ઈરાને હોર્મુઝ સામુદ્રધુની અંગે કહ્યું, '47 વર્ષની મહેમાનગતિનો સમય પૂરો' – ન્યૂઝ અપડેટ

વાંચવાનો સમય: 6 મિનિટ

ઈરાનની સંસદના નૅશનલ સિક્યૉરિટી કમિશનના પ્રમુખ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોરના પૂર્વ કમાન્ડર ઇબ્રાહીમ અઝીઝીએ હોર્મુઝ સામુદ્રધુની અંગે કહ્યું કે ઈરાનની મહેમાનગતિનાં 47 વર્ષનો સમય ખતમ થઈ ગયો છે.

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઇબ્રાહીમ અઝીઝીએ કહ્યું, "ગ્રીક નૅશનલ ટેલિવિઝનની સાથે મારી વાતચીતમાં મેં ફરી હોર્મુઝ સામુદ્રધુનીની નવી વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો. જેમ કે અમે અગાઉ કહ્યું કે મહેમાનગતિનાં 47 વર્ષનો સમય પૂરો થઈ ગયો છે."

તેમણે કહ્યું કે "હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થવાની ઇચ્છા રાખનાર તમામ જહાજોએ ટૅક્સ આપવો પડશે."

ઇબ્રાહીમ અઝીઝીનું કહેવું છે કે 'વર્તમાન સમયમાં હોર્મુઝ સામુદ્રધુની ઈરાનની શક્તિના મૂળભૂત સ્તંભમાંની એક બની ગઈ છે.'

28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ઈરાને સામુદ્રધુનીને બંધ કરી દીધી છે.

ઈરાની તટ પાસે રહેલા આ સાંકડા દરિયાઈ રસ્તેથી સામાન્ય દિવસોમાં દુનિયાનો ઑઇલ અને ગૅસનો 20 ટકા પુરવઠો પસાર થાય છે.

રાહુલ ગાંધીએ 'કૉંગ્રેસ કાર્યકરની હત્યા' પર ટીએમસીને કેમ ઘેરી?

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર નિશાન સાધ્યું છે.

કૉંગ્રેસ નેતાનું આ નિવેદન પશ્ચિમ બંગાળમાં 'કૉંગ્રેસ કાર્યકર દેબદીપ ચેટરજીની હત્યા' બાદ આવ્યું છે.

કૉંગ્રેસનો આરોપ છે કે દેબદીપ ચેટરજીની 'હત્યા તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) સાથે સંકળાયેલા લોકોએ કરી છે'. જોકે, આ મામલામાં અત્યાર સુધી ટીએમસી કે રાજ્ય સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી.

રાહુલ ગાંધીએ રવિવારે આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરતાં ઍક્સ પર લખ્યું, "કૉંગ્રેસ કાર્યકર દેબદીપ ચેટરજીની ચૂંટણી બાદ ટીએમસી સાથે સંકળાયેલા ગુંડા તત્ત્વો દ્વારા કરાયેલી હત્યા અત્યંત નિંદનીય છે."

આ સાથે જ રાહુલ ગાંધીએ આ ઘટનાના દોષિતોની તાત્કાલિક ધરપકડ અને તેમને કઠોરમાં કઠોર સજા અપાય તેવી માગ કરી છે. તેમણે દેબદીપના પરિવાર માટે સુરક્ષા અને વળતરની માગ કરી.

શું છે મામલો?

'ધ ટેલિગ્રાફ' અખબાર પ્રમાણે, પશ્ચિમ બંગાળમાં આસનસોલમાં કૉંગ્રેસ સમર્થક દેબદીપ ચેટરજીની શનિવારના રોજ હત્યા કરી દેવાઈ.

અખબાર પ્રમાણે, દેબદીપની હત્યા તેમનાં પત્ની અને દસ વર્ષના પુત્ર સામે થઈ.

ટેલિગ્રાફે દેબદીપનાં પત્નીના હવાલાથી જણાવ્યું કે દેબદીપની હત્યા એક ઝઘડા બાદ થઈ. આ ઝઘડો તેમના ઘરની નજીક એક સડક કિનારે ઊભેલી બાઇકથી તેમની કાર અથડાયા બાદ થયો.

દેબદીપનાં પત્નીનું કહેવું છે કે ઝઘડા દરમિયાન તેમના માથા પર ઈજા થઈ અને હૉસ્પિટલ લઈ જતા સુધીમાં તેમને મૃત જાહેર કરી દેવાયા.

અખબાર પ્રમાણે, પોલીસ પ્રારંભિક જાણકારીના આધારે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

સ્થાનિક કૉંગ્રેસ નેતાઓએ આરોપ લગાવ્યો કે જે લોકોએ દેબદીપ સાથે મારઝૂડ કરી છે તેઓ ટીએમસી સાથે સંકળાયેલા છે.

પશ્ચિમ બંગાળ કૉંગ્રેસે શનિવારે ઍક્સ પર લખ્યું, "પશ્ચિમ બંગાળ પ્રદેશ કૉંગ્રેસ કમિટી આસનસોલમાં કૉંગ્રેસ સમર્થક દેબદીપ ચેટરજીની નૃશંસ હત્યાની કઠોર નિંદા કરે છે."

"તેઓ આસનસોલ ઉત્તરથી કૉંગ્રેસના ઉમેદવાર પ્રસેનજિત પુઇતાંડી સાથે ખૂબ નિકટથી કામ કરી રહ્યા હતા."

પશ્ચિમ બંગાળ કૉંગ્રેસે આરોપ લગાવ્યો, "દેબદીપ પર સત્તાધારી ટીએમસી સાથે સંકળાયેલા લોકોએ હુમલો કર્યો અને ક્રૂર માર માર્યો."

"તેની થોડી જ વાર બાદ તેમને ઈજા થતાં તેમનું મૃત્યુ થઈ ગયું."

નેતન્યાહૂએ ઇઝરાયલી સેનાને હિઝ્બુલ્લાહનાં ઠેકાણાં પર હુમલો કરવાનો આપ્યો આદેશ

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પોતાની સેનાને લેબનોનમાં 'હિઝ્બુલ્લાહનાં ઠેકાણાં પર જોરદાર હુમલો' કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય યુદ્ધવિરામને ત્રણ સપ્તાહ આગળ લંબાવવાના નિર્ણય બાદ આવ્યો છે.

આ નિર્દેશ બાદ ઇઝરાયલી સેનાએ નવા હુમલા કર્યા. આ પહેલાં શનિવારે દક્ષિણ લેબનોનમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછી છ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં.

બંને પક્ષો વચ્ચેના હાલના હુમલાઓએ યુદ્ધવિરામની સમજૂતી પર દબાણ વધાર્યું છે. તેનાથી સ્પષ્ટ છે કે આ યુદ્ધવિરામનો નિર્ણય હવે નાજૂક સ્થિતિમાં છે.

આ સમજૂતી હુમલાને સંપૂર્ણ રીતે રોકવાને બદલે હિંસાને ઓછી કરવા સુધી સીમિત બની ગઈ છે.

વૉશિંગ્ટનમાં બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચેની વાતચીત બાદ ગુરુવારે યુદ્ધવિરામને લંબાવવામાં આવ્યો હતો.

શનિવારે આ પહેલાં નબાતિયેહ જિલ્લાના યોહમોર અલ-શકીફ વિસ્તારમાં એક ટ્રક અને મોટરસાઇકલ પર ઇઝરાયલી હુમલામાં ચાર લોકોનાં મૃત્યુ થયાં. એએફપી ન્યૂઝ એજન્સી અનુસાર, આ જાણકારી લેબનોનના આરોગ્ય મંત્રાલયે આપી હતી.

મંત્રાલયે જણાવ્યું કે બિંત જુબૈલ જિલ્લાના સફદ અલ-બત્તીખ વિસ્તાર પર થયેલા હુમલામાં બે લોકોનાં મૃત્યુ થયાં અને 17 લોકો ઘાયલ થયા.

ઇઝરાયલી સેનાએ કહ્યું કે "શનિવારે હિઝ્બુલ્લાહના ત્રણ સભ્યોને મારી નાખવામાં આવ્યા."

ઇઝરાયલી સેનાએ વધુમાં જણાવ્યું કે "આ લોકો હથિયારોથી ભરેલા એક વાહનમાં સવાર હતા, તે ઉપરાંત એક મોટરસાઇકલ સવાર એક અન્ય સભ્યને પણ મારી નાખવામાં આવ્યો."

વડા પ્રધાન મોદીએ ટ્રમ્પની ડિનર પાર્ટી દરમિયાન થયેલી ગોળીબારની ઘટના પર શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ડિનર પાર્ટી દરમિયાન ફાયરિંગની ઘટનાની નિંદા કરી છે.

તેમણે કહ્યું કે "આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા થવી જોઈએ."

સાથે જ વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ, અમેરિકાનાં ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનાં સકુશળ હોવા પર રાહત થઈ હોવાનું કહ્યું છે.

પીએમ મોદીએ ઍક્સ પર લખ્યું, "વૉશિંગ્ટન ડીસીમાં એકહોટલમાં હાલની ઘટના બાદ આ જાણીને રાહત થઈ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી અને ઉપરાષ્ટ્રપતિ સુરક્ષિત છે અને તેમને કોઈ નુકસાન થયું નથી."

તેમણે લખ્યું, "હું તેમની સતત સુરક્ષિત રહેવાની અને સકુશળ રહેવાની મંગલ કામના કરું છું. લોકતંત્રમાં હિંસાને કોઈ સ્થાન નથી અને તેની સ્પષ્ટ શબ્દોમાં નિંદા થવી જોઈએ."

જાણીતા ફોટોગ્રાફર રઘુ રાયનું નિધન, આજે થશે અંતિમસંસ્કાર

જાણીતા ફોટોગ્રાફર રઘુ રાયનું શનિવારે 83 વર્ષની ઉંમરે નિધન થયું.

રઘુ રાયના અવસાનની માહિતી તેમના અધિકૃત ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર આપવામાં આવી છે. આ પોસ્ટમાં પણ જણાવવામાં આવ્યું છે કે રઘુ રાયના અંતિમસંસ્કાર રવિવાર, 26 એપ્રિલે સાંજે ચાર વાગે લોધી રોડ પર કરવામાં આવશે.

રઘુ રાયનો જન્મ 1942માં પંજાબના ઝંગ (હવે પાકિસ્તાનમાં) શહેરમાં થયો હતો.

1965માં તેમણે 'ધ સ્ટેટ્સમૅન' અખબારમાં ફોટો પત્રકાર તરીકે કાર્ય શરૂ કર્યું હતું અને 1982માં ઇન્ડિયા ટુડે માટે દસ વર્ષ સુધી ફોટો ઍડિટર તરીકે કામ કર્યું હતું.

રઘુ રાયના ફોટોગ્રાફી પર ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં છે, જેમાં 'રઘુ રાયઝ દિલ્હી', 'ધ શિખ્સ', 'કલકત્તા', 'તાજમહલ', 'ખજુરાહો', 'મદર ટેરેસા' વગેરે સામેલ છે.

રઘુ રાયને અત્યાર સુધીમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. વર્ષ 1971માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તેઓ પ્રતિષ્ઠિત મેગ્નમ ફોટો કંપની માટે પસંદ થનારા પ્રથમ ભારતીય ફોટોગ્રાફર હતા.

ટ્રમ્પે ઈરાન સાથે વાતચીત કરવા પ્રતિનિધિમંડળ કેમ ન મોકલ્યું? તેમણે જણાવ્યું કારણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેમના દૂતોનો ઇસ્લામાબાદ પ્રવાસ રદ કરવાનો નિર્ણય 'વધારે પડતા પ્રવાસો'નાં કારણોને લઈને લેવાયો હતો.

પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે અમેરિકા પાસે તમામ 'હુકમના એક્કા' છે.

તેમણે કહ્યું કે ગત દિવસોમાં કંઈ બદલાયું નથી અને અમેરિકાનું પ્રતિનિધિમંડળને આટલે દૂર 'કોઈ યોજના વગર' ન જાય.

ટ્રમ્પે કહ્યું, "ઘણો લાંબો પ્રવાસ કરવો પડે, જેમાં સમય જાય અને તે મોંઘું પણ પડે, હું ખર્ચને લઈને બહુ સચેત છું."

અમેરિકાના રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે અમેરિકા ઈરાનમાં "જે પણ હાલત સંભાળે છે" તેમની સાથે વાતચીત કરવા તૈયાર છે. તેમણે કહ્યું, "તેઓ જ્યારે ઇચ્છે ત્યારે મને ફોન કરી શકે છે."

તેમણે કહ્યું, "જેની સાથે વાતચીત કરવી પડે, હું તૈયાર છું. પરંતુ બે દિવસ રાહ જોયા પછી, આ લોકોને 16-17 કલાકનો પ્રવાસ કરવાનું કોઈ કારણ નથી અને આ રીત અમે નહીં અપનાવીએ."

ટ્રમ્પની ઉપસ્થિતિમાં ડિનરમાં ગોળીબાર, તાત્કાલિક રાષ્ટ્રપતિને બહાર કાઢ્યા, જાણો શું થયું હતું?

વૉશિંગ્ટનમાં પત્રકારો સાથે આયોજિત એક ડિનર દરમિયાન સંદિગ્ધ ગોળીબાર થયાના અવાજો સંભળાયા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા.

ટ્રમ્પ વૉશિંગટન હિલ્ટનમાં વાતચીત કરતા દેખાઈ રહ્યા હતા, ત્યારે વ્હાઇટ હાઉસના મેજ તરફ હલચલ થતાં તેમની વાતચીત રોકાઈ ગઈ.

ધડાકા જેવા તીવ્ર અવાજો સંભળાયા. એ બાદ સિક્રેટ સર્વિસના ઘણા સભ્યો "નીચે રહો, નીચે રહો" કહેતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને કાર્યક્રમ સ્થળેથી બહાર લઈ ગયા.

ટ્રમ્પના ટોચના સલાહકાર સ્ટીફન મિલરને પણ ભીડમાંથી કાઢીને બહાર લઈ જવાતા દેખાયા. મોટા ભાગના બીજા લોકો શરૂઆતમાં હલચલ દરમિયાન નીચે ઝૂકી ગયા, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પને બહાર લઈ ગયા બાદ પણ તેઓ અંદર જ રહ્યા.

બીબીસીના અમેરિકન ન્યૂઝ પાર્ટનર સીબીએસે જણાવ્યું કે સિક્રેટ સર્વિસે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયાને મંચ પરથી હઠાવી દીધાં છે.

તેમના બહાર ગયા બાદ કાઉન્ટર અસૉલ્ટ ટીમ (સીએટી)ના હથિયારબંધ એજન્ટ મંચ પર તહેનાત દેખાયા. એ દરમિયાન તેમણે પોતાની લાંબી બંદૂકો રૂમના પાછલા ભાગ તરફ તાકી રાખી હતી.

સીબીએસે જણાવ્યું કે થોડી વાર બાદ સુરક્ષાકર્મીઓએ એક અન્ય મહેમાનને ઝડપથી રૂમની સામેની બાજુએ પહોંચાડ્યા. આ દરિયાન તેઓ મેજો અને ખાલી ખુરશીઓને પાર કરતાં આગળ વધ્યા, જ્યારે મહેમાનો તળિયા પર હતા.

સીએટી ટીમે બૅરિકેડ પાડી દીધું અને સુરક્ષા ઘેરામાં મોજૂદ વ્યક્તિને બહાર લઈ ગઈ.

જોકે, આ સમગ્ર ઘટનાક્રમ બાદ એક વક્તાએ આવીને જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં જ એક જાહેરાત કરશે અને સંકેત આપ્યો કે ત્યારબાદ ડિનર ચાલુ રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન