ગુજરાત કેળાંનાં ઉત્પાદનમાં દેશમાં બીજા નંબરે કેમ પહોંચી ગયું?

કેળાં, ફળો, ખેતી, ગુજરાત, ખેડૂત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી
  • વાંચવાનો સમય: 5 મિનિટ

કેળું એક એવું ફળ છે, જે સામાન્ય રીતે તેની ઓછી કિંમતથી ઓળખાય છે. ગરીબ, મધ્યમમર્ગ માટે તો આ માનીતું ફળ છે.

ઉપરાંત, એ એવું ફળ છે જેનાથી માનવશરીરને વધુ તાકાત અને પોષકતત્ત્વો મળી રહેતાં હોય છે.

કેળાનો સંતુલિત સ્વાદ પણ તેની ઓળખ છે, અને જે કેળાંને સૌથી ખાસ બનાવે છે તે અન્ય ફાળોની સાપેક્ષે લાંબા સમય સુધી ન સડવાને કારણે તેનો સંગ્રહ સરળ બને છે.

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કેળાંનું ઉત્પાદન વધી રહ્યું છે અને તેમાં મોખરાનું સ્થાન તેણે હાંસલ કરી લીધું છે.

ગુજરાત કેળાંનાં ઉત્પાદનમાં દેશમાં બીજા નંબરે છે અને પ્રતિ હેક્ટર પણ દેશની સરેરાશ કરતાં બમણું ઉત્પાદન મળી રહ્યું છે.

ગુજરાતમાં કેળાંને લઈને શું સ્થિતિ છે?

કેળાં, ફળો, ખેતી, ગુજરાત, ખેડૂત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ashish Desai

ગુજરાત સરકારની બાગાયતી ખેતીની વેબસાઇટ પર પ્રકાશિત આંકડાઓ અનુસાર, વર્ષ 2020-21માં કેળાંનો વાવેતર વિસ્તાર 59,255 હેક્ટર હતો, જે વર્ષ 2022-23 માં વધીને 60,603 હેક્ટર થયો હતો. આ સમયગાળા દરમિયાન ઉત્પાદન પણ 39.07 લાખ મેટ્રિક ટનથી વધીને 39.94 લાખ મેટ્રિક ટન પર પહોંચ્યું હતું.

વર્ષ 2023-24માં વાવેતર વિસ્તારમાં થોડો ઘટાડો થઈને 59,684 હૅક્ટર થયો હતો, પરંતુ ટૅકનૉલૉજી અને સારા વ્યવસ્થાપનને કારણે ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો હતો. ઉત્પાદનનો આંકડો 40,10,721 મેટ્રિક ટન પર પહોંચ્યો અને ઉત્પાદકતા વધીને 67.20 મેટ્રિક ટન પ્રતિ હેક્ટર થઈ હતી.

તો આ વખતે વર્ષ 2024-25માં ગુજરાતમાં કેળાંની ખેતી કુલ 60,081 હેક્ટર વિસ્તારમાં કરવામાં આવી હતી, જેમાંથી અંદાજે 42.16 લાખ મૅટ્રિક ટન જેટલું અધધ ઉત્પાદન મળ્યું છે. સમગ્ર રાજ્યની સરેરાશ ઉત્પાદકતા પ્રતિ હેક્ટર 70.19 મેટ્રિક ટન નોંધાઈ છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભૌગોલિક દૃષ્ટિએ જોતાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત રાજ્યનાં કેળાં ઉત્પાદનનાં મુખ્ય કેન્દ્રો છે.

દક્ષિણ ગુજરાતમાં 19.82 લાખ મૅટ્રિક ટન અને મધ્ય ગુજરાતમાં 19.77 લાખ મૅટ્રિક ટન ઉત્પાદન સાથે આ બંને ઝોન રાજ્યનાં કુલ ઉત્પાદનમાં સિંહફાળો આપે છે.

જિલ્લાવાર વિગતો તપાસતાં માલૂમ પડે છે કે, આણંદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં કેળાંનાં ઉત્પાદનમાં મોખરે છે, જ્યાં 13277 હૅક્ટરમાં 9.44 લાખ મૅટ્રિક ટન ઉત્પાદન થાય છે. ત્યારબાદ નર્મદા અને ભરૂચ જિલ્લો આવે છે. સરખામણીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કેળાંનું વાવેતર અને ઉત્પાદન મર્યાદિત જોવા મળે છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરિયા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે, "ઉત્પાદનમાં ભારતમાં 30 ટન પ્રતિ હેકટર જેટલું ઉત્પાદન છે, જેની સરખામણીમાં ગુજરાતનું 65 ટન પ્રતિ હેકટર છે. પ્રતિ હેકટર મળતાં ઉત્પાદનમાં ગુજરાતનું ઉત્પાદન ભારત કરતાં લગભગ બે ઘણું છે."

તેમનું કહેવું છે કે આ મોટી બાબત છે કારણ કે પ્રતિ હેકટરે વધુ ઉત્પાદન મળે તો જ ખેડૂતોને ફાયદો થતો હોય છે.

"આ સિદ્ધિ પાછળ ગુજરાતનાં કેળાં ઉત્પાદન સાથે જોડાયેલ ખેડૂતોને અને તેમની પાકની માવજાત આભારી છે."

ગુજરાત કેળાંનાં ઉત્પાદનમાં બીજા નંબરે

કેળાં, ફળો, ખેતી, ગુજરાત, ખેડૂત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગુજરાત સરકારના કૃષિ વિભાગના બાગાયત નિયામકની કચેરીનાં ડેપ્યુટી ડિરેક્ટર શ્રુતિ કાઇલા બીબીસી ગુજરાતીને જણાવે છે કે કેળાંનાં પાકની ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમ સાથે અગ્રેસર છે.

તેઓ જણાવે છે, "કેળાં ખેડૂતો માટે આર્થિક દૃષ્ટિકોણથી પણ ફાયદાકારક પાક છે. તેજી અને મંદી આવવા છતાં કેળાનો પાક આર્થિક રીતે ખેડૂતો માટે લાભદાયી રહેતો હોય છે. અને તે માટે ગુજરાતનું વાતાવરણ અને પાણી મળી રહેવાની સગવડ ખૂબ જરૂરી અને કારગર સાબિત થઈ છે."

"કેળાના પાકનું વાવેતર ટિસ્યુ કલ્ચર દ્વારા ઉત્પાદિત થયેલ રોપાથી કરવામાં આવે છે જે રોગ-જીવાત મુક્ત અને વધુ ઉત્પાદન આપે છે. સરકાર દ્વારા કેળ (ટિસ્યુ) ફળપાકોનાં વાવેતર માટે સહાય તેમજ કેળ પાકના ટિસ્યુકલ્ચર રોપ ઉપર સહાય થકી કેળ પાકનાં વાવેતરમાં ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવે છે. વધુમાં કેળ પાકના ટિસ્યુકચર રોપાના ઉછેર માટે સરકાર દ્વારા નવી ટિસ્યુકલ્ચર લૅબની સ્થાપના માટે પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે."

છોટા-ઉદેપુર જિલ્લામાંથી કેળાંની ખેતી કરતાં ખેડૂત આશિષ દેસાઈ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે આ વર્ષે કેળાંનું સરેરાશ ઉત્પાદન ખૂબ સારું રહ્યું છે.

આશિષ દેસાઈ કહે છે, "ખૂબ ઠંડુ વાતાવરણ કેળાંને અનુકૂળ નથી હોતું. 25 થી 35 ડિગ્રીનો છોડ છે પણ ગુજરાતમાં 18 ડિગ્રી સુધી પણ તાપમાન જતું હોય છે પરંતુ ફર્ટિલાઇઝેશનથી પણ તે માપસર કરી શકાય છે. પણ તેથી નીચું તાપમાન જાય તો કેળાંના પાકમાં અસર કરી શકે છે. ગુજરાતમાં વિસ્તારને ધ્યાને રાખીએ તો કેળાંનું ઉત્પાદન ખૂબ સારું રહ્યું છે કેમ કે, અહીં ટપક સિંચાઈ વધારે છે અને ટિસ્યુ કલ્ચર પ્લાન્ટનું વાવેતર કરે છે."

અન્ય એક ખેડૂત પ્રહલાદ પટેલ બીબીસી ગુજરાતીને જણાવે છે કે કેળાંના છોડમાં નફો સારો રહે છે.

તેઓ કહે છે, "સામાન્ય રીતે ફેબ્રુઆરીથી ઑક્ટોબર સુધી તેનું વાવેતર થતું હોય છે. કારણ કે કેળાંનાં ઉત્પાદનમાં તાપમાન 40 ઉપર જાય તો પણ તકલીફ પડતી હોય છે. જો ઠંડી વધારે હોય તો ટિસ્યુને અસર થતી હોય છે."

કેળાંની કઈ જાત ગુજરાતમાં વધુ જોવા મળે છે?

કેળાં, ફળો, ખેતી, ગુજરાત, ખેડૂત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કેળાંની 'ગ્રાન્ડ નાઇન' જાત હાલમાં ગુજરાત અને ભારતના ખેડૂતોમાં સૌથી વધુ લોકપ્રિય છે. તે 'ટિશ્યુ કલ્ચર' પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે.

ડૉ. કથીરિયા જણાવે છે, મારી 30 વર્ષની કારકિર્દીમાં મેં ખેડૂતોને 'ગ્રાન્ડ નાઇન' જાતનું વાવેતર કરતાં જ જોયા છે.

તેઓ કહે છે, "આણંદ કૃષિ યુનિવર્સિટીએ છેલ્લા બે વર્ષોમાં બે જાતો બહાર પાડી છે, જેમાં 'આણંદ વામન' તેને (ગુજરાત કેળાં 1) નામ આપવામાં આવ્યું છે, જ્યારે બીજી જાત 'આણંદ પ્રસાદમ્' છે, જે દક્ષિણ ભારતમાં જોવા મળતા એલચી કેળાં જેવા છે. જેના ભાવ પણ ઊંચા મળતા હોય છે. તેને (ગુજરાત કેળાં 2) તરીકે ઓળખવામાં આવે છે. આ બંને જાતો ગુજરાતમાં પ્રથમ વખત બહાર પાડવામાં આવી છે."

"ઉપરાંત, 'આણંદ વામન' જાત બહાર પાડવા પાછળનો મુખ્ય હેતુ તે હતો કે, 'આણંદ વામન'માં 'ગ્રાન્ડ નાઇન' કરતાં બે ફૂટ જેટલી ઊંચાઈ ઓછી છે તેથી તેને 'વામન' નામ આપવામાં આવ્યું છે. 'ગ્રાન્ડ નાઇન'માં કેળાંના છોડની ઊંચાઈ વધુ પવન કે વાવાઝોડું આવે ત્યારે તો તે નીચે પડી જતાં, ત્યારે તેને લાકડાના ટેકા લગાવવા પડતાં હોય છે. નીચે પડી જતાં હોવાથી ઉત્પાદન સાથે કેળાંની લૂમની ગુણવત્તા જળવાતી નથી."

"ગ્રાન્ડ નાઇન કરતાં આણંદ વામન 95 દિવસ જેટલી વહેલી પાકે છે. પરંતુ તેનું ઉત્પાદન ગ્રાન્ડ નાઇન જેટલું જ હોવાથી ઉત્પાદનમાં કોઈ ફરક નથી પડતો."

જોકે, ગ્રાન્ડ નાઇન એ સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે.

ડૉ. કથીરિયા કહે છે, "લાલ અને એલચી કેળાં પણ ભારતમાં જોવા મળે છે પરંતુ તે દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે, તે ખૂબ સ્વાદિષ્ટ હોવાથી તેના ભાવ પણ ઊંચા હોય છે. ત્યારે, ઉત્તરભારતમાં મોટેભાગે મોટાં કેળાંની જાત ગ્રાન્ડ નાઈન જ જોવા મળે છે."

જાણકારોના મતે કેળાંમાં અત્યારે પનામા વિલ્ટ નામનો રોગ હોય છે. તે કેળાંનાં પાન પીળાં કરે છે, ઉપરાંત છોડ સુકાઈ જતો હોય છે. ઘણી વાર આ રોગનાં લક્ષણો નાઇટ્રોજન કે પોટાશની ઉણપ હોય તેવું લાગે છે. તે પનામા વેલીમાંથી આવેલો રોગ છે. જ્યાં ઘણાં વર્ષો પહેલાં કેળાનો પાક પુષ્કળ પ્રમાણમાં થતો હતો.

આ ફળ આવ્યું ક્યાંથી?

બનાના (મ્યુઝા ઍક્યુમિનાટા) જીનોમ એન્ડ ધ ઇવૉલ્યુશન ઑફ મોનોકોટિલેડોનસ પ્લાન્ટ્સ રિસર્ચ પેપર અનુસાર, કેળાં એ વિશાળ કદના બારમાસી છોડ છે. તે 'ઝિંગિબેરાલેસ' (Zingiberales) નામના વનસ્પતિ સમૂહમાં આવે છે, જે અનાજ (Poales) ના સમૂહ સાથે નજીકનો સંબંધ ધરાવે છે.

કેળાની ખેતી લગભગ સાત હજાર વર્ષ પહેલાં દક્ષિણ-પૂર્વ એશિયામાં શરૂ થઈ હતી. વિશ્વનાં કુલ ઉત્પાદનનો અડધો ભાગ માત્ર એક જ પ્રકારનાં કેળાં 'કેવેન્ડિશ' (Cavendish) પર નિર્ભર છે

માનવ સ્થળાંતરને કારણે કેળાંની વિવિધ જાતો વચ્ચે થયેલ સંવર્ધનના કારણે આજે આપણે જે કેળાં ખાઈએ છીએ તે બીજ વગરનાં હોય છે અને તેનું ઉત્પાદન એક છોડમાંથી બીજા છોડના કટિંગ દ્વારા (vegetative propagation) કરવામાં આવ્યું છે.

હાલની પરિસ્થિતિ પ્રમાણે, ગુજરાતમાંથી ઈરાન અને ઓમાન જેવા દેશોમાં કેળાંની નિકાસ ખૂબ સારી થાય છે અને કાચાં કેળાં મોકલવામાં આવે તો તે ઝડપથી બગડતા પણ નથી, તેથી તેની સેલ્ફલાઇફ ખૂબ લાંબી જોવા મળતી હોય છે. બીજા ફળમાં આ સમસ્યા મોટી છે.

ડૉ. કથીરિયા કહે છે, "કેળાં સસ્તામાં સસ્તું ફળ છે તે ઉપરાંત તેમાંથી અતિશય પ્રમાણમાં પોષકતત્ત્વો મળી રહે છે. જેમાં પોટૅશિયમ, વિટામિન બી 6, ઉપરાંત કેળાં ઍન્ટિ-ઑક્સીડેન્ટ પણ છે."

તેઓ કહે છે, "તેથી કેળાંને નિકાસ કરવા એક જગ્યાએથી અન્ય જગ્યાએ ટ્રાન્સપૉર્ટ કરવા સરળ હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન