બીબીસી હિન્દીના 'કુંભમાં ભાગદોડ'ના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટને દાનિશ સિદ્દીકી પત્રકારત્વ પુરસ્કાર મળ્યો – ન્યૂઝ અપડેટ

બીબીસી હિન્દીના 'કુંભમાં ભાગદોડ'ના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટને દાનિશ સિદ્દીકી પત્રકારત્વ પુરસ્કાર મળ્યો – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, ગયા વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કુંભમેળા દરમિયાન ભાગદોડ મચી હતી. બીબીસીએ માર્યા ગયેલા લોકોની સંખ્યા જાણવા માટે તપાસ હાથ ધરી હતી
વાંચવાનો સમય: 7 મિનિટ

જાન્યુઆરી 2025માં પ્રયાગરાજમાં કુંભમેળા દરમિયાન થયેલી ભાગદોડ અંગે બીબીસી હિન્દીના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટને દાનિશ સિદ્દીકી પત્રકારત્વ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે.

બીબીસી હિન્દીના પત્રકારત્વને આ પુરસ્કાર પ્રસારણ શ્રેણીમાં મળ્યો છે.

ગયા વર્ષે, કુંભમેળા દરમિયાન 29 જાન્યુઆરી, મૌની અમાસના દિવસે, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભાગદોડ થઈ હતી.

ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર, ભાગદોડમાં 37 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે એ સમયે બીબીસી સંવાદદાતા અભિનવ ગોયલે તેમના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં કમસે કમ 82 લોકોનાં મોતની માહિતી આપી હતી.

બીબીસીના પૂર્વ સંવાદદાતા અભિનવ ગોયલે ઍવૉર્ડ સ્વીકારતા કહ્યું, "જ્યારે આપણે કુંભમેળામાં જેમની કહાણીઓ આવરી લીધી હતી તે લોકોને યાદ કરીએ છીએ, ત્યારે મને તે બધા લોકોના ચહેરા યાદ આવે છે, જેઓ હજુ રાહ જુએ છે કે કોઈ એફઆઇઆર દાખલ થશે, સરકાર તરફથી કોઈ આવશે, જવાબદારી થશે."

"છેલ્લાં દોઢ વર્ષથી લગભગ દરરોજ કેટલાક પરિવાર ફોન કરીને પૂછે છે કે શું કોઈ પ્રગતિ થઈ છે, જે હજુ સુધી થઈ નથી. આ દિવસ તે પરિવારોને યાદ કરવાનો દિવસ છે."

"જ્યારે કુંભમાં ભાગદોડ થઈ, ત્યારે કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા તે ખબર નહોતી. એક આંકડો બહાર આવ્યો કે 37 લોકો મૃત્યુ પામ્યા હતા."

"પછી મારા જેવા પત્રકાર અમારાં સંપાદક રૂપા ઝા પાસે જાય છે અને કહે છે કે આને જાણવાનો એકમાત્ર રસ્તો એ છે કે દરેકના ઘરે જવું."

આ ઇન્વેસ્ટિગેશનના પડકાર વિશે બોલતાં અભિનવ ગોયલે કહ્યું, "કલ્પના કરો કે એક પત્રકારે દેશભરના 100 પરિવારોના ઘરની મુલાકાત લેવાની છે."

"અને તે જાણવા છતાં કે તેના માટે આટલાં બધાં સંસાધનોની જરૂર પડશે, છતાં તમારા સંપાદક તમને આ સ્ટોરી કરવાનું કહે છે. તે પછી એક લાંબી સફર શરૂ થાય છે."

'હિમંતા બિસ્વા સરમાનાં પત્ની પાસે ત્રણ પાસપૉર્ટ', કૉંગ્રેસના આરોપ પર આસામના મુખ્ય મંત્રીએ શું કહ્યું?

'હિમંતા બિસ્વા સરમાનાં પત્ની પાસે ત્રણ પાસપૉર્ટ', કૉંગ્રેસના આરોપ પર આસામના મુખ્ય મંત્રીએ શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI/GETTY Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૉંગ્રેસ પાર્ટીએ આસામના મુખ્ય મંત્રી અને તેમનાં પત્ની સામે ગંભીર આરોપો લગાવ્યા છે. કૉંગ્રેસના નેતા પવન ખેડાએ આને ભારતમાં મુખ્ય મંત્રી અને તેમના પરિવાર સામે અત્યાર સુધીનો સૌથી ગંભીર આરોપ ગણાવ્યો છે.

જોકે મુખ્ય મંત્રી સરમા અને તેમનાં પત્નીએ આ આરોપોને ફગાવી દીધા છે અને તેને હતાશાનું કૃત્ય ગણાવ્યું છે.

તેમજ સરમાએ પવન ખેડા સામે માનહાનિનો કેસ દાખલ કરવાની ધમકી આપી છે.

પવન ખેડાએ રવિવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, "અમારા કેટલાક સમર્થકોએ વિદેશથી કેટલાક ખૂબ સનસનાટીભર્યા દસ્તાવેજો મોકલ્યા છે. આ એવા દસ્તાવેજો છે જે મને નથી લાગતું કે સ્વતંત્ર ભારતીય રાજકારણમાં વર્તમાન મુખ્ય મંત્રી અને તેમનાં પત્ની વિરુદ્ધ ક્યારેય આટલા સ્પષ્ટ રીતે સામે આવ્યા હોય."

"સૌપ્રથમ એ આઘાતજનક છે કે આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાનાં પત્ની રિનિકી ભૂઈયાં સરમા પાસે ત્રણ પાસપૉર્ટ છે. ત્રણેય પાસપૉર્ટ માન્ય છે અને તેની મુદત પૂર્ણ થઈ નથી."

પવન ખેડાનો આરોપ છે કે રિનિકી ભૂઈયાં સરમા પાસે યુએઇ, એન્ટિગુઆ અને બારમુડા અને ઇજિપ્તના પાસપૉર્ટ છે. તેમણે આ વાતને સમર્થન આપતા કેટલાક દસ્તાવેજોની નકલો પણ બતાવી છે.

જોકે, બીબીસી આ દસ્તાવેજોની પુષ્ટિ કરતું નથી.

આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર પવન ખેડાના આરોપોનો જવાબ આપ્યો.

સરમાએ લખ્યું, "પવન ખેડાની આજની પ્રેસ કૉન્ફરન્સ કૉંગ્રેસ પાર્ટીમાં ઊંડો અસંતોષ અને ગભરાટ દર્શાવે છે. જેમ જેમ આસામ ઐતિહાસિક જનાદેશ તરફ નિર્ણાયક રીતે આગળ વધી રહ્યું છે, આવા ભયાવહ અને પાયાવિહોણા હુમલાઓ તેમના નબળા પડતા જનાધારને જ ઉજાગર કરે છે."

"હું તેમના દ્વારા લગાવેલા દરેક આરોપને સંપૂર્ણપણે નકારું છું. આ દુર્ભાવનાપૂર્ણ, બનાવટી અને રાજકીય રીતે પ્રેરિત જૂઠાણાં છે, જેનો હેતુ આસામના લોકોને ગેરમાર્ગે દોરવાનો છે."

મુખ્ય મંત્રી હિમંતાએ લખ્યું, "હું અને મારી પત્ની આગામી 48 કલાકમાં પવન ખેડા સામે ફોજદારી અને નાગરિક માનહાનિના કેસ દાખલ કરીશું."

ઇઝરાયલે લેબનોનના આ વિસ્તારોમાં બૉમ્બમારો કર્યો

ઇઝરાયલે લેબનોનના આ વિસ્તારોમાં બૉમ્બમારો કર્યો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, લેબનોનના ઘોબેરીમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળે છે

ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે તેણે લેબનોનની રાજધાની બેરુતના દક્ષિણ વિસ્તારોમાં હિઝબુલ્લાહનાં સ્થળો પર નવા હુમલા કર્યા છે.

અગાઉ રહેવાસીઓને તાત્કાલિક આ વિસ્તાર ખાલી કરવાની ચેતવણી અપાઈ હતી.

દરમિયાન ઈરાન સમર્થિત હિઝબુલ્લાહે ઉત્તરી ઇઝરાયલ તરફ મિસાઇલો છોડવાનો દાવો કર્યો છે.

જોકે, ઇઝરાયલી મીડિયા અનુસાર, આઇડીએફે છોડેલી મિસાઇલોને રોકી દીધી હતી.

હિઝબુલ્લાહે કહ્યું હતું કે તેણે રાત્રે લેબનોનના દરિયાકાંઠે ઇઝરાયલી યુદ્ધજહાજ પર મિસાઇલ હુમલો કર્યો હતો, એના કલાકો પછી આ તણાવ વધ્યો છે.

જોકે, ઇઝરાયલી મીડિયા અનુસાર, આઇડીએફે જણાવ્યું છે કે તેને આવા કોઈ પણ હુમલાની માહિતી નથી.

ઈરાની ડ્રૉને કુવૈત અને બહેરિનનાં ઊર્જા ઠેકાણાં પર કર્યો હુમલો

ઈરાની ડ્રૉને કુવૈત અને બહેરિનનાં ઊર્જા ઠેકાણાં પર કર્યો હુમલો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Stringer/Anadolu via Getty

ઇમેજ કૅપ્શન, થોડા દિવસ પહેલાં કુવૈત ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટની ફ્યૂઅલ ટૅન્ક પર પણ ઈરાની ડ્રૉનનો હુમલો થયો હતો, આ તસવીર પહેલી એપ્રિલ, 2026ની છે.

બીબીસી ફારસી સેવાના જણાવ્યા પ્રમાણે, બહેરિનની બીએપીસીઓ ઍનર્જીએ રવિવારે કહ્યું છે કે ઈરાની હુમલામાં તેમની સ્ટોરેજ ટૅન્કમાં આગ લાગી ગઈ.

કંપનીના જણાવ્યા પ્રમાણે, હુમલામાં કોઈના નુકસાન થયાની કોઈ જાણકારી નથી. કંપનીએ કહ્યું છે કે આગ કાબૂમાં આવી ગઈ છે અને નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે.

બીએપીસીઓ ઍનર્જી કંપની બહેરિનની સૌથી મોટી ઑઇલ કંપનીઓ પૈકીની એક છે.

આ પહેલા બીબીસી ફારસીએ રિપોર્ટ કર્યું હતું કે કુવૈતની સરકારે કહ્યું છે કે ઈરાની ડ્રૉન હુમલામાં તેના બે વીજળી સંયંત્રો તથા એક પાણી શુદ્ધ કરવાનો પ્લાન્ટ ક્ષતિગ્રસ્ત થઈ ગયાં છે.

આ પહેલાં થયેલા હુમલામાં કુવૈતની એક સરકારી કચેરીના પરિસરને ઘણું નુકસાન પહોંચ્યું હતું. કુવૈતના પેટ્રોલિયમ મંત્રાલયમાં આગ લાગી ગઈ હતી.

જે વિસ્તારમાં લાપતા અમેરિકન ક્રૂ મેમ્બર હોવાની હતી આશંકા, ત્યાં શું થયું?

જે વિસ્તારમાં લાપતા અમેરિકન ક્રૂ મેમ્બર હોવાની હતી આશંકા, ત્યાં શું થયું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, aviation-images.com/Universal Images Group via Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એફ-15ઈ ફાઇટર જેટના લાપતા ક્રૂ સભ્યને બચાવ્યા હોવાની આધિકારિક પુષ્ટિ કરી દીધી છે.

આ પહેલાં ઈરાની સરકારી મીડિયાએ દાવો કર્યો હતો કે જે વિસ્તારમાં અમેરિકનો હોવાની આશંકા હતી તે વિસ્તારમાં ઓછામાં ઓછા ચાર લોકોનાં મૃત્યુ થયાં છે.

ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર (આઈઆરજીસી) સાથે જોડાયેલી ન્યૂઝ એજન્સી તસ્નીમ ન્યૂઝ એજન્સીએ પહેલા એક સ્થાનિક ગવર્નર મારફતે કહ્યું હતું કે દક્ષિણ ઈરાનના કોહગિલુયેહ તથા હોયર-અહમદ પ્રાંતના એક પહાડી ક્ષેત્રમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા.

ગવર્નરે આ હુમલા માટે અમેરિકા તથા ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યા.

પ્રાંતના ઉપ ગવર્નર ફત્તાહ મોહમ્મદીએ સ્થાનિક ઈરાની મીડિયાને જણાવ્યું કે મરનારાની સંખ્યા વધીને ચાર થઈ ગઈ છે.

આ સ્પષ્ટ નથી કે હુમલા લાપતા અમેરિકન ઍરમૅનના રૅસ્ક્યૂ અભિયાન સાથે સંકળાયેલા હતા કે નહીં.

ઈરાનનો દાવો : લાપતા થયેલા ઍરમૅનની તલાશ દરમિયાન અમેરિકાનું ડ્રૉન તોડી પડાયું

ઈરાનનો દાવો, ગુમ થયેલા ઍરમૅનની તલાશ દરમિયાન અમેરિકાનું ડ્રૉન તોડી પડાયું – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, CHRIS RADBURN/AFP via Getty

અમેરિકાએ દાવો કર્યો છે કે ઈરાનમાં તોડી પાડવામાં આવેલા અમેરિકન એફ-15ઈ લડાકુ વિમાનના બીજા ક્રૂ સભ્યને બચાવી લેવાયા છે.

સૌથી પહેલા અમેરિકાના મીડિયાએ આ દાવો કર્યો અને પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેવો જ દાવો કર્યો.

આ બધા વચ્ચે ઈરાની રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર (આઈઆરજીસી)ના પ્રવક્તાના હવાલે કહેવાયું છે કે ઈરાની સેનાએ લાપતા થયેલા ઍરમૅનની તલાશ દરમિયાન એક અમેરિકાનું ડ્રૉન તોડી પાડ્યું છે.

આઈઆરજીસીના જનસંપર્ક કાર્યાલયના હવાલે સરકારી ન્યૂઝ એજન્સી ફાર્સ તથા આઈઆરજીસી સાથે જોડાયેલી તસ્મિમ ન્યૂઝ એજન્સીએ કહ્યું કેઅમેરિકાનું ડ્રૉન ઈરાનના દક્ષિણ ઇસ્ફહાન પ્રાંતમાં પડ્યું હતું.

ઈરાનના દાવા પર અમેરિકાએ હજુ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ ઇઝરાયલ તરફ છોડી મિસાઇલ

ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ ઇઝરાયલ તરફ છોડી મિસાઇલ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Wisam Hashlamoun/Anadolu via Getty

ઇમેજ કૅપ્શન, યમનથી ઇઝરાયલ પર છોડવામાં આવેલી મિસાઇલ બેસ્ટ બૅન્કના હેબ્રોન શહેર ઉપર જોવા મળી હતી, આ તસવીર 28 માર્ચની છે.

યમનમાં ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓનું કહેવું છે કે તેમણે ઇઝરાયલ તરફ એક મિસાઇલથી હુમલો કર્યો છે.

આ પહેલાં ઇઝરાયલની સેનાનું કહેવું હતું કે તેની ઍર ડિફેન્સ સિસ્ટમ દ્વારા યમન તરફથી છોડવામાં આવેલી મિસાઇલને રોકે છે. પછી ઇઝરાયલે ઘોષણા કરી કે હવે તેના લોકો સુરક્ષિત છે અને શેલ્ટરની બહાર નીકળી શકે છે.

છેલ્લા એક સપ્તાહમાં હૂતીએ ઘણા હુમલા કર્યા છે. 28મી માર્ચે ઇઝરાયલના હુમલા સામે હૂતીએ ઘણી મિસાઇલ છોડી હતી. આ ઈરાન સાથે અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધ શરૂ થયા બાદ હૂતીઓનો પહેલો હુમલો છે.

'તહેરાન હુમલામાં ઈરાની સેનાના ઘણા વરિષ્ઠ નેતાઓ માર્યા ગયા', ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો

'તહેરાન હુમલામાં ઈરાની સેનાના ઘણા નેતાઓ માર્યા ગયા', ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Aaron Schwartz/CNP/Bloomberg via Getty

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પ્લૅટફૉર્મ પર એક વીડિયો શૅર કર્યો છે, જે મામલે તેમનું કહેવું છે કે ઈરાનની રાજધાની તહેરાન પર ભીષણ હુમલો તેમાં દેખાડાયો છે.

તેમણે દાવો કર્યો કે 'ઈરાની સેનાના ઘણા શીર્ષ અધિકારી, તેમણે અયોગ્ય અને વગર સમજ્યે સેનાનું નેતૃત્વ કર્યું, આ હુમલા બાદ ખતમ થઈ ગયા છે.'

ટ્રમ્પે કહ્યું, "બીજું બધું પણ તબાહ થયું છે."

વીડિયોમાં રાત્રે મોટા વિસ્ફોટો દૃશ્યમાન થાય છે. જોકે એ સ્પષ્ટ નથી કે આ વીડિયો ક્યાંનો છે અને તેને ક્યારે રેકૉર્ડ કરવામાં આવ્યો.

અમેરિકા તરફથી તે વિશે કોઈ જાણકારી આપવામાં નથી આવી. ટ્રમ્પના દાવા પર ઈરાનની કોઈ પ્રતિક્રિયા નથી આવી.

'તમારા માટે નરકના દરવાજા ખૂલી જશે', ટ્રમ્પની 48 કલાકની ધમકી પર ઈરાને શું કહ્યું?

'તમારા માટે નરકના દરવાજા ખૂલી જશે', ટ્રમ્પની 48 કલાકની ધમકી પર ઈરાને શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, IRNA

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાનના ખાતમ અલ-અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરે તીખી પ્રતિક્રિયા આપી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાનના ખાતમ અલ-અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરે તીખી પ્રતિક્રિયા આપી છે.

ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે "મેં ઈરાનને સમજૂતી કરવા કે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે દસ દિવસનો સમય આપ્યો હતો. સમય સમાપ્ત થઈ રહ્યો છે. તેના પર કેર વર્તાવવા માટે માત્ર 48 કલાક બાકી છે."

બીબીસી ફારસી સેવા પ્રમાણે, ટ્રમ્પની ટિપ્પણી પર ખાતમ અલ-અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના કમાન્ડર મેજર જનરલ અલી અબ્દુલ્લાહીનું નિવેદન આવ્યું છે.

તેમણે કહ્યું, "અમેરિકાના હુમલાની સ્થિતિમાં, અમે તેમની આતંકવાદી સેના સાથે જોડાયેલાં તમામ ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર તથા જાયોની શાસન સાથે જોડાયેલાં ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર પર સતત હુમલા કરીશું."

અબ્દુલ્લાહીએ કહ્યું, "અમારા પર થોપવામાં આવેલું યુદ્ધ અમે શરૂ કર્યું છે. અમે જે કહ્યું છે તે અમે કર્યું છે. આ સંદેશનો સીધો અર્થ એ છે કે નરકના દ્વાર તારા માટે ખૂલી જશે."

ખાતમ અલ-અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના પ્રવક્તા કર્નલ ઇબ્રાહિમ જુલ્ફકારીએ પણ એક વીડિયો સંદેશ જારી કર્યો છે. જોકે તેમાં ટ્રમ્પની ધમકીની વાતનો ઉલ્લેખ નથી.

બીબીસી ફારસી સેવા પ્રમાણે, જુલ્ફકારીએ કહ્યું, "એ ન ભૂલવું જોઈએ કે જો બુરાઈ ફેલાય છે, તો આખું ક્ષેત્ર નરક બની જશે. ઈરાનના ઇસ્લામી ગણરાજ્યની હારનો ભ્રમ તારા માટે દલદલ બની ગયો છે, જેમાં તમે ડૂબી જશો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન