T20 World Cup : સુપર-8માં ભારતીય ટીમની પહેલી કસોટી, દક્ષિણ આફ્રિકાનો શું હશે પ્લાન?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રદીપ ક્રિષ્ના
- પદ, બીબીસી તામિલ
- વાંચવાનો સમય: 6 મિનિટ
સુપર-8 રાઉન્ડમાં ભારતનો પહેલો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે અમદાવાદમાં થશે. ગત ટી20 વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર થઈ હતી.
દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતે ટ્રૉફી જીતી હતી, એટલે આ ટુર્નામેન્ટ ઉપર ક્રિકેટચાહકોની નજર છે.
ભારતની જેમ જ દક્ષિણ આફ્રિકાએ પણ તેની લીગ રાઉન્ડની ચારેય મૅચો જીતી છે.
ગત ચાર મૅચો દરમિયાન ભારતને જે સમસ્યા નડી છે, તે આગામી મૅચ દરમિયાન પણ જોવા મળે તેવી શક્યતા છે. ત્યારે બંને ટીમોનાં કેટલાંક પાસાં ઉપર નજર કરીએ.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આ મૅચ રવિવારે સાંજે સાત વાગ્યાથી શરૂ થશે.
અભિષેક શર્માની સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ટીમે તમામ ચાર મૅચો જીતી હોવા છતાં, કેટલીક સમસ્યાઓ સામે આવી છે.
અભિષેક શર્મા અને તિલક વર્માના ફૉર્મ, સ્પીન બૉલરો સામે ટકવામાં સંઘર્ષરત ભારતીય બૅટ્સમૅન તથા ફિલ્ડિંગમાં કૅચ છોડવા. આ કેટલીક સમસ્યાઓ તરફ ફૅન્સ અને નિષ્ણાતો લાલબતી ધરે છે.
વર્લ્ડકપ શરૂ થયો, એ પહેલાં અભિષેક શર્મા પાસેથી બહુ બધી અપેક્ષાઓ હતી, પરંતુ અભિષેકે ત્રણ મૅચ રમી છે અને તમામમાં તેઓ ઝીરો રને આઉટ થયા છે. હાલના વર્લ્ડકપમાં તેઓ હજુ સુધી એક પણ રન બનાવી નથી શક્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એક તબક્કે અભિષેક શર્માના સ્થાને સંજુ સૅમસનને તક આપવામાં આવે એવી અટકળો હતી. જોકે, મૅચ પહેલાં શનિવારે આયોજિત પત્રકારપરિષદ દરમિયાન ભારતની ટી20 ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે આ સમયે બધાયે અભિષેક શર્માને સપૉર્ટ કરવો જોઈએ.
યાદવે કહ્યું, "ગત વર્ષે અભિષેક શર્માએ બધું કર્યું હતું. હવે આપણે તેને સપૉર્ટ કરવાનો છે."
તિલક વર્માએ વર્લ્ડકપ દરમિયાન રન બનાવ્યા છે, પરંતુ તેમની ઇનિંગ ખૂબ જ ધીમી હોય છે. તિલક વર્માએ ચાર મૅચમાં 106 રન બનાવ્યા છે અને 120.45ની સ્ટ્રાઇકરેટથી રન બનાવ્યા છે. જોકે, પાવરપ્લે દરમિયાન ઝડપભેર સ્કોરબોર્ડને ફરતું રાખવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે.
સૂર્યકુમાર યાદવે એમના વિશે પણ વાત કરી હતી. પ્રેસ કૉન્ફરન્સમાં યાદવે કહ્યું કે તેઓ તિલક વર્મા અંગે બિલકુલ ચિંતિત નથી.
ઇએસપીએન ક્રિકઇન્ફૉ શૉ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટિંક કોચ સંજય બાંગરે કહ્યું હતું કે ભારતીય ટીમે ફિલ્ડિંગ સુધારવાની ચોક્કસથી જરૂર છે. તેમણે કહ્યું હતું કે ગત છ મહિના દરમિયાન આના વિશે ઘણું બધું કહી શકાય એમ છે. સંજય બાંગરે કહ્યું હતું કે પ્લેયર્સે વ્યક્તિગત ફિલ્ડિંગ ઉપર ધ્યાન આપવું જોઈએ.
દક્ષિણ આફ્રિકા આ વ્યૂહરચના અપનાવશે?
માત્ર શર્મા અને વર્મા જ નહીં, પરંતુ આખી ભારતીય ટીમ જ સ્પીન બૉલરો સામે રમવામાં મુશ્કેલી અનુભવતી હોય, એવું ઊડીને આંખે વળગે છે.
ગત બંને મૅચ દરમિયાન સ્પીન બૉલરોએ જ અભિષેક શર્માને પેવોલિયન ભેગા કર્યા હતા. જ્યારે ઇશાન કિશન ફૉર્મમાં છે, પરંતુ ત્રણેય મૅચ દરમિયાન ઑફ-સ્પીન બૉલરોએ જ તેમની વિકેટ ખેરવી હતી.
ભારતના ત્રણેય અગ્રણી બલ્લેબાજ ડાબોડી છે. જેથી કરીને સામેવાળી ટીમ ઑફ-સ્પીનરો પાસે બૉલિંગ આક્રમણની શરૂઆત કરાવે છે. પાકિસ્તાન અને નૅધરલૅન્ડ્સે આવું જ કર્યું હતું. દક્ષિણ આફ્રિકા પણ એ જ વ્યૂહરચના અપનાવે તેવી શક્યતા છે.
ખુદ કૅપ્ટન એડન મારક્રમ ભારતીય ઓપનરો સામે બૉલિંગ આક્રમણની શરૂઆત કરે તેવી શક્યતા છે. તેમને ભારતની પીચો ઉપર બૉલિંગ કરવાનો ખાસ્સો અનુભવ છે. આ વાત ભારતીય ટીમ માટે ચોક્કસપણે પડકારજનક હશે.
જોકે, કૅપ્ટન એડન સિવાય કોઈ નોંધપાત્ર ઑફ-સ્પીનર મહેમાન ટીમ પાસે નથી. ટ્રિસ્ટન સ્ટબ્સ ઑફ-સ્પીન બૉલિંગ કરી શકે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મૅચોમાં તેમણે ખાસ બૉલિંગ નથી કરી.
આ સંજોગોમાં એક છેડેથી એડન મારક્રમ ઑફ સ્પીન કરે તથા બીજા છેડેથી ફાસ્ટ બૉલિંગ આક્રમણ થાય તેની શક્યતા રહે.
આ પરિસ્થિતિમાં ભારતના બૅટ્સમૅન મારક્રમ સામે સંરક્ષણાત્મક રીતે રમે તથા ફાસ્ટ બૉલરો સામે આક્રમક રમત દેખાડે, એવી વ્યૂહરચના અપનાવી શકે છે. જો આમ થાય તો પાવરપ્લૅ દરમિયાન દર્શકોને પાવરપૅક મુકાબલો જોવા મળી શકે છે.
દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બૉલરો ભારત માટે લાભકારક રહેશે?

ઇમેજ સ્રોત, Getty Images
સંજય બાંગરે ઉપરોક્ત કાર્યક્રમમાં એક મહત્ત્વપૂર્ણ વાત કહી હતી. તેમના કહેવા પ્રમાણે, "દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બૉલરો ભારતીય ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ નિવડી શકે છે."
ભારતના બલ્લેબાજો ફાસ્ટ બૉલરો સામે સારી રીતે રમી શકે છે. તેઓ બૉલની સ્પીડનો ઉપયોગ મોટા શૉટ્સ મારવા માટે કહે છે. સંજય બાંગરના કહેવા પ્રમાણે, વર્લ્ડકપની અત્યાર સુધીની મૅચોમાં ભારતીય બલ્લેબાજોનો સામનો ફાસ્ટ બૉલરો સાથે એટલો નથી થયો. એટલે તેઓ મોટો જુમલો નથી ખડકી શક્યા.
'એ ગ્રૂપ'માં ભારતની સાથે નૅધરલૅન્ડ્સ, યુએસ તથા નામિબિયા જેવી ટીમો હતી. જેની પાસે ફાસ્ટ બૉલર જ ન હતા. પાકિસ્તાન પાસે ઝડપી બૉલર હોવા છતાં તે સ્પીનરો ઉપર ભારે મદાર રાખે છે.
બાંગરનું માનવું છે કે આવા સંજોગોમાં અમદાવાદની પીચ ઉપર ભારતના બૅટ્સમૅન જેવી સ્થિતિ ઇચ્છતા હોય છે, તે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બૉલરો પૂરી પાડી શકે છે.
દક્ષિણ આફ્રિકાના ભાથામાં કગિસો રબાડા, અનરિખ નૉર્ખિયે, માર્કો યાન્સન અને લુંગી યાન્ડિગી જેવા ફાસ્ટ બૉલર રૂપી હથિયાર છે. જ્યારે કેશવ મહારાજ અને જ્યૉર્જ લિંડે ડાબોડી સ્પીનર છે.
ભારતના ડાબોડી બલ્લેબાજોની સામે કેશવ મહારાજ અથવા જ્યૉર્જ લિંડેને દક્ષિણ આફ્રિકા મેદાનમાં ઊતારે તેવી પૂરી શક્યતા છે. આમ છતાં દક્ષિણ આફ્રિકાએ તેના ચારમાંથી ઓછામાં ઓછા ત્રણ ફાસ્ટ બૉલરોને તક આપવી જ પડશે, જે ભારત માટે સારી બાબત બની રહેશે.
અમદાવાદની પીચ દક્ષિણ આફ્રિકાની મદદ કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ આફ્રિકાએ ગ્રૂપ સ્ટેજની ચારમાંથી ત્રણ મૅચો અમદાવાદ ખાતે રમી છે.
ટુર્નામેન્ટની શરૂઆતથી જ તેઓ અહીં તાલીમ લઈ રહ્યા છે. એટલે તેઓ આ પિચ અને સ્ટેડિયમથી વાકેફ છે. આ બાબત સુપર-8ની મૅચના તબક્કે દક્ષિણ આફ્રિકા માટે લાભકારક નીવડી શકે છે.
ઇએસપીએન ક્રિકઇન્ફો સાથે વાત કરતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બૉલર વરૂણ ઍરોને કહ્યું હતું, "દક્ષિણ આફ્રિકાની ટીમે અમદાવાદમાં ઘણી મૅચો રમી છે. તેઓ આ જગ્યાથી પૂર્ણપણે વાકેફ છે. આવી મોટી સિરીઝ દરમિયાન આ બાબત મહત્ત્વપૂર્ણ બની રહે છે. દક્ષિણ આફ્રિકાની ટીમના કેટલાક ખેલાડીઓ ગુજરાત ટાઇટન્સ (આઇપીએલની ટીમ) વતી પણ રમે છે અથવા રમી ચૂક્યા છે. આ બાબત તેમના માટે પૉઝિટિવ નિવડી શકે છે."
વર્લ્ડકપ દરમિયાન જે ટીમોએ ખાસ મુસાફરી ન કરવાની હોય, તેમનો હાથ ટુર્નામેન્ટ દરમિયાન ઉપર રહેતો હોય છે. એટલે જ વર્ષ 2025ની ચૅમ્પિયન્સ ટ્રૉફી દરમિયાન ભારતની ટીમના મૅચોની ખાસ્સી ચર્ચા થઈ હતી.
અમદાવાદમાં દક્ષિણ આફ્રિકાએ કૅનેડા સામે 213 રન બનાવ્યા છે. જ્યારે અફઘાનિસ્તાન સામે 187 રન બનાવ્યા હતા અને ન્યૂઝીલૅન્ડ સામે સાત વિકેટે વિજય થયો હતો. અફઘાનિસ્તાન સામેની મૅચને બાદ કરીએ, તો બાકીની બધી મૅચો દક્ષિણ આફ્રિકાએ સહેલાઈથી જીતી લીધી હતી.
ટુર્નામેન્ટ દરમિયાન અમદાવાદએ એવું સ્થળ રહ્યું છે કે જ્યાં મોટાપાયે રન ખડકાયા છે. દક્ષિણ આફ્રિકાના આક્રમક બલ્લેબાજોએ આ પીચ ઉપર સારું પર્ફૉર્મ કર્યું છે. ખાસ કરીને કૅપ્ટન મારક્રમ ટીમને સારી શરૂઆત અપાવે છે.
એટલે આ મેદાનનો અનુભવ ધરાવમનારા ખેલાડીઓ તથા ખેલાડીઓનું સારું ફૉર્મ મહેમાન ટીમ માટે મદદગાર સાબિત થઈ શકે છે.
બીજી બાજુ, ભારતની ટીમે તેની લીગસ્તરની છેલ્લી મૅચ અમદાવાદમાં રમી હતી, જેમાં તેનો 17 રને વિજય થયો હતો.
વરૂણના 'પ્રવાહ'ને દક્ષિણ આફ્રિકા ઝીલી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
વરૂણ ચક્રવર્તી હાલ વર્લ્ડકપ દરમિયાન ફૂલ ફૉર્મમાં છે. તેમણે અત્યાર સુધીમાં નવ વિકેટ લીધી છે.
તેઓ દક્ષિણ આફ્રિકાની ટીમ માટે મોટો પડકાર ઊભો કરી શકે છે. અગાઉની મૅચો દરમિયાન પણ તેમણે દક્ષિણ આફ્રિકાના બૅટ્સમૅનોને મુશ્કેલીમાં મૂક્યા છે.
તેમણે અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકા સામે આઠ મૅચ રમી છે, જેમાં તેમણે 11.36ની એવરેજ સાથે 22 વિકેટ લીધી છે. તેમણે આઠેય મૅચ દરમિયાન ઓછામાં ઓછી બે-બે વિકેટ લીધી છે.
ક્રિકેટ મૅટ્રિક્સનાના ડેટા પ્રમાણે, વરૂણ ચક્રવર્તીએ છ ટી20 મૅચમાં ચાર વખત દક્ષિણ આફ્રિકાના કૅપ્ટન એડન મારક્રમને આઉટ કર્યા છે.
અમદાવાદ ખાતેની મૅચમાં તેઓ પોતાનો દબદબો જાળવી રાખશે એવું માનવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












