You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અવકાશયાત્રીઓ ચંદ્રની પાછળ પહોંચ્યા અને અવકાશમાં પૃથ્વી સાથે સંપર્ક તૂટી ગયો, ફરીથી સંબંધ કઈ રીતે સાધ્યો?
નાસાના આર્ટેમિસ-2નાં ચાર અવકાશયાત્રી પૃથ્વીથી દૂર અવકાશમાં એક એવી જગ્યાએ પહોંચ્યાં, જ્યાં અત્યાર સુધી કોઈ માનવી પહોંચી શક્યો નથી અને એક સમયે ત્યાં તેમનો સંપર્ક તૂટી પણ ગયો હતો.
ઓરિયને (એટલે કે યાન) સ્પેસક્રાફ્ટ પૃથ્વીથી તેનું સૌથી દૂરનું અંતર કાપ્યું છે. આ ગ્રહથી માનવ દ્વારા કાપવામાં આવેલા સૌથી દૂરના અંતરનો નવો રેકૉર્ડ છે.
નાસા અનુસાર, આ અંતર 252,756 માઈલ (406,771 કિલોમીટર) હતું. પૃથ્વીથી સૌથી દૂરના અંતરનો અગાઉનો રેકૉર્ડ 1970માં અપોલો-13 દ્વારા સ્થાપિત કરાયો હતો.
નોંધનીય છે કે, નાસાનું ચંદ્ર પરનું પ્રથમ મિશન પચાસ વર્ષ પહેલાં થયું છે. આર્ટેમિસ-2 મિશનનું રૉકેટ ફ્લોરિડાના કેપ કેનાવેરલસ્થિત કૅનેડી સ્પેસ સેન્ટરથી લૉન્ચ થયું હતું.
આ મિશન 1 એપ્રિલે શરૂ થયું હતું. આ 10 દિવસના મિશન દરમિયાન અવકાશયાત્રીઓ ચંદ્રની સપાટી પર ઊતરશે નહીં, પરંતુ તેની આસપાસ ભ્રમણ કરશે.
આ ભ્રમણ દરમિયાન છ એપ્રિલે રાત્રે, આર્ટેમિસ-2 અવકાશયાત્રીઓ ચંદ્રની પાછળ મુસાફરી કરતાં હતાં, ત્યારે તેમનો પૃથ્વી સાથેનો સંપર્ક લગભગ 40 મિનિટ સુધી તૂટી ગયો હતો.
તે બાદ ફરીથી સંપર્ક થયો અને અવકાશયાત્રી ક્રિસ્ટીના કોચે કહ્યું: "પૃથ્વી પરથી ફરીથી સાંભળવું ખૂબ જ આનંદદાયક છે."
અંદાજે 40 મિનિટ સુધી નાસાથી સંપર્ક તૂટ્યો
આ મિશન દરમિયાન ઓરિયન સ્પેસક્રાફ્ટ ચંદ્રના એક બહુ મોટા ભાગની પાછળ છુપાઈ ગયું અને પૃથ્વી સાથે રેડિયો સંપર્ક ગુમાવી બેઠું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એન્જિનિયરો અગાઉથી જ જાણતા હતા કે આ ક્ષણ આવવાની છે. એટલે તેઓ પહેલેથી તૈયાર હતા, પરંતુ જ્યારે સિગ્નલ તૂટી ગયું, ત્યારે આવી ક્ષણો તણાવપૂર્ણ સાબિત થતી હોય છે.
આ સમયે, ચારેય અવકાશયાત્રીઓ ચંદ્રની એક દૂરની કક્ષાએ ભ્રમણ કરી રહ્યાં હતાં. આ જગ્યા ઘણી દૂર હતી અને હજુ સુધી છેલ્લાં 50 વર્ષથી પણ વધુ સમયથી કોઈ પણ માનવી ત્યાં સુધી પહોંચી શક્યો નથી. મિશન કંટ્રોલ તરફથી તેમને કોઈ દિલાસો આપનારો આવાજ પણ આવતો ન હતો, માત્ર પંખા અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો હળવો અવાજ સાંભળતો હતો.
આ સમયે એવી પરિસ્થિતિ હતી કે, પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ થોડીક ક્ષણો સુધી તેમના સંપર્કની રાહ જોવા સિવાય કંઈ કરી શકે નહીં.
તે દરમિયાન અવકાશયત્રીઓએ બારીની બહાર એવાં દૃશ્યો નિહાળ્યાં, જેને આપણે હજુ સુધી ફક્ત રોબૉટ્સની મદદથી મૅપ કર્યાં છે, જેમાં ઊભી દીવાલવાળા ખાડાઓ, પ્રાચીન ઉલ્કાપિંડો અને અબજો વર્ષોના કાટમાળથી ધસી પડેલા ઉચ્ચપ્રદેશોનો સમાવેશ થાય છે.
જ્યારે સંપર્ક તૂટ્યો ત્યારે અવકાશયાત્રીઓએ શું કર્યું?
ઓરિયન ચંદ્રની સૌથી નજીકથી પસાર થયું ત્યારે અંતરિક્ષયાનને સપાટીથી કેટલાક હજાર માઈલ દૂર સુધી લાવી દીધું હતું. આ અંતરથી ચંદ્ર સ્ક્રીન પર સંપૂર્ણપણે દેખાતો હોય છે.
વૈજ્ઞાનિકો આ તસવીરો લેવાની સાથે, મિશનનો ઉદ્દેશ્ય ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ અવકાશયાત્રીઓને ઘરે પાછા આવવા માટે પણ કરતા હતા, તેઓ ચંદ્રનો ઉપયોગ એક ગોફણની જેમ કરતા હોય છે.
સંપર્ક તૂટ્યો તે દરમિયાન ક્રૂ મેમ્બરો વ્યસ્ત રહ્યાં. તેમના કૅમેરાએ એવી વિશેષ તસવીરો કેદ કરી હતી, જેની તપાસ પૃથ્વી પરના ચંદ્ર ભૂસ્તરવૈજ્ઞાનિકો કરશે, જેમાં ચંદ્ર પરના નવા ખાડાઓ, પ્રાચીન લાવાનાં મેદાનો અને ચંદ્રના પોપડાના ઢોળાવ જ્યાં ભળી ગયા છે તે ખીણોનો સમાવેશ થાય છે.
ઉપરાંત ક્રૂને ઝડપથી પેન્સિલ સ્કેચ અને વૉઇસ નોટ્સ બનાવવાનું પણ કહેવાયું હતું, જેમાં એવી વિગતો અંકિત કરવામાં આવે છે જે સૌથી તીક્ષ્ણ તસવીરો પણ ચૂકી શકે છે. આ એક પ્રકારનું નિરીક્ષણ કાર્ય છે જે સામાન્ય રીતે ખગોળશાસ્ત્રીઓ દ્વારા રિસર્ચ માટે કરાય છે.
જ્યારે આર્ટેમિસ-2 સાથે જોડાણ ફરી સ્થાપિત થયું
વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ, બરાબર સમયાનુસાર, ઓરિયન ચંદ્રની સપાટી પાછળથી ફરી દેખાયું અને પૃથ્વી સાથે ફરીથી સંપર્ક સ્થાપિત કર્યો હતો.
પહેલાં તેમનાં મૉનિટર પર રેડિયો સિગ્નલો પાછાં ફર્યાં, પછી ડેટાનો પ્રવાહ અને અંતે, કૅપ્સ્યૂલમાંથી સ્પષ્ટ અવાજ આવવાથી એન્જિનિયરોને રાહત થઈ હતી.
મિશન નિષ્ણાત ક્રિસ્ટીના કોચે ઓરિયન સ્પેસક્રાફ્ટમાંથી કહ્યું "પૃથ્વી સાથે ફરીથી સંપર્કમાં આવવાનું ખૂબ સારું લાગે છે."
40 મિનિટના રેડિયો સંદેશાવ્યવહાર દરમિયાન, સ્પેસક્રાફ્ટે પોતાની સંભાળ જાતે લેવી પડી હતી.
પૃથ્વીના સંપર્કથી અદૃશ્ય થયેલા ઓરિયનને તેના માર્ગ પર પરત ફરવા માટે અંતના ભાગેથી એક મહત્ત્વપૂર્ણ એન્જિન બર્ન કર્યું હતું.
હવે સંપર્ક પુનઃસ્થાપિત થઈ ગયો છે. હવે ડેટાની આપ-લે પણ ઝડપી બનશે. અવકાશના દૂરના ભાગોમાંથી એકત્રિત ટેલિમેટ્રી ડેટા અને તસવીરોના નાસાના ડીપ સ્પેસ નેટવર્ક દ્વારા મોકલવામાં આવશે, જેનાથી ઇજનેરો અને વૈજ્ઞાનિકો આગામી દિવસોમાં તેનો વિગતવાર અભ્યાસ કરી શકશે.
નાસાનું આર્ટેમિસ-2 મિશન શું છે?
ફ્લોરિડાના કેપ કેનાવેરલસ્થિત કૅનેડી સ્પેસ સેન્ટર પરથી આર્ટેમિસ-2 મિશન રૉકેટે ઉડાન ભરી હતી.
10 દિવસના આર્ટેમિસ-2 મિશનમાં અવકાશયાત્રીઓ ચંદ્રની સપાટી પર ઊતરશે નહીં, પરંતુ ચંદ્રની પરિક્રમા કરશે, પૃથ્વીથી અત્યાર સુધી જેટલું દૂર જઈ શકાયું છે, તેનાથી વધુ દૂર જશે.
આ મિશનમાં ત્રણ અમેરિકન અવકાશયાત્રીઓ રીડ વાઇઝમેન, ક્રિસ્ટીન કોચ, વિક્ટર ગ્લોવર અને એક કૅનેડિયન અવકાશયાત્રી જેરેમી હેન્સન સામેલ છે.
નાસાના આર્ટેમિસ કાર્યક્રમમાં વર્ષોની મહેનત લાગી છે, હજારો લોકો તેની સાથે જોડાયેલા છે અને અત્યાર સુધીમાં અંદાજે 93 અબજ ડૉલરનો ખર્ચ થયો છે.
મિશન માત્ર ચંદ્રનાં અદ્ભુત દૃશ્યો જ નહીં, પરંતુ ચંદ્રની આસપાસના વાતાવરણ વિશે નવી માહિતીઓ પણ આપશે.
આ એક એવું મિશન છે જે ભવિષ્યમાં ચંદ્ર પર ઉતરાણ અને ત્યાં વસાહતો સ્થાપવાના ભવિષ્યના પ્રયાસોનો માર્ગ મોકળો કરશે.
આ મિશન, મનુષ્ય માટે બીજા ગ્રહ પર કેવી રીતે જીવવું તે શીખવાનું પ્રથમ પગલું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન