દિલ્હી વિધાનસભાનો દરવાજો તોડીને કાર ઘૂસી, તપાસમાં શું બહાર આવ્યું? – ન્યૂઝ અપડેટ

દિલ્હી વિધાનસભા સુરક્ષામાં છીંડુ, યુપીની કાર ઘૂસાડી દીધી, સીઆરપીએફ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, દિલ્હી વિધાનસભા ખાતે ઘટના પછીની તસવીર
વાંચવાનો સમય: 6 મિનિટ

સોમવારે દિલ્હી વિધાનસભા ખાતે સુરક્ષા સંબંધો મોટો બનાવ બન્યો હતો.

એક માસ્કધારી માણસ આવ્યો હતો અને તેણે ઝડપભેર વાહન મારી મૂક્યું હતું અને ગેટ નંબર બેનો લોખંડનો દરવાજો તોડી નાખ્યો હતો.

એ પછી તેણે વિધાનસભાના સ્પીકરની કચેરીની બહાર બૂકે મૂક્યું હતું અને ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો.

ન્યૂઝ એજન્સી પીટીઆઇના રિપોર્ટ પ્રમાણે, ગાડી ઉપર ઉત્તર પ્રદેશની નંબર પ્લૅટ હતી અને આ ઘટના બપોરે બે વાગ્યા આસપાસ ઘટી હતી.

પોલીસે આ કેસમાં ડ્રાઇવર તથા અન્ય બે લોકો સહિત ત્રણની અટકાયત કરી છે અને વાહન જપ્ત કર્યું છે.

ન્યૂઝ એજન્સી એએનઆઇના રિપોર્ટ પ્રમાણે, ગાડી પૂરપાટ ઝડપે દોડી રહી હોવાથી સુરક્ષામાં તહેનાત સીઆરપીએફના (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) જવાનો પ્રતિક્રિયા નહોતા કરી શક્યા.

બૉમ્બ સ્ક્વૉડને ગાડી કે બૂકેમાંથી કશું વાંધાજનક ન મળ્યું હોવાનું એએનઆઇનો રિપોર્ટ જણાવે છે.

ઈરાનના મહત્ત્વપૂર્ણ પેટ્રોકેમિકલ પ્લાન્ટ ઉપર ઇઝરાયલે હુમલો કર્યો

મધ્યપૂર્વ એશિયા તણાવ, પેટ્રકેમિકલ પ્લાન્ટ ઉપર હુમલો, ઈરાન અને ઇઝરાયલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલે માર્ચ મહિનામાં સાઉથ પાર્સ ગૅસ ફિલ્ડ ઉપર હુમલો કર્યો, તે સમયની તસવીર

ઇઝરાયલના સંરક્ષણમંત્રી ઇઝરાયલ કાત્ઝે જાહેરાત કરી છે કે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે (આઇડીએફ) ઈરાનના પેટ્રોકેમિકલ પ્લાન્ટ પર હુમલો કર્યો છે. જે દેશનું અરધોઅરધ પેટ્રોકેમિકલ ઉત્પાદિત કરે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇઝરાયલે ગત અઠવાડિયે પણ એક પ્લાન્ટ ઉપર પણ હુમલો કર્યો હતો. ઇઝરાયલનું કહેવું છે કે બંને પ્લાન્ટ મળીને ઈરાનની કુલ 85 ટકા જેટલી પેટ્રોકેમિકલ ઉત્પાદન ક્ષમતાનો નાશ કરી દેવાયો છે, જેથી કરીના ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ કોરને (આઇઆરજીસી) સૈન્યપ્રવૃત્તિ કરવા માટે નાણાં ઊભાં કરવામાં મુશ્કેલી પડશે.

ઈરાનની અર્ધસરકારી સમાચાર સંસ્થા તસનીમે બે પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ પર હુમલાની પુષ્ટિ કરી હતી.

અમેરિકા સાથે સંઘર્ષવિરામની ચર્ચાઓ અંગે ઈરાનના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે.

ઈરાનના વિદેશ વિભાગના પ્રવક્તા ઇસ્માઇલ બગાઈએ કહ્યું, 'સંઘર્ષવિરામનો અર્થ છે કે વિરોધીઓને નવા ગુના આચરવા માટે શક્તિ ભેગી કરવાની તક આપવી. કોઈ પણ સમજુ વ્યક્તિ આવું ન કરે.'

બીબીસી ફારસી સેવાના જણાવ્યા પ્રમાણે, ઈરાનની સાપ્તાહિક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન આ વાત કરી હતી.

ઈરાનનું કહેવું છે કે યુદ્ધવિરામ તથા યુદ્ધ સમાપ્ત કરવાની સાથે ઈરાનની માગણીઓ પણ પૂર્ણ કરવી જોઈએ. સાથે જ મધ્યસ્થોના માધ્યમથી અમેરિકા સાથે વાતચીત થઈ રહી હોવાનું તેમણે સ્વીકાર્યું હતું.

ઇસ્માઇલ બગાઈએ કહ્યું, "અલ્ટીમેટમ તથા યુદ્ધઅપરાધોની ધમકીઓની વચ્ચે વાટાઘાટ શક્ય નથી. જ્યારે તમારો દુશ્મન પોતાના ગુનાની સંખ્યા વધારી રહ્યો હોય, ત્યારે તમારે ગુપ્તચર માહિતી અને દેશની સુરક્ષા ઉપર ધ્યાન આપવાનું હોય છે."

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ભારપૂર્વક જણાવ્યું, "જો તમે નિયમિત રીતે સમયાંતરે કોઈ દેશની માળખાકીય સુવિધાનો નાશ કરવાની ધમકી આપો અને નાગરિક ઠેકાણાં ઉપર હુમલા કરવાની ખુલ્લી છૂટ આપો, તો તે યુદ્ધ અપરાધનું ઉદાહરણ છે."

ઈરાન યુદ્ધ : આઇઆરજીસીના ઇન્ટેલિજન્સ ચીફનું ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં મૃત્યુ

ઈરાન, આઈઆરજીસી, કાઝેમી, ગુપ્તચર તંત્રના વડા

ઇમેજ સ્રોત, Iranian state media

ઇમેજ કૅપ્શન, માજિદ ખાદેમીની ફાઇલ તસવીર

ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોરના (આઇઆરજીસી) ગુપ્તચર સંગઠનના વડા માજિદ ખાદેમીનું ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં મૃત્યુ થયું છે.

આઇઆરજીસી નિવેદન બહાર પાડીને આ વાતની પુષ્ટિ કરી છે, તેમણે લખ્યું, "માજિદ ખાદેમીનું સોમવારે સવારે છઠ્ઠી એપ્રિલના અવસાન થયું."

ઇઝરાયલના સંરક્ષણમંત્રી કાત્ઝ તથા ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસે (આઇડીએફ) માજિદ ખાદેમીને મારવાની જવાબદારી લીધી છે.

આઇડીએફે ટેલિગ્રામ પર લખ્યું કે માજિદ ખાદેમીનું મોત "વધુ એક મોટો આંચકો" છે.

15 જૂન 2025ના ઇઝરાયલના હુમલામાં કાજેમીની હત્યાના ચાર દિવસ પછી તેમના સ્થાને ખાદેમીને આઇઆરજીસી ઇન્ટેલિજન્સ સંગઠનના કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ઈરાનની સાયબર સ્પેસની 'સંપ્રભુતાનું સંરક્ષણ' કરવાને જરૂરી ગણાવીને ગત ઑગસ્ટ મહિનામાં ખાદેમીએ સંસદને આંતરિક ઇન્ટ્રાનેટને પૂર્ણ કરવાને પ્રાથમિકતા આપવાનો આગ્રહ કર્યો હતો.

બીજી બાજુ, અમેરિકાના એક અધિકારીએ નામ ન છાપવાની શરતે કહ્યું છે કે યુદ્ધવિરામ ન થાય, ત્યાં સુધી અમેરિકા અને ઈરાન વચ્ચે સફળતાપૂર્વક વાતચીત થાય, એની શક્યતા મુશ્કેલ છે.

અધિકારીએ કહ્યું હતું કે ઈરાન અને અમેરિકા વચ્ચે ગત બે અઠવાડિયાંથી મધ્યસ્થતાના પ્રયાસ ચાલી રહ્યા છે, જોકે, તેનો ખાસ્સો ભાગ સાર્વજનિક કરવામાં નહોતો આવ્યો.

અધિકારીએ કહ્યું હતું કે ઈરાન સુધી સંદેશ પહોંચાડવા તથા જવાબ મેળવવામાં સમય લાગી રહ્યો છે. એક જવાબ આવતા સરેરાશ એક દિવસનો સમય લાગી રહ્યો છે. ઈરાનને કહેવામાં આવ્યું છે કે જો સ્ટ્રેટ ઑફ હોર્મુઝને ફરીથી ખોલવા મુદ્દે સમજૂતી ન થઈ, તો "બધું ઉડાવી દેવામાં" આવશે.

પાકિસ્તાન, તુર્કી અને ઇજિપ્ત પણ મધ્યસ્થતાના પ્રયાસ કરી રહ્યા છે. એવું કહેવાય છે કે શનિવારે તેમણે આ ત્રણ દેશોના વિદેશમંત્રીઓએ વિટકૉફ તથા ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચી સાથે ફોન ઉપર વાતચીત કરી હતી.

ઈરાને અમેરિકા-ઇઝરાયલને આપી ચેતવણી, 'જો નાગરિકોને નિશાન બનાવશે તો...'

આ નિવેદન ઈરાનના ઈસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન બ્રોડકાસ્ટિંગ (આઈઆરઆઈબી) પર પ્રકાશિત કરવામાં આવ્યું છે. (ફોટો: મસૂદ પેઝેશ્કિયાન)

ઇમેજ સ્રોત, Iranian Presidency/Anadolu via Getty Images

ઇમેજ કૅપ્શન, આ નિવેદન ઈરાનના ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન બ્રૉડકાસ્ટિંગ (આઇઆરઆઇબી) પર પ્રકાશિત કરવામાં આવ્યું છે. (ફોટો: મસૂદ પેઝેશ્કિયાન)

ઈરાનના સરકારી મીડિયા અનુસાર, ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ઇઝરાયલ ઈરાનના નાગરિકોને નિશાન બનાવશે, તો તે વધુ "ખતરનાક" જવાબ આપશે.

ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર (ઈરાનનું સર્વોચ્ચ લશ્કરી કમાન્ડ યુનિટ)ના પ્રવક્તાએ જણાવ્યું હતું, "જો સામાન્ય નાગરિકો પર હુમલાઓનું પુનરાવર્તન થયું, તો અમારા આગામી હુમલાઓ અને બદલો પહેલાં કરતાં વધુ ખતરનાક અને મોટા પાયે હશે."

આ નિવેદન ઈરાનના ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન બ્રૉડકાસ્ટિંગ (આઇઆરઆઇબી) પર પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

ઈરાનની આ ચેતવણી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ આપી છે. ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન મંગળવાર સુધીમાં હોર્મુઝ સામુદ્રધુનીને ફરીથી નહીં ખોલે તો "અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ અને બ્રિજ પર હુમલો કરશે."

ટ્રમ્પની ધમકી અંગે ઈરાને આંતરરાષ્ટ્રીય સમુદાયો અને તમામ દેશોને કહ્યું છે કે આવા ભયાનક વૉર ક્રાઇમને રોકવા તેમની કાનૂની જવાબદારી છે.

તહેરાન યુનિવર્સિટી પર હુમલો, આસપાસના વિસ્તારોમાં ગૅસ સપ્લાય બંધ

શરીફ યુનિવર્સિટી ઑફ ટેકનોલૉજીની આસપાસના વિસ્તારમાં ગેસ પુરવઠો અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે (પ્રતિકાત્મક તસવીર: 4 એપ્રિલના રોજ શાહિદ બેહેશ્તી યુનિવર્સિટી પર થયેલા હુમલાનો ફોટો)

ઇમેજ સ્રોત, Kaveh Kazemi/Getty Images

ઇમેજ કૅપ્શન, શરીફ યુનિવર્સિટી ઑફ ટૅક્નૉલૉજીની આસપાસના વિસ્તારમાં ગૅસ પુરવઠો અસ્થાયી રીતે બંધ કરી દેવાયો છે. (પ્રતીકાત્મક તસવીર: 4 એપ્રિલના રોજ શાહિદ બેહેશ્તી યુનિવર્સિટી પર થયેલો હુમલો)

સોમવારે સવારે ઈરાનની રાજધાની તહેરાનમાં શરીફ યુનિવર્સિટી ઑફ ટેક્નૉલૉજીના ગૅસ સ્ટેશન પર હુમલો થયો હતો.

આ માહિતી તહેરાનના જિલ્લા-9ના મેયરે આપી છે.

યુનિવર્સિટીની આસપાસના વિસ્તારમાં ગૅસ પુરવઠો અસ્થાયીરૂપે બંધ કરવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુનિવર્સિટીના કેટલાક ભાગો, જેમ કે ઇન્ફૉર્મેશન ટૅક્નૉલૉજી સેન્ટર બિલ્ડિંગ અને યુનિવર્સિટી મસ્જિદ પણ હુમલાથી પ્રભાવિત થયા હતા.

સોમવારે સવારે જાહેર કરાયેલી તસવીરોમાં તહેરાનના પશ્ચિમી વિસ્તારોમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.

યુદ્ધ શરૂ થયું ત્યારથી ઘણી યુનિવર્સિટીઓ પર હુમલા થયા છે, જેમાં તહેરાન યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી અને શાહિદ બેહેશ્તી યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપવામાં આવેલી સમયમર્યાદા મંગળવાર સુધી લંબાવી હતી. તેમણે કહ્યું હતું કે મંગળવારે ઈરાનના પાવર પ્લાન્ટ અને બ્રિજ પર હુમલા થશે.

ટ્રમ્પે અપશબ્દો સાથે આપી ધમકી આપી તો ઈરાની દૂતાવાસે શું કહ્યું?

અમેરિકા, ઈરાન, ઇઝરાયલ, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સામુદ્રધુનીને લઈને બોલેલા અપશબ્દો બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્યાપક વિરોધનો સામનો કરી રહ્યા છે.

રવિવારે ટ્રુથ સોશિયલ પર કરેલી એક પોસ્ટમાં ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો, તેમણે તાત્કાલિક હોર્મુઝ સામુદ્રધુની ફરીથી ખોલવાની અથવા ગંભીર પરિણામો ભોગવવા અંગેની ચેતવણી આપી હતી.

તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પર ન્યૂ યૉર્કના ડેમૉક્રેટિક પાર્ટીના સાંસદ ચક શુમરે આકરી ટિપ્પણીઓ કરી છે.

દરમિયાન, થાઇલૅન્ડમાં ઈરાની દૂતાવાસે ટ્રમ્પની પોસ્ટ પછી લખ્યું, "જે રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ અપશબ્દોથી ભરેલી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે તેનાથી એવું લાગે છે કે અમેરિકા પહેલાંથી જ પાષાણ યુગમાં પહોંચી ગયું છે."

શુમરે સોશિયલ મીડિયા પોસ્ટમાં અમેરિકન લોકોને ઇસ્ટરની શુભકામના પાઠવી, તેમણે લખ્યું, "જ્યારે તમે ચર્ચમાં જઈ રહ્યા છો અને તમારા મિત્રો અને પરિવાર સાથે ઉજવણી કરી રહ્યા છો, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ સોશિયલ મીડિયા પર એક બેકાબૂ થયેલા પાગલની જેમ બબડાટ કરી રહ્યા છે."

પાકિસ્તાનમાં ઈરાનના દૂતાવાસે ટ્રમ્પના નિવેદનનો જવાબ આપતા લખ્યું, "ડોનાલ્ડ ટ્રમ્પ સામે તેમના અસંતુલિત વર્તન અને ઉચ્ચ સ્તરીય સરકારી હોદ્દાઓ સંભાળવામાં અસમર્થતાને કારણે મહાભિયોગ ચલાવવો જોઈએ અને તેમને પદ પરથી દૂર કરવા જોઈએ."

વિદેશમંત્રી જયશંકરે ઈરાનના વિદેશમંત્રી સાથે વાત કરી

અમેરિકા, ઈરાન, ઇઝરાયલ, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Raj K Raj/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, વિદેશમંત્રી એસ જયશંકરે ત્રણ મધ્યપૂર્વીય દેશોના વિદેશમંત્રી સાથે વાત કરી (ફાઇલ ફોટો)

ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે માહિતી આપી છે કે તેમણે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચી સાથે ફોન પર વાત કરી છે.

એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું , "ઈરાનના વિદેશમંત્રી અરાગચીનો ફોન આવ્યો. વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી."

ભારતમાં ઈરાની દૂતાવાસે ઍક્સ પર જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન બંને નેતાઓએ દેશના પરસ્પર સંબંધો તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

અગાઉ, જયશંકરે સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)ના નાયબ વડા પ્રધાન અને વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાન સાથેની તેમની વાતચીત વિશે જાણકારી આપી હતી .

તેમણે કતારના વડા પ્રધાન અને વિદેશમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની સાથે પણ વાતચીત કરી .

એસ જયશંકરે ત્રણેય દેશોના વિદેશમંત્રીઓ સાથે મધ્યપૂર્વની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન