્ડ સામે થશે.

ભારતની ઇનિંગ

ટી20 વર્લ્ડ કપ, ઇન્ડિયા વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ, સુપર 8 રાઉન્ડ, સેમિફાઇનલમાં ભારતની ટક્કર કોની સાથે, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ, બીબીસી ગુજરાતી સ્પોર્ટ્સ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

રવિવારે કોલકતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ માટે સુપર-8 રાઉન્ડમાં ટક્કર થઈ જેમાં મહેમાન ટીમે ભારતને વિજય માટે 196 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

જેમાં ભારતે ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઇન્ડીઝે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટના ભોગે 195 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે પાંચ વિકેટે 199 રન બનાવ્યા હતા.

ભારતના સંજુ સેમસને 50 બૉલમાં 97 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 36 રન આપીને બે વિકેટ લીધી હતી.

સંજુ સેમસને ભારતને જીત અપાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સંજુ સેમસને ઑપનિંગમાં આવીને ભારતને મજબૂત સ્ટેન્ડ આપ્યું હતું. તેમણે 194ના સ્ટ્રાઇક રેટથી 97 રન બનાવ્યા હતા.

ઑપનિંગમાં ત્રીજી ઓવરમાં અભિષેક શર્મા અને પાંચમી ઓવરમાં ઇશાન કિશનની વિકેટ ગયા બાદ પણ સંજુ સેમસન ધૈર્યથી મેદાન પર ટકી રહ્યા હતા. ક્રિકઇન્ફો અનુસાર તેમની ઇનિંગમાં 88 ટકા કંટ્રોલ જોવા મળ્યો હતો. તેમણે સૂર્યકુમાર યાદવ સાથે મળીને 58 રનની અને તિલક વર્મા સાથે મળીને 42 રનની ભાગીદારી હતી.

જોકે, ભારતના ઓપનિંગ બૅટ્સમૅન અભિષેક શર્મા ફરી નિષ્ફળ રહ્યા હતા. તેમણે 11 બૉલમાં 10 રન બનાવ્યા હતા. એ પછી ફૉર્મમાં રહેલા ઇશાન કિશન છ બૉલમાં 10 રન બનાવીને આઉટ થયા હતા. બંનેએ બે-બે ચોગ્ગા ફટકાર્યા હતા.

સૂર્યકુમાર યાદવ કપ્તાની ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે 16 બૉલમાં 18 રન બનાવ્યા હતા.

પ્રારંભિક આંચકાની અસર ભારતની બેટિંગ લાઇન-અપ ઉપર જોવા મળી હતી. પાવર-પ્લૅ દરમિયાન ભારતે માત્ર 53 રન બનાવ્યા હતા.

વેસ્ટ ઇન્ડિઝની ઇનિંગ

ટી20 વર્લ્ડ કપ, ઇન્ડિયા વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ, સુપર 8 રાઉન્ડ, સેમિફાઇનલમાં ભારતની ટક્કર કોની સાથે, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ, બીબીસી ગુજરાતી સ્પોર્ટ્સ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શિમરોન હેટમાયર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વેસ્ટ ઇન્ડિઝ માટે રૉસ્ટન ચેઝે સૌથી વધુ 40 રનનો (25 બૉલ) ફાળો આપ્યો હતો. પોતાની ઇનિંગમાં તેમણે પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.

આ સિવાય કૅપ્ટન શે હૉપે 32 રન (33 બૉલ), શિમરૉન હેટમાયરે 12 બૉલમાં 27 રન બનાવ્યા હતા.

રોવમન પૉવેલ અને જેસન હૉલ્ડરે અનુક્રમે 34 (19 બૉલ) અને 37 રન (22 બૉલ) બનાવ્યા હતા.

જસપ્રીત બુમરાહે મૅચની 12મી ઓવરમાં બે વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડીઝના બે સેટ બૅટ્સમૅન સિમરોન હેટમાયર અને રોસ્ટોન ચેસને એક જ ઓવરમાં આઉટ કરી દીધા હતા.

12મી ઓવરના ત્રીજા બૉલે હેટમાયરની અને પાંચમા બૉલે રોસ્ટન ચેઝની વિકેટ જસપ્રીત બુમરાહે લીધી હતી. સૂર્યકુમાર યાદવે રોસ્ટન ચેઝનો સુંદર કૅચ કર્યો હતો. બંને બૅટ્સમૅન ભારત માટે જોખમી બની રહ્યા હતા, ત્યારે બુમરાહે અણિના સમયે આ વિકેટો લીધી હતી.

અર્શદીપસિંહે 16મી ઓવરમાં 24 રન આપ્યા હતા જે ભારતને ભારે પડ્યા.

15મી ઓવર પૂર્ણ થઈ ત્યાં સુધી વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 15 ઓવરમાં 125 રન હતો. જોકે, અર્શદીપસિંહે નાખેલી 16મી ઓવરમાં 24 રન આવતા વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 149 રને પહોંચ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન