ડોનાલ્ડ ટ્રમ્પના ઘરના સુરક્ષિત વિસ્તારમાં ઘૂસી ગયેલી વ્યક્તિને સીક્રેટ સર્વિસે મારી ગોળી, થયું મોત - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Kevin Dietsch/Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લૉરિડાસ્થિત માર-આ-લાગોમાં એક વ્યક્તિએ ઘૂસવાની કોશિશ કરી હતી. જેને ગોળી મારી દેવામાં આવી છે. ગોળી વાગવાને કારણે આ વ્યક્તિનું મોત થઈ ગયું છે. ઘટના સમયે ટ્રમ્પ માર-આ-લાગોમાં નહોતા.
સીક્રેટ સર્વિસનું કહેવું છે કે આ વ્યક્તિને નૉર્થ ગેટ પાસે જોવામાં આવી હતી. તેની પાસે શૉટગન જેવી કોઈ ચીજ અને એક ફ્યૂઅલ કૅન હતું.
માર્યા ગયેલા યુવકની ઉંમર 20 વર્ષની આસપાસ છે. હજુ તેમની ઓળખ થઈ નથી.
યુએસ સીક્રેટ સર્વિસ એજન્ટ તથા પામ બીચ કાઉન્ટી શેરિફ ઑફિસના એક ડેપ્યુટીએ આ વ્યક્તિનો સામનો કર્યો હતો, આ દરમિયાન તેને ગોળી મારવામાં આવી હતી.
જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના સાર્વજનિક કાર્યક્રમ પ્રમાણે, તેઓ હાલ વ્હાઇટ હાઉસમાં હતા.
IND vs SA : દક્ષિણ આફ્રિકાએ ભારતને જીત માટે આપ્યું 188 રનનું લક્ષ્યાંક, મિલરની અર્ધસદી, બુમરાહની ત્રણ વિકેટ

ઇમેજ સ્રોત, Getty Images
આઈસીસી મૅન્સ વિશ્વકપ 2026ના સુપર-8 મુકાબલામાં આજે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ભારતને જીતવા માટે 188 રનનું લક્ષ્યાંક આપ્યું છે. દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં સાત વિકેટના ભોગે 187 રન બનાવ્યા હતા.
અમદાવાદમાં ચાલી રહેલી આ મૅચમાં દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી.
ભારતીય ફાસ્ટ બૉલરો જસપ્રીત બુમરાહ અને અર્શદીપસિંહે સુંદર બૉલિંગ કરી હતી. દક્ષિણ આફ્રિકાના ઓપનર્સની બેટમાંથી પહેલી બાઉન્ડ્રી 10મા બૉલ પર આવી હતી. બીજા જ બૉલમાં જસપ્રીત બુમરાહે ડી-કૉકને બોલ્ડ કરીને ભારતને પહેલી સફળતા અપાવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અર્શદીપે પણ ત્રીજી ઓવરમાં ચોથા બૉલે કૅપ્ટન મારક્રમની વિકેટ લીધી હતી.
2.4 ઓવર બાદ દક્ષિણ આફ્રિકાનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 12 રન હતો. ચોથી ઓવરના છેલ્લા બૉલ પર જસપ્રીત બુમરાહે રયાન રિકલ્ટનને પણ ચાલતા કરી દીધા. રિકલ્ટને માત્ર સાત રન બનાવ્યા હતા. તે સમયે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 6 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે માત્ર 41 રન હતો.
પરંતુ ત્યાર બાદ ડેવાલ્ડ બ્રેવિસ અને ડૅવિડ મિલરે બાજી સંભાળી. પરંતુ શિવમ દુબેએ તેમની ભાગીદારી 13મી ઓવરમાં તોડી. તેમણે બ્રેવિસને આઉટ કર્યા. બ્રેવિસે 29 બૉલમાં 45 રન બનાવ્યા હતા. 16મી ઓવરમાં વરૂણે દક્ષિણ આફ્રિકાને પાંચમો ઝાટકો આપ્યો. તેમણે મિલરને આઉટ કરી દીધા. મિલરે 35 બૉલમાં 63 રનની પારી રમી હતી. 18મી ઓવરમાં અર્શદીપે જાનસનને પણ ચાલતા કરી દીધા.
19મી ઓવરમાં બુમરાહે કૉર્બિન બૉશને કૉટ એન્ડ બોલ્ડ કર્યા. બૉશે પાંચ રન બનાવ્યા હતા. ટ્રિસ્ટન સ્ટબ્સે માત્ર 24 બૉલમાં 44 રન બનાવ્યા હતા. તેઓ નૉટઆઉટ રહ્યા હતા.
બુમરાહે ત્રણ, અર્શદીપે બે અને વરૂણ તથા શિવમ દૂબેએ એક-એક વિકેટ લીધી હતી.
ભારતીય ક્રિકેટ ટીમે પોતાની પ્લેઇંગ-11માં કોઈ બદલાવ નહોતો કર્યો. ઉપકપ્તાન અક્ષર પટેલને ગત મૅચ બાદ આ મુકાબલામાં પણ પ્લેઇંગ-11ની બહાર જ રાખવામાં આવ્યા હતા.
સોમવારથી રાજકોટના જંગલેશ્વરમાં મૅગા ડિમોલિશન હાથ ધરાશે, પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
સોમવારથી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે. એ પહેલાં પોલીસ તથા અન્ય સુરક્ષાબળોએ આ વિસ્તારમાં ફ્લૅગમાર્ચ કર્યું હતું.
રાજકોટથી બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયા જણાવે છે, "રવિવારે પોલીસે જંગલેશ્વર વિસ્તારમાં ફ્લૅગમાર્ચ કર્યું હતું, જેમાં લગભગ એક હજારથી વધુ પોલીસકર્મી જોડાયા હતા. સોમવારે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવે, એ પહેલાં સુરક્ષાબળોએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું."
"આ પહેલાં પોલીસ તથા વહીવટીતંત્ર દ્વારા જે-તે મકાનધારકોને તેમના મકાનો સ્વૈચ્છાએ સ્વયંભૂ રીતે ખાલી કરી દેવા સમજાવવામાં આવ્યા હતા. જેની અહીંના રહીશો ઉપર અસર જોવા મળી હતી અને કેટલાકે જાતે જ પોતાનાં ઘર ખાલી કર્યા હતા અથવા ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી."
"સોમવારે ત્રણ હજારથી વધુ સુરક્ષાકર્મીઓ આ કામગીરી સાથે જોડાશે. સોમવારથી જંગલેશ્વર તથા આસપાસના અઢી કિલોમીટરના વિસ્તારમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે."
બિપિન ટંકારિયા ઉમેરે છે કે સ્થાનિક મીડિયા દ્વારા સોમવારે સવારથી જંગલેશ્વરમાં હાથ ધરાનારી ડિમોલિશનની કામગીરીને 'સૌરાષ્ટ્રની સૌથી મોટી ડિમોલિશનની કામગીરી' જણાવાઈ રહી છે.
બીજી બાજુ, રાજકોટના ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) હેતલ પટેલે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું, "આ ડિમોલિશનની કામગીરીમાં રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન (આરએમસી), ફાયર બ્રિગેડ, પોલીસ અને મેડિકલની ટીમો સામેલ થશે. મ્યુનિસિપલ કૉર્પોરેશન વિસ્તારમાં જંગલેશ્વર વિસ્તારના સાત ઝોન પાડવામાં આવ્યા છે અને સાતેય ઝોનમાં એકસાથે કામગીરી શરૂ થશે."
"એમના જેસીબી અને હિટાચી મશીનની સાથે અમારી ટુકડીઓ તહેનાત રહેશે, જે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરશે. સાથે જ ડ્રૉનની મદદથી સર્વેલન્સની કામગીરી કરવામાં આવશે. ડ્રૉન માટે આ વિસ્તારને 'નૉ ફ્લાય ઝોન' પણ જાહેર કરવામાં આવ્યો છે."
ડીસીપી હેતલ પટેલે ઉમેર્યું હતું કે ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં, તેના માટે વિશેષ કાળજી રાખવામાં આવશે. પોલીસની ક્વિક રિસ્પૉન્સ ટીમ, એસએએફ, એસઆરપી તથા આજુબાજુના જિલ્લામાંથી પણ પોલીસકર્મીઓને આ કામગીરી માટે બોલાવવામાં આવ્યા છે.
ટી20 વિશ્વકપ : શ્રીલંકાને ઇંગ્લૅન્ડે સુપર-8 મુકાબલામાં હરાવ્યું

ઇમેજ સ્રોત, Dibyangshu SARKAR / AFP via Getty Images
ટી20 વિશ્વકપના સુપર-8 મુકાબલામાં ઇંગ્લૅન્ડે શ્રીલંકાને 51 રનોથી હરાવ્યું છે.
બંને વચ્ચે પલ્લેકેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં મૅચ રમાઈ હતી. ઇંગ્લૅન્ડે 9 વિકેટો ગુમાવીને 146 રન બનાવ્યા હતા. પરંતુ શ્રીલંકાની ટીમ માત્ર 95 રન જ બનાવી શકી.
શ્રીલંકાની ટીમ 16.4 ઓવરમાં જ ઑલઆઉટ થઈ ગઈ.
ટૉસ શ્રીલંકાએ જીત્યો હતો અને તેણે પહેલા બૉલિંગ પસંદ કરી હતી.
ઇંગ્લૅન્ડ તરફથી સર્વોચ્ચ સ્કોર ફિલ સૉલ્ટનો રહ્યો. તેમણે 40 બૉલમાં 62 રન બનાવ્યા હતા. જ્યારે શ્રીલંકા તરફથી સૌથી વધુ રન કૅપ્ટન દાસુન શનાકાએ બનાવ્યા. તેમણે 24 બૉલમાં 30 રન બનાવ્યા હતા.
147 રનનું લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાએ 5 વિકેટો તો પાવરપ્લેમાં જ ગુમાવી દીધી હતી.
આ મૅચમાં જીતીને ઇંગ્લૅન્ડ ગ્રૂપ-2માં પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી ગયું છે.
IND vs SA : અમદાવાદમાં સુપર-8 મુકાબલાની મૅચમાં ટૉસ જીતીને દ. આફ્રિકાએ લીધી બેટિંગ

ઇમેજ સ્રોત, Getty Images
ટી20 વિશ્વકપના સુપર-8 સ્ટેજમાં ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે અમદાવાદ ખાતે થઈ રહ્યો છે. ટૉસ જીતીને દક્ષિણ આફ્રિકાએ પહેલા બેટિંગ લીધી છે.
ટીમ ઇન્ડિયાએ અક્ષર પટેલને બહાર રાખવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ગત મૅચની પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. ગત મૅચમાં અક્ષર પટેલની જગ્યાએ વૉશિંગ્ટન સુંદરને જગ્યા આપવામાં આવી હતી, આજની મૅચમાં પણ વૉશિંગ્ટન સુંદર રમી રહ્યા છે.
ટુર્નામેન્ટની તમામ ચાર મૅચ જીતીને ન કેવળ પોતાના ગ્રૂપમાં, પરંતુ તમામ ગ્રૂપના પૉઇન્ટ ટેબલમાં ભારત ટોચ ઉપર છે.
પાકિસ્તાનના હુમલા બાદ અફઘાનિસ્તાનનાં ગામોમાં કેવો માહોલ છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Taliban/BBC Pashto

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Taliban/BBC Pashto
દ્વારકા પાસેથી કૉસ્ટગાર્ડે ચાર ખલાસીઓ સાથેની ઈરાની બોટ પકડી, કરોડોનો મુદ્દામાલ જપ્ત

ઇમેજ સ્રોત, ANI
ગુજરાતના સંવેદનશીલ મનાતા દરિયાકિનારેથી ભારતીય કૉસ્ટગાર્ડે ઈરાનની બૉટ ઝડપી પાડી છે. આ વિશે ટ્વિટ કરીને તટરક્ષકદળે માહિતી આપી હતી.
કૉસ્ટગાર્ડના જણાવ્યા પ્રમાણે, "ભારતના ઍક્સક્લુઝિવ ઇકૉનૉમિક ઝોનમાં દ્વારકાથી 114 નૉટિકલ માઇલ પશ્ચિમે ઈરાનની બૉટને પકડવામાં આવી હતી, જેની ઉપર ચાર લોકો સવાર હતા."
"કૉસ્ટગાર્ડને બોટની તપાસ કરતા તેમાંથી વિદેશી સિગારેટનાં 200 ખોખાં મળી આવ્યાં હતાં. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. અઢીથી પાંચ કરોડ જેટલી કિંમત થવા જાય છે. આ ખોખાં અંદર છૂપાવીને રાખવામાં આવ્યાં હતાં."
આરોપીઓને પોરબંદર લાવવામાં આવી રહ્યા છે. જ્યાં તેમની સાથે અલગ-અલગ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવશે.
આસામ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરા ભાજપમાં સામેલ થયા, સીએમ હિમંતે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
આસામ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભૂપેન કુમાર બોરા રવિવારે ભારતીય જનતા પાર્ટીમાં (બીજેપી) સામેલ થઈ ગયા.
ભૂપેન કુમીર બોરાએ ભાજપના પ્રદેશાધ્યક્ષ દિલીપ સૈકિયા તથા ચૂંટણી પ્રભારી બૈજયંત જય પાંડાની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું હતું. આસામમાં આગામી મહિનાઓ દરમિયાન વિધાનસભાની ચૂંટણી યોજાશે.
આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ ભૂપેન બોરાને શુભકામનાઓ પાઠવી હતી.
તેમણે કહ્યું, "ભૂપેન બોરાજીએ કૉંગ્રેસ માટે બહુ મોટો ફાળો આપ્યો છે. તેમણે 33 વર્ષ સુધી કૉંગ્રેસની સેવા કરી. આજથી તેમનું નવજીવન શરૂ થશે."
બીજી બાજુ આસામ વિધાનસભામાં વિપક્ષના નેતા તથા કૉંગ્રેસના નેતા દેબબ્રત સૈકિયાએ કહ્યું કે ભૂપેન બોરાએ કૉંગ્રેસ પાર્ટી છોડી, તેનાથી પાર્ટીને 'કોઈ નુકસાન નહીં થાય.'
બીજી બાજુ, કૉંગ્રેસના ઉપાધ્યક્ષ ઘાના ગુરાગોહેને કહ્યું કે કૉંગ્રેસમાં આવવા તથા જવા બંને માટે દરવાજા ખુલ્લા છે.
ઘાના બુરાગોહેને કહ્યું કે ભૂપેન બોરાને કૉંગ્રેસમાં બધું મળ્યું. તેમણે કહ્યું, "એમને વધુ શું મળવાનું બાકી રહ્યું છે ? કોઈ અંદરની વાત છે, જેના કારણે તેઓ કૉંગ્રેસ છોડીને ભાજપમાં ગયા."
દિલ્હી પોલીસે 'આતંકવાદી ષડયંત્ર'ના આરોપમાં તામિલનાડુથી આઠ સંદિગ્ધોને પકડ્યા

ઇમેજ સ્રોત, Vipin Kumar/Hindustan Times via Getty
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે 'આતંકવાદી કાવતરું' ઘડવાના આરોપ સબબ તામિલનાડુથી આઠ સંદિગ્ધોની ધરપકડ કરી છે. જેમાંથી છ બાંગ્લાદેશી નાગરિક છે.
દિલ્હી પોલીસના એક અધિકારીએ નામ ન છાપવાની શરતે બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા સાથે વાત કરતાં આ વાતની પુષ્ટિ કરી હતી.
દિલ્હી પોલીસનું કહેવું છે કે આ સંદિગ્ધોને બાંગ્લાદેશથી હૅન્ડલ કરવામાં આવતા હતા. તેમને તામિલનાડુથી દિલ્હી લાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઈરાનમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતર્યા, મોટા પાયે સરકાર વિરોધી પ્રદર્શન

ઈરાનની કેટલીક યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓએ સરકાર વિરોધી પ્રદર્શન શરૂ કર્યાં છે. ગયા મહિને અધિકારીઓની હિંસક કાર્યવાહી પછી આટલા મોટા પાયે પહેલી વખત પ્રદર્શન થઈ રહ્યાં છે.
બીબીસીએ શનિવારે રાજધાની તહેરાનસ્થિત શરીફ યુનિવર્સિટી ઑફ ટૅક્નૉલૉજીના પરિસરમાં કૂચ કરતા પ્રદર્શનકારીઓના વીડિયોને વૅરિફાઈ કર્યો હતો.
ત્યાર બાદ પ્રદર્શનકારીઓ અને સરકારના સમર્થકો વચ્ચે અથડામણ જોવા મળી હતી.
તહેરાનની અન્ય એક યુનિવર્સિટીમાં ધરણા કરવામાં આવ્યા હતા. ઉત્તર-પૂર્વમાં પણ રેલીના અહેવાલ છે.
આ વિદ્યાર્થીઓ જાન્યુઆરીમાં મોટા પાયે થયેલાં પ્રદર્શનોમાં માર્યા ગયેલા હજારો લોકોને શ્રદ્ધાંજલિ આપતા હતા.
અમેરિકા ઈરાન આસપાસ પોતાની સૈન્ય હાજરી વધારી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મર્યાદિત સૈન્ય કાર્યવાહી પર વિચાર કરી રહ્યા છે.
તાલિબાનનો દાવો, અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હુમલામાં અનેક મહિલાઓ, બાળકોનાં મોત

ઇમેજ સ્રોત, EPA
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના પ્રવક્તા ઝબિહુલ્લાહ મુજાહિદે પાકિસ્તાની સેના પર અફઘાનિસ્તાનની સરહદનો ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.
તાલિબાન સરકારના પ્રવક્તાએ કહ્યું કે, "પાકિસ્તાની સેનાના હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ડઝનબંધ લોકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે."
ઝબિહુલ્લાહ મુજાહિદે એક નિવેદનમાં જણાવ્યું કે "ગઈ રાતે પાકિસ્તાની સેનાએ નાંગરહાર અને પક્તિકા પ્રાંતમાં અમારા નિર્દોષ નાગરિકો પર બૉમ્બમારો કર્યો, જેના કારણે મહિલાઓ અને બાળકો સહિત ડઝનબંધ લોકો માર્યા ગયા અને ઈજાગ્રસ્ત થયા."
તેમણે કહ્યું કે "પાકિસ્તાની જનરલો પોતાના દેશની સુરક્ષા સંબંધિત નબળાઈઓની ભરપાઈ આવા અપરાધો દ્વારા કરે છે."
ડોનાલ્ડ ટ્રમ્પ હવે ગ્લોબલ ટેરિફ 10 ટકાથી વધારીને 15 ટકા કરશે

ઇમેજ સ્રોત, Aaron Schwartz/Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ ટેરિફ 10 ટકાથી વધારીને 15 ટકા કરવાનો નિર્ણય લીધો છે.
અગાઉ સુપ્રીમ કોર્ટે ટેરિફ પર આપેલા ચુકાદા પછી ટ્રમ્પે 10 ટકા ટેરિફ લગાવ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, "કાલે અમેરિકન સુપ્રીમ કોર્ટે ટેરિફ પર જે નિર્ણય આપ્યો છે, તે બેકાર અને એકદમ અમેરિકા વિરોધી છે."
"આ નિવેદન દ્વારા હું જણાવવા માગું છું કે અમેરિકાના રાષ્ટ્રપતિ હોવાના નાતે 10 ટકા વર્લ્ડવાઇડ ટેરિફને વધારીને 15 ટકા કરી રહ્યો છું."
ટ્રમ્પે આગળ લખ્યું કે, "કેટલાય દેશો વર્ષોથી અમેરિકાને નુકસાન પહોંચાડી રહ્યા છે અને જવાબ નહોતો મળ્યો (હું નહોતો આવ્યો ત્યાં સુધી), પરંતુ હવે તેને સંપૂર્ણ રીતે કાનૂની રીતે આગળ વધારવામાં આવી રહ્યું છે."
"આગામી કેટલાક મહિનામાં ટ્રમ્પ વહીવટીતંત્ર નવા અને કાયદાકીય રીતે યોગ્ય ટેરિફ નક્કી કરશે, જેનાથી અમારું 'અમેરિકાને ફરીથી મહાન બનાવવાનું' કામ વધુ સફળ થશે."
જાવેદ અખ્તરે તાલિબાન અંગે ભારતના મૌલવી-મુફ્તીઓને શું અપીલ કરી

ઇમેજ સ્રોત, Vishal Bhatnagar/NurPhoto via Getty Images
ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરે ભારતના મૌલવીઓ અને મુફ્તીઓને અપીલ કરી છે કે અફઘાનિસ્તાન તાલિબાને મહિલાઓ વિશે આપેલા નવા આદેશની તેઓ ટીકા કરે.
જાવેદ અખ્તરે એક્સ હેન્ડલ પર લખ્યું કે "તાલિબાને પતિઓને પત્નીને મારવાની છૂટ આપી છે, પરંતુ હાડકાં તૂટવા ન જોઈએ. પતિની મંજૂરી વગર પત્ની પોતાના પિયર જતી રહે તો તેને ત્રણ મહિના જેલમાં રાખવામાં આવશે."
"હું ભારતના મુફ્તીઓ અને મૌલાનાઓને વિનંતી કરું છું કે કોઈ પણ શરત વગર તેઓ આની નિંદા કરે, કારણ કે આ બધું ધર્મના આધારે કરવામાં આવી રહ્યું છે."
ત્યાર પછી જાવેદ અખ્તરે વધુ એક પોસ્ટમાં લખ્યું કે, "ભલે કોઈ પણ રાજકીય મુશ્કેલી હોય, જંગલી અને બેરહેમ તાલિબાનોને આપણે કોઈ માન્યતા કે સન્માન આપવું ન જોઈએ. તેઓ દુનિયાના સૌથી ઘટિયા લોકો છે."
વાસ્તવમાં કેટલાક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે તાલિબાનની દંડ સંહિતામાં હવે મહિલાઓ સાથે ઘરેલુ હિંસાને સામાન્ય બનાવી દેવામાં આવી છે. સમાચાર પ્રમાણે દંડ સંહિતા હેઠળ પતિ પોતાની પત્નીના હાડકાં તોડ્યા વગર મારે તો તેને અપરાધ ગણવામાં નહીં આવે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












