એક વર્ષથી નિષ્ફળ સૂર્યકુમાર યાદવે કેવી રીતે ટીમ ઇન્ડિયાને મુશ્કેલીમાંથી ઉગારીને જીત અપાવી?

ઇમેજ સ્રોત, Getty Images
"મને ખબર હતી કે આ એક દિવસ થશે. ગત એક વર્ષથી હું જે રીતે બેટિંગ કરી રહ્યો હતો અને ટીમની ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેમાં કંઈ થઈ નહોતું રહ્યું."
સૂર્યકુમાર યાદવનું ફૉર્મ ગત એક વર્ષથી ખૂબ જ ખરાબ રહ્યું હતું, જેના કારણે તેમની ભારે ટીકા થઈ રહી હતી. જોકે, ચાલુ વર્ષે ટીમ ઇન્ડિયાના કૅપ્ટને ન કેવળ પોતાનું ફૉર્મ પરત મેળવ્યું છે, પરંતુ વર્લ્ડકપ 2026ની પહેલી જ મૅચમાં ભારતને બહુ મોટી ઊથલપાથલથી પણ ઉગાર્યું છે.
અમેરિકા સામે બેટિંગ કરતી વેળાએ ભારતે 12.4 ઓવરમાં માત્ર 77 રન બનાવ્યા હતા અને છ મહત્ત્વપૂર્ણ વિકેટો ગુમાવી દીધી હતી.
સૂર્યકુમાર યાદવે 49 બૉલમાં 10 ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે અણનમ 84 રનનો જુમલો ખડક્યો હતો.
જવાબમાં દાવ લેવા ઊતરેલી અમેરિકાની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને માત્ર 132 રન જ બનાવી શકી હતી. આમ 29 રને ભારતનો વિજય થયો હતો.
સૂર્યકુમાર યાદવની શાનદાર ઇનિંગ

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2025માં સૂર્યકુમાર યાદવે 21 મૅચ રમી હતી, જેમાંથી તેઓ એક પણમાં અડધી સદી સુદ્ધા નહોતા ફટકારી શક્યા. આ ગાળા દરમિયાન તેમની એવરેજ માત્ર 13.62 રનની હતી અને આખા વર્ષમાં માત્ર 218 રન જ બનાવ્યા હતા.
આથી, જ જ્યારે ડિસેમ્બર મહિનામાં ટી20 વર્લ્ડકપ માટે સૂર્યકુમાર યાદવને કૅપ્ટનપદે યથાવત્ રાખવાનો નિર્ણય થયો હતો, ત્યારે નિષ્ણાતોએ બોર્ડના નિર્ણય ઉપર સવાલ ઉઠાવ્યા હતા.
નવા વર્ષમાં વર્લ્ડકપ પહેલાં ન્યૂઝીલૅન્ડ સાથે પાંચ ટી20 મૅચની સિરીઝ રમાઈ હતી, જેમાં સૂર્યકુમાર યાદવે સંકેત આપી દીધા હતા કે તેઓ ફૉર્મમાં પરત ફરી રહ્યા છે. શનિવારે તેઓ ટીમના તારણહાર બન્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતે એક પછી એક છ વિકેટો ગુમાવી દીધી હતી ત્યારે કૅપ્ટન સૂર્યકુમાર યાદવે એક છેડો પકડી રાખ્યો હતો અને 36 બૉલમાં અડધી સદી પૂર્ણ કરી હતી.
એ પછી છેલ્લી-છેલ્લી ઓવર્સમાં વાનખેડે સ્ટેડિયમની હોમ પિચ ઉપર સૂર્યકુમારે તેમની બેટિંગની ગિયર બદલી હતી અને કુલ 49 બૉલમાં 10 ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે અણનમ 84 રનનો જુમલો ખડક્યો હતો.
ભારતીય ટીમનો કુલ સ્કોર 161 રન હતો, જેમાંથી અડધા કરતાં વધુ રન એકલા સૂર્યકુમારે નોંધાવ્યા હતા.
મૅચ દરમિયાન પોતાના બૅટથી કમાલ દેખાડનારા સૂર્યકુમાર યાદવને 'પ્લેયર ઑફ ધ મૅચ' જાહેર કરવામાં આવ્યા હતા. સૂર્યકુમાર યાદવ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ વખત 'પ્લેયર ઑફ ધ મૅચ'નો ખિતાબ મેળવનારા ખેલાડી બની ગયા છે.
સૂર્યકુમાર યાદવે 105 ટી20 મૅચ રમી છે અને તેમને 17 વખત 'પ્લયેર ઑફ ધ ટુર્નામેન્ટ' પસંદ કરવામાં આવ્યા છે. ટી20 વર્લ્ડકપમાં પણ સૂર્યકુમારે 19 મૅચ રમી છે અને ચાર વખત 'પ્લેયર ઑફ ધ મૅચ' બન્યા છે.
16 વખત આ સિદ્ધિ મેળવનારા વિરાટ કોહલી આ યાદીમાં બીજા ક્રમે છે.
સૂર્યકુમારની કમાલની કપ્તાની

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મૅચમાં પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ભારતની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને અભિષેક શર્મા બીજી ઓવરના બીજા બૉલે જ ખાતું ખોલાવ્યા વિના અલી ખાનના બૉલ પર વિકેટ ગુમાવી બેઠા હતા.
આ પ્રારંભિક ફટકા બાદ ઈશાન કિશન અને તિલક વર્માએ મોરચો સંભાળવાનો પ્રયાસ કર્યો. પરંતુ પાવરપ્લેના અંત ભાગ સુધીમાં ઈશાન કિશન 20 રન બનાવીને આઉટ થઈ ગયા. વેન શાલ્કવિકે તેમને પેવેલિયન પરત મોકલ્યા.
5.2 ઓવરમાં 45ના સ્કોર પર ભારતના બંને ઓપનર આઉટ થઈ ચૂક્યા હતા. તિલક વર્મા પણ ઝાઝું ટકી ન શક્યા અને છઠ્ઠી ઓવરમાં 16 બૉલમાં 25 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યા.
એ બાદ બેટિંગ કરવા આવેલા શિવમ દુબે પણ પ્રથમ બૉલમાં જ આઉટ થઈ ગયા. આમ છ ઓવર બાદ જ ભારતીય ટીમ 46 રન પર ચાર વિકેટ ગુમાવી ચૂકી હતી.
આ બાદમાં ભારતીય ટીમે રનની ગતિ વધારી. દસ ઓવર બાદ ભારતનો સ્કોર ચાર વિકેટના નુકસાન પર 63 રન થઈ ગયો હતો. જ્યારે હાર્દિક પંડ્યા પણ 13મી ઓવરમાં ચોથા બૉલે આઉટ થઈ ગયા ત્યારે ભારતીય ટીમ ખરેખર મુશ્કેલીમાં દેખાઈ રહી હતી. તેઓ માત્ર પાંચ રન કરી શક્યા.
13 ઓવર બાદ ભારતનો સ્કોર છ વિકેટના નુકસાને 77 રન જ હતો. નબળી મનાતી અમેરિકાની ટીમ સામે એક તબક્કે ભારત દબાણ હેઠળ આવી ગયું હતું. સૂર્યકુમાર યાદવે મૅચ બાદ પોતાની મનોસ્થિતિ વર્ણવી હતી.
સૂર્યકુમાર યાદવે મૅચ પછી પ્રેઝન્ટેશન દરમિયાન કહ્યું, "માત્ર હું જ તમને જણાવી શકું છું કે 77 રનમાં છ વિકેટ ગુમાવ્યા પછી અમે કેવી સ્થિતિમાં હતા અને હું કેવું દબાણ અનુભવી રહ્યો હતો, પરંતુ એ સમયે મને વિશ્વાસ હતો કે મેં આવા સંજોગોમાં બેટિંગ કરી છે."
સૂર્યકુમાર યાદવે કહ્યું, "અમે વધુ સારી બલ્લેબાજી કરી શક્યા હોત."
તેમણે કહ્યું, "ઠીક છે, અમે આરામથી બેસીશું. આગામી મૅચ પહેલાં અમારી પાસે પાંચ દિવસનો સમય છે. અમે વધુ સશક્ત થઈને પુનરાગમન કરીશું. દિલ્હીની મૅચમાં વૉશિંગ્ટન સુંદર પણ ટીમમાં આવી જશે. હવે બધું સારું છે. તાવને કારણે બુમરાહ નહોતા રમી શક્યા. અભિષેકની તબિયત પણ સારી ન હતી, પરંતુ હવે બધું સારું થશે."
સિરાજની ટી20 વર્લ્ડકપમાં સારી શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
હર્ષિત રાણા ભારતની ટીમના ફાસ્ટ બૉલર હતા અને તેઓ વર્લ્ડકપ રમવાના હતા. જોકે, નવી મુંબઈ ખાતે દક્ષિણ આફ્રિકા સામે વાર્મ-અપ મૅચ રમાઈ હતી.
