'એક આખી સભ્યતાનું મૃત્યુ થશે', ટ્રમ્પ ઈરાનમાં આજે શું કરવાના છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમય પ્રમાણે, મંગળવારે સાંજે ઈરાનને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, "આજ રાથે એક આખી સભ્યતાનું મોત થશે."
ટ્રમ્પે ઈરાનને કરાર કરવા માટે વૉશિંગ્ટનના સમય મુજબ, રાત્રે આઠ વાગ્યા સુધીનો સમય આપ્યો હતો.
ઈરાન દ્વારા હજુ સુધી કરાર અંગે કોઈ સહમતિ આપવામાં નથી આવી. સાથે જ ટ્રમ્પના તાજેતરનાં નિવેદન અંગે ઈરાને કોઈ પ્રતિક્રિયા નથી આપી.
જોકે, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોરે (આઈઆરજીસી) તેના તાજેતરના નિવેદનમાં કહ્યું છે કે તેણે અત્યારસુધી સંયમ દાખવ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિના નિવેદન ઉપર તુર્કીસ્થિત ઈરાનના દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એક પોસ્ટ મૂકી અને લખ્યું, "સિકંદરે તેને સળગાવી દીધું. મંગોલોએ તેને તારાજ કરી નાખ્યું, ઇતિહાસે તેની કસોટી કરી. ઈરાન હજુ પણ ત્યાં જ છે. સમય જેને ખતમ ન કરી શક્યું, એને એક સાઇકોપૅથની ધમકીઓ ખતમ ન કરી શકે."
ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ ઉપર શું લખ્યું?

ઇમેજ સ્રોત, EPA/Shutterstock
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ ઉપર એક પોસ્ટમાં મંગળવારે રાત્રે એક સભ્યતાના અંતની વાત કહી હતી.
ટ્રમ્પે લખ્યું, "આજે રાત્રે એક સભ્યતાનું મોત થશે તથા તે ક્યારેય પરત નહીં ફરે. હું એવું નથી ઇચ્છતો, પરંતુ કદાચ એવું જ થશે."
"શાસનપરિવર્તનનું કામ પૂરું થઈ ગયું છે, ત્યાં અલગ, વધુ સમજદાર તથા ઓછી કટ્ટર વિચારસરણીવાળા લોકો આગળ આવ્યા છે. કદાચ કંઈક ક્રાંતિકારી હદે સારું થઈ શકે છે, કોણ જાણે?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આજે રાત્રે ખબર પડી જશે. આ વિશ્વના લાંબા અને જટિલ ઇતિહાસની મહત્ત્વપૂર્ણ ક્ષણોમાંથી એક છે. 47 વર્ષની બળજબરીપૂર્વકની વસૂલાત, ભ્રષ્ટાચાર અને મૌતનો છાયો છેવટે ખતમ થશે. ઇશ્વર ઈરાનના મહાન લોકોની રક્ષા કરે."
અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ જેડી વૅન્સે કહ્યું, "હવે, ઈરાને નિર્ણય કરવાનો છે."
વૅન્સે કહ્યું કે ઈરાન ઝડપભેર વાટાઘાટો કરનારાઓમાંથી નથી. ક્યારેક-ક્યારેક એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી સુધી સંદેશ મોકલવામાં થોડું મોડું થઈ શકે છે, પરંતુ જવાબ મળશે એવો વિશ્વાસ છે, ચાહે તે પૉઝિટિવ હોય કે નૅગેટિવ.
જેડી વૅન્સે કહ્યું કે આજે રાત્રે આઠ વાગ્યા સુધીમાં ઈરાન તરફથી જવાબ મળી જશે તથા આશા વ્યક્ત કરી હતી કે તે યોગ્ય જવાબ આપશે. કારણ કે વાસ્તવમાં તેઓ પણ એવું ઇચ્છે છે કે ક્રૂડઑઇલ તથા ગૅસની સહેલાઈથી અવરજવર થતી રહે.
આઈઆરજીસીએ શું જવાબ આપ્યો?

ઇમેજ સ્રોત, EPA/Shutterstock
ટ્રમ્પના નિવેદન અંગે ઈરાને પ્રત્યક્ષ રીતે કોઈ જવાબ નથી આપ્યો, પરંતુ આઈઆરજીસીએ તેના તાજેતરના નિવેદનમાં કહ્યું છે કે તેણે અત્યારસુધી "ખૂબ જ સંયમ" દાખવ્યો છે. તથા અમેરિકા તથા તેના પ્રાદેશિક સહયોગીઓ વિરુદ્ધની કાર્યવાહી દરમિયાન "ટાર્ગેટને પસંદ કરવામાં સાવચેતી" દાખવી છે.
નિવદેનમાં જણાવાયું છે કે, "હવે આવી વાતોને કોરાણે મૂકી દેવાશે."
આઈઆરજીસીએ એમ પણ જણાવ્યું છે કે જો અમેરિકાની સેના "મર્યાદાનો ભંગ કરશે," તો તેનો જવાબ આ પ્રદેશની બહાર સુધી આપવામાં આવશે.
સાથે જ એણે ચેતવણી આપી છે કે અમેરિકા તથા તેના સહયોગી દેશોની માળખાકીય સુવિધાઓને પણ નિશાન બનાવશે. જેના કારણે આ ભૂભાગમાં ઑઇલ તથા ગૅસની સપ્લાઈ વર્ષો સુધી અવરોધિત થઈ શકે છે.
ટ્રમ્પે સોમવારે શું કહ્યું હતું?
ટ્રમ્પે સોમવારે એક પત્રકાર પરિષદમાં ધમકી આપતા કહ્યું હતું, "ઈરાનને એક જ રાતમાં ખતમ કરી શકાય એમ છે."
ટ્રમ્પે કહ્યું હતું કે જો તેમણે આપેલી સમયમર્યાદાની અંદર ઈરાન ડીલ નહીં કરે, તો એ આવતીકાલની (મંગળવાર) રાત્રે જ ખતમ થઈ શકે એમ છે.
વિશ્વના 20 ટકા ક્રૂડઑઇલનો વેપાર સ્ટ્રેટ ઑફ હોર્મુઝના રસ્તે થાય છે. અને ટ્રમ્પની ડીલ મુજબ, આ સામુદ્રધુનીને ખોલવી.
ટ્રમ્પે આપેલી ડૅડલાઇન વૉશિંગ્ટન ડીસીના સમય મુજબ, સાંજે આઠ વાગ્યે (ભારતના સમય મુજબ, બુધવારે સવારે સાડા પાંચ વાગ્યે) પૂરી થાય છે.
આ પત્રકાર પરિષદ દરમિયાન અમેરિકાના જૉઇન્ટ ચીફ્સ ઑફ ચૅરમૅન જનરલ ડાન કેન તથા સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ પણ ટ્રમ્પની સાથે હાજર હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
































