રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું - ઇઝરાયલ અને લેબનોન દસ દિવસના યુદ્ધવિરામ પર સંમત – ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી, ગુજરાત,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનમાં હિઝબુલ્લાહનો કોઈ ઉલ્લેખ નથી
વાંચવાનો સમય: 6 મિનિટ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ મારફતે જાહેરાત કરી કે લેબનોન અને ઇઝરાયલ દસ દિવસના યુદ્ધવિરામ પર સંમત થઈ ગયા છે.

આ યુદ્ધવિરામ ભારતીય સમય પ્રમાણે શુક્રવારે સવારે અઢી વાગ્યે શરૂ થશે.

યુદ્ધવિરામની જાહેરાતવાળી પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ ઔન અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી.

જોકે, તેમના નિવેદનમાં હિઝબુલ્લાહનો કોઈ ઉલ્લેખ નથી. એ ઈરાન સમર્થિત ઉગ્રવાદી સંગઠન છે, જેની સાથે ઇઝરાયલ સતત સંઘર્ષ કરી રહ્યું છે.

એ બાદ ટ્રુથ સોશિયલ પર અન્ય એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું, "હું ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ ઔનને વ્હાઇટ હાઉસમાં આમંત્રિત કરીશ. 1983 બાદ ઇઝરાયલ અને લેબનોન વચ્ચે પ્રથમ વખત સાર્થક વાતચીત થશે. બંને પક્ષ શાંતિ ઇચ્છે છે અને મને વિશ્વાસ છે કે આવું ટૂંક સમયમાં શક્ય બનશે."

પ્રિયંકા ગાંધીએ સંસદમાં કહ્યું - 'ભોળવનારા પુરુષોને મહિલાઓ ઝટ ઓળખી કાઢે છે'

બીબીસી ગુુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પ્રિયંકા ગાંધી, રાજકારણ

ઇમેજ સ્રોત, Sansad tv

આજે લોકસભામાં મહિલા અનામત અને પુન: સીમાંકન અંગે ચર્ચા થઈ રહી છે.

કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીએ લોકસભામાં કહ્યું, "આજે વડા પ્રધાનના ભાષણથી લાગ્યું કે ભાજપ જ મહિલા અનામતનો ચૅમ્પિયન, પ્રસ્તાવક અને સૌથી મોટો સમર્થક રહ્યો છે. જ્યારે તેઓ કહી રહ્યા હતા કે તેમને આનું શ્રેય નથી જોઈતું."

તેમણે કહ્યું કે, "કોઈ પણ મહિલા તમને જણાવી દેશે કે વારંવાર ભોળવનારા પુરુષોને મહિલાઓ ઝટ ઓળખી કાઢે છે."

તેમણે કહ્યું કે, "એમાં કોઈ શંકા ન હોવી જોઈએ કે મહિલા અનામતના પક્ષમાં અડગ ઊભી છે, પરંતુ અધ્યક્ષ મહોદય સત્ય તો એ છે કે આજની ચર્ચા ખરેખર તો મહિલા અનામત અંગે છે જ નહીં."

તેમણે કહ્યું કે આ બિલમાં રાજકારણની દુર્ગંધ ભેળવાયેલી છે.

લોકસભામાં કૉંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધીએ મહિલા અનામત મામલે સરકારને ઘેરી છે, તેમણે કહ્યું કે બિલમાં રાજકારણની દુર્ગંધ ભેળવાયેલી છે.

IPL 2026: સીએસકેના ખલીલ અહમદ બહાર થયા, શું છે કારણ

સીએસકેના ખેલાડી ખલીલ અહમદ, IPL 2026, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ચેન્નઈ સુપર કિંગ્સને આઈપીએલ 2026માં એક મોટો ઝટકો લાગ્યો છે. સીએસકેના ખેલાડી ખલીલ અહમદ ઈજાગ્રસ્ત થવાને કારણે ઇન્ડિયન પ્રિમિયર લીગમાંથી બહાર થઈ ગયા છે.

ચેન્નઈ સુપર કિંગ્સે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી હતી.

સીએસકેએ લખ્યું કે, "કેકેઆર વિરુદ્ધ મૅચમાં જમણા ક્વૉડ્રિસેપમાં ઈજા થવાને કારણે ખલીલ અહમદ આઈપીએલ 2026માંથી બહાર થઈ ગયા છે. અમે ખલીલના જલદી સ્વસ્થ થવાની કમાના કરીએ છીએ."

ખલીલ અહમદ ડાબોડી ફાસ્ટ બૉલર છે. આઈપીએલ-2026માં વાપસીની કોશિશ કરી રહેલી સીએસકેની ટીમ માટે આ મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

ખલીલે 14 એપ્રિલના કેકેઆર વિરુદ્ધ મૅચ દરમ્યાન ઈજા થવાની ફરિયાદ કરી હતી. સીએસકેએ આઈપીએલ 2026ની અત્યાર સુધીની પોતાની પાંચમાંથી બૅચ જીતી છે

ડિલિમિટેશનની સામે તામિલનાડુના મુખ્ય મંત્રીએ કર્યો આ પ્રકારે વિરોધ?

ડિલિમિટેશનની સામે તામિલનાડુના મુખ્ય મંત્રીએ કર્યો આ પ્રકારે વિરોધ? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ડીએમકે અધ્યક્ષ અને તામિલનાડુના મુખ્ય મંત્રી એમકે સ્ટાલિને કાળો ઝંડો લહેરાવીને ડિલિમિટેશનના વિરોધનો નિર્ણય કર્યો છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડીએમકે અધ્યક્ષ અને તામિલનાડુના મુખ્ય મંત્રી એમકે સ્ટાલિને કાળો ઝંડો લહેરાવીને ડિલિમિટેશનના વિરોધનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ કરવા માટે તેમણે અને તેમના સમર્થકોએ કાળાં કપડાં પહેર્યા હતા.

આ દરમિયાન તેમણે ડિલિમિટેશનના પ્રસ્તાવિત વિધેયકની એક કૉપીને બાળીને વિરોધ નોંધાવ્યો. કેન્દ્ર સરકારે 16થી 18 એપ્રિલ સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે.

કેન્દ્ર સરકારે મંગળવારે સાંસદોને મોકલવામાં આવેલા ત્રણ ડ્રાફ્ટ બિલમાં આ બે સીમાચિહ્નરૂપ ફેરફારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. પહેલો, લોકસભાના સાંસદોની 543થી વધારીને મહત્તમ 850 કરવી અને બીજો, નીચલા ગૃહ તથા રાજ્ય વિધાનસભાઓમાં એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવી.

આ બિલ 16થી 18 એપ્રિલ દરમિયાન યોજનારા સંસદના ખાસ સત્રમાં રજૂ કરવામાં આવશે.

આ ત્રણ બિલ છે-

કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા (સુધારો) 2026

બંધારણ (131મો સુધારો) બિલ 2026

સીમાંકન બિલ 2026 (ડિલિમિટેશન બિલ 2026)

આ ખરડાઓ 2023માં પસાર કરવામાં આવેલા નારી શક્તિ વંદન અધિનિયમ પર આધારિત છે, જેમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરાઈ હતી, પરંતુ તેના અમલીકરણને ભવિષ્યની વસ્તીગણતરી અને સીમાંકન પ્રક્રિયા સાથે જોડવામાં આવી હતી.

આ જ કારણસર 2023નો પ્રસ્તુત કાયદો સંસદમાં લગભગ સર્વસંમતિથી પસાર થયો હતો, પરંતુ અનામતના અમલીકરણમાં એક દાયકાથી વધુ સમય લાગી શકે છે, તેવી ચિંતા ઘણા લોકોએ વ્યક્ત કરી હતી.

ડીએમકેનો આરોપ છે કે દક્ષિણ ભારતીય રાજ્યોની કેન્દ્રની રાજનીતિમાં શક્તિ ઓછી થશે. જોકે, ભાજપ આ આરોપને ફગાવે છે.

તુર્કીમાં બે દિવસમાં બીજી ગોળીબારની ઘટનામાં, આઠ વિદ્યાર્થીઓ સહિત નવ લોકોનાં મોત

બુધવારે તુર્કીની એક શાળામાં થયેલા ગોળીબારમાં નવ લોકો માર્યા ગયા, અનેક લોકો ઘાયલ થયા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, તુર્કીની એક સ્કૂલમાં બુધવારે ગોળાબારની ઘટનામાં 9 લોકોનાં મોત થઈ ગયાં છે અને કેટલાક લોકો ઘાયલ છે.

તુર્કીના ગૃહ મંત્રી મુસ્તફા સિફ્સીએ કહ્યું છે કે, દક્ષિણ તુર્કીમાં એક શાળામાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા આઠ વિદ્યાર્થીઓ અને એક શિક્ષકનાં મોત થયાં છે.

તેમણે જણાવ્યું છે કે આ ગોળીબારમાં ઘણા લોકો ઘાયલ થયા છે.

આ ઘટના કહરામનમારાસ વિસ્તારમાં આવેલી આયસર કૅલિક માધ્યમિક શાળામાં બની હતી, જ્યાં સિફ્સીના જણાવ્યા અનુસાર, 13 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી છની હાલત ગંભીર છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના દરમિયાન 14 વર્ષનો હુમલો કરનાર પણ માર્યો ગયો હતો.