જેમાં હર્ષિત રાણાને ઘૂંટણમાં ઈજા પહોંચી હતી અને તેઓ ટુર્નામેન્ટ નહીં રમી શકે એમ બીબીસીસીઆઈના તબીબોએ જણાવ્યું હતું. આવા સમયે મોહમ્મદ સિરાજની કિસ્મત ચમકી હતી અને તેમને ટીમમાં સ્થાન મળ્યું હતું.
શનિવારની મૅચમાં તેઓ ભારત તરફથી સૌથી સફળ બૉલર સાબિત થયા હતા. તેમણે ચાર ઓવરમાં 29 રન આપીને અમેરિકાના ત્રણ બૅટ્સમૅનને પેવોલિયન ભેગા કર્યા હતા.
બૅટ્સમૅનની ખોટ બૉલરોએ પૂરી કરી

ઇમેજ સ્રોત, Getty Images
162 રન બનાવવાના લક્ષ્યાંક સાથે મેદાન ઉપર ઊતરેલી અમેરિકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી.
બીજી ઓવરની ચોથી બૉલર ઉપર સિરાજે ઓપનલર ઍન્ડ્રિયસ ગૌસને આઉટ કર્યા હતા. માત્ર આઠ રનના સ્કોરે અમેરિકાની પહેલી વિકેટ પડી હતી.
ત્રીજી ઓવરના પહેલા બૉલે અર્શદીપસિંહ અમેરિકાના કૅપ્ટન મોનાંક પટેલને આઉટ કરાવી દીધા. તેઓ કોઈ રન નહોતા બનાવી શક્યા. અમેરિકાએ 11 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.
સિરાજ ફરી ત્રાટક્યા હતા અને તેમણે બીજી ઓવરની બીજી બૉલ ઉપર સાઇતેજા મુક્કામાલાને પેવેલિયન પરત મોકલી દીધા હતા.
અમેરિકાએ 3.2 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 13 રન બનાવ્યા હતા. પાવરપ્લે દરમિયાન અમેરિકાએ ત્રણ વિકેટ ગુમાવીને 31 રન બનાવ્યા હતા.
ભારતીય બૉલરોએ શરૂઆતમાં અમેરિકાની ટીમ ઉપર જે દબાણ લાવ્યું હતું, એ કામ કરી રહ્યું હતું. 10 ઓવરના અંતે ટીમનો સ્કોર માત્ર 49 રન હતો.
મિલિંદ અને કૃષ્ણએ ચોથી વિકેટ માટે 52 બૉલમાં 58 રન બનાવ્યા. અમેરિકા ઉપરથી દબાણ ખસી રહ્યું છે એમ લાગી રહ્યું હતું, ત્યારે વરૂણ ચક્રવર્તી ત્રાટક્યા હતા. તેમણે મિલિંદને (34 રન) સ્ટમ્પ-આઉટ કરાવી દીધા હતા. 12 ઓવરના અંતે અમેરિકાનો સ્કોર 71 રન હતો.
ભારતની ઇનિંગ દરમિયાન યજમાન ટીમનો સ્કોર પણ આની આસપાસ જ હતો. આવા તબક્કે સૂર્યકુમાર યાદવે રમેલી આક્રમક ઇનિંગ તથા ઉપકપ્તાન અક્ષર પટેલે જે ટૂંકો પણ મહત્ત્વપૂર્ણ સાથ આપ્યો હતો, તે કામ આવ્યો હતો.
અમેરિકા આગળની ઇનિંગોમાં આક્રમક રીતે નહોતું રમી શક્યું. 16મી ઓવરની બીજી અને ત્રીજી બૉલ ઉપર અક્ષર પટેલે સંજય (37 રન) તથા હરમિતસિંહની વિકેટો ખેરવી હતી.
અમેરિકા મૅચમાંથી બહાર થઈ ગયું હતું અને 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને માત્ર 132 રન કરી શક્યું હતું. છતાં ભારત સામે તમામ ઓવર રમવાની કાબેલિયત મહેમાન ટીમે દેખાડી હતી. જે આગામી મૅચો દરમિયાન તેઓ કોઈ અપસેટ સર્જવા સક્ષમ છે, એ વાત છતી કરે છે.
મોહમ્મદ સિરાજે ત્રણ, અર્શદીપસિંહે બે તથા અક્ષર પટેલે બે વિકેટ લઈને ભારતના વિજયમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