બુધવારે થયેલા આ હુમલાનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી, તેમજ તેની તપાસ ચાલુ છે. તુર્કી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે હુમલો કરનાર, જે એક વિદ્યાર્થી હોવાનું માનવામાં આવે છે, તે બે વર્ગખંડમાં ઘૂસી ગયો હતો અને પાંચ બંદૂકોથી સજ્જ હતો.

સ્થાનિક ગવર્નરે આરોપ લગાવ્યો કે, આ હથિયારો વિદ્યાર્થીના પિતાના હતા, જે ભૂતપૂર્વ પોલીસ અધિકારી હતા.

તેના એક દિવસ પહેલાં, એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ દેશના દક્ષિણ ભાગમાં આવેલી બીજી એક હાઇસ્કૂલમાં ગોળીબાર કર્યો હતો, જેમાં 16 લોકો ઘાયલ થયા હતા અને પછી તેણે પોતાને ગોળી મારી દીધી હતી.

હોર્મુઝ સ્ટ્રેટ મામલે ટ્રમ્પે હવે નવું શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

હોર્મુઝ સ્ટ્રેટ મામલે ટ્રમ્પે હવે નવું શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ હોર્મુઝ સ્ટ્રેટને હંમેશાં માટે ખોલી રહ્યા છે.

ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું, "ચીન આ વાતથી ખુશ છે કે હું હોર્મુઝ સ્ટ્રેટ હંમેશાં માટે ખોલી રહ્યો છું. હું એ તેમને માટે પણ કરી રહ્યો છું અને દુનિયા માટે પણ. આવી સ્થિતિ ફરી ક્યારેય નહીં થાય."

ટ્રમ્પે દાવો કર્યો કે, "તેઓ (ચીન) ઈરાનને હથિયાર ન મોકલવા પર સંમત થઈ ગયા છે."

આ પહેલાં ચીને કહ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના મહત્ત્વના વ્યાપારિક માર્ગ પૈકીનું એક છે. તેની નાકાબંધી કરવાનો નિર્ણય યોગ્ય નથી.

12મી એપ્રિલે ટ્રુથ સોશિયલ પર ડોનાલ્ડ ટ્રમ્પે ઍલાન કર્યું હતું કે અમેરિકાની નૌસેના હોર્મુઝ સ્ટ્રેટમાં આવવા-જવાની કોશિશ કરનારાં તમામ જહાજની નાકાબંધી શરૂ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમાં અન્ય દેશો પણ સામેલ થશે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે શાંતિ મંત્રણામાં પાકિસ્તાનની ભૂમિકા અંગે શું કહ્યું

અમેરિકાના વિદેશ મંત્રાલયે શાંતિ મંત્રણામાં પાકિસ્તાનની ભૂમિકા અંગે શું કહ્યું - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, @StateDept

ઇમેજ કૅપ્શન, વ્હાઇટ હાઉસનાં પ્રવક્તા કૅરોલિન લેવિટે ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની પ્રથમ રાઉન્ડની 'નિષ્ફળ વાતચીત' પર પ્રતિક્રિયા આપી છે.

વ્હાઇટ હાઉસનાં પ્રવક્તા કૅરોલિન લેવિટે ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની પ્રથમ રાઉન્ડની 'નિષ્ફળ વાતચીત' પર પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું, "પાકિસ્તાની મધ્યસ્થીઓએ ખૂબ સારી ભૂમિકા ભજવી છે. અમે ખરેખર તેમની મિત્રતા અને આ સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ."

લેવિટે કહ્યું, "રાષ્ટ્રપતિ માને છે કે, પાકિસ્તાનીઓના માધ્યમથી આ સંવાદ ચાલુ રાખવો મહત્ત્વપૂર્ણ છે."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે, ઈરાનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે વાતચીત આ અઠવાડિયે ફરી શરૂ થઈ શકે છે.

ગયા શનિવારે ઇસ્લામાબાદમાં થયેલી આ વાટાઘાટોમાં કોઈ પરિણામ મળ્યું ન હતું, ત્યારબાદ અમેરિકાએ ઈરાની બંદરો પર નાકાબંધી કરી હતી.

સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા અનુસાર, ગલ્ફ ક્ષેત્ર, પાકિસ્તાન અને ઈરાનના અધિકારીઓએ પણ કહ્યું છે કે, અમેરિકા અને ઈરાની ટીમો આ અઠવાડિયાના અંતમાં પાકિસ્તાન પરત ફરી શકે છે, જોકે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન